'ક્યોંકિ સાસ ભી કભી...'ની 25 વર્ષે વાપસી, સ્મૃતિ ઈરાનીની આ સિરિયલ પર કેમ સવાલો થયા હતા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, સ્મૃતિ ઈરાની, સિરિયલ, મનોરંજન, બોલીવૂડ

ઇમેજ સ્રોત, starplus

ઇમેજ કૅપ્શન, 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' પહેલી વાર 2000ના દાયકાના મધ્યમાં ટીવી પર આવી હતી અને હવે 25 વર્ષ બાદ તેનું પુનરાગમન થયું છે
    • લેેખક, વંદના
    • પદ, સિનિયર ન્યૂઝ ઍડિટર, એશિયા ડિજિટલ

'ઘર ઘર કી રાણી, તુલસી વિરાણી' 2004માં જ્યારે અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે તે સમયની ચૂંટણી રેલીઓ આવા નારાથી ગૂંજી ઊઠતી હતી.

લોકોએ તેમને સ્મૃતિ ઈરાની નહીં, પરંતુ તુલસી વિરાણી તરીકે જ ઓળખ્યાં.

પુત્રવધૂ તરીકેની સ્મૃતિ ઈરાનીની ટીવી સિરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'નાં સૌથી પ્રખ્યાત પાત્રોમાંનું એક હતું તુલસી વિરાણી.

આજની પેઢી સ્મૃતિ ઈરાનીને ભાજપનાં નેતા, સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તરીકે જાણે છે. તેમણે તેમને તીખી રાજકીય ચર્ચામાં બોલતા સાંભળ્યાં છે અને ખાસ કરીને રાહુલ ગાંધી પર પલટવાર કરતાં જોયાં છે.

જુલાઈ 2000માં આ સિરિયલનો પ્રથમ એપિસોડ પ્રસારિત થયો હતો.

આ એવો જમાનો હતો જ્યારે ભારતીય કસ્બાઓ અને શહેરોમાં હિન્દી સિરિયલો જોનારા લોકો પોતાનું કામ પૂરું કર્યા પછી રાત્રે 10.30 વાગ્યે 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' જોવા માટે ભેગા થતા હતા.

આ સિરિયલને જોવી એ એક પ્રકારનો રોજ રાતનો કૌટુંબિક ઉપક્રમ હતો.

હવે લગભગ 25 વર્ષ પછી દર્શકોએ ટીવી સેટ પર 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી - સિઝન 2' જોઈ છે. જેમાં સ્મૃતિ ઈરાની જેવા કેટલાક જૂના ચહેરાઓ અને ઘણા નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે.

'તુલસી જેવી પુત્રવધૂ હોય જે વડીલોની દરેક વાત સાંભળે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, સ્મૃતિ ઈરાની, સિરિયલ, મનોરંજન, બોલીવૂડ

ઇમેજ સ્રોત, starplus

ઇમેજ કૅપ્શન, 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'ની નવી સિઝન શરૂ થઈ ચૂકી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક તરફ જ્યાં આ સિરિયલે સફળતાના નવા રેકૉર્ડ બનાવ્યા, ત્યાં એવી પણ ટીકા થઈ કે આ શોએ મહિલાઓ સંબંધિત બાબતોમાં પછાત વિચારસરણીને પડદા પર લાવવાનો ટ્રેન્ડ શરૂ કર્યો.

જોકે આ સીરિયલ ભારતની બહાર પણ ખૂબ જ લોકપ્રિય રહી છે. તે પણ કોઈ પણ સોશિયલ મીડિયા વગર.

'સોફ્ટ પાવર ઑફ ઇન્ડિયન ટેલિવિઝન શોઝ ઇન નેપાળ' નામના એક સંશોધનપત્રમાં ડંબર રાજ ભટ્ટે લખ્યું છે કે, "આ ધારાવાહિકની અસર એ થઈ કે નેપાળની શહેરી મહિલાઓએ કહ્યું કે તેમને તુલસી જેવી પુત્રવધૂ જોઈએ છે. મારા એક સંબંધીએ કહ્યું કે મને તુલસી જેવી પુત્રવધૂ જોઈએ છે જે વડીલોની દરેક વાત સાંભળે."

દારી ભાષામાં ડબ કરાયેલી અફઘાનિસ્તાનમાં પ્રસારિત થનારી આ પહેલી ભારતીય ધારાવાહિક બની. તે ત્યાં તુલસીના નામથી પ્રખ્યાત હતી. એક જાણીતો કિસ્સો એવો છે કે ચોરો એ જ સમયે ચોરી કરતા હતા જ્યારે લોકો તુલસી જોતા, કારણ કે તેઓ જાણતા હતા કે લોકો ટીવી તરફ જ તાકી રહેશે.

જોકે અફઘાન સંસ્કૃતિ અનુસાર ઘણાં દૃશ્યોને ઝાંખાં કરાતાં હતાં. જેમ કે સ્ત્રીઓનાં કપડાં અથવા ગાયન અને નૃત્યનાં દૃશ્યો અથવા ધાર્મિક પ્રતીકો.

ભૂતાન, શ્રીલંકા, પાકિસ્તાન અને નેપાળ જેવી ઘણી જગ્યાએ આ સિરિયલનો ક્રેઝ હતો.

'પ્રગતિશીલ સિરિયલ હોવાના દાવા ખોટા છે'

જોકે નવી સિઝનનો ફક્ત એક જ એપિસોડ રિલીઝ થયો છે જેમાં જેન ઝી પાત્રો પણ છે. આ પાત્રો હેશટેગનો ઉપયોગ કરતા અને સોશિયલ મીડિયા પર સેલ્ફી અપલોડ કરતા જોવા મળે છે, પરંતુ મૂળ વાત તો જૂની જ લાગે છે.

જેમ કે જ્યારે તુલસી તેમનાં પુત્રવધૂને કહે છે - જો માતા, પુત્રવધૂ, પુત્રી ઘરમાં ભોજન રાંધે અને ભોજનની સુગંધ આખા ઘરમાં ફેલાય છે તો જ ઘર ઘર જેવું લાગે છે.

અથવા જ્યારે તુલસી બાળકોને કહે છે, "જો હું કામ નહીં કરું, તો કોણ કરશે? ઘર આ રીતે જ ચાલે છે."

જૂની ધારાવાહિકની અણધારી સફળતા છતાં, પ્રશ્ન હજુ પણ યથાવત્ છે કે શું આ ધારાવાહિક ખરેખર મહિલાઓના મુદ્દાઓને પ્રગતિશીલ રીતે રજૂ કરે છે.

થોડા દિવસો પહેલાં એકતા કપૂરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે, "એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના સંશોધનમાં શોધી કાઢ્યું હતું કે આ શોએ ભારતીય ઘરોમાં મહિલાઓને એક નવો અવાજ આપ્યો છે. 2000થી 2005ની વચ્ચે પહેલી વાર મહિલાઓ કૌટુંબિક ચર્ચાઓનો ભાગ બનવા લાગી. આ પરિવર્તન મોટા ભાગે ભારતીય ટીવી, ખાસ કરીને 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' અને 'કહાની ઘર ઘર કી'થી પ્રભાવિત હતું."

પેમરાજ શારદા કૉલેજમાં પ્રોફેસર માધુરી ટીવી અને ફિલ્મ ઉદ્યોગ પર ટીકાત્મક ટિપ્પણીઓ પણ લખે છે.

તેઓ કહે છે, "આ સિરિયલોમાં મહિલાઓના મુદ્દાઓને ખૂબ જ સુશોભિત કરી ઉપરછલ્લી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. તમે જુઓ છો કે ટીવી સિરિયલોમાં મહિલાઓને કેટલાં સમાધાન કરવાં પડે છે. સિરિયલ ગમે તે રીતે સમાપ્ત થાય કુટુંબની પુરુષપ્રધાન વ્યવસ્થા એ જ રહે છે. તેથી આ ટીવી સિરિયલોએ મહિલાઓના મુદ્દાઓ ઉઠાવવાનું શ્રેય લેવું યોગ્ય નથી."

રજની, શાંતિ, ઉડાન જેવી સિરિયલો મહિલાઓ પર આધારિત હતી

બીબીસી ગુજરાતી, ગુજરાત, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, સ્મૃતિ ઈરાની, સિરિયલ, મનોરંજન, બોલીવૂડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમુક દિવસ પહેલાં એકતા કપૂરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે તેમની સીરિયલે ભારતીય મહિલાઓને તેમનાં ઘરોમાં નવો અવાજ આપ્યો

અહીં આપણે એકતા કપૂરના નિવેદન પર પાછા ફરીએ છીએ કે આ શોએ ભારતીય ઘરોમાં મહિલાઓને એક નવો અવાજ આપ્યો છે.

જો આપણે વર્ષ 2000 પહેલાંની હિન્દી ટીવી સિરિયલો પર નજર કરીએ તો 1985માં દૂરદર્શન પર 'રજની' સિરિયલ પ્રસારિત થઈ હતી. જેમાં એક સામાન્ય મહિલા (પ્રિયા તેંડુલકર) સરકારી વિભાગના બેદરકારીભર્યા અને ભ્રષ્ટ વલણ સામે અવાજ ઉઠાવતી નાગરિક બને છે.

એક એપિસોડમાં સાડી અને મોટી બિંદી પહેરીને 'રજની' એલપીજી સિલિન્ડરના ભાવમાં ગેરકાયદેસર વધારા સામે ડિલિવરી એજન્ટો સામે અવાજ ઉઠાવે છે.

તેની એટલી અસર થઈ કે ઑલ ઇન્ડિયા એલપીજી ડિસ્ટ્રિબ્યુટરો શોનો વિરોધ કરવા લાગ્યા.

1989માં દૂરદર્શન પર 'ઉડાન' નામની એક ધારાવાહિક પ્રસારિત થઈ હતી જે ભારતનાં પ્રથમ મહિલા ડીજીપી પર આધારિત હતી.

90ના દાયકામાં લોકોએ મંદિરા બેદીને શાંતિ સિરિયલમાં એક સ્પષ્ટવક્તા, મુક્ત વિચારસરણી ધરાવતી મહિલા પત્રકાર તરીકે જોયાં હતાં. જે એક કાર્યકારી મહિલા હતાં અને પોતાના માટે કેવી રીતે લડવું તે જાણતાં હતાં.

તેથી એમ કહી શકાય કે 'સાસ ભી કભી બહુ થી' જેવી સિરિયલો મહિલાઓનો પહેલો અવાજ બની તે સંપૂર્ણપણે વાજબી લાગતું નથી.

મૅરિટલ રેપ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા...

ઘણા વિવેચકો અને ઇન્ડસ્ટ્રીના લોકો આ સિરિયલ અને એકતા કપૂરના પક્ષમાં હોય તેવું લાગે છે.

રોહિણી નિનાવે ટીવી ઉદ્યોગ સાથે સંકળાયેલાં છે અને છેલ્લાં 28 વર્ષથી ઘણી ટીવી સિરિયલો લખી છે.

તેમનો મત છે કે, "હું એમ નહીં કહું કે આ એક પછાત વાર્તા હતી. શોમાં મહિલાઓને તેમના અધિકારો અને તેમના અસ્તિત્વ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમય મુજબ બાથી વહુ સુધીનાં પાત્રો સિરિયલમાં સારી રીતે દર્શાવવામાં આવ્યાં હતાં."

"આ એ સમય હતો જ્યારે સ્ત્રીઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થઈ રહી હતી, પરંતુ ગામડાં અને શહેરોમાં સ્ત્રીઓની સ્થિતિ અલગ હતી અને છે. સ્ત્રીઓને વડીલોનો આદર કરવાનું અને ઘરકામ કરવાનું શીખવવામાં આવે છે. સ્ત્રીઓ સંબંધોમાં ફસાયેલી રહે છે, તેથી સિરિયલમાં પણ એ જ બતાવવામાં આવ્યું હતું."

લેખિકા લક્ષ્મી યાદવ માને છે કે આ સિરિયલે પરોક્ષ રીતે એ મહિલાઓને પાછી લાવી જેઓ પોતાના ઉંબરો ઓળંગી નવી ઓળખ બનાવવા માગતી હતી... ઉંબરાની અંદર જ.

લક્ષ્મી યાદવના મતે, "આ સિરિયલ જોયા પછી પરિવારને પણ ઘરની મહિલાઓ પાસે આવી જ નિઃસ્વાર્થ પરંપરાગત અપેક્ષાઓ રહેવા લાગી. આ સિરિયલે ભારતની મહિલાઓને ફક્ત બે પ્રકારની મહિલાઓમાં વહેંચી દીધી, 'દેવી' તુલસી અને 'ડાકણ' મંદિરા."

સ્મૃતિ ઈરાની પણ ટીકાને નકારી રહ્યાં છે.

'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'ના પુનરાગમન પર સ્મૃતિ ઈરાનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, "આ શોએ ભારતીય ઘરોના ઘણા મુશ્કેલ મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો. મુખ્ય પ્રવાહના મીડિયા પાસે આવું કરવાની હિંમત હતી તે પહેલાં આ શોએ આપણને જટિલ સામાજિક વાસ્તવિકતાઓનો સામનો કરાવ્યો."

'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં મૅરિટલ રેપ પર આધારિત વાર્તા હતી, જ્યાં તુલસી, સાસુ બન્યાં પછી, તેમની વહુ માટે લડે છે, જે આનો ભોગ બની છે.

આ સિરિયલમાં બા, એટલે કે દાદી ફૅશન ડિઝાઇન સ્કૂલમાં જતાં બતાવાયાં છે.

સ્મૃતિ ઈરાનીને મુખ્ય પુરુષ કલાકાર કરતાં વધુ પૈસા મળતા

બીબીસી ગુજરાતી, ગુજરાત, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, સ્મૃતિ ઈરાની, સિરિયલ, મનોરંજન, બોલીવૂડ

ઇમેજ સ્રોત, Getty Images

સ્મૃતિ ઈરાનીએ કરણ જોહર સાથેના શોમાં બીજો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું કે આ સિરિયલે બીજી રીતે પણ અનેક પ્રતિબંધો તોડ્યા, કારણ કે સ્ત્રી પાત્ર તરીકે તેને મુખ્ય પુરુષ પાત્ર કરતાં વધુ ફી મળવા લાગી. પહેલાં આવું નહોતું બનતું.

જો તમે સોશિયલ મીડિયા પર નજર નાખો તો ત્યાં પણ આ મુદ્દે વિભાજિત અભિપ્રાય જોઈ શકાય છે.

કુંદર રાય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખે છે - "મારી માતાની પ્રિય વહુ તુલસી સભ્યતા, સંસ્કૃતિ અને મૂલ્યોની ઝલક લઈને તેમના પરિવાર સાથે અમારા ઘરે આવી રહી છે. માતા હવે નથી રહી, પણ આખી દુનિયા તેની રાહ જોઈ રહી છે."

શું સ્મૃતિ ઈરાની જનરલ ઝેડની કસોટીમાં પાસ થશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, સ્મૃતિ ઈરાની, સિરિયલ, મનોરંજન, બોલીવૂડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 90ના દાયકામાં 'શાંતિ' સિરિયલ રજૂ થઈ હતી, જેમાં લોકોએ મંદિરા બેદીમાં એક બહાદુર, સ્વતંત્ર વિચારવાળી મહિલા પત્રકાર જોયાં

જ્યારે 2000માં 'ક્યોંકિ સાસ ભી કભી બહુ' રિલીઝ થઈ ત્યારે થિયેટરમાં જવા ઉપરાંત ટીવી જ મનોરંજનનું સૌથી મોટું માધ્યમ હતું. તે સમયે કોઈ ઓટીટી કે સોશિયલ મીડિયા નહોતું.

લોકોએ બહુ વિદેશી કન્ટેન્ટ જોયું ન હતું. આ સિરિયલો પરિવારને એકસાથે લાવવાનું એક માધ્યમ પણ હતું.

પરંતુ આજે દરેક સભ્ય પોતાની પસંદગી મુજબ પોતાના રૂમમાં બેસીને પોતાના મોબાઇલ ફોન પર કંઈ પણ જોઈ શકે છે. જેન ઝી સંબંધો અને લગ્ન વિશે અલગ-અલગ માન્યતા ધરાવે છે.

તુલસી વહુનાં દરેક પાસાં, દરેક પગલું, દરેક બલિદાન, દરેક ધાર્મિક વિધિને આદર્શ તરીકે સ્વીકારવાવાળી પેઢી પછીના લોકો એટલે જનરલ ઝેડની કસોટીમાં સ્મૃતિ ઈરાની 25 વર્ષ પછી ખરાં ઊતરી શકશે?

જ્યારે એકતા કપૂર 2000માં 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' લઈને આવ્યાં, ત્યારે તે સમયના ઉદારીકરણ પછીના ભારતમાં ઘણા લોકોએ તેને એક નવા પ્રયોગ તરીકે જોયું. કેટલાકને આ પ્રયોગ સાચો અને પ્રગતિશીલ લાગ્યો અને કેટલાકને તે જૂનો લાગતો હતો.

પરંતુ કંઈક નવું અને પ્રાયોગિક કરવાનો બદલે જ્યારે 25 વર્ષ જૂની હિટ સિરિયલને સંપાદિત કર્યા પછી તેને ફરીથી રજૂ કરવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે શું ટીવી અને મનોરંજન ઉદ્યોગ રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયો છે, જ્યાં કંઈક નવું કરવું કે કહેવું જોખમી બની શકે છે?

અને પરંપરા અને પારિવારિક મૂલ્યો સાથે તૈયાર કરાયેલી આવી ચાસણી સાવ જોખમ મુક્ત છે?

ટીવી લેખિકા રોહિણી નિનાવે માને છે કે, "આ શો બિઝનેસ છે એમાં આવી યુક્તિઓનો ઉપયોગ કરવો પડે છે. હા, જો 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' ફરી આવી છે, તો તે કંઈક નવો દૃષ્ટિકોણ લાવશે. સ્ત્રીઓને અહેસાસ કરાવો કે સંબંધો જાળવી રાખો પણ તમારી પોતાની ઓળખ ભૂલશો નહીં."

ઘણા પ્રશ્નો છે, જેના જવાબો કદાચ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'ના આગામી એપિસોડો જાતે જ આપશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન