કુમાર સાનુ : 1100 રૂપિયા ઉછીના અને આશિકીનો અવાજ... કોલકાતાના કેદારની સંગીતસફર

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં આજે પણ કુમાર સાનુના ચાહકો મળી આવે અને ઘણી વાર રિક્ષા કે અન્ય વાહનમાં કુમારનાં ગીતો વાગતાં જોવાં મળે છે.
"મારી મા મને ખોળામાં લઈને માટીના ચૂલા પર રાંધતી. જેમ ડેડીનું ગાયન, તેવું જ માતાનું ભોજન."
હિન્દી ગીતોના પ્રખ્યાત ગાયક કુમાર સાનુનું આમ કહેવું છે. કુમાર સાનુનું સાચું નામ કેદારનાથ ભટ્ટાચાર્ય છે.
કુમાર સાનુની સંગીત કારકિર્દી 40 વર્ષ લાંબી છે અને તેમણે લગભગ 25,000 ગીતો ગાયાં છે.
આજે પણ 'આશિકી', 'સાજન', 'બાઝીગર' જેવી ફિલ્મોનાં તેમનાં ગીતો લોકોના હોઠ પર રમે છે.
ફિલ્મ 'આશિકી'નું ગીત "અબ તેરે બિન જી લેંગે હમ" અને ફિલ્મ 'દીવાના'નું ગીત "સોચેંગે તુમ્હેં પ્યાર, કર કી નહીં" ભારે હિટ રહ્યું હતું.
કુમાર સાનુએ માત્ર હિન્દીમાં જ નહીં, બીજી ઘણી ભાષામાં પણ ગીતો ગાયાં છે.
બીબીસી હિન્દીના સ્પેશિયલ શો 'કહાની જિંદગી કી'માં ઇરફાને ગાયક કુમાર સાનુ સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુમાર સાનુની સંગીતની સફર જાણો...

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કુમાર સાનુનો જન્મ અને ઉછેર પશ્ચિમ બંગાળના કોલકાતામાં જ થયો હતો. તેમના પિતા પણ સંગીતકાર હતા. કુમાર સાનુ પાંચ ભાઈ-બહેનમાં સૌથી નાના છે.
કુમાર સાનુ કહે છે, "મારા પિતા સંગીત શિક્ષક હતા. મારા પિતા ઘરે જ બાળકોને સંગીત શીખવતા. અમે આ બધું જોઈને જ મોટા થયા હતા."
બાળપણથી જ સંગીત પ્રત્યેના તેમના ઝુકાવના કારણે તેમણે બી.કૉમ.નો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. શરૂઆતની કારકિર્દીમાં કુમાર સાનુ કોલકાતાની હોટલોમાં ગાતા હતા, પરંતુ સંગીતની દુનિયામાં કારકિર્દી બનાવવા માટે તેમને મુંબઈ જવું મુનાસિબ લાગ્યું.
તેમણે કહ્યું, "તે સમયે કોલકાતામાં પણ રૂપિયા કમાઈ શકાતા હતા. પણ મારું લક્ષ્ય તો બોમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગાવાનું હતું."
મુંબઈ જતાં પહેલાં તેમણે કોલકાતાના સંગીત જગતમાં નામ થાય તે માટે ઘણા પ્રયાસો કર્યા.
એક સમય એવો પણ હતો જ્યારે કુમાર સાનુ પોતાનાં ગીતોના રેકૉર્ડિંગની કૅસેટ બનાવીને બંગાળી સંગીત દિગ્દર્શકોને મોકલતા હતા, પરંતુ જ્યારે તેઓ બંગાળી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી નિરાશ થયા ત્યારે મુંબઈ જવાનો તેમનો નિર્ણય વધુ મજબૂત બન્યો.
કુમાર સાનુ કહે છે, "તે સમયે મારા મનમાં એવું આવ્યું કે હું બૉમ્બે જઈને સંઘર્ષ કરું અને મને બૉમ્બેમાં ઘણી સંભાવના દેખાઈ. મને લાગ્યું કે મારે ત્યાં ચોક્કસ જવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ."
"મેં મારા મોટા ભાઈ પાસેથી 1100 રૂપિયા ઉછીના લીધા અને મુંબઈ જવા ટ્રેન પકડી."
કુમાર સાનુને મુંબઈમાં પહેલી નોકરી કેવી રીતે મળી?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે કુમાર સાનુ બીજી વાર મુંબઈ ગયા ત્યારે તેમને માત્ર છ દિવસમાં જ એક હોટલમાં નોકરી મળી ગઈ.
રવિવારનો દિવસ હતો. કુમાર સાનુ આરાધના ગેસ્ટ હાઉસ પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમણે ગેસ્ટ હાઉસના માલિકને ગીત ગાવા અંગે પૂછપરછ કરી.
કુમાર સાનુ કહે છે, "ત્યાં ગયા પછી મેં માલિકને કહ્યું કે મને ગાવાની એક તક આપો. ત્યાં મેં પહેલું ગીત 'હંગામા ક્યોં હૈં બરપા' ગાયું હતું."
આ ગીત ગાયા પછી તેમને 14,000 રૂપિયાની ટિપ મળી અને તે જ દિવસે તેમની નોકરી ત્યાં પાક્કી થઈ ગઈ.
જોકે આ નોકરી તેમનો સહારો જરૂર બની, પરંતુ સાનુનું અસલી સ્વપ્ન હજુ પણ એ જ હતું, બૉમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગાયક બનવાનું.
અને પછી સંગીતની સફર આગળ ચાલી.
કિશોરકુમારની નકલ

ઇમેજ સ્રોત, Getty Images
દરેક કલાકારની એક પ્રેરણા હોય છે, જેને તે શરૂઆતમાં અનુસરતો હોય છે. કુમાર સાનુ માટે આ પ્રેરણાસ્રોત ગાયક કિશોરકુમાર હતા.
તેઓ કહે છે, "આપણે હંમેશાં કોઈને કોઈને ફોલો કરતા હોઈએ છીએ. હું કિશોરદાને ફોલો કરતો હતો."
પરંતુ જ્યારે તેમને પોતાના અવાજને સાબિત કરવાની તક મળી, ત્યારે તેમના મનમાં સ્પષ્ટ વિચાર હતો. જો તેઓ ફક્ત 'કિશોર કંઠી' રહી જશે તો તેમની ગણતરી પણ એવા લોકોમાં જ થશે જે આવે છે અને ગુમનામ બની જાય છે.
બસ બાદમાં તેમણે પોતાનામાં પરિવર્તન લાવવાનું શરૂ કર્યું. તેમણે સ્વીકાર્યું કે એક આગવી ઓળખ હોવી જરૂરી છે.
કુમાર સાનુ કહે છે, "જ્યારે હું કિશોરનાં ગીતો ગાતો હતો, ત્યારે હું તેમાં મારા પોતાનું પણ થોડું ઘણું ઉમેરતો હતો. અને ધીમે ધીમે એને જ મેં વધુ પ્રસ્થાપિત કર્યું."
"તે સમયે મને જે પણ તક મળી, તેમાં મેં મારો જીવ નાંખી દીધો."
અને પછી જ્યારે કુમાર સાનુને ફિલ્મ 'આશિકી'માં ગાવાની તક મળી, ત્યારે તેઓ માત્ર ઓળખ જ નહીં પણ સંગીતની દુનિયામાં નવા અવાજ તરીકે ઊભરી આવ્યા.
કુમાર સાનુ કહે છે, "તમને મારાં ગીતોમાં કિશોરદાની ઝલક જોવા મળશે અને કુમાર સાનુ પણ જોવા મળશે."
તેમનું માનવું છે કે કોઈ પણ ગાયક માટે પોતાનું ઇનપૂટ ખૂબ જ જરૂરી હોય છે. જો ગાયક ફક્ત આપેલી સૂચના મુજબ જ ગાય અને પોતાનું કંઈ ઉમેરે નહીં, તો તે આગળ નહીં વધી શકે.
તેમણે કહ્યું, "મારી પાસે ઘણાં એવાં ગીતો છે જેમાં મેં મારો ઇનપૂટ આપ્યો હોય અને જે ગીતોમાં હું મારો ઇનપૂટ આપી શકતો નથી, તે ગીતોના સ્ટેજ પર્ફૉર્મન્સમાં હું મારા બધા ઇનપૂટ આપું છું."
કુમાર સાનુની નજરે ગુલશનકુમાર

ગુલશનકુમારને યાદ કરતાં કુમાર સાનુ કહે છે, "ગુલશનકુમાર એક એવા માણસ હતા, જેમણે સંગીત ઉદ્યોગને તેના હક માગતા શીખવ્યું."
"તે સંગીત દિગ્દર્શક હોય, ગાયક હોય કે ગીતકાર હોય, ગુલશનકુમાર પોતે પણ પૈસા ચૂકવતા હતા અને તેમણે પોતાના હકના પૈસા લેવાની ટેવ પાડી હતી."
કુમાર સાનુ પોતાની સફળ કારકિર્દીનું શ્રેય ગુલશનકુમારને આપે છે.
તેઓ કહે છે, "ગુલશનજીએ મને 'ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના' ગીત આપ્યું હતું, જેના કારણે આજે હું કુમાર સાનુ છું."
'આશિકી'એ કુમાર સાનુને સ્ટાર બનાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મ આશિકીએ કુમાર સાનુને રાતોરાત સ્ટાર બનાવી દીધા.
90ના દાયકાના સંગીત વિશે વાત કરતાં કુમાર સાનુ કહે છે, "તે સમયે સંગીત ખૂબ કિંમતી હતું. ફિલ્મનું સંગીત વેચીને જ ફિલ્મનું અડધું શૂટિંગ થઈ જતું હતું. ત્યારે ફિલ્મો પણ સિલ્વર જ્યુબિલી ઊજવતી હતી."
જ્યારે ફિલ્મ 'આશિકી' રિલીઝ થઈ ત્યારે કુમાર સાનુ મુંબઈની પ્રખ્યાત ચંદન ટૉકીઝમાં ફિલ્મ જોવા ગયા હતા.
તે ક્ષણને યાદ કરતાં તેઓ કહે છે, "જ્યારે હું ત્યાં ગયો ત્યારે મેં જોયું કે લોકો ફિલ્મનાં દરેક ગીત દરમિયાન સ્ક્રીન પર પૈસા ફેંકી રહ્યા હતા. ફિલ્મ જોયા પછી બધા મારી સામેથી પસાર થઈ રહ્યા હતા અને મારા વિશે વાત કરી રહ્યા હતા."
આ ક્ષણનો અનુભવ કર્યા પછી તેમને સમજાયું કે તેમનો અવાજ લાખો હૃદયને સ્પર્શી ગયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












