ટી20 વિશ્વકપ : બાંગ્લાદેશે ભારતમાં તેના ખેલાડીઓને જોખમ હોવાની કરેલી રજૂઆતનો આઈસીસીએ શું જવાબ આપ્યો?

બાંગ્લાદેશની વચગાળાની સરકારના રમતગમત સલાહકાર આસિફ નજરુલે સોમવારે બપોરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના સુરક્ષા વિભાગે એક પત્ર મોકલ્યો છે, જેમાં વર્લ્ડ કપ રમવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ અંગે 'ત્રણ ચિંતાઓ' વ્યક્ત કરાઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ એક નિવેદનમાં આ પત્ર આઇસીસી અને બીસીબી વચ્ચે સુરક્ષા મુદ્દાઓ પર થયેલી આંતરિક વાતચીતનો એક ભાગ હતો.

બીબીસી બાંગ્લાને આ પત્ર મળ્યો હતો.

આ પત્ર ખરેખર તો આઇસીસીના સુરક્ષા મૅનેજરે 8 જાન્યુઆરીના રોજ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સુરક્ષા સલાહકારને મોકલેલો ઇમેઇલ છે.

ખરેખર તો, જો બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ અને તેના સમર્થકો વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત જાય તો એવી સ્થિતિમાં શું જોખમો પેદા થઈ શકે એ અંગે આ ઇમેઇલમાં ચર્ચા કરાઈ છે. આઇસીસીના સુરક્ષા મૅનેજરે ઇમેઇલમાં બાંગ્લાદેશ ટીમના 'જોખમ મૂલ્યાંકન સારાંશ'નો ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે.

આઇસીસી સામાન્ય રીતે બધી ટુર્નામેન્ટ પહેલાં આ પ્રકારનું 'જોખમ મૂલ્યાંકન' કરે છે, જે અંતર્ગત ટુર્નામેન્ટ પહેલાં સંભવિત જોખમોની આકારણી કરાય છે, તેમજ મૅચના આયોજન માટે દરેક સ્થળની આસપાસ દરેક ટીમના જોખમના સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સામાન્ય રીતે, આવા જોખમ મૂલ્યાંકન પછી, દરેક ટીમને એક રિપોર્ટ આપવામાં આવે છે.

ખરેખર તો, આ વિશ્લેષણ સંભવિત જોખમોનો ખ્યાલ આપે છે, જેથી જરૂરી સાવચેતી રાખી શકાય તેમજ પગલાં લઈ શકાય.

આઇસીસીના ઇમેઇલમાં શું છે?

આ ઇમેઇલની શરૂઆત બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને 3 જાન્યુઆરીના રોજ આઇપીએલમાંથી બહાર કરવાના બીસીસીઆઇના નિર્દેશ, સુરક્ષા કારણોને ટાંકીને બાંગ્લાદેશની વર્લ્ડકપની મૅચો ભારતને બદલે શ્રીલંકામાં રમાડવાની બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની માંગ અને મુસ્તફિઝુર મુદ્દે બાંગ્લાદેશમાં આઇપીએલ પ્રસારણ સ્થગિત કરવાની વાતથી થાય છે.

એ બાદ બાંગ્લાદેશ ટીમના ભારત પ્રવાસનાં જોખમોનું જુદાં જુદાં ચાર ક્ષેત્રોમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએનક્રિકઇન્ફો પ્રમાણે આવું 'જોખમ મૂલ્યાંકન' એ આઇસીસીનું એક સાર્વત્રિક 'સ્ટાન્ડર્ડ વર્ગીકરણ' છે, જે સામાન્ય રીતે મૅચનું સ્થળ બદલવા માટે પૂરતાં કારણો આપતું નથી.

1. મુસ્તફિઝુરનો મુદ્દો

ઇમેઇલ પ્રમાણે ભારતમાં ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવા માટેની જોખમ મૂલ્યાંકનની પ્રક્રિયા ગત ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ ગઈ હતી અને ટુર્નામેન્ટ માટે એકંદરે જોખમ સ્તરનું રેટિંગ 'સાધારણ' રાખવામાં આવ્યું હતું. જોકે, બાંગ્લાદેશ માટે આ જોખમ સ્તરનું રેટિંગ 'મધ્યમથી ઉચ્ચ' રાખવામાં આવ્યું હતું.

બીજા શબ્દોમાં કહીએ તો, અન્ય ટીમો માટે જોખમનું સ્તર મધ્યમ છે, જ્યારે બાંગ્લાદેશના કિસ્સામાં, જોખમનું મૂલ્યાંકન મધ્યમથી ઉચ્ચ છે.

તે પ્રારંભિક મૂલ્યાંકન પછી, બાંગ્લાદેશ ટીમ માટે જોખમનું સ્તર નક્કી કરવા માટે જોખમ મૂલ્યાંકનની પ્રક્રિયા બીજી વખત હાથ ધરાઈ હતી. જેમાં, બાંગ્લાદેશની ટીમ માટે પણ જોખમનું સ્તર મધ્યમ હોવાનું સામે આવ્યું હતું.

જોકે, આ ઇમેઇલમાં આગળ કહેવાયું છે કે જો 'ધાર્મિક ઉગ્રવાદના મુદ્દા સામેલ હોવાની સ્થિતિમાં' બાંગ્લાદેશ ટીમમાં મુસ્તફિઝુર રહેમાનની હાજરી સમસ્યા ઊભી કરી શકે છે.

2. બાંગ્લાદેશ ટીમ માટે સુરક્ષાના મુદ્દા

ટી20 વર્લ્ડકપ દરમિયાન બૅંગ્લુરુ ખાતે વૉર્મઅપ મૅચ ઉપરાંત, બાંગ્લાદેશ કોલકાતામાં ત્રણ અને મુંબઈમાં એક ગ્રૂપ સ્ટેજ મૅચ રમવાનું છે.

મૅચના સમય અને સામેની ટીમને ધ્યાને લઈ, આ મૅચો માટે બાંગ્લાદેશ ટીમ માટે જોખમનું સ્તર 'મધ્યમ-નીચું' અથવા ઓછાથી મધ્યમ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના અધિકારી સીવી મુરલીધરના મૂલ્યાંકનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે નોંધ્યું હતું કે તાજેતરની ઘટનાઓ જોતાં જોખમ મૂલ્યાંકનમાં કોઈ ફેરફાર થયો નથી અને તેમને (મુરલીધર) વિશ્વાસ છે કે એવાં કોઈ પણ સુરક્ષાને લગતાં જોખમો ઊભાં નહીં થાય જેનું નિરાકરણ સ્પર્ધા માટેની વર્તમાન યોજનાઓ ન લાવી શકાય.

3. સમર્થકોની સુરક્ષા અંગેના મુદ્દા

ઇમેઇલમાં જણાવાયું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઇતિહાસ અને સુરક્ષા સંબંધી ખાતરીઓને આધારે બાંગ્લાદેશ ટીમ અથવા ટુર્નામેન્ટમાં સામેલ અન્ય કોઈ પણ ટીમ કોલકાતા અથવા મુંબઈમાં મોટી હિંસાનો ભોગ બને અથવા તેમના માટે જોખમનું સ્તર અચાનક વધી જાય એવી શક્યતા નહિવત્ છે.

ઇમેઇલમાં જણાવાયું હતું કે આ બંને સ્થળો માટે બાંગ્લાદેશ ટીમનું જોખમનું સ્તર મધ્યમ છે.

જોકે, વિશ્લેષણથી એવું માલૂમ પડ્યું છે કે આ બે સ્થળોએ બાંગ્લાદેશી ચાહકો કે જેમણે ટીમની જર્સી પહેરી હોય અથવા સ્ટેડિયમમાં અલગ નાનાં જૂથોમાં પહોંચ્યાં હોય તેમના માટે જોખમનું સ્તર મધ્યમથી ઊંચું હતું.

વધુમાં એવું પણ કહેવાયું છે કે જો વર્લ્ડકપના સ્થળની આસપાસ કોઈ હિંસા થાય, તો તે આસપાસના વિશાળ વિસ્તારમાં હિંસા અને વિરોધપ્રદર્શનોને વેગ આપી શકે છે.

રિપોર્ટમાં મસ્જિદ સળગાવવા, મોટા પાયે રમખાણો અથવા બંને દેશોમાં ધાર્મિક લઘુમતીઓની હત્યા જેવા બનાવોનાં ઉદાહરણ ટાંકીને કહેવાયું છે કે તેનાથી તણાવ અને જે-તે પક્ષ માટે જોખમનું સ્તર વધી શકે છે.

ઇમેઇલ સૂચવે છે કે આવી ઘટના બની શકે છે, જોકે, તે બનવાની શક્યતા ઓછી છે.

4. બાંગ્લાદેશમાં ચૂંટણીના મુદ્દા

આઇસીસીના જોખમ મૂલ્યાંકનના અહેવાલમાં નોંધાયું છે કે હવે જ્યારે બાંગ્લાદેશમાં થોડા સમયમાં જ રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરના તણાવથી સમગ્ર ક્ષેત્ર પર 'ટૂંકાથી મધ્યમ ગાળાની' અસર પડી શકે છે.

જોકે, ઇમેઇલમાં જણાવાયું છે કે હાલની ઘડીએ આવો તણાવ આયોજન સ્થળ કે ખેલાડીઓ સામે હિંસામાં નહીં ફેરવાય.

રિપોર્ટમાં જણાવાયું છે કે આવા કિસ્સામાં બાંગ્લાદેશ ટીમ અને ખેલાડીઓ માટે જોખમ મધ્યમ હતું.

જોકે, આવા કિસ્સામાં, મૅચ જ્યાં રમાવાની હોય સ્થળનું બાંગ્લાદેશની ટીમની સુરક્ષા યોજનાની 'સંપૂર્ણ સમીક્ષા' કરવાનો મુદ્દો પણ આ ઇમેઇલમાં ઉઠાવવામાં આવ્યો હતો.

ઇમેઇલના અંતિમ ભાગમાં નોંધવામાં આવ્યું હતું કે વ્યૂહાત્મક સુરક્ષા યોજના હવે બંને બૉર્ડના બે સ્વતંત્ર સુરક્ષા મૅનેજરો દ્વારા સમીક્ષા માટે તૈયાર છે.

છેલ્લી લાઇન બીસીબીના સુરક્ષા સલાહકારને સંબોધીને લખાઈ છે. જેમાં લખાયું છે કે આ બાબતે બીસીબીના સુરક્ષા સલાહકારનાં મૂલ્યાંકન અને ટિપ્પણીઓ આવકાર્ય છે, જેથી બીસીબીના પરિપ્રેક્ષ્યથી કોઈ પણ જોખમો અથવા ચિંતાઓનો સંકલિત રીતે ઉકેલ લાવી શકાય.

બીસીબીનું શું કહેવું છે?

ઇએસપીએનક્રિકઇન્ફોના એક અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નજરુલે આઇસીસીના આ અહેવાલ અંગે ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "આઇસીસીની સુરક્ષા ટીમના આ નિવેદનથી એ વાત નિ:શંકપણે પુરવાર થઈ ગઈ છે કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ માટે ભારતમાં ટી20 વર્લ્ડ કપ રમવાની કોઈ સ્થિતિ નથી. જો આઇસીસી એવી અપેક્ષા હોય કે અમે અમારા શ્રેષ્ઠ બૉલર વિનાની ક્રિકેટ ટીમ ઉતારીશું, અમારા સમર્થકો બાંગ્લાદેશની જર્સી ન પહેરી શકે, અને ક્રિકેટ રમવા માટે અમે અમારી ચૂંટણી મુલતવી રાખીશું, તો આનાથી વધુ વિચિત્ર, અવાસ્તવિક અને ગેરવાજબી અપેક્ષા બીજી કોઈ ન હોઈ શકે."

રમતગમત સલાહકારની ટિપ્પણીના થોડા કલાકો પછી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની સુરક્ષાના મુદ્દા પર વચગાળાની સરકારના રમતગમત સલાહકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ ખરેખર તો આઇસીસી અને બીસીબી વચ્ચેની આંતરિક વાતચીતના અંશો છે.

આઇસીસી ટી20 વર્લ્ડ કપ દરમિયાન, બાંગ્લાદેશની ટીમના ભારત પ્રવાસ દરમિયાન સંભવિત જોખમોની સમીક્ષા કરવા માટે આઇસીસીના સુરક્ષા વિભાગ અને બીસીબી વચ્ચે ચર્ચા થઈ હતી.

પરંતુ એ બાંગ્લાદેશ દ્વારા સુરક્ષા કારણોસર ભારતમાંથી બીજા દેશમાં બાંગ્લાદેશની મૅચો ખસેડવાની વિનંતીનો જવાબ નથી.

બીસીબીએ કહ્યું કે તેમણે સત્તાવાર રીતે સ્થળ બદલવાની વિનંતી કરી છે, પરંતુ હજુ સુધી આઇસીસી તરફથી સત્તાવાર રીતે કોઈ જવાબ મળ્યો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન