You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ક્લાઇમેટ વિઝા: એ ડૂબતો ટાપુ દેશ જેને ખાલી કરવા લોકો પડાપડી કરી રહ્યા છે
- લેેખક, તાબી વિલ્સન
- પદ, બીબીસી સમાચાર
તુવાલુની વસ્તીના ત્રીજા ભાગના લોકોએ વિશ્વના પ્રથમ ક્લાઇમેટ વિઝા માટે નોંધણી કરાવી છે.
આ વિઝા ઑસ્ટ્રેલિયામાં કાયમી સ્થળાંતર કરવાની મંજૂરી આપે છે.
16 જૂનથી શરૂ થયેલા પ્રથમ તબક્કામાં મોટી સંખ્યામાં અરજીઓ મળી છે.
જોકે, લૉટરી દ્વારા તુવાલુ નાગરિકોને વાર્ષિક માત્ર 280 વિઝા આપવામાં આવે છે.
ઑસ્ટ્રેલિયન વિદેશ વિભાગે આ વિઝા કાર્યક્રમને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યો છે, જે આબોહવા પરિવર્તનથી વિસ્થાપિત થયેલા લોકોને મદદ કરવા માટે રજૂ કરવામાં આવ્યો હતો.
સમુદ્ર સપાટીથી માત્ર 16 ફૂટ ઉપર આવેલો આ નાનો પેસિફિક ટાપુ, વિશ્વના એવા પ્રદેશોમાંનો એક છે જે ક્લાઇમેટ ચેન્જના ખતરાનો સામનો કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે તારીખ 27 જૂન સુધીમાં, ક્લાઇમેટ વિઝા માટે કુલ 1124 અરજીઓ મળી હતી.
આ અરજદારોના પરિવારના તમામ સભ્યો સહિત, કુલ 4052 નાગરિકો હોવાનો અંદાજ છે. 2022 સુધીમાં, ટાપુની કુલ વસ્તી 10, 643 હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયન નાગરિકો તરીકે..
જેમને પેસિફિક ઍંગેજમેન્ટ વિઝા મળે છે તેમને ઑસ્ટ્રેલિયામાં કાયમી રહેઠાણની મંજૂરી આપવામાં આવે છે.
આ વિઝા સાથે ઑસ્ટ્રેલિયામાં પ્રવેશ મેળવ્યા બાદ, તેમને તાત્કાલિક મેડિકેર આરોગ્ય સેવાઓ, બાળ સંભાળ સબસિડી, તેમજ શાળાઓ, યુનિવર્સિટીઓ અને વ્યાવસાયિક તાલીમ સંસ્થાઓમાં ઑસ્ટ્રેલિયન નાગરિકો સાથે સમાન ધોરણે સબસિડીવાળી શૈક્ષણિક તકો મળશે.
2025 વિઝા બેલેટ પર તમારું નામ નોંધાવવા માટે 25 ડૉલર (આશરે રૂ. 1,400) ની ફી લેવામાં આવશે. આ પ્રક્રિયા 18 જુલાઈના રોજ સમાપ્ત થશે.
આ નવા વિઝા વર્ગ (પેસિફિક ઍન્ગેજમેન્ટ વિઝા) ની જાહેરાત ઑગસ્ટ 2024 માં ઑસ્ટ્રેલિયા અને તુવાલુ વચ્ચેના "ફલેપિલી યુનિયન" કરારના ભાગરૂપે કરવામાં આવી હતી.
આ કરાર હેઠળ, ઑસ્ટ્રેલિયા કુદરતી આફતો, આરોગ્ય કટોકટી અથવા લશ્કરી ખતરાના કિસ્સામાં તુવાલુની સુરક્ષાની જવાબદારી સ્વીકારે છે.
"ઑસ્ટ્રેલિયા એ પહેલો દેશ છે જેણે કાયદેસર રીતે સ્વીકાર્યું છે કે આબોહવા પરિવર્તનને કારણે દરિયાની સપાટીમાં વધારાને કારણે થતી અસરો છતાં ભવિષ્યમાં તુવાલુ એક સાર્વભૌમ રાષ્ટ્ર રહેશે" તુવાલુના વડા પ્રધાન ફેલેટી ટીઓએ ગયા વર્ષે એક નિવેદનમાં જણાવ્યું હતું.
નાસાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે 2050 સુધીમાં, તુવાલુ રાષ્ટ્રમાં મોટાભાગની જમીન અને મહત્ત્વપૂર્ણ માળખાં સમુદ્ર સપાટીથી નીચે હોઈ શકે છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન