ચૈતર વસાવા અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી કેમ થઈ, મૂળમાં શો મામલો છે?

ગુરુવારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પોલીસના ડીવાયએસપી સંજય શર્મા સાથે ઉગ્ર બોલાચાલીનાં દૃશ્યો સામે આવ્યાં હતાં.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો.

વીડિયોમાં ચૈતર વસાવા અને પોલીસ અધિકારી શર્મા એકબીજાની સામસામે ઊભા રહી બોલાચાલી કરતા જોવા મળ્યા હતા.

ચૈતર વસાવાનો આરોપ છે કે પોલીસે તેમને લોકોની સમસ્યા માટે પોલીસ અધીક્ષકની કચેરીએ રજૂઆત કરવા જતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન તેમના 'સમર્થકો નારાજ' થયા હતા અને મામલો થોડો ઉગ્ર બન્યો હતો.

આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ આખરે સમગ્ર મુદ્દો શું હતો એ અંગે ચર્ચા જાગી હતી.

'લોકોને પડતી હાલાકીનો વિરોધ કર્યો'

ગુરુવારના રોજ ચૈતર વસાવા જિલ્લામાં પોલીસ દ્વારા કથિતપણે ઠેરઠેર ચેકપોસ્ટ બનાવીને 'સામાન્ય લોકો પાસેથી દંડ' ઉઘરાવવાની કાર્યવાહી અંગે રજૂઆત કરવા પોલીસ અધીક્ષકની કચેરીએ જઈ રહ્યા હતા.

ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે જોડાયા.

વસાવાએ ઉપરોક્ત બનાવ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "આ રજૂઆતો કરવા જતો હતો, તો પોલીસે મને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ઘણા લોકો નારાજ થયા હતા."

ધારાસભ્ય ચૈતર વસાવા પ્રમાણે તેમણે નર્મદા જિલ્લામાં પોલીસ બંદોબસ્તના નામે લોકોને પડતી કથિત હાલાકીઓનો વિરોધ કર્યો હતો.

ચૈતર વસાવા અને પોલીસ સામસામે કેમ આવી ગયા?

હાલમાં નર્મદા જિલ્લામાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર્ર, અને મધ્યપ્રદેશથી ઘણા લોકો ડેડિયાપાડાના પૌરાણિક મંદિરની મુલાકાતે પહોંચી રહ્યા છે.

આરોપ છે કે તેમાંથી ઘણા લોકોને પોલીસ ચેકપોસ્ટને કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિશે નગીનભાઈ રાઠવા નામના એક યુવાને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે અહીં આ સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે, જેમાં બહારથી આવતા દરેક વાહનની તપાસ થાય છે, જેમાં પ્રવાસીઓનો સમય બગડે છે. અમે પણ જ્યારે મંદિરે જતા હતા, ત્યારે અમને પણ આ જ રીતે હેરાનગતિ થઈ હતી."

નોંધનીય છે કે નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીનું મંદિર આવેલું છે, અને આ તમામ લોકો આ મંદિરે દર્શન માટે દર વર્ષે આ સમયે આવે છે.

જોકે લોકોને થતી આ પ્રકારની કથિત હાલાકી સંદર્ભે ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ અધીક્ષક પ્રશાંત શુંબેને રજૂઆતો કરી હતી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ચૈતર વસાવાએ કહ્યું કે, "હાલમાં પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ ચેકપોસ્ટ બનાવી રાખી છે, આ વિસ્તારમાં કોઈ આરટીઓની કચેરી નથી, માટે લોકોને દંડ ભરવામાં પણ તકલીફ પડે છે. એક વખત કોઈ ગાડી ડિટેઇન થાય તો તે ત્રણ-ચાર દિવસ સુધી છોડાવી શકાતી નથી. અહીંના સમાન્ય નાગરિકો, ખેડૂતો, મજૂરોને પોલીસ દિવસરાત દંડ કરી રહી છે."

વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, "નર્મદા જિલ્લો એક ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં પણ ઘણી જગ્યાએ ચેકપોસ્ટ બનાવીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે. વિદ્યાર્થી, મજૂર અને ખેડૂતો સહિત ઘણા લોકોને દંડ ફટકારીને હેરાન કરવામાં આવે છે, તેની સામે અમને વાંધો છે. જો કોઈ વ્યક્તિ દારૂ પીને ડ્રાઇવિંગ કરે છે અને તેને દંડ ફટકારવામાં આવે છે તો તેની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ અમારું માનવું એમ છે કે સામાન્ય અને નિર્દોષ માણસોને હેરાન ન કરવા જોઈએ."

તેમના આ આરોપોને જિલ્લા પોલીસ અધીક્ષક પ્રશાંત સુંબે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ફગાવી દીધા હતા.

પ્રશાંત સુંબેએ કહ્યું હતું કે, "હાલ આખા ગુજરાત રાજ્યમાં હેલ્મેટ, લાઇસન્સ વગેરે મામલે ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી છે અને નર્મદા પોલીસ પણ આ જ કામ કરી રહી છે. અમારો જિલ્લો બૉર્ડરને અડકીને આવેલો હોઈ, અહીં દારૂ પીને વાહન ચલાવનારા લોકોની સંખ્યા પણ વધારે હોય છે, એવા લોકો પોતાના માટે અને બીજા માટે પણ ખતરારૂપ હોય છે, માટે આ પ્રકારની ડ્રાઇવ અહીં જરૂરી છે."

બીબીસી સાથે વાત કરતાં ચૈતર વસાવાએ કહ્યું કે,"હાલમાં અમારી સંકલન મીટિંગમાં પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં લોકો પાસેથી ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ કરોડો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ પૈસા અહીંના સામાન્ય માણસોના છે, જે સરકારની તિજોરીમાં જઈ રહ્યા છે."

પરંતુ શુંબેના કહેવા પ્રમાણે, નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારમાં ઘણા રસ્તા ઢાળવાળા હોવાને કારણે છેલ્લાં બે વર્ષોમાં અહીં હેલ્મેટ ન પહેરવાને કારણે આકસ્મિક મૃત્યુની સંખ્યા વધી છે, જેના કારણે આ પ્રકારેની ડ્રાઇવ કરવાની જરૂર પડી છે.

જેની સામે વસાવાનો આરોપ છે કે, "નર્મદા જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવના નામે છેલ્લા બે મહિનામાં ઉઘરાવેલી રકમ ચાર કરોડ કરતાં પણ વધુ છે. નર્મદા જિલ્લામાં ક્યાં કોઈ લોકો એટલા પૈસાવાળા છે કે આટલો બધો દંડ ઉઘરાવાઈ રહ્યો છે."

આ સમગ્ર મામલે જિલ્લા પોલીસે ચૈતર વસાવાને બાંહેધરી આપી હતી કે આવનારા દસ દિવસોમાં આ સમસ્યાનો સમાધાન કરી દેવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.