You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઇટાલિયા માટે ભૂપત ભાયાણીએ કેમ કહ્યું કે "વીસાવદરમાં ક્યારેય પૅરાશૂટ ઉમેદવાર ચાલ્યા નથી"
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
વીસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો હજી જાહેર નથી થઈ, પણ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે. ગઈ કાલે આમ આદમી પાર્ટીના મુખીયા અરવિંદ કેજરીવાલે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાતનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો.
વીસાવદર વિધાનસભા બેઠક પર 2007માં ભાજપ જીત્યું હતું એ પછીની ચૂંટણીઓમાં જીપીપી(2012 - કેશુભાઈ પટેલ), કૉંગ્રેસ(2017 - હર્ષદ રીબડિયા) અને આમ આદમી પાર્ટી(2022 - ભૂપત ભાયાણી) ચૂંટાયા હતા. ટૂંકમાં 2007 પછી ભાજપ અહીં જીત્યું નથી. જોકે, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
આપ તરફથી ઉમેદવાર તરીકે જાહેર થતાં જ ગોપાલ ઈટાલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "વીસાવદર, જૂનાગઢ અને ભેંસાણ તાલુકો આ વિધાનસભા મતવિસ્તાર એ ખેતી સાથે સંકળાયેલા લોકોનો છે. લોકો જમીન સાથે જોડાયેલા છે અને બળૂકા છે. તેથી તે લોકો સત્તાથી ક્યારેય ડરતા નથી કે સત્તાને ક્યારેય ફાવવા દેતા નથી."
તેમણે વધુમાં જણાવ્યું, "આ નહીં ડરતા લોકો સાથે ભાજપ વારંવાર દગો કરે છે. ત્યાં જે ચૂંટાય તેને ડરાવી, ધમકાવીને પોતાની પાર્ટીમાં લઇ જાય છે. મેં આ વખતે ભાજપને પડકાર ફેંક્યો છે કે સમગ્ર ભારતમાં ભાજપના કોઈ પણ નેતા હોય તે ગોપાલ ઇટાલિયાને ડરાવી, ધમકાવી કે અન્ય પ્રલોભનથી તોડી બતાવે."
આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને પછી ભાજપમાં જોડાઈ ગયેલા ભૂપત ભાયાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "અમારા વિસ્તારની જનતાએ પૅરાશૂટ ઉમેદવારને ક્યારેય ભતકાળમાં સ્વીકાર્યા નથી."
ભાજપના મેન્ડેટ પરથી પણ પૅરાશૂટ ઉમેદવાર હાર્યા છે તો ગોપાલભાઈને સ્વીકારવાના તો ચાન્સ ઓછા છે."
ગોપાલ ઇટાલિયાનું પગલું રાજકીય રીતે આત્મઘાતી ગણી શકાય - ભૂપત ભાયાણી
ગોપાલ ઇટાલિયા હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સહમંત્રી છે. તેઓ પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જેમાં તેઓ હારી ગયા હતા.
ગોપાલ ઇટાલિયા માટે વીસાવદરની ભૂગોળ નવી છે એવા ભૂપત ભાયાણીના નિવેદન સામે તેમણે કહ્યું હતું કે, "આ વિસ્તાર મારા માટે સહેજેય નવો નથી. પાટીદાર અનામત આંદોલન વખતે, ઇકો ઝોન તેમજ અન્ય સામાજિક મુદ્દે વીસાવદરમાં અમે સંઘર્ષ કરતા જ હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીસાવદર બેઠક પર લેઉઆ પટેલ મતદારો મોટી સંખ્યામાં છે. ગોપાલ ઇટાલિયાને એ મતોનો ફાયદો મળી શકે છે. જોકે, ગોપાલ ઇટાલિયા રાજકીય રીતે આત્મઘાતી પગલું ભરી રહ્યા છે એવું ભૂપત ભાયાણીને લાગે છે.
તેમણે જણાવ્યું હતું કે, "અમારા વિસ્તારના વીસેક ગામમાં જિલ્લા પંચાયતની બેઠકમાં તેમની પાર્ટીના પાંચ દશ કાર્યકર્તાઓએ ભેગા મળીને ગોપાલભાઈનું નામ નક્કી કર્યું છે. તેમણે કોઈ સમાજના આગેવાનો કે અન્ય આગેવાનો સાથે મળીને આ નિર્ણય લીધો નથી. મારી ગણતરી મુજબ ગોપાલ ઇટાલિયાનું પગલું આત્મઘાતી ગણી શકાય."
જોકે ગોપાલ ઇટાલિયા આ વાતને નકારે છે. તેમણે કહ્યું, "ભેંસાણ અને વીસાવદરની જનતાએ મને ફોન કરીને કે રૂબરૂ કે પ્રેમથી કે આદેશપૂર્વક કહ્યું છે કે તમે આવો અમે તમને સપોર્ટ કરીશું. હજારો લોકોના અભિપ્રાય પછી હું ત્યાંથી ઉમેદવારી કરું એ નિર્ણય લેવામાં આવ્યો છે."
ભૂપત ભાયાણીએ ઉમેર્યું હતું કે, "અહીં ખેડૂતો અને ખેતી કામદારોની વસતી વધારે છે. તેમની સમસ્યાને વાચા આપવા સ્થાનિક નેતા જોઈએ, બહારના નેતાને તેઓ ન સ્વીકારે. તેમને એવો નેતા જોઈએ જે તેમની સાથે દોડીને ભેગો આવે."
આના જવાબમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, "હું પણ ખેડૂતનો જ દીકરો છું. અમે ખેતી સાથે જ સંકળાયેલા છીએ. કપાસ વીણતા, સાંતી હાંકવા, પાણી વાળવા સહિતના બધા જ ખેતીકામો હું કરતો આવ્યો છું. મેં અગાઉ કહ્યું તેમ આ જમીન પર અમારી પાર્ટી લાંબા સમયથી વિવિધ પ્રશ્ને સંઘર્ષ કરી જ રહી છે. અહીં ગામેગામ હું ફર્યો છું. આ જમીન મારા માટે નવી નથી."
ભાજપ હર્ષદ રિબડિયાને ટિકિટ આપશે તો ભૂપત ભાયાણી તેમના માટે પ્રચાર કરશે
ભૂપત ભાયાણીને ભાજપ ઉમેદવારી આપે તો તેઓ વીસાવદર લડશે? આ સવાલના જવાબમાં ભૂપતભાઈએ કહ્યું હતું કે, "હું બિલકુલ લડીશ. પાર્ટી મને ટિકિટ આપશે તો હું મજબૂતીથી લડીશ."
કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડિયાને કે અન્ય કોઈને ભાજપ ટિકિટ આપશે તો? આ સવાલના જવાબમાં ભૂપત ભાયાણીએ કહ્યું, "અમારી પાર્ટી હર્ષદભાઈ કે અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપશે તો હું ખભે બેસાડીને તેમને વિજય અપાવવા મહેનત કરીશ."
બીબીસી ગુજરાતીએ આ વીસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અને રાજકારણ મામલે હર્ષદ રિબડિયા સાથે વાત કરવાનો વિવિધ રીતે પ્રયાસ કર્યો હતો. જોકે તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમની સાથે સંપર્ક થયે તેમનો પક્ષ અહીં રજૂ કરવામાં આવશે.
"જ્યાં પહેલેથી ભાજપ જીતેલું છે, ત્યાં તેમણે ક્યાં અમેરિકા જેવા રોડ બનાવી દીધા છે?" - ગોપાલ ઇટાલિયા
ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો ત્યારે કહ્યું હતું કે મારા વિસ્તારના લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લૅટફૉર્મ નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું,"વીસાવદર વિસ્તારના લોકો શાસનની સાથે રહે તે જરૂરી છે. અહીં રસ્તા વગેરેની સમસ્યા છે. ખેડૂતોને અમારે સિંચાઈનું પાણી આપવાનું છે. અમે સત્તાની સાથે રહીએ તો એ શક્ય બને. ગોપાલભાઈ સુરતના આમ આદમી પાર્ટીના નગરસેવકોને પણ સાચવી શક્યા નહોતા."
આના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું "રાજ્યમાં અન્ય ભાજપના જે અન્ય નેતા ચૂંટાયા છે, અને શાસનની સાથે છે, તેઓ પોતાના વિસ્તારની સેવા કરી કરીને ક્યાં ચંદ્ર ઉપર લઈ ગયા છે? જે ખાડા ભેંસાણમાં છે, એનાથી વધુ ઊંડા ખાડા અમરેલીમાં છે અને એનાથી વધુ ઊંડા તો અમદાવાદમાં છે. જ્યાં પહેલેથી ભાજપ જીતેલું છે ત્યાં તેમણે ક્યાં અમેરિકા જેવા રોડ બનાવી દીધા છે. ભાજપના રાજમાં બધે કાગડા કાળા જ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન