You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન મોદી યુક્રેન કેમ જઈ રહ્યા છે, શું રશિયા નારાજ થશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા મહિને જ રશિયાના પ્રવાસે ગયા હતા. યુક્રેનમાં રશિયાના હુમલા પછી વડા પ્રધાન મોદીની આ પ્રથમ રશિયા યાત્રા હતી.
મૉસ્કો પહોંચતાની સાથે જ વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન એકબીજાને ગળે મળ્યા ત્યારે પશ્ચિમના મીડિયાએ તેની ખૂબ જ ટીકા કરી હતી.
પુતિન અને મોદીની મુલાકાત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને ગમી ન હતી.
ઝેલેન્સ્કીએ નવ જુલાઈ, 2024ના રોજ આ વિશે વાંધો વ્યક્ત કરતા કહ્યું હતું, "આજે રશિયાના મિસાઇલ હુમલામાં 37 લોકો માર્યા ગયા, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે."
"રશિયાએ યુક્રેનમાં બાળકોની સૌથી મોટી હૉસ્પિટલ પર હુમલો કર્યો. તે દિવસે જ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નેતા વિશ્વના સૌથી ખૂની ગુનેગાર સાથે મૉસ્કોમાં ગળે મળે છે. આ વાત શાંતિના પ્રયત્નો માટે ખૂબ જ નિરાશાજનક વાત છે."
આ વાતને લગભગ દોઢ મહિના થઈ ગયા છે. વડા પ્રધાન મોદી હવે યુક્રેનના પ્રવાસે જઈ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 ઑગસ્ટના રોજ યુક્રેનની યાત્રા પર જશે. 30 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડા પ્રધાન યુક્રેનની મુલાકાત લેશે.
કેટલાક લોકો માને છે કે વડા પ્રધાન મોદીની યુક્રેન યાત્રા રશિયાને અસહજ કરી શકે છે. જોકે, એક મત એવો પણ છે કે રાષ્ટ્રપતિ પુતિનના ચીન પ્રવાસથી ભારત પણ ખૂબ જ સહજ રહેતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન મોદીની આ યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેને રશિયાની સીમાની અંદર પ્રવેશીને હુમલાઓ કર્યા છે.
યુક્રેને રશિયાના કેટલાક વિસ્તારોને પોતાના કબજા હેઠળ પણ લીધા છે. આશંકાઓ છે કે રશિયા યુક્રેન પર જલદી જ મોટો હુમલો કરશે.
આ દરમિયાન વડા પ્રધાન મોદીની યુક્રેન યાત્રા પર ચર્ચા થઈ રહી છે અને સવાલ પૂછવામાં આવે છે કે વડા પ્રધાન મોદી આ સમયે યુક્રેન કેમ જઈ રહ્યા છે, જ્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ છે?
જાણકારોનું શું માનવું છે?
આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર બ્રહ્મા ચેલાનીએ ટ્વીટ કરીને કહ્યું, "23 ઑગસ્ટે યુક્રેન પ્રવાસ ન માત્ર એક ખરાબ સમય જ છે, પરંતુ આ પ્રવાસનો ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ નથી. યુક્રેને હાલમાં કરેલા હુમલાઓને કારણે યુદ્ધવિરામના પ્રયત્નોને ફટકો પડ્યો છે."
"યુક્રેનની સ્વતંત્રતા પછી કોઈ પણ ભારતીય વડા પ્રધાન તે દેશની મુલાકાતે ગયા નથી. વડા પ્રધાન મોદીની યુક્રેન યાત્રા પાછળ કોઈ મજબૂત કારણ નથી. ખાસ કરીને જ્યારે યુદ્ધને કારણે તણાવ વધ્યો છે."
આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર પ્રવીણ સાવહનેએ લખ્યું, "રશિયાની સેના જ્યારે યુક્રેનના ડોનબાસમાં ઘણા મોરચાઓ પર આક્રમણ કરી રહી છે ત્યારે વડા પ્રધાન મોદીના યુક્રેન પ્રવાસનો ઉદ્દેશ્ય શું છે?"
જેએનયુમાં પ્રોફેસર હૅપ્પીમન જૅકબે લખ્યું, "વડા પ્રધાન મોદી યુક્રેનના પ્રવાસે શું કામ જઈ રહ્યા છે?"
જવાબમાં પ્રોફેસર જૅકબે વિદેશ મંત્રી એસ જયશંકરના પુસ્તક "ધી ઇન્ડિયા વે"નો એક અંશ શૅર કર્યો હતો.
આ અંશ પ્રમાણે, "ઊભરતી શક્તિઓ વૈશ્વિક વિરોધાભાસને કારણે સર્જાયેલી તકોને ઓળખે છે અને તેનો ઉપયોગ કરીને પોતાના રાષ્ટ્રીય હિતોને આગળ વધારે છે."
ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ પછી વડા પ્રધાન મોદી અને ઝેલેન્સ્કીએ બે વખત મુલાકાત કરી છે.
મે 2023માં મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે જાપાનમાં મુલાકાત થઈ હતી. બંને નેતાઓ જૂન 2024માં ઇટાલીમાં પણ મળ્યા હતા.
રક્ષા વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ લખ્યું, "આ સમયે મોદીનો યુક્રેન પ્રવાસ ખૂબ જ ખરાબ પુરવાર થઈ શકે છે. યુક્રેનના હુમલાઓ પછી રશિયા યુક્રેન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાને અહીં યુદ્ધવિરામમાં કોઈ રસ નથી."
બ્રહ્મા ચેલાનીએ બાંગ્લાદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે મોદીએ ભારતના વર્તમાન પડકારો પર ધ્યાન આપવું જોઈએ.
ભારત અને યુક્રેને મોદીના યુક્રેન પ્રવાસ વિશે શું કહ્યું?
વડા પ્રધાન મોદીના યુક્રેન પ્રવાસ વિશે ભારત અને યુક્રેનના વિદેશ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મય લાલને પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન મોદીના રશિયા પ્રવાસ પછી પશ્ચિમ દેશોએ કરેલી ટીકાને કારણે યુક્રેનનો પ્રવાસ થઈ રહ્યો છે?
તન્મય લાલે જવાબ આપ્યો, "ભારતના રશિયા અને યુક્રેન સાથે મજબૂત અને સ્વતંત્ર સંબંધો છે. આ સંબંધોનું પોતાનું અસ્તિત્વ છે. આ કોઈ એકનો ફાયદો અને બીજાના નુકસાન જેવી વાત નથી. વડા પ્રધાન મોદી રશિયાના પ્રવાસે ગયા હતા."
"ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. વડા પ્રધાન મોદીએ ઝેલેન્સ્કી સાથે પણ કેટલીક વખત મુલાકાત કરી છે. બંને નેતા હવે યુક્રેનમાં મળી રહ્યા છે. હાલમાં ચાલી રહેલા સંઘર્ષ વિશે પણ વાત થશે."
રશિયા અને યુક્રેન યુદ્ધ પર ભારતના વલણ વિશે તન્મય લાલે કહ્યું, "ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. કૂટનીતિ અને વાતચીત થકી આ સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે. આ કારણે કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે છે અને વાતચીત તેના માટે ખૂબ જ જરૂરી છે."
તન્મય લાલે કહ્યું, "કાયમી શાંતિ માત્ર એ વિકલ્પો થકી જ હાંસલ કરી શકાય જે બંને પક્ષોને સ્વીકાર્ય હશે. આ સંઘર્ષનું સમાધાન માત્ર વાતચીતથી જ સંભવ છે."
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના કાર્યાલય તરફથી પણ વડા પ્રધાન મોદીના યુક્રેન પ્રવાસ વિશે જાણકારી આપવામાં આવી છે.
ઝેલેન્સ્કીના કાર્યાલયના નિવેદન પ્રમાણે, 23 ઑગસ્ટે યુક્રેનના ફ્લૅગ ડેના દિવસે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેની સત્તાવાર મુલાકાતે આવશે. દ્વિપક્ષીય સંબંધોના ઇતિહાસમાં કોઈ પણ ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ યુક્રેન યાત્રા હશે.
આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય અને બહુપક્ષીય મદદ પર વાત થશે. ભારત અને યુક્રેન વચ્ચે કેટલાક દસ્તાવેજો પર મહોર લાગે તેવી પણ શક્યતા છે.
ભારત અને યુક્રેનના સંબંધ
છેલ્લાં 25 વર્ષોમાં ભારત અને યુક્રેન વચ્ચે વેપારી સંબંધમાં વધારો જોવા મળ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, નાણાકીય વર્ષ 2021-22માં બંને દેશો વચ્ચે લગભગ 3.3 અરબ ડૉલરનો વેપાર થયો હતો.
બીજી તરફ રશિયા અને ભારત વચ્ચે લગભગ 60 અબજ ડૉલરનો વેપાર થયો હતો.
વર્ષ 2030 સુધી ભારત અને રશિયા વચ્ચે 100 અબજ ડૉલરનો વેપાર થશે તેવી આશા છે. રશિયાના યુક્રેન પર હુમલા પછી રશિયા સાથે ભારતનો વેપાર વધ્યો છે.
ભારતે રશિયાના યુક્રેન પર હુમલાની ક્યારેય ટીકા કરી નથી અને સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ લાવેલા પ્રસ્તાવોનું સમર્થન પણ કર્યું નથી. જોકે, ભારત યુક્રેનમાં માનવીય મદદ પહોંચાડતો રહ્યો છે.
તન્મય લાલે કહ્યું કે મદદ તરીકે લગભગ 135 ટન સામાન યુક્રેન મોકલવામાં આવ્યો છે, જેમાં દવાઓ, ટેન્ટ, મેડિકલ ઉપકરણો અને જનરેટર સામેલ છે.
રશિયા અને યુક્રેનની વચ્ચે જ્યારે યુદ્ધ શરૂ થયું હતું ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા. આ વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ચાર હજાર હતી.
આ વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવા માટે પોલૅન્ડે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વડા પ્રધાન મોદી યુક્રેનની યાત્રા પહેલાં પોલૅન્ડની મુલાકાતે પણ જઈ રહ્યા છે. વડા પ્રધાન મોદી 40 વર્ષમાં પોલૅન્ડની યાત્રા કરનાર પ્રથમ ભારતીય વડા પ્રધાન છે.
યુક્રેન અને રશિયા મુદે ભારતનું વલણ?
વર્ષ 2023માં ભારતમાં જી-20 સંમેલનનું આયોજન થયું હતું. ભારતે ભારે દબાણ છતાં પણ યુક્રેનને આ સંમેલનમાં આમંત્રણ ન આપ્યું. જોકે, આ સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સામેલ થયા ન હતા.
પશ્ચિમી દેશોમાં જેટલાં પણ મોટાં સંમેલનોનું આયોજન થયું તેમાંથી મોટા ભાગનાં સંમેલનોમાં ઝેલેન્સ્કી હાજર રહ્યા હતા.
ઑક્ટોબર 2022માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેનના ચાર વિસ્તારો પર રશિયાનો કબજો અને ત્યાં જનમત સંગ્રહની વિરુદ્ધ ટીકા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભારતે ત્યારે આ પ્રસ્તાવથી અંતર જાળવ્યું હતું.
પશ્ચિમી દેશોના વિરોધ અને પ્રતિબંધો છતાં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખી હતી. આ રીતે ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ મેળવ્યું.
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ઘણા અવસરો પર આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
દિલ્હીમાં આયોજિત જી-20 સંમેલનના નિવેદનમાં પણ રશિયાને લઈને જે ભાષાનો ઉપયોગ થયો હતો તેની સાથે ચીન, રશિયા અને પશ્ચિમના દેશો પણ સહમત હતા.
શું ભારત રશિયા અને યુક્રેન બંને સાથે એક સમયે સંબંધ જાળવી શકશે?
ભારત અને રશિયાના સંબંધ ઐતિહાસિક છે. ભારત પોતાની રક્ષા જરૂરિયાતો વિશે લાંબા સમયથી રશિયા પર નિર્ભર છે.
ભારતીય વિદેશ મંત્રાલય રશિયાને લાંબાગાળાના અને સમયની કસોટી પર ખરા ઊતરનાર ભાગીદાર તરીકે ઓળખાવે છે.
ઇતિહાસની કેટલીક તારીખો આ વાતની સાક્ષી પણ છે.
સોવિયેટ યુનિયને 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે મધ્યસ્થની ભૂમિકા ભજવી હતી. ભારતનું 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે સોવિયેટ યુનિયને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સમર્થનમાં વીટોનો ઉપયોગ કર્યો હતો.
ભારત અને સોવિયેટ યુનિયન વચ્ચે વર્ષ 1971માં ‘પીસ, ફ્રૅન્ડશિપ અને કોઑપરેશન’ કરાર થયો હતો. સોવિયેટ યુનિયનનું પતન થયું ત્યારબાદ આ કરાર 1993માં ઇન્ડો-રશિયન ફ્રૅન્ડશિપ ઍન્ડ ટ્રીટીમાં ફેરવાઈ હતી.
યુક્રેન ઉપરાંત પણ ભૂતકાળમાં એવા કેટલાક પ્રંસગો બન્યા છે જ્યારે ભારતે સોવિયેટ યુનિયનના બીજા દેશો પર આક્રમણો પર મૌન જાળવી રાખ્યું હતું. જેમ કે 1956માં હંગેરી પર હુમલો હોય કે પછી 1968માં ચેકોસ્લોવાકિયા પર આક્રમણ કે પછી 1979માં અફઘાનિસ્તાન.
યુક્રેનના મામલે પણ ભારતનું વલણ અલગ રહ્યું નથી.
ભારત રશિયા અને યુક્રેન યુદ્ધમાં કોઈ એક પક્ષની તરફ જોવા મળતો નથી. ભારત એક તરફ રશિયા સાથે સંબંધ જાળવી રાખે છે તો બીજી તરફ યુક્રેનની મદદ પર ચાલુ રાખે છે.
ફેબ્રુઆરી 2022 પછી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરતા રહ્યા છે.
અમેરિકાની આગેવાનીમાં પશ્ચિમ દેશો રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનની સાથે છે. આ દેશોને બીજા દેશો પાસેથી પણ એ જ આશા છે. જોકે, ભારત દેશ છેલ્લાં અઢી વર્ષમાં આ દબાણ હેઠળ આવ્યો નથી.
યુદ્ધ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે વધેલો વેપાર આ વાતનો સાક્ષી છે.
પ્રોફેસર જૅકબે એક લેખમાં કહ્યું હતું, "રશિયાનું આક્રમક વલણ ભારતની નહીં, પરંતુ અમેરિકા અને પશ્ચિમ દેશોની સમસ્યા છે. નેટોનો વિસ્તાર રશિયાની સમસ્યા છે, ભારતની નહીં. ભારતની સમસ્યા ચીન છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારતને અમેરિકા, રશિયા અને પશ્ચિમી દેશોની મદદની જરૂર પડશે."
એટલે કે ભારત પોતાના હિત મુજબ રશિયા હોય કે યુક્રેન સંબંધ આગળ વધારી રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન