નિમિષા પ્રિયા : કેરળનાં નર્સ યમન કેવી રીતે પહોંચ્યાં, તેમના પર હત્યાનો આરોપ કઈ રીતે લાગ્યો?

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને આગામી 16 જુલાઈના રોજ મૃત્યુદંડ અપાશે એવા અહેવાલ સાથે ફરી એક વાર વિદેશી ધરતી પર મોતની સજાનો સામનો કરતાં કેરળનાં નિમિષાનો મામલો ચર્ચામાં આવ્યો છે.

હવે એક તરફ જ્યારે નિમિષા પ્રિયાને મૃત્યુદંડથી બચાવવાના આશયથી રચાયેલું જૂથે 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ' સુપ્રીમ કોર્ટમાં આ મામલે ભારત સરકારની દખલ માટે અરજી કરી છે.

જોકે, સામેની બાજુએ ભારતીય વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ બીબીસી સાથેની વાતચીતમાં 'ભારતના યમનના હૂતી વિદ્રોહીઓ સાથે રાજદ્વારી સંબંધ ન હોવાની' વાત કરી છે.

34 વર્ષીય નિમિષા હાલ યમનના પાટનગર સનાના કેન્દ્રીય કારાગારમાં બંધ છે. તેમના પર વર્ષ 2017માં તેમના પૂર્વ બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહદીની હત્યાનો આરોપ છે.

આ મામલામાં ધરપકડ બાદ વર્ષ 2020માં તેમને સનાની એક કોર્ટે મૃત્યુદંડની સજા કરી હતી. જેને યમનની સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખી હતી.

એ સમયથી અત્યાર સુધી નિમિષાના પરિવારજનો અને હિતેચ્છુઓ દ્વારા તેમને બચાવવા માટે ઘણી કોશિશો કરાઈ છે, પરંતુ અત્યાર સુધી તેમને મૃત્યુદંડથી બચાવવા માટેના નક્કર ઉકેલ પર કામ નથી થઈ શક્યું.

હવે જ્યારે આ કેસની આટલી ચર્ચા થઈ રહી છે ત્યારે એ જાણવું રસપ્રદ બની જાય છે કે આખરે ભારતના રાજ્ય કેરળનાં આ નર્સ યમન કેવી રીતે પહોંચ્યાં હતાં? અને આખરે ત્યાં તેમના પર હત્યાનો આરોપ કેવી રીતે લાગ્યો?

ડિસેમ્બર 2023માં બીબીસીનાં સંવાદદાતા ગીતા પાંડેના એક અહેવાલ પ્રમાણે નિમિષા પ્રિયા એક તાલીમબદ્ધ નર્સ છે અને 2008માં તેઓ કેરળથી યમન નોકરી કરવા ગયાં હતાં. તેમને યમનની રાજધાની સનાની એક સરકારી હૉસ્પિટલમાં નોકરી મળી હતી.

નિમિષા 2011માં કેરળ આવ્યાં અને ટોમી થૉમસ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી પતિ-પત્ની બંને યમન ગયાં, જ્યાં ડિસેમ્બર 2012માં તેમને એક દીકરીનો જન્મ થયો હતો.

થૉમસે બીબીસીને જણાવ્યું કે તેમને ત્યાં કોઈ સારી નોકરી ન મળવાથી નાણાકીય તકલીફો વધી ગઈ. તેથી તેઓ 2014માં દીકરીને લઈને કોચીન આવી ગયા.

તે જ વર્ષે નિમિષાએ પોતાની ઓછા પગારની નોકરી છોડીને એક ક્લિનિક ખોલવાનો નિર્ણય લીધો.

નિમિષા પર જેની હત્યાનો આરોપ છે એ મહદી કોણ છે?

યમનના કાયદા મુજબ ત્યાં ક્લિનિક શરૂ કરવા માટે એક સ્થાનિક ભાગીદાર રાખવાનું જરૂરી હતું. તેથી નિમિષાએ મહદીને પોતાના ભાગીદાર બનાવ્યા.

મહદી પાસે કપડાંની દુકાન હતી અને તેમનાં પત્નીએ નિમિષા જ્યાં કામ કરતાં હતાં તે જ ક્લિનિકમાં એક દીકરીને જન્મ આપ્યો હતો.

જાન્યુઆરી 2015માં નિમિષા જ્યારે ભારત આવ્યાં ત્યારે મહદી પણ તેમની સાથે આવ્યા હતા.

નિમિષા અને તેમના પતિએ મિત્રો અને પરિવારજનોની મદદથી નાણાકીય ટેકા માટે 50 લાખ રૂપિયા એકઠા કર્યા હતા.

એક મહિના પછી નિમિષા પોતાનું ક્લિનિક શરૂ કરવા યમન પરત ફર્યાં હતાં.

તેઓ પોતાના પતિ થૉમસ અને દીકરીને ત્યાં બોલાવવા પ્રયાસ કરી રહ્યાં હતાં, એ જ સમયે યમનમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું.

વર્ષ 2015માં જ્યારે દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારત સરકારે યમનમાં ફસાઈ ગયેલા હજારો ભારતીયોના રેસ્ક્યૂ માટે 'ઑપરેશન રાહત' શરૂ કર્યું હતું. ભારતીય નૅવી અને ઍરફોર્સની મદદ સાથે આ રેસ્ક્યૂ ઑપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

જોકે, નિમિષાની માફક કેટલાક ભારતીય સહિતના લોકોએ એ સમયે યમનમાં જ રહેવાનું પસંદ કર્યું.

આ ગાળામાં ભારતે યમનમાંથી 4600 ભારતીયો અને એક હજાર વિદેશી નાગરિકોને સલામત બહાર કાઢ્યા.

થોડા જ સમયમાં નિમિષાની તકલીફો શરૂ થઈ ગઈ. તેમણે પોતાના ભાગીદાર મહદી સામે ફરિયાદો શરૂ કરી.

વર્ષ 2017માં માહદીનો મૃતદેહ પાણીની ટાંકીમાં કપાયેલી અવસ્થામાં મળી આવ્યો હતો. એક માસ બાદ 2017માં નિમિષાની યમનની સાઉદી અરેબિયા સાથેની સરહદ ખાતેથી ધરપકડ કરાઈ હતી.

નિમિષા પર માહદીને એનેસ્થેસિયાનો 'ઓવરડોઝ' આપવાનો અને તેના મૃતદેહનો નાશ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

નિમિષાના વકીલનો દાવો છે કે માહદી નિમિષા પર શારીરિક અત્યાચાર કરતા, તેમણે નિમિષાના પૈસા અને પાસપૉર્ટ પર લઈ લીધા હતા. ઉપરાંત માહદી તેમને બંદૂક વડે ડરાવતા હતા.

એવી પણ દલીલ કરાઈ હતી કે નિમિષાએ માહદીને પોતાનો પાસપૉર્ટ મેળવવા માટે બેહોશ કર્યા હતા, પરંતુ આકસ્મિક રીતે ડોઝ વધી ગયો હતો.

યમનના પાટનગર સનાની કોર્ટે વર્ષ 2020માં મોતની સજા કરી હતી. યમનની સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2023માં નિમિષાની આ સજા વિરુદ્ધની અરજી ફગાવી દઈ, મોતની સજા બરકરાર રાખી હતી

નિમિષાનાં માતા પ્રેમકુમારીએ દિલ્હી હાઇકોર્ટમાં 2023માં એક અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું, "મહદીએ નિમિષાના ઘરમાંથી તેમનાં લગ્નના ફોટા ચોરી લીધા હતા. ત્યાર બાદ તેણે આ ફોટામાં ચેડાં કર્યાં અને તેણે નિમિષા સાથે લગ્ન કર્યાં હોવાનો દાવો કરવા લાગ્યો."

તેમાં જણાવાયું હતું કે મહદીએ ઘણી વાર નિમિષાને ધમકી આપી હતી. તેમણે "નિમિષાનો પાસપૉર્ટ જપ્ત કરી લીધો હતો. નિમિષાએ જ્યારે પોલીસને ફરિયાદ કરી તો પોલીસે તેમની છ દિવસ સુધી ધરપકડ કરી લીધી હતી."

2017માં નિમિષાના પતિ થૉમસને માહિતી મળી કે મહદીની હત્યા થઈ ગઈ છે.

થૉમસને યમનથી સમાચાર મળ્યા કે, "નિમિષાને તેમના પતિની હત્યાના આરોપમાં પકડવામાં આવ્યાં છે."

થૉમસ માટે આ આઘાતજનક સમાચાર હતા, કારણ કે નિમિષાના પતિ તો તેઓ હતા. પરિવારનું કહેવું છે કે મહદીએ નિમિષાના ફોટોગ્રાફને ઍડિટ કર્યા હતા અને પોતે નિમિષા સાથે લગ્ન કર્યાંનો દાવો કર્યો.

બીબીસી ન્યૂઝ મુજબ, "દિલ્હી હાઇકોર્ટમાં ફાઇલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે મહદીએ ક્લિનિકની માલિકીના બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા અને તેમના પર પોતાની માલિકીનો દાવો કર્યો હતો. તેઓ ક્લિનિકમાંથી રૂપિયા પણ લેતા હતા અને નિમિષાનો પાસપૉર્ટ પણ આંચકી લીધો હતો."

આ વર્ષે થોડા મહિના પહેલાં યમનના હૂતી નેતા મેહદી અલ-મશાદે મોતની સજાને મંજૂરી આપી.

જોકે, યમનમાં ઇસ્લામિક શરિયત કાયદો લાગુ હોઈ જો મૃતકના પરિવાર દ્વારા પૈસાના બદલે માફી આપવામાં આવે તો ફાંસીની સજાથી બચવાની એક તક રહે છે. આ વ્યવસ્થાને 'બ્લડ મની' અથવા 'દિયાહ' કહે છે.

એવું કહી શકાય કે યમનથી તેમને બચાવવાના તમામ કાયદાકીય રસ્તા હવે બંધ થઈ ચૂક્યા છે.

નિમિષાના પરિવાર પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે તેમને 16 જુલાઈએ યમનમાં મોતની સજા કરાશે, આ વાતને ધ્યાને લઈને હવે આ સજાથી બચવા માટેનો એકમાત્ર રસ્તો માહદી કુટુંબની માફી જ રહે છે.

નિમિષાના પરિવારજનો અને સમર્થકોએ માહદી પરિવારને દસ લાખ ડૉલર બ્લડ મની તરીકે ચૂકવવાની રજૂઆત કરી છે.

સૂત્રો અનુસાર, "ભારત સરકાર અન્ય માધ્યમો વડે પ્રયાસ કરી રહી છે. સૌથી મોટો પડકાર એ છે કે બ્લડ મનીની પેશકશને તલાલ અબ્દો મહદીનો પરિવાર સ્વીકારી નથી રહ્યો."

સ્વયંસેવક જૂથ 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ' કેન્દ્ર સરકારને માહદી કુટુંબ સાથે વાટાઘાટ કરવા માટે મદદ કરવા અરજી કરી છે.

બીબીસી સાથે વાત કરતાં નિમિષા પ્રિયાના પરિવારના વકીલ સુભાષ ચંદ્રને કહ્યું, "અમે ભારત સરકારને નિમિષાને બચાવવા માટે પૈસા આપવાનું નથી કહી રહ્યા. પૈસાની વ્યવસ્થા અમે ડોનેશન મારફતે કરી લઈશું."

તેમણે કહ્યું, "અમે ભારત સરકારને આધિકારિક રીતે માહદી કુટુંબ સાથે વાટાઘાટમાં અમારી મદદ કરવાની વિનંતી કરી છે."

સુપ્રીમ કોર્ટના જજ સુધાંશુ ધુલિયા અને જયમાલ્ય બાગચીએ આ અરજી ગ્રાહ્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે 14 જુલાઈના રોજ આ કેસની સુનાવણી કરવાનું ઠરાવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન