પૉલિસીનું કૌભાંડ : મરેલાને 'જીવતા' કરીને વીમા ઊતરાવ્યા, કેટલાકની'હત્યા' થઈ, દેશમાં છેતરપિંડી કેમની ચાલે છે?

બુલંદશહર, સુનીતા, વીમા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Prabhat Kumar/BBC

ઇમેજ કૅપ્શન, સંભલના જ એક ગામમાં રહેતાં પ્રિયંકા શર્મા
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

પશ્ચિમ ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસે ઘણી એવી ગૅંગનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો છે, જે વીમાની રકમ પડાવી લેવા માટે વિવિધ પ્રકારની છેતરપિંડી કરતી હતી.

ચાલુ વર્ષના જાન્યુઆરીમાં શરૂ થયેલી તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ તપાસનું નેતૃત્વ કરી રહેલાં સંભલનાં અધિક પોલીસ અધીક્ષક (એસએસપી) અનુકૃતિ શર્મા અનુસાર, ધરપકડ કરાયેલા લોકોમાં આશા વર્કર, બૅંક સાથે સંકળાયેલા કર્મચારીઓ, વીમાના દાવાના તપાસ અધિકારી અને બીજા ઘણા સામેલ છે.

પોલીસનો દાવો છે કે વીમાની રકમ પડાવી લેવા માટે ગંભીર રીતે બીમાર લોકોનો વીમો ઉતરાવવામાં આવ્યો, મૃત્યુ પામેલા લોકોને દસ્તાવેજોમાં જીવિત કરવામાં આવ્યા અને હત્યા પણ કરવામાં આવી.

આ સ્કૅમ માટે આધાર ડેટામાં ફેરફાર કરવામાં આવ્યા અને લોકોની જાણ બહાર બૅંકોમાં તેમનાં ખાતાં ખોલાવવામાં આવ્યાં.

બીબીસીએ એ બધી સંસ્થાઓ સાથે વાતચીત કરીને તેમનો પક્ષ જાણવાની કોશિશ કરી, જેમના પર પોલીસે આરોપ કર્યા છે, પરંતુ કોઈના તરફથી કશો જવાબ નથી મળ્યો.

દેશમાં વીમા પૉલિસીનું કૌભાંડ કેવી રીતે ચાલે છે?

સુભાષ, સ્કૅમ ગૅંગ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Prabhat Kumar/BBC

ઇમેજ કૅપ્શન, જૂન 2024માં સુનીતાના પતિ સુભાષના મૃત્યુ પછી સ્કૅમ ગૅંગ સાથે સંકળાયેલા લોકોએ વીમાની રકમ કાઢી લીધી અને સુનીતાને ખબર પણ ન પડી

જાન્યુઆરી 2025માં, પોલીસે જ્યારે રોડ ચેકિંગ દરમિયાન અચાનક બે આરોપીને કસ્ટડીમાં લીધા, ત્યાર પછી આ તપાસની શરૂઆત થઈ હતી.

આ આરોપીઓના મોબાઇલ ફોન અને ગાડીમાંથી મળેલા દસ્તાવેજોની જ્યારે ગહન તપાસ કરવામાં આવી, ત્યારે આ વીમા સ્કૅમ પરથી પરદો ખૂલતો ગયો અને એક પછી એક ધરપકડ થતી ગઈ.

અનુકૃતિ શર્મા કહે છે, "અમને ઘણાં રાજ્યોમાંથી ફરિયાદો મળી છે, હજારો પીડિત હોઈ શકે છે; અને આ વીમા છેતરપિંડી આસાનીથી 100 કરોડ કરતાં વધારેની હોઈ શકે છે."

બુલંદશહર, સુનીતા, વીમા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Prabhat Kumar/BBC

ઇમેજ કૅપ્શન, બુલંદશહરનાં નિવાસી સુનીતાના પતિ ગંભીર બીમાર હતા, તે દરમિયાન વીમા સ્કૅમ ગૅંગે તેમનો સંપર્ક કર્યો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બુલંદશહરના ભીમપુર ગામનાં નિવાસી સુનીતાદેવીના પતિ સુભાષ ગંભીર બીમાર હતા, ત્યારે વીમા ગૅંગે આશા વર્કરના માધ્યમથી તેમનો સંપર્ક કર્યો.

પોલીસનું કહેવું કે સુનીતાના પતિનો વીમો ઉતરાવવામાં આવ્યો અને તેમના પતિના મૃત્યુ પછી વીમા ગૅંગે તેમના બૅંક ખાતામાં આવેલી રકમ કાઢી લીધી.

સંભલ પોલીસે માહિતી આપી તે પહેલાં સુનીતાને આ વિશે કશી ખબર નહોતી. બુલંદશહરના ભીમપુર ગામનાં રહેવાસી સુનીતાના પતિનું મૃત્યુ જૂન 2024માં બીમારીના કારણે થયું હતું.

સંભલ પોલીસને ધરપકડ કરાયેલા આરોપીના ફોનમાંથી સુનીતાના દસ્તાવેજો મળ્યા હતા.

એએસપી અનુકૃતિ શર્મા કહે છે, "અમને આરોપીઓના ફોનમાંથી સેંકડો લોકોના વીમા સાથે સંકળાયેલા દસ્તાવેજ મળ્યા હતા. તપાસ માટે અમે એવા કેસ પસંદ કર્યા, જે અમારી આસપાસ હતા. પોલીસની ટીમ જ્યારે સુનીતા પાસે પહોંચી, ત્યારે તેમને ખબર જ નહોતી કે તેમના પતિનો વીમો ઉતરાવેલો હતો અને તેમનું કોઈ બૅંક ખાતું પણ છે, જેમાંથી રકમ કાઢી લેવામાં આવી છે."

સુનીતા અભણ છે અને તેમનો પરિવાર ખૂબ ગરીબ છે. ભીમપુર ગામમાં એક પડોશીના મકાનના એક રૂમમાં રહેતાં સુનીતાએ જણાવ્યું, "મારી પાસે પહેલાં આશા વર્કર આવ્યાં હતાં. તેમણે ફોર્મ ભરાવ્યું, આધાર કાર્ડ અને બીજા કાગળ જોડાવ્યા, સહીઓ કરાવી. તેમણે મને કહેલું કે સરકાર તરફથી તને વીમાના પૈસા મળી જશે અને પતિની સારવાર થઈ જશે."

બુલંદશહરના અનૂપશહરની યસ બૅંક શાખામાં સુનીતાનું ખાતું પણ ખોલાવ્યું હતું. વીમાના પૈસા આ જ ખાતામાં આવેલા, જેને બીજી કોઈ મહિલાએ બૅંકમાં જઈને સેલ્ફ ચેકથી ઉપાડી લીધા હતા.

એએસપી અનુકૃતિ શર્મા કહે છે, "આ સ્કૅમમાં આશા વર્કરથી લઈને બૅંક કર્મચારીઓ સુધી બધાં મળેલાં હતાં. સુનીતા ક્યારેય બૅંક ગયાં જ નથી અને તેમનું કેવાયસી કરાવીને ખાતું ખોલાવી લેવાયું. તેમનાં બૅંક ગયાં વિના સેલ્ફ ચેકના માધ્યમથી પૈસા કાઢી લેવાયા. અમે આ સંબંધમાં યસ બૅંકના બે ડેપ્યુટી મૅનેજરની પણ ધરપકડ કરી છે."

બીબીસીએ યસ બૅંક પાસેથી જાણવા ઇચ્છ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે બૅંક શું કરી રહી છે? પરંતુ બૅંક તરફથી કશો જવાબ આપવામાં નથી આવ્યો.

જમીન ગીરવી મૂકી, મંગળસૂત્ર વેચ્યું

પ્રિયંકા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Prabhat Kumar/BBC

ઇમેજ કૅપ્શન, પ્રિયંકાના પતિને કૅન્સર હતું, ત્યારે સ્કૅમ ગૅંગે તેમનો સંપર્ક કર્યો અને તેમને સરકારી સહાયની લાલચ આપી

પોલીસ અનુસાર, આ વીમા ગૅંગ એવા લોકોની શોધમાં રહેતી હતી, જે ગંભીર રીતે બીમાર હોય. આ ગૅંગ એવા પરિવારોને સરકારી સહાયનો ભરોસો આપીને દસ્તાવેજ મેળવી લે છે અને પછી મૃત્યુ થઈ ગયા પછી વીમાના પૈસા કાઢી લે છે.

આવો જ એક કિસ્સો સંભલના જ એક ગામમાં રહેતાં પ્રિયંકા શર્માનો છે. પ્રિયંકા શર્માના પતિ દિનેશ શર્મા કૅન્સરથી પીડિત હતા, ત્યારે વીમા ગૅંગે તેમનો સંપર્ક કર્યો.

પ્રિયંકા જણાવે છે, "હું મારા પતિને લઈને હૉસ્પિટલ જતી હતી, ત્યારે એ લોકો મને મળ્યા. તેમણે જણાવ્યું કે સરકાર તરફથી એ લોકો ગંભીર રીતે બીમાર લોકોની મદદ કરે છે. તમને પાંચ લાખ રૂપિયા સારવાર માટે મળશે અને જો પતિને કશું થઈ જાય તો 20 લાખ રૂપિયા મળશે."

પ્રિયંકા દાવો કરે છે કે સહાય અપાવવાની લાલચ આપનારા એ લોકોએ તેમની પાસેથી 1 લાખ 40 હજાર રૂપિયા લીધા અને તેમના બધા દસ્તાવેજ પણ લઈ લીધા.

કૅન્સરના કારણે પ્રિયંકાના પતિ દિનેશ શર્માનું માર્ચ 2024માં મૃત્યુ થઈ ગયું.

સંભલમાં વીમા છેતરપિંડીની તપાસ શરૂ થયા પછી પ્રિયંકાએ પણ પોલીસમાં ફરિયાદ કરી છે. જોકે, તેમની સાથે છેતરપિંડી કરનારા ત્રણમાંથી બે આરોપી અત્યારે ફરાર છે.

પતિના મૃત્યુ અને ત્યાર બાદ વીમાના નામે થયેલી છેતરપિંડીએ પ્રિયંકાને અંદરથી તોડી નાખ્યાં છે.

તેમની જમીન ગીરવી છે અને તેઓ દૂધ વેચીને કોઈક રીતે પોતાનાં ત્રણ બાળકોનો ઉછેર કરે છે.

અગાઉ મરી ગયેલા લોકોના વીમા લીધા

ત્રિલોક, વીમા સ્કેમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Prabhat Kumar/BBC

ઇમેજ કૅપ્શન, ત્રિલોકનું મૃત્યુ કૅન્સરના કારણે થયું હતું, ત્યાર પછી વીમા સ્કૅમ સાથે સંકળાયેલી ગૅંગે તેમના નામના દસ્તાવેજ તૈયાર કરીને વીમો ઉતરાવ્યો અને પછી તેમને મૃત બતાવીને વીમાની રકમ કાઢવાની કોશિશ કરી

વીમા છેતરપિંડીની તપાસ દરમિયાન એવા કેસ પણ જોવા મળ્યા, જેમાં મૃત્યુ પામેલા લોકોને દસ્તાવેજમાં જીવિત કરીને વીમો ઉતરાવવામાં આવ્યો.

આવો જ એક કેસ દિલ્હીના ત્રિલોકનો છે. કૅન્સરના કારણે જૂન 2024માં ત્રિલોકનું મૃત્યુ થઈ ગયું હતું.

ત્રિલોકના અંતિમ સંસ્કાર દિલ્હીના જ નિગમ બોધ સ્મશાન ઘાટમાં થયા હતા, જેની પહોંચ પણ છે.

સ્કૅમ ગૅંગે ત્રિલોકના મૃત્યુ પછી દિલ્હીની એક બૅંકમાં તેમના નામનું ખાતું ખોલાવ્યું, વીમા પૉલિસી કરાવી અને પછી દિલ્હીની જીબી પંત હૉસ્પિટલમાંથી તેમના મૃત્યુનું પ્રમાણપત્ર પણ બનાવડાવી લીધું.

આ ગૅંગ વીમાના પૈસા કાઢી લે તેની પહેલાં જ સંભલ પોલીસની પકડમાં આવી ગઈ.

આ છેતરપિંડીએ દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં રહેતાં ત્રિલોકનાં પત્ની સપનાને આઘાત આપ્યો છે.

સપના બુટિક ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બીબીસી સાથેની વાતચીતમાં સપનાએ કહ્યું, "મારા પતિનું મૃત્યુ થઈ ગયું હતું. તેમને દસ્તાવેજમાં જીવતા કરીને ફરીથી મારી નાખવામાં આવ્યા."

સપના પોતાના પતિને યાદ કરતાં ભાવુક થઈ જાય છે. સપના જણાવે છે, "અમે બધી જગ્યાએ સારવાર કરાવી, પરંતુ કૅન્સર વધતું જ ગયું. તેમના મૃત્યુ પછી હું ખૂબ ભાંગી પડી હતી."

ત્રિલોકના મૃત્યુના ત્રણ મહિના પછી વીમા ગૅંગે સપનાનો સંપર્ક કર્યો અને તેમને સરકારી સહાય અપાવવાની ખાતરી આપી.

સપના એવી રાહ જોતાં હતાં કે સરકાર દ્વારા તેમને મદદ મળશે. પછીથી દસ્તાવેજ લેનારી ગૅંગ સાથે સંકળાયેલા લોકોએ તેમના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું.

વીમા સ્કૅમની તપાસ દરમિયાન સંભલ પોલીસ જ્યારે સપના પાસે પહોંચી ત્યારે તેમને ખબર જ નહોતી કે તેમના પતિના મૃત્યુ પછી વીમો ઉતરાવવામાં આવ્યો છે.

સપના જણાવે છે, "જ્યારે પોલીસ આવી, હું ખૂબ ડરી ગઈ હતી. હું વિધવા છું અને જ્યારે પોલીસ આવી, ત્યારે બધાને લાગ્યું કે મેં કશું ખોટું કર્યું છે. પછી અનુકૃતિ શર્માએ મને ફોન કરીને જણાવ્યું કે તમારી સાથે ક્રાઇમ થઈ ગયો છે, તમારી ફાઇલ એટલા માટે પકડાઈ, કેમ કે, તમારા પતિને કાગળોમાં જીવતા કરીને, ફરીથી મારી નાખવામાં આવ્યા છે."

તેમણે આગળ કહ્યું, "આ ગૅંગ મારા જેવા એવા લોકોને નિશાન બનાવી રહી છે, જે પહેલાંથી જ પરેશાન છે. જો પોલીસ મારી સ્થિતિ ન સમજી હોત, તો આ છેતરપિંડીમાં હું જ ગુનેગાર બની જાત, કેમ કે, દસ્તાવેજ તો મારા જ ઉપયોગમાં લેવાયા છે."

અનુકૃતિ શર્મા કહે છે, "વીમાના પૈસા ઉપાડવા માટે મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી હોય છે. ત્રિલોકના કેસમાં દિલ્હીની જીબી પંત હૉસ્પિટલમાંથી મૃત્યુ પ્રમાણપત્ર બનાવડાવાયું."

જીબી પંત હૉસ્પિટલે સંભલ પોલીસને આપેલા જવાબમાં આ મૃત્યુ પ્રમાણપત્ર નકલી હોવાનું જણાવ્યું હતું.

સંભલ પોલીસે પાંચ જુલાઈએ જીબી પંત હૉસ્પિટલ સાથે જોડાયેલા એક સુરક્ષા ગાર્ડ અને વૉર્ડ બૉયની પણ ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે તેમણે જ હૉસ્પિટલના દસ્તાવેજોનો ઉપયોગ કરીને મૃત્યુ પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું.

આ ધરપકડોની પહેલાં બીબીસીએ આ સંબંધમાં જીબી પંત હૉસ્પિટલનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ, હૉસ્પિટલે કશો જવાબ ન આપ્યો.

ત્રિલોકની એક વીમા પૉલિસીના 20 લાખ રૂપિયા બૅંક ખાતામાં આવી ગયા હતા, પરંતુ ગૅંગના સભ્ય આ પૈસા કાઢી શકે એ પહેલાં જ સંભલ પોલીસે તેમની ધરપકડ કરી લીધી.

વીમાના પૈસા માટે 'હત્યાઓ' થઈ

ત્રિલોક, વીમા સ્કેમ, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, વીસ વર્ષના અમનના મૃત્યુને અકસ્માત બતાવીને વીમાની રકમનો એક ભાગ વસૂલી લેવાયો હતો; હવે પોલીસ તેને હત્યા માનીને તપાસ કરી રહી છે

વીમાના પૈસા માટે આ છેતરપિંડી માત્ર ગંભીર બીમાર લોકો કે મૃત્યુ પામેલા લોકો સુધી જ સીમિત ન રહી, પરંતુ પોલીસનો દાવો છે કે, વીમાની રકમ પડાવવા માટે હત્યાઓ પણ થઈ.

એએસપી અનુકૃતિ શર્મા દાવો કરે છે કે તપાસ દરમિયાન સંભલ પોલીસને હત્યાના ઓછામાં ઓછા એવા ચાર કેસ જોવા મળ્યા, જેમાં દુર્ઘટનામાં થયેલું મૃત્યુ દર્શાવવામાં આવેલું.

આ ચાર લોકોમાંથી એક હતા 20 વર્ષના અમન. પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમરોહા અને સંભલ જિલ્લાની સીમાએથી પસાર થતી સડક પર રહેલા પોલીસ સ્ટેશનથી લગભગ પાંચ કિલોમીટર દૂર એક સૂમસાન જગ્યાએ 20 વર્ષના અમનનું નવેમ્બર 2023માં અકસ્માતમાં મૃત્યુ દર્શાવીને વીમાની રકમ વસૂલી લેવામાં આવી હતી.

પછીથી, પોલીસ તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો કે વીમા ફ્રૉડ કરનારી ગૅંગે અમનની હત્યા કરી હતી.

અનુકૃતિ શર્મા કહે છે, "અમનની પૉલિસીના પણ ઘણા દસ્તાવેજ અમને આરોપીઓ પાસેથી મળ્યા હતા. જ્યારે તેમનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ જોયો, ત્યારે તેમના પીએમમાં આખા શરીર પર ક્યાંય વાગ્યાનું નિશાન નહોતું, માત્ર માથામાં ચાર ઈજા હતી."

અનુકૃતિ શર્મા કહે છે, "જ્યારે અમે એ ગૅંગના સાત લોકોને પકડ્યા, ત્યારે તેમાંના એકના મોંએથી નીકળી ગયું કે અમે રહરામાં જ જઈને હત્યાઓ કરીએ છીએ. તેમની વધુ પૂછપરછ કરી તો તેમણે સલીમ નામના છોકરાની હત્યા પણ કબૂલી. તે પણ બિલકુલ એ જ રીતે કરવામાં આવી હતી. આ કેસમાં તેમની પાસે વીમાના 78 લાખ રૂપિયા આવ્યા હતા."

અમનનું આધાર કાર્ડ દિલ્હીના છતરપુર વિસ્તારના ભાટી ખુર્દ ગામનું બનાવવામાં આવ્યું હતું. જોકે, સ્થાનિક લોકો અનુસાર, અમન ક્યારેય ત્યાં નથી રહ્યા.

સંભલ પોલીસે વીમા છેતરપિંડીની આ તપાસ દરમિયાન અલગ-અલગ ઘણા કેસ દાખલ કર્યા છે અને અત્યાર સુધીમાં લગભગ 60 લોકોની ધરપકડ કરી છે.

આધાર ડેટામાં ફેરફાર કરીને કેવી રીતે છેતરપિંડી થાય છે?

ત્રિલોક, વીમા સ્કેમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Sambhal Police

ઇમેજ કૅપ્શન, આધાર ડેટામાં ફેરફાર કરવા માટે આરોપીઓએ એક નકલી વેબસાઇટ બનાવી હતી

તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે સ્કૅમ કરવા માટે આધાર ડેટામાં ફેરફાર કરવામાં આવ્યા અને ખોટાં ઉંમર–સરનામાં નોંધાવવામાં આવ્યાં.

એએસપી અનુકૃતિ શર્મા કહે છે, "યુઆઇડીએઆઇએ ઘણા બધા સેફગાર્ડ બનાવ્યા છે, જેને બાયપાસ કરવા આસાન નથી, પરંતુ વીમા કરાવનારી ગૅંગનું નેટવર્ક એટલું જટિલ હતું કે તેમણે દરેક સેફગાર્ડને બાયપાસ કર્યા."

બીબીસીએ આધાર ડેટામાં કરાયેલા ફેરફારો બાબતે યુઆઇડીએઆઇ એટલે કે ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ પાસેથી એ જાણવા માગ્યું કે આવી છેતરપિંડીને રોકવા માટે કેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? પરંતુ કશો જવાબ મળી શક્યો નહીં.

આ તપાસની શરૂઆત વીમા દાવાના તપાસકર્તા ઓમકારેશ્વર મિશ્રાની ધરપકડથી થઈ હતી. તેઓ ત્યારે જેલમાં છે. ઓમકારેશ્વરના વકીલ નીરજ તિવારીએ બીબીસીને કહ્યું કે તેઓ નિર્દોષ છે અને તેમને ટૂંક સમયમાં જામીન મળી જશે.

વીમા સ્કૅમ સાથે સંકળાયેલા ઘણા આરોપીનો સંબંધ સંભલ જિલ્લાના એક નાના કસબા બબરાલા સાથે છે.

આરોપી સચીન શર્મા અને ગૌરવ શર્માનાં બબરાલામાંનાં ઘરે તાળાં છે. તેમના ઘણા પડોશી નામ જાહેર નહીં કરવાની શરતે જણાવે છે કે, લગભગ એક દાયકા પહેલાં તેમના પિતા સાઇકલ ટાયર પંચરની દુકાન ચલાવતા હતા.

સચીન શર્મા અને ગૌરવ શર્માના પરિવારનાં ગ્રેટર નોઇડામાં પણ ઘણાં મકાન છે. તેમનો પક્ષ જાણવા માટે અમે ગ્રેટર નોઇડામાં રહેતા તેમના પરિવારજનોની મુલાકાત લીધી, પરંતુ કોઈ જવાબ મળી શક્યો નહીં.

સંભલમાં ઉજાગર થયેલા આ વીમા સ્કૅમની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, અનેક પાસાં ખૂલી રહ્યાં છે. પોલીસનું કહેવું છે કે આ ઘણાં રાજ્યમાં ફેલાયેલું હોઈ શકે છે.

એએસપી અને અનુકૃતિ શર્મા કહે છે, "અમારી પાસે જે ફરિયાદો છે અને જે માહિતીઓ છે, તે ઘણાં રાજ્યોમાંથી છે. આ ખૂબ જટિલ સ્કૅમ છે, જેમાં ઘણાં સેક્ટરના લોકો જોડાયેલા છે. અમે આશા વર્કર, સરપંચથી લઈને બૅંક, ઇન્શ્યોરન્સ કંપનીના એજન્ટ, આધાર પીઓસી સેન્ટર સાથે જોડાયેલા લોકો, હૉસ્પિટલ સાથે સંકળાયેલા લોકો અને બીજાં ઘણાં સેક્ટર સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરી છે. તમે એમ કહી શકો છો કે એક અર્થવ્યવસ્થામાં જેટલા પ્લેયર્સ હોય છે, એક ફ્રૉડ ઇકૉનૉમીમાં પણ આ પ્રકારના ભ્રષ્ટ લોકો સામેલ છે."

વીમાની રકમ મેળવવા માટે સૌથી અગત્યનો દસ્તાવેજ મૃત્યુનું પ્રમાણપત્ર હોય છે.

વકીલ પ્રવીણ પાઠકે આ સ્કૅમ ઉજાગર થયા પછી દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી મૃત્યુનું પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માગ કરી છે.

પ્રવીણ પાઠક કહે છે, "કમ સે કમ એક સિસ્ટમ હોવી જોઈએ, ઑટોમેટેડ ડિજિટાઇઝ્ડ, જેમાં જાણી શકાય કે કોનું મૃત્યુ થયું છે અને તેના આધારે વેરિફિકેશન થઈ જાય, જેથી એવી પુષ્ટિ કરી શકાય કે કોનું મૃત્યુ થયું છે અને ક્યારે થયું છે. જો આ સિસ્ટમને સુધારી દેવાય, તો આવી ઘટનાઓને રોકી શકાય તેમ છે."

કેવાયસી દસ્તાવેજોનો ખોટો ઉપયોગ

મોટા પાયે થયેલી આ વીમા છેતરપિંડી ઉજાગર થયા પછી વીમા કંપનીઓ પણ ચિંતિત છે.

એસબીઆઇ લાઇફના સીઓઓ રજનીશ મધુકર કહે છે કે કંપની વીમા ધારકને તકલીફ આપ્યા વગર દાવાની પ્રોસેસ કરે છે, આનો છેતરપિંડી કરનારા ફાયદો ઉઠાવે છે.

રજનીશ મધુકર કહે છે, "વીમા દાવાની ચુકવણી કરતા સમયે એવું ધ્યાન રાખવામાં આવે છે કે દાવો કરનારને કશી મુશ્કેલી ન પડે; કેમ કે, કોઈના મૃત્યુ પછી પરિવાર પહેલાંથી જ ખૂબ પરેશાન હોય છે. તેમની વચ્ચે આ લોકો (સ્કૅમર) આવી જાય છે, જે છેતરપિંડી કરે છે."

આ છેતરપિંડીનાં મૂળમાં કેવાયસી એટલે કે ઓળખ સાથે સંકળાયેલા દસ્તાવેજોનો ખોટો ઉપયોગ છે.

એએસપી અનુકૃતિ શર્મા કહે છે, "સૌથી મોટો પડકાર એ છે કે આ છેતરપિંડી કરવા માટે લોકોના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ક્યારેક છેતરપિંડીની તપાસના ઘેરામાં એવા લોકો પણ આવી જાય છે, જેઓ ખરેખર પીડિત છે. સૌથી મોટો પડકાર એ જ છે કે આવા લોકોની સુરક્ષા કરવામાં આવે."

ઇન્શ્યોરન્સ રિસ્ક મૅનેજમૅન્ટ ઍસોસિયેશન સાથે સંકળાયેલા ડૉ. રમેશ ખરે કહે છે, "જ્યારે છેતરપિંડી કરનાર પકડાઈ જાય છે, ત્યારે જેના આધાર કાર્ડ, પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, એ જ લોકોને મુશ્કેલી પડે છે. એ સુનિશ્ચિત કરવામાં આવે કે કેવાયસીનો ખોટો ઉપયોગ ન થાય."

વીમા છેતરપિંડી વધી રહી છે – આઇઆરડીએઆઇ

ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ એટલે કે આઇઆરડીએઆઇએ વીમાક્ષેત્રમાં છેતરપિંડી રોકવા માટે વર્ષ 2024માં દિશાનિર્દેશ જાહેર કર્યા હતા, જેના અંતર્ગત કોઈ પણ છેતરપિંડી વિશે જાણ થાય તો તેની તપાસ અનિવાર્ય છે.

વીમા ફ્રૉડનું પ્રમાણ કેટલું મોટું છે, તેના કોઈ સત્તાવાર આંકડા નથી, જોકે, અનુમાનોના આધારે, તે હજારો કરોડમાં હોઈ શકે છે.

સંભલમાં ઇન્શ્યોરન્સ કૉન્ક્લેવમાં બોલતાં આઇઆરડીએઆઇનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મીનાકુમારીએ એવું સ્વીકાર્યું છે કે વીમા ફ્રૉડ સતત વધી રહ્યું છે.

મીનાકુમારીએ કહ્યું, "ઘણી વાર લોકો કહે છે કે છેતરપિંડી થવાથી વધુમાં વધુ શું થશે? વીમાના ક્લેમ વધી જશે. એવી સ્થિતિમાં, જ્યારે પણ શક્ય હોય છે, આવતા વર્ષે નવા પૉલિસી ધારકોએ તેની કિંમત ચૂકવવી પડે છે, કેમ કે, ક્લેમ વધવાના લીધે વીમાનું પ્રીમિયમ વધી જાય છે."

મીનાકુમારીએ જણાવ્યું કે આ સ્થિતિમાં તેની સીધી અસર એવા ગ્રાહકો પર પડે છે, જેઓ વીમા કંપનીઓ પાસે પૉલિસી લેવા આવે છે.

આ વીમા ફ્રૉડનો વ્યાપ કેટલો છે?, આ સવાલ પર અનુકૃતિ શર્મા કહે છે, "અમે પાંચ મહિનાથી તપાસ કરી રહ્યા છીએ. 60 જેટલા લોકોની ધરપકડ કરી છે. હજારો નકલી પૉલિસી સામે આવી છે. મને લાગે છે કે અમે કદાચ હજી 10 ટકા જ કામ કરી શક્યા છીએ. આવાં ફ્રૉડ રોકવા માટે હજુ ઘણું કામ કરવાનું બાકી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન