ભારતે ત્રીજી ટી20 મૅચમાં ઝિમ્બાબવેને 23 રનથી હરાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
પાંચ ટી20 મૅચોની સિરીઝની ત્રીજી મૅચમાં ભારતે ઝિમ્બાબવેને 23 રનથી હરાવ્યું છે.
આ જીત બાદ ભારતીય ટીમ આ સિરીઝમાં ઝિમ્બાબવેથી બે-એકથી આગળ છે.
ઝિમ્બાબવેના હરારેમાં રમાયેલી ત્રીજી ટી20 મૅચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા.
ભારત તરફથી કૅપ્ટન શુભમન ગિલે સૌથી વધારે 66 રન બનાવ્યા હતા.
183 રનના ટાર્ગેટ સાથે ઊતરેલી ઝિમ્બાબવેની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી.
ભારત તરફથી વૉશિંગ્ટન સુંદરે ચાર ઓવરમાં 15 રન આપીને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી. શાનદાર બૉલિંગ માટે સુંદરને પ્લેયર ઑફ ધ મૅચ બનાવાય.
ઑસ્ટ્રિયાની મુલાકાતે ગયેલા વડા પ્રધાન મોદીએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના ઑસ્ટ્રિયાની મુલાકાતે પહોંચ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમર સાથે રાજધાની વિયેનામાં મુલાકાત કરી અને યુક્રેન યુદ્ધ સહિત કેટલાક મુદ્દા પર વાત કરી હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "સૌથી પહેલાં હું ઊષ્માભરેલા સ્વાગત માટે ચાન્સેલર નેહમરનો આભાર પ્રકટ કરું છું. મને ખુશી છે કે મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ મને ઑસ્ટ્રિયા આવવાનો અવસર મળ્યો."
"મારી આ યાત્રા ઐતિહાસિક પણ છે અને વિશેષ પણ. 41 વર્ષ પછી કોઈ ભારતીય વડા પ્રધાને ઑસ્ટ્રિયાની મુલાકાત લીધી છે. આ પણ સુખદ સંયોગ છે કે આ યાત્રા એવા સમયમાં થઈ રહી છે જ્યારે આપણા પરસ્પર સહયોગના 75 વર્ષ પૂરા થયા છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "આજે મારા અને ચાન્સેલર નેહમર વચ્ચે બહુ સાર્થક ચર્ચા થઈ. અમે પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાની નવી સંભાવનાઓની ઓળખ કરી. અમે નિર્ણય લીધો છે કે સંબંધોને વ્યૂહાત્મક દિશા પ્રદાન કરવામાં આવશે. આવનારાં દસ વર્ષોના સહયોગ માટે માળખું તૈયાર કરવામાં આવ્યું છે."
તેમણે વધુમાં કહ્યું કે, "મેં અને ચાંસેલરે યુક્રેન સહિત દુનિયામાં ચાલી રહેલા બધા વિવાદો પર વાત કરી છે. મેં પહેલાં પણ કહ્યું છે કે આ યુદ્ધનો સમય નથી. સમસ્યાનું સમાધાન રણભૂમિમાં ન થઈ શકે. ક્યાંય પણ હોય માસૂમ લોકોના જીવની હાનિ સ્વીકાર્ય નથી."
ઑસ્ટ્રિયાના ચાંસેલર કાર્લ નેહમરે શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમરે કહ્યું, "ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચે બહુ સારા સંબંધ છે. આ વિશ્વાસનો સંબંધ છે જે 1950ના દાયકામાં શરૂ થયો હતો. ભારતે ઑસ્ટ્રિયાની મદદ કરી અને 1955માં ઑસ્ટ્રિયા રાજ્ય સંધિ ચર્ચાની સાથે હકારાત્મક નિષ્કર્ષ પર પહોંચી. ભૂ-રાજનીતિક સ્થિતિનો વિકાસ ભારત અને ઑસ્ટ્રિયાને એકજુટ કરે છે."
તેમણે કહ્યું કે, "પોતાની ઑસ્ટ્રિયા મુલાકાત પહેલાં વડા પ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. એટલે, શાંતિ પ્રગતિના સંબંધમાં રશિયાના ઇરાદા વિશે વડા પ્રધાનના વ્યક્તિગત મૂલ્યાંકન વિશે જાણવું મારા માટે વિશેષ રીતે મહત્ત્વપૂર્ણ હતું."
"અમારો સહિયારો હેતુ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના અનુરૂપ એક વ્યાપક, ન્યાયસંગત અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરવાનો છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "મારું મંત્રીમંડળ સતત યુરોપિયન યુનિયનના સંપર્કમાં છે. કાલે મારી કૅબિનેટે આ સંદર્ભમાં સંભાવિત દૃષ્ટિકોણ અને મુદ્દા વિશે ચાર્લ્સ મિશેલ સાથે ફોન પર વાત કરી. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ઑસ્ટ્રિયા એક સ્વતંત્ર અને સમૃદ્ધ યુક્રેન માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
વડા પ્રધાન મોદીના રશિયા પ્રવાસ અંગે હવે વ્હાઇટ હાઉસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વ્હાઇટ હાઉસે કહ્યું કે ભારતમાં એ ક્ષમતા છે કે તે યુદ્ધ ખતમ કરવા રશિયાને અપીલ કરી શકે છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરીન જીન પિયરેએ કહ્યું કે, "ભારત અને રશિયાના લાંબા અને ગાઢ સંબંધ ભારતને એ ક્ષમતા આપે છે કે તે રશિયાના અપીલ કરી શકે કે તે કારણ વિનાનું અને ક્રૂર યુદ્ધ ખતમ કરે."
"ભારત અમારું એક વ્યૂહાત્મક ભાગીદાર છે જેની સાથે અમે પૂરી રીતે ખૂલીને વાત કરી શકીએ, જેમાં ભારત રશિયાના સંબંધો પણ સામેલ છે જેના વિશે અમે પહેલાં પણ વાત કરી છે."
"મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ભારત સહિત તમામ દેશો યુક્રેનના મુદ્દે કાયમી અને ન્યાયી શાંતી માટેના પ્રયાસોને સમર્થન આપે. રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ શરૂ કર્યું છે, તે તેને સમાપ્ત પણ કરી શકે છે."
વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સાથે ગળે મળવાની તસવીર સામે આવ્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ નિરાશા વ્યક્ત કરી હતી, જ્યાર બાદ વ્હાઇટ હાઉસમાં પ્રેસ વાર્તા દરમિયાન પૂછાયેલા સવાલના જવાબમાં સચિવ પિયરે આ વાત કહી હતી.
દિવંગત કૅપ્ટન અંશુમાનસિંહનાં માતાએ અગ્નિવીર યોજના રદ કરવાની કરી અપીલ

ઇમેજ સ્રોત, @RASHTRAPATIBHVN
ગત વર્ષ જુલાઈમાં સિયાચીનમાં પોતાના સાથીઓને બચાવવા જતા પોતાના પ્રાણ ગુમાવનારા કૅપ્ટન અંશુમાનસિંહનાં માતાએ નરેન્દ્ર મોદી સરકારને અગ્નિવીર યોજના તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પાંચ જુલાઈએ કૅપ્ટન અંશુમાનસિંહનાં માતા મંજૂસિંહ તથા પત્ની સ્મૃતિસિંહને શાંતિકાળમાં આપવામાં આવતા દેશના બીજા સૌથી મોટા ગેલેન્ટ્રી ઍવોર્ડ કીર્તિ ચક્ર પ્રદાન કર્યું હતું.
મંજૂ અને તેમના પતિ રવિપ્રતાપસિંહે મંગળવારે રાયબરેલીમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
મંજૂએ પત્રકારોને કહ્યું, “અગ્નિવીર યોજના મામલે અમે રાહુલ ગાંધી સાથે વાતચીત કરી. અમે ગંભીરતાથી માનીએ છીએ કે આ યોજના રદ થવી જોઈએ. મેં હાલની સરકારને આ યોજના રદ કરવાની અને હાલ જે અગ્નિવીર તરીકે સેનામાં ફરજ બજાવે છે તેમને સેનાના જવાનોને મળતી તમામ સુવિધાઓ આપવાની માગ કરી છે.”
તેમણે કહ્યું, “હું રાજનાથસિંહને પણ મળી છું. તેમણે અમારી માગ પર સકારાત્મક વલણ દેખાડ્યું છે.”
ઉલ્લેખનીય છે કે 19 જુલાઈ, 2023ના રોજ સિયાચીનમાં સેનાના ઠેકાણામાં આગ લાગી હતી. આર્મી મેડિકલ કોરમાં મેડિકલ અધિકારી કૅપ્ટન અંશુમાન પોતાના સાથીઓને બચાવ્યા બાદ જીવનરક્ષક દવાઓ બચાવવા જતા પોતાના પ્રાણ ખોયા હતા.
તલાકશુદા મુસ્લિમ મહિલાઓ પણ ગુજરાન ખર્ચ મેળવવા માટે હકદાર, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

ઇમેજ સ્રોત, GETTYIMAGES/ROLLINGEARTH
સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો ચુકાદો આપતાં કહ્યું છે કે મુસ્લિમ મહિલાઓ પણ ગુજરાન ખર્ચ મેળવવા માટેની માગ કરી શકે છે.
જસ્ટિસ બી. વી. નાગરત્નાની આગેવાની ધરાવતી બે જજોની બૅન્ચે અપરાધિક પ્રક્રિયા સંહિતાના સેક્શન 125 અંતર્ગત ગુજરાન ખર્ચ માગનારાં એક મહિલાના કેસની સુનાવણીમાં આ ચુકાદો સંભળાવ્યો.
તેલંગાણા હાઇકોર્ટના દસ હજાર રૂપિયાનો ગુજરાત ખર્ચ આપવાના ચુકાદાને એક મુસ્લિમ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો.
તેમના વકીલે દલીલ કરી હતી કે મુસ્લિમ મહિલા(તલાક મામલામાં અધિકારોના સંરક્ષણ) કાયદો 1986 લાગુ છે એટલે સેક્સન 125 અંતર્ગત ગુજરાન ખર્ચ નહીં મળી શકે.
ઉલ્લેખનીય છે કે 1985માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેક્શન 125 એક સૅક્યુલર કાયદો છે જે તમામ મહિલાઓ પર લાગુ પડે છે. ત્યારે મોટા પાયા પર તેની સામે વિરોધપ્રદર્શનો થયાં હતાં. ત્યાર બાદ સરકારે 1986માં મુસ્લિમ મહિલા(તલાક મામલે અધિકારોનું સંરક્ષણ) કાયદો પસાર કર્યો હતો.
આગ્રા-લખનૌ એક્સ્પ્રેસ પર અકસ્માત, 18 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, ANKIT SHUKLA
ઉત્તર પ્રદેશના ઉન્નાવ પાસે એક માર્ગઅકસ્માતમાં બસમાં સવાર 18 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 19 લોકો ઘાયલ થયા છે.
અકસ્માત ત્યારે થયો જ્યારે એક સ્લીપર બસ આગરા-લખનૌ ઍક્સપ્રેસ વે પર ઉન્નાવ પાસેથી પસાર થઈ રહી હતી. બસ દૂધના ટૅન્કર સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત ઉન્નાવના ગઢા ગામ પાસે એક્સપ્રેસ વેના 248 નંબર માઇલ સ્ટોન નજીક સર્જાયો હતો.

ઇમેજ સ્રોત, ANKIT SHUKLA
પોલીસના મતે ટેન્કરને ઓવરટેક કરવાના પ્રયાસમાં આ દુર્ઘટના ઘટી હતી. ટેન્કર સાથે અથડાયા બાદ બસ ઍક્સપ્રેસ વે પર પલટી ગઈ હતી. જેને પગલે બસમાં સવાર કેટલાય મુસાફરોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર અકસ્માતનો ભોગ બનેલી સ્લિપર બસ બિહારના સીતામઢીથી મોતીહારી થતાં દિલ્હી જઈ રહી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં જિલ્લા પ્રશાસનને ઘટનાસ્થળે પહોંચીને ઝડપથી રાહતકાર્ય કરવાનો આદેશ આપ્યો છે.

ઇમેજ સ્રોત, BBC Whatsapp
ફ્રાંસને હરાવીને સ્પેન પહોંચ્યું યુરો કપની ફાઇનલમાં, યમાલે રચ્યો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
યુરો કપ 2024ની સેમિફાઇનલમાં મંગળવારે એક રોમાંચક મૅચમાં સ્પેને ફ્રાંસને 2-1થી હરાવી દીધું. ફ્રાંસ તરફથી આર. કોલો મુઆનીએ 8મી મિનિટમાં ગોલ કર્યો જ્યારે કે સ્પેન તરફથી લામીન યમાલે 21મી મિનિટ અને દાની ઑલ્મોએ 25મી મિનિટમાં ગોલ કર્યો.
આ સાથે જ આ ટુર્નામેન્ટમાં ફ્રાંસની સફર પૂર્ણ થઈ ગઈ.
સ્પેનની જીતમાં 16 વર્ષના લામીન યમાલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેઓ યુરોપિયન ચૅમ્પિયનશિપમાં સૌથી યુવા ગોલ સ્કોરર બન્યા. તેઓ પ્લેયર ઑફ ધ મૅચ પણ રહ્યા.
શરૂઆતમાં ફ્રાંસે સ્પેન પર લીડ બનાવી હતી પરંતુ 21મી મિનિટમાં યમાલના શાનદાર ગોલે મૅચનું પાસું પલટી નાખ્યું.
આજે નેધરલૅન્ડ્ઝ અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી સેમિફાઇનલ થશે જેમાં જે જીતશે તે ફાઇનલમાં સ્પેન સાથે રમશે.
ગાઝામાં વિસ્થાપિતોના કૅમ્પ પર ઇઝરાયલનો હવાઈ હુમલો, 29 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, REUTERS
દક્ષિણ ગાઝામાં એક શાળાની બહાર વિસ્થાપિત લોકોના કૅમ્પ પર કરાયેલા ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 29 લોકોનાં મૃત્યુ થયાં છે.
હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ખાન યુનિસના પૂર્વમાં સ્થિત અબસાના અલ-કબીરા કસબામાં અલ-આવદા શાળાના ગેટ પર હવાઈ હુમલો કરાયો છે.
ઇઝરાયલી સૈન્યે જણાવ્યું છે કે તેણે આ હુમલા 'હમાસની મિલિટરી વિંગના આતંકવાદીઓ'ને નિશાન બનાવવા માટે 'સટીક માર કરતા હથિયારો'નો ઉપયોગ કરીને કર્યો હતો.
સૈન્યે દાવો કર્યો છે કે ઇઝરાયલમાં સાત ઑક્ટોબરે થયેલા હુમલામાં આ શંકાસ્પદોએ ભાગ લીધો હતો. સૈન્યનું કહેવું છે કે આ હુમલામાં અલ-અવદા શાળાની પાસે જ વિસ્થાપિત લોકોના કૅમ્પમાં નાગરિકોના માર્યા જવાના સમાચારની તપાસ કરાઈ રહી છે.
એક સપ્તાહ પહેલાં જ ઇઝરાયલી સૈન્યે અબાસા અલ-કબીરા અને ખાન યુનિસના પૂર્વના વિસ્તારને ખાલી કરવા માટે આદેશ આપ્યા હતા. જેને પગલે હજ્જારોની સંખ્યામાં લોકો ત્યાંથી જઈ રહ્યા છે.












