અયોધ્યા : રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પછી કેટલાક લોકો કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે?

બીબીસી ગુજરાતી, અયોધ્યા, અયોધ્યા રામમંદિર
ઇમેજ કૅપ્શન, પૂજા વર્માનું કહેવું છે કે તેમણે બજારભાવ પ્રમાણે પ્લૉટ ખરીદ્યો હતો, પરંતુ, આવાસ વિકાસ પરિષદ સર્કલ રેટના આધારે સંપાદન કરે છે
    • લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
    • પદ, બીબીસી સંવાદદાતા, અયોધ્યાથી

રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થયાના એક વર્ષ પછી અયોધ્યા શહેર બદલાયેલું જોવા મળી રહ્યું છે.

ઉત્તરપ્રદેશને ધાર્મિક પર્યટનનું કેન્દ્ર બનાવવાની યોગી આદિત્યનાથ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજનામાં અયોધ્યા સૌથી મહત્ત્વનું છે. તેથી, શહેરમાં ઝડપભેર કામ ચાલી રહ્યાં છે.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અનુસાર, અયોધ્યામાં દરરોજ દોઢથી બે લાખ શ્રદ્ધાળુ આવી રહ્યા છે. સરકારનું કહેવું છે કે, શ્રદ્ધાળુઓ માટે મૂળભૂત સુવિધાઓનો ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે.

અયોધ્યામાં શું ચાલી રહ્યું છે?

બીબીસી ગુજરાતી, અયોધ્યા, અયોધ્યા રામમંદિર

ઇમેજ સ્રોત, BBC Hindi

ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં વિકાસકાર્ય ચાલુ છે, પરંતુ, સ્થાનિક લોકો એનાથી પરેશાન પણ છે

રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પછી શહેરમાં હજુ પણ કામ ચાલી રહ્યાં છે.

અનેક સ્થળોએ ખોદકામ અને રસ્તા પહોળા કરવામાં આવી રહ્યાં છે. રામમંદિરમાં પણ કામ ચાલી રહ્યું છે.

ધાર્મિક પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે પ્રવાસન વિભાગે 12.41 કરોડ રૂપિયાનો અલગથી પ્રસ્તાવ રજૂ કર્યો છે.

'રામ-પથ' બાદ 'ભક્તિ-પથ'નું પણ નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. લગભગ 15 જેટલી નવી ટ્રેન અયોધ્યા થઈને પસાર થઈ રહી છે.

અયોધ્યાથી દરરોજ લગભગ 12 ફ્લાઇટ્સ ઊડી રહી છે. જેમાં દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને બૅંગલુરુ માટે રોજિંદી ફ્લાઇટ્સ છે.

એરપૉર્ટ ટર્મિનલ ઇન્ચાર્જની ઑફિસે જણાવ્યું કે, હૈદરાબાદ માટે અઠવાડિયાના ચાર દિવસ ફ્લાઇટ્સ છે. પરંતુ, કેટલીક ફ્લાઇટ્સ બંધ પણ થઈ છે. તેમાં, જયપુર, દરભંગા અને પટણાની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી, અયોધ્યા, અયોધ્યા રામમંદિર

ઇમેજ સ્રોત, BBC Hindi

ઇમેજ કૅપ્શન, હિંદુ પંચાંગ પ્રમાણે, 11 જાન્યુઆરીએ જ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું

મનીષકુમાર રામમંદિરનાં દર્શન માટે કૅનેડાથી આવ્યા છે. તેમનું કહેવું છે કે, તેમનો અનુભવ સારો રહ્યો, પરંતુ, ફ્લાઇટ મોડી હતી.

અંબાલાથી રુચિ શર્મા અહીંનો વિકાસ જોવા આવ્યાં છે. રુચિ શર્માએ જણાવ્યું કે તેઓ એ જોવા આવ્યાં છે કે કેટલો વિકાસ થયો છે.

અયોધ્યામાં રહેતાં સુનીતા શર્માનું કહેવું છે કે, હવે એટલો વિકાસ થઈ ગયો છે કે પોતે રસ્તો ભૂલી જાય છે.

હિંદુ પંચાંગ પ્રમાણે, 11 જાન્યુઆરીએ જ રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રસંગે એક સભામાં કહેલું કે, અયોધ્યા હવે અયોધ્યા હોવાની અનુભૂતિ કરાવે છે.

તેમનો દાવો છે કે, અયોધ્યા વિકાસના નકશા પર ઊભરી રહ્યું છે, પરંતુ, તસવીરની બીજી બાજુ પણ છે.

અયોધ્યાનું બીજું પાસું

બીબીસી ગુજરાતી, અયોધ્યા, અયોધ્યા રામમંદિર

ઇમેજ સ્રોત, BBC Hind

ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં કેટલાક લોકોની ફરિયાદ છે કે તેમની જમીન ગેરકાયદેસર પડાવી લેવામાં આવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પત્રકાર ઇન્દુ ભૂષણ પાંડેય કહે છે કે, માત્ર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં વિકાસ થયો છે.

તેમણે કહ્યું, "અયોધ્યાનગરની બહાર, ફૈઝાબાદના જૂના શહેરમાં કશો ફેરફાર જોવા નથી મળતો."

આ ઉપરાંત, જમીનસંપાદન અને વળતર મુદ્દે સ્થાનિક લોકોની ફરિયાદોની યાદી ઘણી લાંબી છે.

અયોધ્યામાં વિકાસકાર્યની દલીલ રજૂ કરીને સરકાર સંપાદનના માર્ગે સતત નવી જમીનો શોધી રહી છે. પરંતુ, સરકારની સંપાદનનીતિ ઘણા લોકોને સમજાતી નથી.

ઘણા બધા સ્થાનિક જમીનમાલિક અને ખેડૂત એવા છે, જેઓ અયોધ્યામાં વિકાસ ઇચ્છે તો છે, પરંતુ, પોતાની જમીનની કિંમતે નહીં.

કેટલાક લોકોની ફરિયાદ છે કે તેમની જમીન ગેરકાયદેસર પડાવી લેવામાં આવી રહી છે અને પૂરતું વળતર પણ આપવામાં નથી આવતું.

સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતા અને પૂર્વ મંત્રી પવન પાંડેયે આરોપ કર્યો છે કે, ભાજપ સરકાર ખેડૂતોની જમીન ખૂબ જ ઓછા ભાવે લઈને 'પોતાના પૂંજીપતિ મિત્રોને આપી રહી છે'.

તેમણે કહ્યું, "સરકારના આ વલણથી ખેડૂતોના જીવનમાં સંકટ ઊભું થયું છે. તેમનું ઘર કઈ રીતે ચાલશે? સરકારે બજારભાવ પ્રમાણે ખેડૂતોને તેમની જમીનનું વળતર આપવું જોઈએ; કેમ કે, 2017થી સર્કલ રેટમાં કશો ફેરફાર નથી થયો."

બીજી તરફ, વહીવટી તંત્રની દલીલ છે કે સંપાદનની પ્રક્રિયા માપદંડોના આધારે પૂરી કરવામાં આવી રહી છે; અને આખરે, તેનો લાભ સ્થાનિક લોકોને જ મળી રહ્યો છે.

અયોધ્યામાં જમીન સંપાદન એક મોટી સમસ્યા

બીબીસી ગુજરાતી, અયોધ્યા, અયોધ્યા રામમંદિર

ઇમેજ સ્રોત, BBC Hindi

ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં વહીવટી તંત્રની દલીલ છે કે, સંપાદનની પ્રક્રિયા માપદંડોના આધારે પૂરી કરવામાં આવી રહી છે, જ્યારે સ્થાનિક લોકો કંઈક જુદું જ કહી રહ્યા છે

બીબીસીની ટીમ અયોધ્યા અને તેની આસપાસનાં અમુક ગામડાંમાં ગઈ હતી અને જમીનસંપાદન અંગે સ્થાનિક લોકો અને ખેડૂતોના અભિપ્રાય જાણવાની કોશિશ કરી હતી.

અમારા પ્રશ્નો પર ઘણા સ્થાનિક લોકો ગુસ્સે થઈ ગયા હતા. તેમનો આરોપ છે કે આ વિકાસમાં અયોધ્યાના લોકો પાછળ છૂટી રહ્યા છે.

અમારી મુલાકાત અયોધ્યાના સઆદતગંજમાં રહેતાં પૂજા વર્મા સાથે થઈ. પોતાની વ્યથા જણાવતાં તેઓ અનેક વખત રડી પડ્યાં. પૂજા વર્મા પોતાનાં બે બાળકો સાથે ભાડાના મકાનમાં રહે છે.

કોરોના મહામારી દરમિયાન તેમના પતિનું મૃત્યુ થયું હતું.

પતિના મૃત્યુ પછી તેમણે માઝા શહનવાઝપુરમાં એક પ્લૉટ ખરીદ્યો હતો. પરંતુ, આવાસ વિકાસ વિભાગ હવે તે પ્લૉટના સંપાદનની તૈયારી કરી રહ્યો છે.

પૂજાનું કહેવું છે કે તેમણે બજારભાવ પ્રમાણે પ્લૉટ ખરીદ્યો હતો, પરંતુ, આવાસ વિકાસ પરિષદ સર્કલ ભાવ પ્રમાણે સંપાદન કરી રહી છે.

પૂજા વર્માએ બીબીસીને કહ્યું, "અમારી જમીનની કિંમત છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે; જ્યારે બજારભાવ 48 લાખ રૂપિયા પ્રતિ 'બિસ્વા' (એક વીઘાનો વીસમો ભાગ) છે. અમને માર્કેટ રેટ પ્રમાણે પૈસા આપવામાં આવે અથવા તો તેનું સંપાદન કરવામાં ન આવે. અમે અનેક વખત આરટીઆઇ પણ કરી છે, પરંતુ, આવાસ વિકાસ પરિષદે કહ્યું કે, જમીનનું સંપાદન તો થશે."

બીબીસી ગુજરાતી, અયોધ્યા, અયોધ્યા રામમંદિર
ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે પ્રવાસન વિભાગે 12.41 કરોડ રૂપિયાનો અલગથી પ્રસ્તાવ રજૂ કર્યો છે

બીબીસીની ટીમ હકીકત જાણવા અયોધ્યાના માઝા શહનવાઝપુર ગઈ હતી.

ગામવાસીઓને બીબીસીને જણાવ્યું કે, પરિષદ આ ગામમાંથી પહેલાં જ 1,450 એકર જમીન લઈ ચૂકી છે.

હવે વધારાની 450 એકર જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે, પરંતુ, સંપાદિત કરાઈ રહેલી જમીનોની કિંમત બજારભાવ જેટલી આપવામાં નથી આવતી.

આ ગામમાં રહેતા રાજીવ અમેરિકામાં સૉફ્ટવેર એન્જિનિયર હતા. તેમણે 2004માં અયોધ્યાના શહનવાઝપુરમાં 84 બિસ્વા જમીન ખરીદી હતી.

રામમંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારે રાજીવ અમેરિકાની પોતાની નોકરી છોડીને ભારત આવી ગયા હતા.

રાજીવ તિવારીએ જણાવ્યું કે, "અમે વિચાર્યું હતું કે હોટલ બનાવીશું. અમને એનઓસી પણ મળ્યું છે. લૅન્ડ યૂઝ પણ બદલાવી નાખ્યો છે, પરંતુ, હવે આવાસ વિકાસ એનઓસી નથી આપતો. આ જમીન સંપાદન કાયદાનું ઉલ્લંઘન છે."

રાજીવ તિવારીનો આરોપ છે કે, પરિષદ અગાઉ સંપાદિત કરેલી જમીનોનો પણ ઉપયોગ નથી કરતી. તેમ છતાં, બીજી જમીનો લઈને માત્ર મોટા ઉદ્યોગપતિઓને વેચવામાં આવી રહી છે.

મઝા શહનવાઝપુરના કેટલાક લોકોનો આરોપ છે કે, અયોધ્યાના વિકાસમાં અયોધ્યાવાસી જ પાછળ છૂટી રહ્યા છે અને આવાસ વિકાસ ખેડૂતોની જમીન ઓછા પૈસામાં સંપાદિત કરે છે અને ઊંચા ભાવે વેચે છે.

કંઈક આવી જ પીડા ગગન જયસ્વાલની પણ છે. તેમણે જણાવ્યું કે, "વિચાર્યું હતું કે કંઈક કામ કરીશ. કોઈ નાનીમોટી હોટલ કે ઢાબો ખોલીશ. પરંતુ, હવે એવું કશું નથી થઈ શકતું."

"આ વિસ્તારમાં જમીનની કિંમત 48 લાખ બિસ્વા છે, પરંતુ, આવાસ વિકાસ પરિષદ અમને ફક્ત પાંચ લાખ રૂપિયા બિસ્વા આપી રહી છે. સામે, આ જ જમીન મોટા ઉદ્યોગપતિઓને એક કરોડના ભાવે વેચવામાં આવે છે."

સ્થાનિક ખેડૂત મંજિત યાદવનું કહેવું છે કે, ગામના રહેવાસીઓને જમીન પર પાકાં મકાન બાંધતાં પણ રોકવામાં આવે છે. તેમનો આરોપ છે કે, પરિષદ જમીન સંપાદન કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે.

બીબીસીએ આ આરોપ અંગે ભાજપના સ્થાનિક ધારાસભ્ય વેદ ગુપ્તા સાથે વાત કરી, તો તેમણે કહ્યું કે, કાયદાના ધોરણે જ વળતર આપવામાં આવે છે, અને સર્કલ રેટ કરતાં ત્રણ ગણું વધુ વળતર આપવામાં આવી રહ્યું છે.

સ્થાનિક ધારાસભ્યનો દાવો છે કે, સરકારે રામપથના નિર્માણ દરમિયાન તૂટેલી દુકાનો, અને મકાનો માટે પણ વળતર આપ્યું છે.

ભાજપ ધારાસભ્ય વેદ ગુપ્તાનું કહેવું છે કે, વર્તમાન સરકારે અયોધ્યામાં જેવો વિકાસ કર્યો છે એવો વિકાસ અત્યાર સુધી કોઈએ નથી કર્યો.

તેમણે કહ્યું કે, તેઓ પોતે 1974થી અહીં રહે છે અને આની પહેલાંની બધી સરકારોએ અયોધ્યાને નજરઅંદાજ કર્યું છે.

ઉત્તરપ્રદેશ આવાસ વિકાસ પરિષદ શું કહે છે?

બીબીસી ગુજરાતી, અયોધ્યા, અયોધ્યા રામમંદિર

ઇમેજ સ્રોત, BBC Hindi

ઇમેજ કૅપ્શન, માહિતી પ્રમાણે, રાજ્ય સરકારો પણ સ્ટેટ ભવન અને અન્ય નિર્માણકાર્યો માટે જમીનો લઈ રહી છે

ઉત્તરપ્રદેશ આવાસ વિકાસ પરિષદના હાઉસિંગ કમિશનર ડૉ. બલકારસિંહે બીબીસીને જણાવ્યું કે, રામમંદિરના નિર્માણ પછી અયોધ્યામાં લોકોની જરૂરિયાતો વધી ગઈ છે.

હોટલ અને રહેઠાણની માગ ઝડપથી વધી રહી છે, તેના કારણે માઝા શહનવાઝપુરમાં આવાસ વિકાસ પરિષદ બે તબક્કામાં 1,700 એકર જમીન લઈ રહી છે.

હાઉસિંગ કમિશનરે જણાવ્યું કે, તેના ઉપરાંત, રાજ્ય સરકારો પણ સ્ટેટ ભવન અને અન્ય નિર્માણકાર્ય માટે જમીન લઈ રહી છે.

ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટ હેઠળ મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડે જમીનસંપાદન કર્યું છે. જ્યારે રાજસ્થાન અને પૂર્વોત્તર રાજ્યોએ પણ જમીન સંપાદનના પ્રસ્તાવ મોકલ્યા છે.

બીબીસી ગુજરાતી, અયોધ્યા, અયોધ્યા રામમંદિર

ઇમેજ સ્રોત, BBC Hindi

ઇમેજ કૅપ્શન, ઉત્તરપ્રદેશ આવાસ વિકાસ પરિષદના હાઉસિંગ કમિશનર ડૉ. બલકાર સિંહનું કહેવું છે કે, ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે

બલકારસિંહે દાવો કર્યો કે આવાસ વિકાસ પરિષદ સર્કલ રેટના ચાર ગણા સુધી વળતર આપી રહી છે.

જોકે, જમીનની કિંમત નક્કી કરવાનું કામ આવાસ વિકાસ પરિષદનું નથી. આ જવાબદારી જિલ્લાના લૅન્ડ એક્વિઝિશન ઑફિસર અને કલેક્ટરની હોય છે.

ગામના લોકોના આરોપો અંગે તેમણે કહ્યું કે, ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું, "ખેડૂતોને લાગે છે કે ફ્રન્ટની જમીનનો ભાવ તેમના ભાગની જમીન માટે પણ મળવો જોઈએ. પરંતુ, શાસકીય સંસ્થા હોવાથી અમે 2013ના જમીન સંપાદન કાયદા હેઠળ કામ કરી રહ્યા છીએ."

પરિષદ એક હેક્ટર જમીન માટે આશરે 4.5 કરોડ રૂપિયાનું વળતર આપી રહી છે.

તેમણે કહ્યું, "જો તોપણ ખેડૂતોને આ વળતર સામે વાંધો હોય, તો તેઓ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે."

સરકારી જમીનો અંગે પણ વિવાદ

બીબીસી ગુજરાતી, અયોધ્યા, અયોધ્યા રામમંદિર

ઇમેજ સ્રોત, BBC Hindi

ઇમેજ કૅપ્શન, જૂના શહેરમાં આજે પણ ગટરનું પાણી માર્ગો પર વહે છે

અયોધ્યા અને આસપાસના વિસ્તારોમાં સરકારની જમીન અને વળતર મુદ્દે પણ વિવાદ ચાલી રહ્યો છે.

યુપીમાં લગભગ 25 હજાર હેક્ટર જમીન સરકાર હસ્તક છે, જેને સામાન્ય રીતે ભાડે આપવામાં આવે છે.

એ કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને આપવામાં આવે છે. આ જમીનો પર વર્ષોથી લોકો રહે છે. એ લોકોને એવી આશા છે કે એક દિવસ એ તેમને મફત મળી જશે.

હકીકતમાં, આઝાદી પહેલાં બ્રિટિશ શાસન કોઈની પણ જમીન જપત કરી લેતું હતું, જેમાં રાજાથી લઈને સામાન્ય માણસ સુધી કોઈ પણ હોઈ શકે. પરંતુ, આઝાદી પછી જે લોકો તેના માલિકી હકના કાગળ ન બતાવી શક્યા તેમની જમીન સરકારની થઈ ગઈ.

બીબીસીની ટીમ માઝા જમથરા ગઈ હતી, જે રામમંદિરથી એક કિલોમીટર દૂર છે.

અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે અધિકારીઓની દેખરેખ હેઠળ જમીન માપવામાં આવી રહી હતી.

એ ખેતરમાં ઘઉંનો પાક ઊભો હતો. સરકારી અધિકારી પોલીસની હાજરીમાં થાંભલા ખોડી રહ્યા હતા. અને, અધિકારીઓ સાથે ગામના લોકોની તકરાર પણ ચાલી રહી હતી.

ગામલોકોની દલીલ હતી કે, માપવામાં આવી રહેલી જમીન 'ખેવટ' એટલે કે જમીનદારની છે. તેના ઉપર તેઓ પૂર્વજોના સમયથી ખેતી કરી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી કહેવાઈ રહ્યું હતું કે આ સરકારી જમીન છે.

સ્થાનિક ખેડૂત મનીરામ યાદવે બીબીસીને જણાવ્યું કે, "અમે અનેક પેઢીઓથી આ જમીન પર ખેતી કરી રહ્યા છીએ, પરંતુ વહીવટી તંત્ર કહે છે કે, આના પર અમારો અધિકાર નથી. જો કોઈ અધિકાર નથી તો ખતવણીમાં એ અમલમાં કેમ નથી લવાતું. ફક્ત હેરાન કરી રહ્યા છે."

સ્થળ પર હાજર એસડીએમએ કહ્યું કે, માપવામાં આવતી જમીન પર ખેડૂતોનો કશો હક્ક બનતો નથી.

એસડીએમ વિકાસધર દુબેએ બીબીસીને જણાવ્યું કે, "જમીન નોંધણી નંબર 57ની જમીન સરકાર લઈ રહી છે, જેમાં 517 એકર જમીન સરકારની છે. પહેલાં આ લોકો ભાડાપટ્ટે હતા, પરંતુ 2014માં લીઝ રદ કરી દેવામાં આવી હતી. આ લોકોને પહેલાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈએ પોતાની મિલકતનો કાયદેસર એક પણ કાગળ બતાવ્યો નહીં."

વળતરના સવાલ અંગે એસડીએમનું કહેવું હતું કે, વળતરમાં એવું નથી કે જમીનના બદલામાં જમીન આપવામાં આવશે, કેમ કે, આ સરકારી જમીન છે.

સમાજવાદી પાર્ટીના સ્થાનિક કાઉન્સિલર રામ અંજોર યાદવનું કહેવું છે કે, અહીંયાં લોકો પેઢીઓથી ખેતી કરતા રહ્યા છે.

તેમણે કહ્યું કે, સરકાર પાસે પણ બેદખલ કર્યાનો રેકૉર્ડ નથી. ફક્ત મનનું ધાર્યું કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક પત્રકાર ઇન્દુ ભૂષણ પાંડેયે કહ્યું, "જૂના શહેરમાં હજુ પણ ગટરનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. ગલીઓ ભાંગીતૂટી છે. માત્ર બહારથી જ ચમકાવવામાં આવી રહ્યું છે."

"અયોધ્યા પહેલાં ધામ હતું. હવે અહીં માત્ર વ્યવસાય કરનારા લોકો આવી રહ્યા છે. અહીંના લોકોને રોજગાર પણ નથી મળતો, કેમ કે, માત્ર મોટી હોટલો બનાવાઈ રહી છે. મોટા ઉદ્યોગપતિઓને લાભ મળી રહ્યો છે."

તેમનું કહેવું છે કે, વિકાસ ફક્ત અયોધ્યાની આજુબાજુ થઈ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.