ગુજરાત : બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લો જાહેર થવાનો વિવાદ કેમ શમતો નથી?

ગુજરાત, બનાસકાંઠાસ, વાવ-થરાદ જિલ્લો, બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકારણ

ઇમેજ સ્રોત, paresh padhiyar

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત સરકાર વર્ષે 2025ની શરૂઆતમાં પહેલી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી.

નવા જાહેર કરેલા વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે જાહેરાત થઈ ત્યારથી અને હજુ પણ આ આઠ તાલુકામાંથી ત્રણ તાલુકાના લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે નવા જિલ્લાથી તેમને મુશ્કેલી પડી શકે તેમ છે.

દિયોદર તાલુકાના રહેવાસીઓ વાવ-થરાદને બદલે ઓગડ જિલ્લાની માગ કરી રહ્યા છે

તો ધાનેરા તાલુકાના લોકો બનાસકાંઠામાં જ રહેવા માગે છે. જ્યારે કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠામાં રહેવા માગે છે અને જો બનાસકાંઠામાં ન સમાવેશ કરાય તો તેઓ પાટણ જિલ્લામાં સામેલ થવા માગે છે. પરંતુ વાવ થરાદ જિલ્લામાં સામેલ થવા માગતા નથી.

દિયોદરના લોકોએ ઓગડ જિલ્લાની માગની અરજી સાથે સૂચિત નકશો પણ મૂક્યો હતો.

તેમનો દાવો છે કે નવા જાહેર કરેલા જિલ્લામાં દિયોદર એ મધ્યમાં પડે છે. જેમાં દિયોદરથી કાંકરેજ 20 કિમી, લાખણી 29 કિમી, ભીલડી 29 કિમી, રાધનપુર 45 કિમી, ભાભર 20 કિમી, સુઈગામ 48 કિમી, વાવ 42 અને થરાદ 40 કિમી છે.

જોકે જાણકારો કહે છે કે નવા જાહેર કરેલા જિલ્લા અંગે વિરોધ કરતાં ત્રણ તાલુકામાંથી દિયોદર અને કાકંરેજ તાલુકામાં સરકારને નુકસાન થઈ શકે છે. પરંતુ ધાનેરામાં નુકસાન થવાની શક્યતા દેખાતી નથી.

બનાસકાંઠાનું વિભાજન થતાં લોકો કેમ વિરોધ કરી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, Banaskantha : ધાનેરાને થરાદ જિલ્લામાં મુકાતા સ્થાનિકો અને નેતાઓએ વિરોધપ્રદર્શનમાં શું કહ્યું?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નવા જિલ્લાનો વિરોધ કરી રહેલા ત્રણેય તાલુકાના નાગરિકો અને નેતાઓ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

ધાનેરા હિતરક્ષક સમિતિના સદસ્ય અમૃત રાવલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "ધાનેરા તાલુકાના લોકોના સામાજિક તાણાવાણા પાલનપુર તરફી છે. ધાનેરા તાલુકાનાં ગામોનો ડાયમંડનો વ્યવસાય પાલનપુર સાથે છે. બાળકોને ભણાવવા માટે લોકો પાલનપુરમાં જ રહે છે. તેમજ સ્વાસ્થ્ય સુવિધાઓ માટે પણ પાલનપુર જ જાય છે. આથી જે લોકો સરકારી કામ અને અન્ય કામ સાથે કરીને આવી શકે છે."

"ધાનેરા તાલુકાનાં દરેક ગામમાંથી 10 ટકા લોકો પાલનપુર અને ડીસામાં જ રહે છે. જો વાવ થરાદ જિલ્લામાં જવાનું થાય તો લોકોને ઊલટું પણ પડી શકે તેમ છે. પાલનપુરની સરખામણીમાં વાવ થરાદ તરફ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ યોગ્ય ન હોવાને કારણે લોકોને હેરાન થવું પડે શકે છે."

તેમના કહેવા પ્રમાણે, ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તે અંગે તેમણે મુખ્ય મંત્રીને પણ મળીને રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે અમારી માગ અંગે વિચારણા કરવા અંગે અમને જણાવ્યું હતું.

તો કાંકરેજ તાલુકાના રહેવાસી ભૂપતજી ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "બનાસકાંઠાનું નામ બનાસ નદી પરથી પડ્યું છે. આ બનાસ નદી અમારા કાંકરેજ તાલુકામાંથી પસાર થાય છે. આ અમારો વારસો છે. આથી અમે બનાસકાંઠામાં જ રહેવા માગીએ છીએ. વાવ થરાદ વિસ્તાર અમારા માટે અતડો છે."

દિયોદરના સ્થાનિક નરસિંહભાઈ રબારીનું કહેવું છે કે સરકાર કહે છે કે તેમને પ્રજાની સુખાકારી માટે વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. પરંતુ પ્રજા માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં પ્રજાની ભાગીદારી જ નથી. સરકારે પ્રજાનો મત લે. સરકાર દ્વારા વાવ થરાદ જિલ્લો જાહેર કર્યો છે તેનાથી દિયોદર, કાંકરેજ, ધાનેરા અને ભાભરના લોકો નારાજ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા જિલ્લાની જાહેરાત સમયે કહ્યું હતું કે રાજ્ય સરકારે 'વહીવટી સુગમતા અને નાગરિકોના લાભ' માટે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ નામનો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે.

લોકોના વિરોધ મામલે બીબીસીએ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

ઓગડ જિલ્લાની માગ શું છે?

ગુજરાત, બનાસકાંઠાસ, વાવ-થરાદ જિલ્લો, બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકારણ

ઇમેજ સ્રોત, paresh padhiyar

દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવા માટે સ્થાનિકો 21 દિવસથી સતત વિરોધ કરી રહ્યા છે. રેલીઓ તેમજ સભાઓ કરી રહ્યા છે.

દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવા અંગેની માગ બહુ જૂની છે. આ અંગે દિયોદરના નાગરિકોએ અવારનવાર સરકારને રજૂઆત પણ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગેની શક્યતાઓ અંગે ચર્ચાઓ શરૂ થયા બાદ વર્ષ 2024માં જ દિયોદરના નાગરિકોએ ઓગડ જિલ્લા સંકલન સમિતિની રચના પણ કરી હતી.

આ સમિતિએ આસપાસના તાલુકાની સહકારી તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સહમતિપત્રક સાથે સરકારને અરજી પણ કરી હતી.

ઓગડ જિલ્લા સંકલન સમિતિના સદસ્ય દર્શન ઠક્કરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "દિયોદરને જિલ્લો બનાવવા માટેની અમારી માગ જૂની છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે હિલચાલ અંગે અંદાજ આવતા અમે અમારા ધારાસભ્યને મળ્યા હતા. તેમજ ઓગડ જિલ્લા સંકલન સમિતિની રચના કરી હતી."

ધારાસભ્યે કહ્યા અનુસાર, અમે લાખણી, ભાભર, કાંકરેજ વગેરે સ્થાનિક પંચાયત તેમજ નગરપાલિકામાંથી, તેમજ એપીએમસી જેવી સરકારી સંસ્થાઓમાંથી લેખિતમાં સમંતિપત્રક લીધા હતા. અમે 100 કરતાં વધારે સંમતિપત્રક મેળવ્યા હતા જેમાં લોકોએ દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવા સહમતિ દર્શાવી હતી.

તેઓ કહે છે કે અમે મુખ્ય મંત્રીને કરેલી અરજી સાથે 100 જેટલા સહમતિપત્રકો પણ જોડ્યા હતા. અમે નવેમ્બર 2024માં મહિનામાં મુખ્ય મંત્રીને અરજી કરી હતી."

કાંકરેજના રહેવાસી ભૂપતજી ઠાકોર જણાવે છે કે ઓગડનાથ સાથે અમારી બધાની ધાર્મિક લાગણી જોડાયેલી છે. આથી જો સરકાર દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરે તો અમે સમર્થનમાં છીએ. ઓગડ જિલ્લાનું મુખ્ય મથક દિયોદરને બનાવે તે અંગે પણ અમે સર્મથનમાં છીએ."

વિરોધ કરી રહેલા તાલુકાના ધારાસભ્યોનું શું કહેવું છે?

ગુજરાત, બનાસકાંઠાસ, વાવ-થરાદ જિલ્લો, બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

કાંકરેજના કૉંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "બનાસ નદી કાંકરેજ તાલુકામાંથી પસાર થાય છે. બનાસ નામ અમારા માટે અસ્મિતાનું નામ છે. આથી અમારી માગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે. આ માટે અમે કોઈ રાજકારણ કરી રહ્યા નથી. પરંતુ દરેક પક્ષના લોકો સાથે મળીને પ્રજાની વાત રજૂ કરી રહ્યા છીએ. પ્રજાએ સ્વયંભૂ બંધનું એલાન રાખ્યું હતું."

"કોઈ નાનામાં નાના વ્યક્તિને સરકારી કામ હોય તો તે પાલનપુર સરળતાથી પહોંચી શકે છે. તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરળ છે. જ્યારે વાવ થરાદમાં જવું ઘણું અઘરું છે. અમારો વિસ્તાર પાટણ લોકસભામાં આવે છે. આથી જો સરકાર અમને બનાસકાંઠામાં ન રાખે તો અમને પાટણમાં સમાવવા જોઈએ. પરંતુ અમારે વાવ થરાદ જવું નથી. જો સરકાર આ મુદ્દે વિચારણ નહીં કરે તો આગામી દિવસોમાં અમે આંદોલન પણ કરીશું."

તો દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવા અંગે અમે મુખ્ય મંત્રીને રજૂઆત કરી છે. આ સિવાય મારે કંઈ કહેવું નથી."

ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું કે "ધાનેરાના લોકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માગે છે. આથી બંધમાં અને રેલીમાં ધાનેરાના લોકો સ્વયંભૂ જોડાયા હતા. સરકારે બનાસકાંઠામાં છ તાલુકા અને નવા જાહેર કરેલા વાવ-થરાદ જિલ્લામાં આઠ તાલુકા જાહેર કર્યા છે. તો સરકારે ધાનેરા મામલે ફેરવિચાર કરીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવું જોઈએ."

તેમણે કહ્યું કે ધાનેરા હિતરક્ષક સમિતિ સાથે મળીને આગામી સમયમાં કાર્યક્રમો આપવામાં આવશે.

નવા જિલ્લાની જાહેરાતથી રાજકીય રીતે કેવી અસર થઈ શકે?

ગુજરાત, બનાસકાંઠાસ, વાવ-થરાદ જિલ્લો, બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

બનાસકાંઠાના વિભાજન બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ છે. જોકે તેમાં ધાનેરા નગરપાલિકાનો સમાવેશ કરાયો છે.

તાજેતરમાં ચાલતો લોકોનો વિરોધ આગામી ચૂંટણીમાં પણ વત્તેઓછે અંશે થોડી અસર ઉપજાવી શકે છે.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય નાયકે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "સામાન્ય રીતે નવા જિલ્લાનાં સીમાંકન શાસક પક્ષને ફાયદો થાય તે રીતે જ કરાતાં હોય છે. બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ મોટો છે, જેથી વહીવટી સરળતા માટે નવો જિલ્લો બનાવવામાં આવે પરંતુ જોવાનું એ છે કે નવા જિલ્લો જાહેર કરવાથી શું છેવાડાના જિલ્લાના માણસોની મુશ્કેલીમાં ફરક પડશે કે કેમ."

તેઓ કહે છે, "લોકોના વિરોધનો સત્તા પક્ષને વધારે ફરક પડતો નથી. તેનું કારણ છે કે આંદોલન અત્યારે ઉગ્ર છે પરંતુ ધીમેધીમે ઢીલું પડતું જશે. લોકોને બીજાં પણ કામ હોય છે, આથી તેઓ વધારે સમય સુધી આંદોલનને ચલાવી શકતા નથી."

રાજકીય વિશ્લેષક નીતિન પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવાની માગ જૂની છે. તેમજ તેની સાથે લોકોની લાગણી પણ જોડાયેલી છે. આથી ભાજપને થોડો ફરક પડી શકે છે."

"આ સિવાય કાંકરેજ કૉંગ્રેસનો ગઢ કહેવાય છે. હાલ ધારાસભ્ય પણ કૉંગ્રેસના છે. એટલે કાંકરેજમાં ભાજપને ચોક્કસ ફરક પડી શકે છે."

"ધાનેરામાં કોઈ ઝાઝો ફરક પડી શકે તેમ લાગતું નથી. ધાનેરાના લોકોને વાવ-થરાદ વધારે દૂર પડતું નથી. ધાનેરાનું આંદોલન એ અંદરોઅંદરની ખેંચતાણને કારણે ઊભું થયું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.