Ind Vs Eng: ભારત પાસે સિરીઝને બરાબરીમાં લઈ જવાની કેટલી અને કેવી તકો?

ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને યજમાન ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મૅચ રમાશે. બંને ટીમો આ મૅચ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઊતરશે.

જો ભારત ઓવલ ટેસ્ટ જીતશે તો ઍન્ડરસન-તેંડુલકર સિરીઝ 2-2થી ડ્રૉ જશે. ઇંગ્લૅન્ડ આ ટેસ્ટ મૅચને જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે, છતાં જરૂર પડ્યે ડ્રૉ સુધી લઈ જવાનો પ્રયાસ કરશે. યજમાન ટીમ આ સિરીઝમાં 2-1 થી આગળ છે, એટલે ડ્રૉના સંજોગોમાં પણ તે શ્રેણી જીતી શકશે.

શ્રેણીની શરૂઆતથી જ પ્રવાસી ભારતીય ટીમને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓની ખોટ સાલી રહી છે.

ત્યારે શ્રેણીને બરાબરી સુધી લઈ જવા માટે પણ ભારતે ખૂબ જ મહેનત કરવી પડશે, કારણ કે ભારત સામે બૉલિંગ અને સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી મોટી સમસ્યાઓ છે.

જસપ્રીત બુમરાહ નહીં રમે

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન શુભમન ગિલે બીબીસી રેડિયોના 'ટેસ્ટ મૅચ સ્પેશિયલ' સાથે વાત કરતા કહ્યું હતું, "જો બુમરાહને લાગે તે સંપૂર્ણપણે ફિટ છે અને ઉપલબ્ધ રહી શકશે, તો તે અમારા માટે મોટી વાત હશે."

"મને લાગે છે કે જો તે નહીં રમે તો પણ મને લાગે છે કે અમારી પાસે યોગ્ય બૉલિંગ ઍટેક છે."

ચાલુ વર્ષે મોટાભાગનો સમય બુમરાહને પીઠમાં ઈજાની સમસ્યા રહી છે, જેના કારણે તેમને ત્રણ ટેસ્ટ મૅચ જ રમાડવાનો ભારતે નિર્ણય કર્યો હતો, જોકે હવે આ છેલ્લી અને મહત્ત્વપૂર્ણ મૅચમાં તેમને ઉતારવામાં આવશે કે કેમ એ વિશે ચર્ચા ચાલુ છે.

ભારત માટે આશ્વાસનની વાત રહેશે કે ઓવલ ટેસ્ટ માટે આકાશદીપ ઉપલબ્ધ છે. આ વાતની પુષ્ટિ ખુદ ગિલે કરી દીધી હતી. ઈજાને કારણે આકાશદીપ ચોથી ટેસ્ટ મૅચ નહોતા રમી શક્યા.

જસપ્રીતે સિરીઝમાં 13 વિકેટ લીધી છે અને ભારત તરફથી સૌથી સફળ બૉલર છે. જોકે, ચોથી ટેસ્ટમાં તેઓ અપેક્ષાઓ ઉપર પાર નહોતા ઊતર્યા.

ઈજાગ્રસ્તો અસર કરશે?

ઈજાને કારણે નિર્ણાયક મૅચમાં જસપ્રીત બુમરાહના રમવા વિશે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

પરંતુ પગમાં ઈજાને કારણે ભારતીય ટીમના વિકેટકીપર ઋષભ પંત પાંચમી ટેસ્ટ મૅચ નહીં રમી શકે, તે પાક્કું છે. તેમને માનચેસ્ટર મૅચ દરમિયાન બૅટિંગ સમયે તેમને ઈજા પહોંચી હતી અને રિટાયર્ડ હર્ટ થયા હતા. જોકે, બીજા દિવસે ફરી બૅટિંગ માટે ઉતર્યા હતા અને અડધી સદી ફટકારી હતી.

કહેવાય છે કે પંતના સ્થાને સિલેક્ટરોની પહેલી પસંદ ઝારખંડના વિકેટકીપર ઇશાન કિશન હતા, તેઓ બ્રિટનમાં હતા અને કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા હતા, એટલે ઉપલબ્ધ બની શકે તેમ હતા.

પરંતુ તેમણે કથિત રીતે કહ્યું કે તેઓ સંપૂર્ણપણે ફિટ નથી એટલે રમી નહીં શકે.

પંતના કવર તરીકે તામિલનાડુના વિકેટકીપર નારાયણ જગદીશનને બોલાવવામાં આવ્યા છે. જોકે, ધ્રુવ જુરૈલ અગાઉથી જ ઇંગ્લૅન્ડમાં છે અને પંતની અવેજીમાં મેદાન ઉપર ઊતરી ચૂક્યા છે.

આ સંજોગોમાં પાંચમી ટેસ્ટ મૅચમાં નારાયણ જગદીશન માટે 'પહેલી ટેસ્ટ મૅચ' બને તેવી શક્યતા ઓછી છે. રોબીન ઉત્થપ્પા અને ચેન્નાઇ સુપરકિંગ્સના બૅટિંગ કૉચ માઇક હસ્સીએ જગદીશનના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

મીડિયા સાથે વાતચીતમાં નારાયણ જગદીશને ઇંગ્લૅન્ડ પહોંચવાના આમંત્રણ ઉપર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને પોતાના, માતા-પિતા અને કૉચ માટે ગર્વની ક્ષણ હોવાનું જણાવ્યું હતું.

ભારતીય ટીમના કૉચ ગૌતમ ગંભીરના કહેવા પ્રમાણે, તેઓ ઈજાગ્રસ્ત ખેલાડીના 'રિપ્લેસમેન્ટ'ની હિમાયત કરે છે. હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં માથાની ગંભીર ઈજા હોય તો જ રિપ્લેસમેન્ટ મળે છે.

બૉલિંગ આક્રમણ કેટલું દમદાર?

ઇંગ્લૅન્ડે ચોથી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં 669 રન ફટકાર્યા હતા અને ભારતીય બૉલરોની નબળાઈ સામે આવી ગઈ હતી.

બીજી ઇનિંગમાં ભારત 311 રનથી પાછળ હતું. પહેલી ઓવરમાં જ બે વિકેટ પડી ગઈ હતી અને એક તબક્કે ભારતની હાર નજીક જણાતી હતી.

આવા સંજોગોમાં રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદર જેવા બૉલરો અને ઑલ રાઉન્ડરોએ ભારતીય ઇનિંગને સંભાળી હતી અને સદીઓ ફટકારી હતી.

છેલ્લા દિવસે બંનેના પ્રયાસોથી ભારત પાસે 114 રનની લીડ હતી અને 10 ઓવર બાકી હતી, ત્યારે બંને ટીમો ડ્રૉ માટે સહમત થઈ હતી.

ઍડબસ્ટનની ટેસ્ટમાં આકાશદીપે 10 વિકેટ લીધી હતી અને પોતાનું પર્ફૉર્મન્સ કૅન્સરપીડિત બહેને અર્પિત કર્યું હતું. જોકે, એ પછી લૉર્ડ્સના મેદાન ઉપર સંઘર્ષ કરવો પડ્યો હતો અને ઑલ્ડ ટ્રાફૉર્ડની મૅચ ગુમાવી હતી.

આકાશદીપના સ્થાને અંશુલ કંબોજ મેદાનમાં ઊતર્યા. તેમણે માનચેસ્ટર ટેસ્ટમાં ડૅબ્યૂ કર્યું, પરંતુ ઇંગ્લૅન્ડની પરિસ્થિતિ ઢાળવામાં નિષ્ફળ રહ્યા હતા.

જોકે, આકાશદીપનું પુનરગામન ભારત માટે રાહતજનક બની રહેશે.

ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમના કૅપ્ટન બૅન સ્ટૉક્સ પણ આકાશદીપથી પ્રભાવિત છે, તેમણે કહ્યું હતું, "આકાશદીપ સાતત્યપૂર્ણ રીતે ચોક્કસાઈ સાથે બૉલના ઍંગલ બદલી શકે છે તેનો ઉપયોગ કરી શકે છે."

બેન સ્ટોક્સ નહીં રમે છેલ્લી ટેસ્ટ મૅચ

ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સે કહ્યું છે કે તેમને થયેલી ઈજાની અસર શિયાળામાં રમાનારી ઍશિઝ સિરીઝ પર નહીં થાય પણ તેઓ ભારત સામે પાંચમી અને છેલ્લી મૅચ નહીં રમે.

સ્ટોક્સને ખભામાં ઈજા થવાને કારણે તેઓ આ મૅચમાં સામેલ નહીં થાય. જોકે બે સ્ટોક્સનું કહેવું છે કે તેઓ છથી સાત અઠવાડિયાંમાં સાજા થઈ જવા જોઈએ.

તેમના સ્થાને ઓલી પોપ ઇંગ્લૅન્ડના કૅપ્ટન રહેશે.

સિરીઝની છેલ્લી ટેસ્ટ મૅચ 31 જુલાઈના ઓવલ ગ્રાઉન્ડ પર શરૂ થઈ રહી છે. સ્ટોક્સના સ્થાને આ ટેસ્ટમાં જેકબ બૅથલ રમશે.

આ ઉપરાંત છેલ્લી ટેસ્ટમાં જોફ્રા આર્ચર, બ્રાઇડન કાર્સ અને લિયમ ડૉસન પણ નહીં રમે. તેમના સ્થાને ગસ એટકિંસન, જૉસ ટંગ અને જેમી ઓવર્ટન લેશે.

પાંચ ટેસ્ટની સિરીઝમાં મેજબાન ઇંગ્લૅન્ડ 2-1થી આગળ છે. સિરીઝની ચોથી ટેસ્ટ ઓલ્ડ ટ્રૅફર્ડમાં રમાઈ હતી જે ડ્રૉ થઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન