સનેઈ તકાઇચી બની શકે છે જાપાનનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન - ન્યૂઝ અપડેટ્સ

જાપાનમાં સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીએ સનેઈ તાઇચીને પક્ષનાં નવાં નેતા ચૂંટ્યાં છે. આને પગલે 64-વર્ષીય તકાઇચી જાપાનનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન બની શકે છે.

તકાઈચી આ પહેલાં સરકારમાં મંત્રી પણ હતાં. તેઓ પૂર્વ ટીવી હોસ્ટ અને હેવી મૅટલ ડ્રમર પણ છે.

તકાઇચી જાપાનનાં રાજકારણમાં સૌથી ચર્ચિત હસ્તીઓમાંથી એક છે.

જો તકાઇચી જાપાનનાં વડાં પ્રધાન બનશે, તો તેમની સામે અન્ય પડકારોની સાથે પાર્ટીને એક રાખવાની ચૅલેન્જ પણ હશે.

IND vs WI : ટીમ ઇન્ડિયાની અમદાવાદ ટેસ્ટમાં મોટી જીત, બીજી ઇનિંગમાં જાડેજાની ચાર વિકેટ

ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી ટેસ્ટમૅચમાં વિજય થયો છે. બે ટેસ્ટમૅચની સિરીઝમાં પહેલી મૅચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. આ મૅચમાં ભારતે એક ઇનિંગ અને 140 રનથી જીત મેળવી છે.

ભારતે તેની પહેલી ઇનિંગ પાંચ વિકેટે 448 રને ડિક્લેર કરી દીધી હતી. ભારતીય ટીમને પહેલી ઇનિંગના આધારે 286 રનની લીડ મળી હતી. પરંતુ વેસ્ટ ઇન્ડિઝની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 148 રન પર આઉટ થઈ ગઈ હતી. તેણે પહેલી ઇનિંગમાં પણ માત્ર 162 રન જ બનાવ્યા હતા.

ભારત તરફથી વેસ્ટ ઇન્ડિઝની બીજી ઇનિંગમાં મહોમ્મદ સિરાજે ત્રણ, રવીન્દ્ર જાડેજાએ ચાર અને કુલદીપ યાદવે બે વિકેટો ઝડપી હતી. વૉશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી.

પહેલી ઇનિંગમાં ભારત તરફથી કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા અને ધ્રુવ જુરેલે સદી ફટકારી હતી. આમ રવીન્દ્ર જાડેજાએ ઑલરાઉન્ડ દેખાવ કર્યો હતો.

આ ટેસ્ટમૅચમાં જીત સાથે ભારતે સિરીઝમાં 1-0ની બઢત લઈ લીધી છે.

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર પર ભારતના નિવેદન બાદ પાકિસ્તાને આપી આ પ્રતિક્રિયા

ભારત તરફથી પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર (પીએકે)ને લઈને આપવામાં આવેલા નિવેદન પર પાકિસ્તાને પ્રતિક્રિયા આપી છે.

પાકિસ્તાને કહ્યું છે કે પીએકેના લોકો પાસે વ્યક્તિગત અધિકાર છે અને તેઓ પોતાના લોકતાંત્રિક ભવિષ્યને સારું બનાવવા માટે સક્રિય છે.

બીબીસી ઉર્દૂ અનુસાર, શુક્રવારે એક નિવેદનમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "પાકિસ્તાન કાશ્મીરી લોકોના સન્માન અને અધિકારના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. તેમાં શાંતિપૂર્ણ વિરોધ, અભિવ્યક્તિ અને આર્થિક વિકાસના અધિકારો પણ સામેલ છે."

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હિંસા અને વિરોધપ્રદર્શન યથાવત્ છે. પીએકેના ચમ્યાતી વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન ત્રણ પોલીસ કર્મચારીઓનાં મોત થયાં અને 150થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થઈ ગયા.

તેના પર શુક્રવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે 'પાકિસ્તાનના કબજા ધરાવતા જમ્મુ-કાશ્મીર'ના કેટલાક વિસ્તારોમાં વિરોધપ્રદર્શનો જોયાં છે. જેમાં પાકિસ્તાનીદળો દ્વારા નિર્દોષ નાગરિકો પર કરવામાં આવેલા અત્યાચારો સામેલ છે."

"અમારું માનવું છે કે પાકિસ્તાનના દમનકારી વલણ અને આ ક્ષેત્રોનાં સંસાધનોની લૂંટનું આ સ્વાભાવિક પરિણામ છે. આ ક્ષેત્રો પર તેમણે જબરજસ્તી અને ગેરકાયદે કબજો કર્યો છે. પાકિસ્તાનને પોતાના ભયાનક માનવાધિકાર ઉલ્લંઘનો માટે જવાબદાર ઠેરવવું જોઈએ."

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના વડા પ્રધાન અનવારૂલ હકે બુધવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં વિરોધપ્રદર્શનો દરમિયાન ત્રણ પોલીસકર્મીઓનાં મોતની ખબરની પુષ્ટિ કરી હતી.

જોકે, વિરોધપ્રદર્શનોનું નેતૃત્વ કરનારી સમિતિએ નવ લોકોનાં મોતનો દાવો કર્યો છે.

ગાઝાની શાંતિ યોજના પર હમાસની પ્રતિક્રિયા બાદ કતારે શું કહ્યું?

કતારે ગાઝામાં અમેરિકાની શાંતિ યોજના પર હમાસની પ્રતિક્રિયાનું સ્વાગત કર્યું છે. સાથે જ કતારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીઝફાયર તથા બંધકોની મુક્તિ સાથે જોડાયેલાં નિવેદનોનું પણ સમર્થન કર્યું છે.

કતારે નિવેદન જાહેર કરીને કહ્યું, "અમે રાષ્ટ્રપતિનાં એ નિવેદનોનું પણ સમર્થન કરીએ છીએ, જેમાં તેમણે બંધકોની સુરક્ષિત અને તત્કાલ મુક્તિ માટે તરત જ સીઝફાયરનું આહ્વાન કર્યું છે."

કતારે એમ પણ કહ્યું કે સીઝફાયર લાગુ કરવા માટે વાતચીત ફરીથી શરૂ કરવા માટે મધ્યસ્થ દેશ ઇજિપ્ત અને અમેરિકા સાથે મળીને કામ શરૂ કરી દીધું છે.

હમાસે પણ ટ્રમ્પના નિવેદન પર સહમતિ વ્યક્ત કરી છે. બીબીસી સાથેની વાતચીતમાં હમાસના પ્રવક્તાએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન 'પ્રોત્સાહિત કરનારું' છે.

પ્રવક્તાએ કહ્યું કે "હમાસ કેદીઓની અદલાબદલી, યુદ્ધને સમાપ્ત કરવા અને કબજા ધરાવતા વિસ્તારોમાં વાપસી સુનિશ્ચિત કરવા માટે તરત જ વાતચીત શરૂ કરવા તૈયાર છે."

ગાઝાની શાંતિ યોજના પર હમાસની પ્રતિક્રિયા બાદ પીએમ મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝામાં શાંતિ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોનું સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત આ પ્રકારના પ્રયાસોનું સમર્થન કરતું રહેશે.

પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું, "ગાઝામાં શાંતિની દિશામાં નિર્ણાયક પ્રગતિ માટે અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વનું સ્વાગત કરીએ છીએ. બંધકોની મુક્તિનો સંકેત એક મહત્ત્વપૂર્ણ પગલું છે."

તેમણે કહ્યું, "સ્થાયી અને ન્યાયપૂર્ણ શાંતિની દિશામાં તમામ પ્રયાસોનું ભારત દૃઢતાથી સમર્થન કરતું રહેશે."

ગાઝામાં શાંતિ માટે અમેરિકાની યોજના પર હમાસે પ્રતિક્રિયા આપી છે. જેને કારણે બચી ગયેલા ઇઝરાયલી બંધકોની મુક્તિ પર સહમતિ સધાઈ છે.

જોકે, હમાસે કહ્યું છે કે ગાઝામાં શાંતિ માટે બનાવાયેલી અમેરિકાની યોજનાના ઘણા મુદ્દા પર તે વાતચીત ઇચ્છે છે.

હમાસની પ્રતિક્રિયા બાદ ટ્રમ્પે ગાઝામાં શાંતિનું સમર્થન કરનારા દેશોનો આભાર વ્યક્ત કર્યો છે.

ઇઝરાયલી બંધકોની મુક્તિ પર હમાસની સહમતિ બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેમનો દેશ શાંતિ માટે 'ટ્રમ્પની યોજના' પર અમેરિકા સાથે મળીને કામ કરશે.

ઇઝરાયલી બંધકોને છોડવા અંગે હમાસની સહમતિ પર નેતન્યાહૂએ શું કહ્યું?

ઇઝરાયલી બંધકોની મુક્તિ પર હમાસની સહમતિ બાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેમનો દેશ શાંતિ માટે 'ટ્રમ્પની યોજના' પર અમેરિકા સાથે મળીને કામ કરશે.

ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં નેતન્યાહૂએ કહ્યું, "હમાસની પ્રતિક્રિયા બાદ ઇઝરાયલ તમામ બંધકોની તત્કાલ મુક્તિ માટે ટ્રમ્પની યોજનાના પહેલા ચરણને તરત લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે."

તેમણે કહ્યું, "અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા તેમની ટીમ સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે પૂર્ણ સહયોગ કરીશું."

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના બચી ગયેલા તમામ બંધકોને હમાસ છોડવા માટે રાજી થઈ ગયું છે. પરંતુ તેણે કહ્યું છે કે ગાઝામાં શાંતિ માટે બનાવેલી અમેરિકાની યોજનાના ઘણા મુદ્દા પર તે ચર્ચા કરવા માગે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી હમાસને ડેડલાઇન આપ્યા બાદ આ ધોષણા કરવામાં આવી.

હમાસ તરફથી બંધકોને છોડવાની ઘોષણા બાદ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "હમાસ તરફથી જાહેર થયેલા નિવેદનના આધારે મારું માનવું છે કે તેઓ સ્થાયી શાંતિ માટે તૈયાર છે."

ટ્રમ્પે કહ્યું, "ઇઝરાયલે ગાઝામાં બૉમ્બમારો તરત રોકવો જોઈએ. જેથી અમે બંધકોને સુરક્ષિત અને જલદી બહાર કાઢી શકીએ."

કેટલાક દિવસે પહેલાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસે હતા. જ્યાં ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે અમેરિકી શાંતિ યોજના પર સહમતિ બની હતી.

હમાસ બંધકોને છોડવા માટે રાજી, ટ્રમ્પે ઇઝરાયલને હુમલો રોકવા માટે કહ્યું

ઇઝરાયલના બચી ગયેલા તમામ બંધકોને હમાસ છોડવા માટે રાજી થઈ ગયું છે. પરંતુ તેણે કહ્યું છે કે ગાઝામાં શાંતિ માટે બનાવેલી અમેરિકાની યોજનાના ઘણા મુદ્દા પર તે ચર્ચા કરવા માગે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી હમાસને ડેડલાઇન આપ્યા બાદ આ ધોષણા કરવામાં આવી.

હમાસ તરફથી બંધકોને છોડવાની ઘોષણા બાદ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "હમાસ તરફથી જાહેર થયેલા નિવેદનના આધારે મારું માનવું છે કે તેઓ સ્થાયી શાંતિ માટે તૈયાર છે."

ટ્રમ્પે કહ્યું, "ઇઝરાયલે ગાઝામાં બૉમ્બમારો તરત રોકવો જોઈએ. જેથી અમે બંધકોને સુરક્ષિત અને જલદી બહાર કાઢી શકીએ."

કેટલાક દિવસે પહેલાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાના પ્રવાસે હતા. જ્યાં ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે અમેરિકી શાંતિ યોજના પર સહમતિ બની હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન