બાંગ્લાદેશમાં શેખ હસીનાના શાસનમાં વિરોધીઓને જેલમાં ગોંધીને કેવો જુલમ ગુજારવામાં આવતો હતો

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, અનબરાસન એથિરાજન
- પદ, બીબીસી સંવાદદાતા
ઢાકામાં પડી રહેલા વરસાદમાં જે વ્યક્તિ ભીંજાઈ રહ્યો હતો તેણે આ પહેલાં છેલ્લાં પાંચ વર્ષથી સૂર્યનું કિરણ જોયું નહોતું.
વરસાદી વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ તેમની આંખો પ્રકાશને ખમી શકતી ન હતી, કારણ કે તેમણે તેમના અંધકારભર્યા ઓરડામાં પાંચ વર્ષમાં ઉજાસનું કિરણ જોયું જ ન હતું. તેમના દિવસો આસપાસના ઉદ્યોગોમાં ચાલતાં પંખાઓના અવાજ અને લોકોને વેઠવી પડતી યાતનાઓના અવાજો સાંભળીને જ પસાર થતો હતો.
તેઓ બહાર નીકળીને રસ્તા પર ઊભા રહીને તેમની બહેનનો સંપર્ક નંબર યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
તેઓ જ્યાં હતા ત્યાંથી 200 કિલોમીટર દૂર રહીને એમની બહેન એક એવી વ્યક્તિ વિશે વાંચી રહી હતી જેનો બાંગ્લાદેશની સેનાના કુખ્યાત મિલિટરી ઇન્ટેલિજન્સના હૅડક્વાર્ટર ‘અયનાઘોર’ કે ‘હાઉસ ઑફ મિરર્સ’ ના એક ડિટેન્શન કૅમ્પમાંથી છૂટકારો થયો હતો.
આ એ વ્યક્તિઓ હતાં કે જેઓ શેખ હસીનાના વધતાં જતાં તાનાશાહી શાસન હેઠળ કથિતપણે ‘ગુમ’ થઈ ગયાં હતાં. એમાંના મોટાભાગના લોકો સરકારના કડક ટીકાકારો હતા.
પરંતુ વિદ્યાર્થીઓના આંદોલન પછી હવે શેખ હસીનાએ દેશ છોડી દીધો છે અને આ પ્રકારનાં કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે.
બાંગ્લાદેશના એક અંતરિયાળ વિસ્તારમાં એક યુવાન સ્ત્રી તેના કમ્પ્યૂટરની સ્ક્રીન પર જોઇને વિચારી રહી હતી કે શું તેણે જે પોતાના ભાઈના અંતિમસંસ્કાર બે વર્ષ અગાઉ કર્યાં હતાં એ આમાં સામેલ હશે?
2019માં ઢાકામાં જે દિવસે માઇકલ ચકમાને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અમુક લોકો આંખે પાટા બાંધીને ઉપાડી ગયા હતા એ દિવસે તેમને લાગ્યું હતું કે હવે બધું જ ખતમ થઈ ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે બાંગ્લાદેશના ચિત્તાગોંગ દક્ષિણ-પૂર્વ વિસ્તારના પર્વતીય પ્રદેશોમાં રહેતા બૌદ્ધ લોકોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેઓ અધિકારીઓની નજરમાં આવી ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની 17 કરોડની વસ્તીમાં માત્ર બે ટકા લોકો બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે.
માનવાધિકાર પર કામ કરતી સંસ્થા ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ પ્રમાણે તેઓ અતિશય કડક સ્વરમાં ચિત્તાગોંગના પહાડી વિસ્તારોમાં સેના દ્વારા આચરવામાં આવતા બળજબરીના કૃત્યોને ઉજાગર કરતાં હતાં અને સતત આ વિસ્તારમાંથી સેનાનું આધિપત્ય ખતમ કરવાની વાત કરતા હતા.
હાઉસ ઑફ મિરર્સની કોઠરીઓ

ઇમેજ સ્રોત, Getty Images
તેમને ઉઠાવી જવાયા ત્યારપછી તેમને હાઉસ ઑફ મિરર્સની કાળી કોઠરીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઇમારત ઢાકામાં ડિરેક્ટર જનરલ ઑફ ફૉર્સીસ ઇન્ટેલિજન્સના કમ્પાઉન્ડમાં આવેલી છે.
જે કોઠરીમાં તેમને રાખવામાં આવ્યા હતા તેમાં કોઈ જ બારી ન હતી કે ક્યાંયથી પણ પ્રકાશ આવતો ન હતો. માત્ર બે મોટા ઍક્ઝોસ્ટ ફૅન જ હતા.
તેઓ યાદ કરતાં કહે છે કે, “તમે થોડા દિવસ પછી દિવસ અને રાતનો ભેદ ભૂલતા જાઓ છો.”
તેઓ કહે છે કે, “હું કેદીઓને રડતા સાંભળતો હતો, પણ હું તેમને જોઈ શકતો ન હતો. તેમનો ચિત્કાર ડરામણો હતો.”
તેઓ જે લોકોનાં રડવાના અવાજ વિશે વાત કરી રહ્યા હતા તેમાંના કેટલાક તો તેમના સાથીદારો હતા. તેમાંના અનેક લોકોની પૂછપરછ પણ થઈ રહી હતી.
ચકમા કહે છે કે, “તેઓ મને ખુરશી સાથે બાંધતા અને તેને ખૂબ ઝડપથી ગોળ ગોળ ફેરવતા. વારંવાર તેઓ મને વીજળીનો શોક આપવાનો ડર બતાવતા હતા. તેઓ મને પૂછી રહ્યા હતા કે શા માટે હું શેખ હસીનાની ટીકા કરતો હતો.”
મૃત માનીને પરિવારે અંતિમવિધી કરી નાખી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યાં લોકોને કેદ કરવામાં આવ્યા હતા તે જગ્યાની બહાર ઊભા રહીને મિંટી ચકમા પોતાના ભાઈ ગુમ થઈ જવાના આઘાતમાં સરી પડ્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે, “અમે ઘણાં પોલીસસ્ટેશોએ પૂછપરછ કરવા માટે ગયા પરંતુ તેમણે કહ્યું કે તેમની પાસે કોઈ જ માહિતી નથી અને તેઓ કસ્ટડીમાં પણ નથી. મહિનાઓ વીતી ગયા અને અમને કશો જ ખ્યાલ આવતો ન હતો. મારા પિતાની તબિયત પણ ખરાબ થવા લાગી હતી.”
માઇકલને શોધવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને મિન્ટીએ 2020માં હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી.
પરંતુ તેમને ક્યાંયથી કોઈ જ માહિતી ન મળી.
તેઓ કહે છે, “આખું કુટુંબ ખૂબ જ આઘાત અને યાતનામાંથી પસાર થયું. મારા ભાઈના ઠેકાણાની ખબર ન હોવી તે ભયંકર હતું.”
ત્યારબાદ ઑગસ્ટ, 2020માં કોવિડ દરમિયાન માઇકલના પિતાનું અવસાન થયું. લગભગ 18 મહિના પછી પરિવારે નક્કી કર્યું કે માઇકલનું પણ મૃત્યુ થયું હશે.
"અમે આશા છોડી દીધી." મિંટી કહે છે. “તેથી અમારી બૌદ્ધ પરંપરા મુજબ અમે તેમના અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું જેથી આત્મા તેમના શરીરમાંથી મુક્ત થઈ શકે. ભારે હૃદયથી અમે એ વિધી કરી. અમે બધા ખૂબ રડ્યા."
હસીના સરકારે ટીકાકારોનાં મોં બંધ કર્યાં

ઇમેજ સ્રોત, Sardar Ronie
બાંગ્લાદેશમાં માનવાધિકાર જૂથો કહે છે કે, “શેખ હસીના ચૂંટાયાં તે વર્ષ 2009થી તેમણે કથિતપણે લાપતા થવાના લગભગ 600 કેસોનું દસ્તાવેજીકરણ કર્યું છે.”
ત્યારપછીનાં વર્ષોમાં શેખ હસીનાની સરકાર પર તેમના વિવેચકો અને અસંમતિ વ્યક્ત કરનારાઓને નિશાન બનાવવાનો આરોપ મૂકવામાં આવતો હતો. જેનાથી તેમના શાસન માટે જોખમ ઊભું થાય તેવી કોઈપણ અસંમતિને દબાવવાનો તેઓ પ્રયાસ કરતાં હતાં તેવો આરોપ છે. જોકે, આવા આરોપો તેમણે અને સરકારે હંમેશા નકારી કાઢ્યો હતો.
ગુમ થઈ ગયેલાં કહેવાતાં કેટલાક લોકોને આખરે મુક્ત કરવામાં આવ્યા હતા અથવા તો તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, અને અન્ય લોકો મૃત મળી આવ્યા હતા. હ્યુમન રાઇટ્સ વૉચનું કહેવું છે કે લગભગ 100 લોકો હજુ પણ ગુમ છે.
બાંગ્લાદેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવતી ગુપ્ત જેલોની અફવાઓ પરિવારો અને મિત્રો વચ્ચે ફેલાતી રહે છે. મિંટીએ લોકો કઈ રીતે ગુમ થાય છે તેના વીડિયો જોયાં અને તેઓ પ્રાર્થના કરી રહ્યાં હતાં કે તેમનો ભાઈ પણ ક્યાંક કસ્ટડીમાં હોય અને મળી આવે.
પરંતુ ઢાકામાં આવી જગ્યાનું અસ્તિત્વ મે, 2022માં નેત્રા ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ જ બહાર આવ્યું હતું.
રિપોર્ટમાં જાણવા મળ્યું કે આ જગ્યા ઢાકા લશ્કરી છાવણીની અંદર છે, જે શહેરના મધ્યમાં આવેલી છે. આ બિલ્ડિંગની અંદર રહી ચૂકેલા ઘણા લોકોએ વર્ણવેલી માહિતી પરથી ઘણા લોકોને સૂર્યપ્રકાશ વિનાની કોઠરીઓમાં રાખવામાં આવ્યા હોય તેવા માઇકલના દાવાઓને બળ મળે છે.
આ વર્ણનો કતાર અને વિયેતનામમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાજદૂત મારૂફ ઝમાનની વાતના પણ પડઘા પાડે છે. તેમને ડિસેમ્બર 2017માં હાઉસ ઑફ મિરર્સમાં પ્રથમવાર અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
બીબીસી સાથેનો તેમનો ઇન્ટરવ્યૂમાં તેમણે તેમની 15 મહિનાની અગ્નિપરીક્ષા વિશે વાત કરી હતી. તેમની મુક્તિના બદલામાં તેમણે જાહેરમાં વાત ન કરવી તેના માટે તેઓ અધિકારીઓ સાથે સંમત થયા હતા.
તેમને ડર હતો કે જે અન્ય લોકોએ આ ઇમારતની પાછળ શું બન્યું છે તેની વાત કરી છે તેમની સાથે જે બન્યું તેવું તેમની સાથે પણ કરવામાં આવશે. પણ 2022માં નેત્રા ન્યૂઝ સાથે ખુલ્લેઆમ વાત કરનાર વ્યક્તિએ હવે પોતાનું મોં ખોલ્યું છે કારણ કે હવે તેઓ બાંગ્લાદેશમાં નથી.
5મી ઑગસ્ટના રોજ શેખ હસીના નાસી ગયાં અને તેમની સરકાર પડી ભાંગી ત્યારથી મરૂફ ઝમાનને હવે બોલવું સલામત લાગે છે.
તેઓ વર્ણવે છે કે કેવી રીતે તેમને પણ સૂર્યપ્રકાશ વગરના રૂમમાં રાખવામાં આવ્યા હતા. બે ઘોંઘાટિયા ઍક્ઝોસ્ટ ફેન બહારથી આવતો અવાજ જાણે કે શોષી લેતા હતા.
તેમની પૂછપરછનું કારણ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા તેમણે લખેલા લેખો હતા. તેમણે જે લેખો લખ્યા તેમાં તેઓ એ જાણવા માગતા હતા કે ભારત સાથે શેખ હસીનાએ જે કરારો કર્યા હતા તે દિલ્હીની તરફેણ કેમ કરતા હતા?
તેમણે કહ્યું,"પ્રથમ સાડા ચાર મહિના સુધી તો એ ડૅથ ઝૉન જેવું જ હતું".
તેઓ વધુમાં કહે છે. “મને સતત માર મારવામાં આવ્યો, લાત મારવામાં આવી અને બંદૂકની અણી પર ધમકાવવામાં આવ્યો. આ અસહ્ય હતું. હું વિચારતો હતો કે માત્ર મૃત્યુ જ મને આ ત્રાસમાંથી મુક્ત કરશે.”
જોકે, તેમના થોડા સમય બાદ બીજા બિલ્ડીંગમાં ખસેડવામાં આવ્યા હતા.
મારૂફ કહે છે,“મહિનાઓમાં પહેલી વાર મેં પક્ષીઓનો અવાજ સાંભળ્યો. એ જોઇને મને ખૂબ સારું લાગ્યું હતું. હું તે લાગણીનું વર્ણન કરી શકતો નથી.”
આખરે માર્ચ 2019ના અંતમાં તેમની પુત્રીઓ અને સમર્થકો દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશને પગલે તેમને મુક્ત કરવામાં આવ્યા. માઇકલને કોઠરીમાં પૂરી દેવાયા તેના એક મહિના પહેલાં જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
શું આ બધું શેખ હસીનાની જાણબહાર થયું?

ઇમેજ સ્રોત, Getty Images
બહુ ઓછા લોકોને એવો વિશ્વાસ બેસે છે કે આ બધું ટોચની નેતાગીરીને જાણ વગર બન્યું હોય. આ ઘટનાઓમાં લોકોને જબરદસ્તીથી ગુમ કરી દેવા ઉપરાંત ન્યાયિક હત્યાઓ પણ સામેલ છે.
પરંતુ જ્યારે ચકમા જેવા લોકો વર્ષોથી ગુપ્ત જેલમાં બંધ હતા ત્યારે શેખ હસીના, તેમના મંત્રીઓ અને તેમના આંતરરાષ્ટ્રીય બાબતોના સલાહકાર ગોહેર રિઝવી અપહરણના આરોપોને સ્પષ્ટપણે નકારી રહ્યા હતા.
હસીનાના પુત્ર, સાજીદ વાઝેદ જોયે પણ આવા આરોપોને નકારવાનું ચાલુ રાખ્યું હતું અને લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓએ કાયદાની બહાર જઇને આવા કામ કર્યા હોય તેવું કહ્યું છે.
"હું સંપૂર્ણપણે સંમત છું કે આ બધું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. પણ હું માનું છું કે આવા ઑર્ડર ઉપરથી આવ્યા નથી. મને આની કોઈ જાણકારી નહોતી. આ બધું સાંભળીને હું પોતે ચોંકી ગયો છું,” તેમણે બીબીસીને કહ્યું.
પરંતુ માઇકલની સાથે, હાઉસ ઑફ મિરર્સમાંથી ઘણા હાઇપ્રોફાઇલ લોકો ઉભરી આવ્યા હતા. નિવૃત્ત બ્રિગેડિયર અબ્દુલ્લાહી અમાન આઝમી અને બેરિસ્ટર અહેમદ બિન ક્સેમ- આ બંને લોકોએ લગભગ આઠ વર્ષ ગુપ્ત કારાવાસમાં વિતાવ્યા હતા.
જિનીવામાં યુએન હ્યુમન રાઇટ્સ ઑફિસના પ્રવક્તા રવિના શામદાસાનીના જણાવ્યાં અનુસાર, “આનાથી ઘણી વાતો સામે આવી છે અને હવે બાંગ્લાદેશમાં સત્તા સંભાળનાર નવા જૂથોની એ જવાબદારી બને છે કે તેઓ જે જગ્યાએ લોકોને રાખવામાં આવ્યા હોય તે સ્થળોને જાહેર કરે અને જે લોકો ખરેખર ગુમ છે તેમની યાદી બહાર પાડે.”
બાંગ્લાદેશની વચગાળાની સરકાર સંમત થઈ છે અને આ અઠવાડિયાની શરૂઆતમાં તેણે 2009થી શેખ હસીનાના શાસન દરમિયાન સુરક્ષા એજન્સીઓ દ્વારા લાગુ કરાયેલા ગુમ થવાના કેસોની તપાસ કરવા માટે પાંચ સભ્યોના કમિશનની સ્થાપના કરી છે.
અને જે લોકો આ અગ્નિપરીક્ષામાંથી બચી ગયા છે તેમને ન્યાય જોઈએ છે.
મારૂફ ઝમાન કહે છે કે, “અમે ઈચ્છીએ છીએ કે ગુનેગારોને સજા મળે. તમામ પીડિતો અને તેમના પરિવારોને વળતર મળવું જોઈએ.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












