તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યર્પણ : 26/11ના મુંબઈ હુમલા દરમિયાન શું-શું થયું હતું?

તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યર્પણ, 26/11નો મુંબઈ હુમલો, ભારત, બીબીસી ગુજરાતી, આતંકવાદી હુમલો, અમેરિકા, નરીમાન હાઉસ

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/Getty Images

ઇમેજ કૅપ્શન, હુમલા દરમિયાન તાજમહલ હોટલની બહાર એક સુરક્ષાકર્મી (ફાઇલ ફોટો)

મુંબઈ પર થયેલા 26/11ના હુમલાના આરોપી તહવ્વુર રાણાનું અમેરિકાથી ભારતમાં પ્રત્યર્પણ કરી લેવાયું છે.

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) કહ્યું કે, 26 નવેમ્બર 2008એ મુંબઈમાં થયેલા હુમલા માટે જવાબદાર તહવ્વુર રાણાનું ગુરુવારે અમેરિકાથી સફળ પ્રત્યર્પણ કરી લેવાયું છે.

એનઆઇએએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે, પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થયા પહેલાં રાણા અમેરિકામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. રાણા પાસેના બધા જ કાયદેસર વિકલ્પ સમાપ્ત થઈ ગયા હતા, આ કારણે તેમનું પ્રત્યર્પણ થઈ શક્યું છે.

અમેરિકામાં વર્ષ 2013માં તહવ્વુર રાણા પોતાના મિત્ર ડેવિડ કોલમૅન હેડલી સાથે મુંબઈ હુમલાને અંજામ આપવાના અને ડેનમાર્કમાં હુમલાની યોજના બનાવવાના આરોપમાં દોષિત ઠર્યા હતા. આ કેસોમાં અમેરિકાની અદાલતે તહવ્વુર હુસૈન રાણાને 14 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

26/11ના દિવસે મુંબઈમાં શું શું થયું હતું?

તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યર્પણ, 26/11નો મુંબઈ હુમલો, ભારત, બીબીસી ગુજરાતી, આતંકવાદી હુમલો, અમેરિકા, નરીમાન હાઉસ

ઇમેજ સ્રોત, @NIA_India

ઇમેજ કૅપ્શન, તહવ્વુર રાણા સાથે એનઆઇએના અધિકારી, દિલ્હીમાં

26 નવેમ્બર 2008એ લશ્કર-એ-તૈયબાના તાલીમબદ્ધ અને ઘણાં બધાં હથિયારોથી સજ્જ 10 ચરમપંથીઓએ મુંબઈમાં ઘણી જગ્યાઓ અને પ્રતિષ્ઠિત ઇમારતો પર હુમલો કર્યો હતો, જે ચાર દિવસ સુધી ચાલ્યો. મુંબઈ હુમલામાં 160થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.

વર્ષ 2008ની 26 નવેમ્બરની એ રાત્રે મુંબઈ એકાએક ગોળીઓના અવાજથી ભયભીત બની ગયું હતું. હુમલાખોરોએ મુંબઈની બે પંચતારક હોટલો, એક હૉસ્પિટલ, રેલવે સ્ટેશનો અને એક યહૂદી કેન્દ્રને નિશાન બનાવ્યાં હતાં.

શરૂઆતમાં કોઈને અંદાજ નહોતો કે આટલો મોટો હુમલો થયો છે. પરંતુ, ધીમે ધીમે આ હુમલાનો વ્યાપ અને તેની ગંભીરતા સમજાવા લાગ્યા. 26 નવેમ્બરની રાત્રે જ આતંકવાદ વિરોધી દળના વડા હેમંત કરકરે સહિત મુંબઈ પોલીસના ઘણા ઉચ્ચ અધિકારીઓએ પણ આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો.

લિયોપોલ્ડ કાફે અને છત્રપતિ શિવાજી ટર્મિનસથી શરૂ થયેલું મોતનું આ તાંડવ તાજમહલ હોટલમાં પહોંચીને સમાપ્ત થયું. પરંતુ, આ દરમિયાન સુરક્ષાકર્મીઓને 60થી વધારે કલાક લાગ્યા. 160થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ચાલો જાણીએ, તે રાત્રે ક્યાં શું થયું હતું.

લિયોપોલ્ડ કાફે

તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યર્પણ, 26/11નો મુંબઈ હુમલો, ભારત, બીબીસી ગુજરાતી, આતંકવાદી હુમલો, અમેરિકા, નરીમાન હાઉસ

ઇમેજ સ્રોત, PAL PILLAI/Getty Images

ઇમેજ કૅપ્શન, લિયોપોલ્ડ કાફે મુંબઈનું પ્રખ્યાત લૅન્ડમાર્ક છે. અહીં ઘણા વિદેશી પર્યટક આવે છે. આ જ કારણે હુમલાખોરોએ તેને ટાર્ગેટ કર્યું (ફાઇલ ફોટો)

મુંબઈ પોલીસ અને તપાસ અધિકારીઓ અનુસાર, હુમલાખોરો બે-બેના જૂથમાં વહેંચાયેલા હતા. લિયોપોલ્ડ કાફેમાં પહોંચેલા બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યા.

આ કાફેમાં મોટા ભાગે વિદેશીઓ આવે છે. વિદેશી પર્યટકોમાં આ કાફે ઘણું લોકપ્રિય છે. ત્યાં હાજર લોકો કશું સમજી શકે એ પહેલાં હુમલાખોરોએ જોરદાર ગોળીબાર કર્યા અને ત્યાંથી નીકળી ગયા.

સત્તાવાર આંકડા અનુસાર, લિયોપોલ્ડ કાફેમાં થયેલા ગોળીબારમાં 10 લોકો મૃત્યુ પામ્યા.

છત્રપતિ શિવાજી ટર્મિનસ

તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યર્પણ, 26/11નો મુંબઈ હુમલો, ભારત, બીબીસી ગુજરાતી, આતંકવાદી હુમલો, અમેરિકા, નરીમાન હાઉસ

ઇમેજ સ્રોત, Supriya

ઇમેજ કૅપ્શન, છત્રપતિ શિવાજી ટર્મિનસ (ફાઇલ ફોટો)

મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું એક છે. આતંકનું સૌથી વધુ તાંડવ આ ભીડવાળા રેલવે સ્ટેશન પર થયું.

અહીં મોટી સંખ્યામાં રેલવે મુસાફરો હતા. હુમલાખોરોએ અહીં આડેધડ ગોળીઓ છોડી. તપાસ અધિકારીઓ અનુસાર, અહીં કરાયેલા ગોળીબારમાં અજમલ આમિર કસાબ અને ઇસ્માઇલ ખાન સામેલ હતા.

અજમલ આમિર કસાબ પછી પકડાઈ ગયો, પરંતુ ઇસ્માઇલ ખાન માર્યો ગયો. અહીં થયેલા ગોળીબારમાં સૌથી વધારે 58 લોકો મૃત્યુ પામ્યા.

ઓબેરૉય હોટલ

ઓબેરૉય હોટલ વેપારી વર્ગમાં ઘણી લોકપ્રિય છે. હુમલાખોરો મોટા પ્રમાણમાં દારૂગોળા સાથે આ હોટલમાં પણ ઘૂસ્યા હતા.

એવું મનાય છે કે, તે સમયે આ હોટલમાં 350 કરતાં વધારે લોકો હાજર હતા. અહીં હુમલાખોરોએ ઘણા લોકોને બંધક પણ બનાવ્યા.

રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનોએ અહીં બંને હુમલાખોરોને મારી નાખ્યા.

તાજમહલ હોટલ

તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યર્પણ, 26/11નો મુંબઈ હુમલો, ભારત, બીબીસી ગુજરાતી, આતંકવાદી હુમલો, અમેરિકા, નરીમાન હાઉસ

ઇમેજ સ્રોત, Uriel Sinai/Getty Images

ઇમેજ કૅપ્શન, તાજમહલ હોટલ મુંબઈની લગભગ સૌથી મોટી લૅન્ડમાર્ક છે. ગેટવે ઑફ ઇન્ડિયા નજીક આવેલી આ ઐતિહાસિક ઇમારતમાં ઘણા કલાકો સુધી સુરક્ષાદળોનું ઑપરેશન ચાલ્યું હતું (ફાઇલ ફોટો)

તાજમહલ હોટલના ગુંબજમાં લાગેલી આગ આજે પણ લોકોનાં મનમસ્તિષ્ક પર છવાયેલી છે. ગોળીબાર અને ધડાકાઓ વચ્ચે મુંબઈની આન-બાન-શાન સમી તાજમહલ હોટલની આગને લોકો ભાગ્યે જ ભૂલી શકશે.

આ ઇમારત 105 વર્ષ જૂની છે. ગેટવે ઑફ ઇન્ડિયા પાસે સ્થિત તાજમહલ હોટલ વિદેશી પર્યટકોમાં ઘણી લોકપ્રિય છે. અહીંથી સમુદ્રનો નજારો પણ દેખાય છે.

જ્યારે હોટલ પર હુમલો થયો, ત્યારે ત્યાં રાત્રિભોજનનો સમય હતો અને ઘણા બધા લોકો ત્યાં ભેગા થયા હતા. એવામાં, અચાનક જ ધાણીફૂટ ગોળીબાર થવા લાગ્યો.

સરકારી આંકડા અનુસાર, તાજમહલ હોટલમાં 31 લોકોનાં મૃત્યુ થયાં અને ચાર હુમલાખોરોને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા.

કામા હૉસ્પિટલ

તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યર્પણ, 26/11નો મુંબઈ હુમલો, ભારત, બીબીસી ગુજરાતી, આતંકવાદી હુમલો, અમેરિકા, નરીમાન હાઉસ

ઇમેજ સ્રોત, Uriel Sinai/Getty Images

ઇમેજ કૅપ્શન, નરીમન હાઉસ પર થયેલા હુમલામાં બચી ગયેલા બે વર્ષના મોશે હોલ્ટ્ઝબર્ગની તસવીર ખૂબ જ ચર્ચામાં રહી. મોશેનાં માતાપિતા હુમલામાં મૃત્યુ પામ્યાં હતાં (ફાઇલ ફોટો)

કામા હૉસ્પિટલ એક ચૅરિટેબલ હૉસ્પિટલ છે. એક અમીર વેપારીએ 1880માં તેનું નિર્માણ કરાવ્યું હતું.

મુંબઈ પોલીસ અનુસાર, ચાર હુમલાખોરોએ એક પોલીસ વૅનનું અપહરણ કર્યું અને પછી સતત ગોળીઓ છોડતા રહ્યા.

એ જ ક્રમમાં તેઓ કામા હૉસ્પિટલમાં પણ ઘૂસ્યા. કામા હૉસ્પિટલની બહાર જ થયેલી અથડામણમાં આતંકવાદ વિરોધી દળના પ્રમુખ હેમંત કરકરે, મુંબઈ પોલીસના અશોક કામટે અને વિજય સાલસકર મૃત્યુ પામ્યા.

નરીમન હાઉસ

તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યર્પણ, 26/11નો મુંબઈ હુમલો, ભારત, બીબીસી ગુજરાતી, આતંકવાદી હુમલો, અમેરિકા, નરીમાન હાઉસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈ હુમલામાં મૃત્યુ પામેલા લોકોનાં નામ નરીમન હાઉસની દીવાલ પર અંકિત છે

આ ઉપરાંત, હુમલાખોરોએ નરીમન હાઉસને પણ નિશાન બનાવ્યું. નરીમન હાઉસ ચબાડ લુબાવિચ સેન્ટર નામથી પણ ઓળખાય છે. નરીમન હાઉસમાં પણ હુમલાખોરોએ ઘણા લોકોને બંધક બનાવ્યા હતા.

જે ઇમારતમાં હુમલાખોર ઘૂસ્યા હતા તે યહૂદીઓને મદદ કરવા માટે બનાવાયેલું એક સેન્ટર હતું, જ્યાં યહૂદી પર્યટકો પણ ઘણી વાર રોકાતા હતા.

આ સેન્ટરમાં યહૂદી ધર્મગ્રંથોની મોટી લાઇબ્રેરી અને પ્રાર્થનાઘર પણ છે. અહીં કાર્યવાહી કરવા માટે એનએસજી કમાન્ડોએ હેલિકૉપ્ટર દ્વારા બાજુની ઇમારતમાં ઊતરવું પડ્યું હતું.

કાર્યવાહી થઈ અને હુમલાખોર ઠાર પણ થયા, પરંતુ એક પણ બંધકને બચાવી ન શકાયા. અહીં સાત લોકો અને બે હુમલાખોર માર્યા ગયા.

ચબાડ હાઉસ પર થયેલા હુમલામાં, તેનું સંચાલન કરનારા ગેવરીલ અને તેમનાં પત્ની રિવકા પણ મૃત્યુ પામ્યાં હતાં. તેમનો બે વર્ષનો પુત્ર મોશે બચી ગયો હતો. અહીં થયેલા હુમલામાં છ યહૂદી મૃત્યુ પામ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.