ભારતનો ખતરનાક ટાપુ, જ્યાં જવાની મંજૂરી નથી, અહીંના લોકોને દુનિયા સાથે કોઈ સંપર્ક નથી

સેન્ટિનેલ ટાપુ, રહસ્યમયી આદિવાસી સમુદાય, લોકોથી નથી મળતા, અંદમાન નિકોબાર, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, હિંદ મહાસાગર,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અહીં રહેતા પાંચ આદિવાસી સમુદાય સદીઓથી બાકીના વિશ્વથી અલિપ્ત છે
    • લેેખક, બીબીસી ન્યૂઝ મુન્ડો
    • પદ, .

હિંદ મહાસાગરની મધ્યમાં આવેલા નૉર્થ સેન્ટિનેલ ટાપુ પર રહેતા લોકો વિશે બહુ ઓછી માહિતી છે. ભારતીય મુખ્ય ભૂમિથી 1,200 કિલોમીટર દૂર આવેલા આ ટાપુ પર કેટલી જાતિઓ એકાંતમાં રહે છે અથવા તેઓ કઈ ભાષા બોલે છે તે જાણી શકાયું નથી.

આ નાની આદિજાતિની આસપાસના રહસ્યને કારણે ઘણા જિજ્ઞાસુઓ તેમના સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે સ્વદેશી અધિકાર જૂથો આવા પ્રયાસોને ત્યાં રહેતા લોકો માટે "નવો, વધતો ખતરો" ગણાવે છે.

24 વર્ષના અમેરિકન પ્રવાસી મિખાઇલ વિક્ટોરોવિચ પોલિઆકોવ 31 માર્ચે કોઈ પરવાનગી વિના એ ટાપુઓમાં પ્રવેશ્યા હતા.

સેન્ટિનેલ ટાપુ પર રહેતા સ્વદેશી લોકોના સંપર્કના પ્રયાસમાં પોલિઆકોવે તેમની યાત્રા રેકૉર્ડ કરી હતી એટલું જ નહીં, પરંતુ ત્યાંના દરિયાકિનારે સોડાનું એક કેન અને એક નાળિયેર પણ છોડી આવ્યા હતા.

આ ટાપુમાં પ્રવેશ પર કાયદેસરનો પ્રતિબંધ છે. તેથી પોલીસે પોલિઆકોવની ધરપકડ કરી છે.

બીબીસી મરાઠીનાં સંવાદદાતા જાહ્નવી મૂળે કહે છે, "અલગ રહેતા આ આદિવાસીઓ પર વધતા ખતરામાં હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સનો ઉમેરો થયો છે."

આ જાતિઓનો સંપર્ક કરવા અનેક વ્યક્તિઓ દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોમાં કરવામાં આવેલા સતત પ્રયાસો સામે માનવશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે.

તેઓ માને છે કે આ જાતિઓએ બહારના લોકો સાથે સંપર્કમાં આવવાની અનિચ્છા વારંવાર વ્યક્ત કરી છે અને તેમની ઇચ્છાને આદર આપવામાં આવે એવી માગ તેઓ કરી રહ્યા છે.

સ્વદેશી અધિકાર સંગઠન સર્વાઇવલ ઇન્ટરનૅશનલના કહેવા મુજબ, અમેરિકનનું આગમન તેના પોતાના અને આદિજાતિના જીવન માટે ખતરો છે.

અમેરિકાના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ આ ઘટનાથી વાકેફ છે અને "પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે."

સવાલ એ છે કે આ સેન્ટિનલીઝ જાતિઓ કોણ છે અને તેમના મળવામાં શું જોખમ છે?

ખતરનાક ટાપુ પર રહેતા લોકો ભારતથી કેટલા અલગ છે?

સેન્ટિનેલ ટાપુ, રહસ્યમયી આદિવાસી સમુદાય, લોકોથી નથી મળતા, અંદમાન નિકોબાર, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, હિંદ મહાસાગર,

ઇમેજ સ્રોત, INDIAN COASTGUARD/SURVIVAL INTERNATIONAL

ઇમેજ કૅપ્શન, જાણકારોના મતે નૉર્થ સેન્ટિનેલ ટાપુ પર રહેતાં લોકોની સંખ્યા 200થી વધારે નહીં હોય
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ આદિજાતિ ભારતીય મૅઇનલૅન્ડથી 1,200 કિલોમીટર દૂર આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના નૉર્થ સેન્ટિનેલ નામના એક નાના ટાપુ પર રહે છે.

આ ટાપુ પર રહેતી જરાવા અને નૉર્થ સેન્ટિનેલ સહિતની પાંચ જાતિઓને 'વધારે નિર્બળ' ગણવામાં આવે છે અને તેઓ બાકીના વિશ્વથી અલગ પડેલા છે.

તેમની ચોક્કસ સંખ્યા કેટલી છે તે કોઈ જાણતું નથી, પરંતુ નિષ્ણાતોનો અંદાજ છે કે આ જાતિના લોકોની સંખ્યા 50થી 200ની વચ્ચે હોઈ શકે છે. તેમની ભાષા સહિતની સંસ્કૃતિ વિશે કોઈ કંઈ જાણતું નથી. તેઓ તેમની બાજુમાં આવેલા ટાપુ પર બોલાતી ભાષા બોલે છે કે કોઈ અન્ય ભાષા એ પણ સ્પષ્ટ નથી.

તેઓ શિકાર માટે ધનુષ્ય અને તીરનો ઉપયોગ કરે છે અને એ સાધનો બહારના લોકો માટે ખતરનાક સાબિત થાય છે.

જાહ્નવી મૂળે કહે છે, "સેન્ટિનેલીઝ લોકો બહારની કોઈ પણ વ્યક્તિનો ભરોસો કરતા નથી. તેઓ તેમના સંપર્કના પ્રયાસોને સામાન્ય રીતે ટાળે છે. તેઓ ક્યારેક શસ્ત્રોનો ઉપયોગ કરીને પ્રતિક્રિયા આપે છે."

1974માં નૅશનલ જિયોગ્રાફિક માટે એક દસ્તાવેજી ફિલ્મનું શૂટિંગ કરતી વખતે એક દિગ્દર્શકના પગમાં ગોળી વાગી હતી.

નવેમ્બર 2018માં આ ટાપુની મુલાકાતે ગયેલા 27 વર્ષના અમેરિકન જોન એલન ચાઉની સ્થાનિક લોકોએ હત્યા કરી હતી.

તેમના પર તીરકામઠાં વડે હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો સૂચવે છે કે જોન એલન ચાઉએ તે ટાપુ પર પહોંચવા માટે માછીમારોને લાંચ આપી હતી.

મુખ્ય ટાપુઓ

સેન્ટિનેલ ટાપુ, રહસ્યમયી આદિવાસી સમુદાય, લોકોથી નથી મળતા, અંદમાન નિકોબાર, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, હિંદ મહાસાગર,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સેન્ટિનેલ ટાપુ સહિતનો આ દ્વીપસમૂહ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. આ દ્વીપસમૂહ ઇન્ડો-પેસિફિક સમુદ્ર માર્ગ નજીક બંગાળની ખાડીમાં આવેલો છે

ભારતીય સંશોધકોએ આ જાતિઓ વિશે કેટલુંક સંશોધન કર્યું છે અને તેમની સાથે વાતચીતના પ્રયાસ કર્યા છે.

તેમણે 1991માં નારિયેળ જેવી કેટલીક વસ્તુઓ ભેટ આપીને તેમની સાથે સાંકેતિક ભાષામાં વાતચીતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો.

આ કારણસર ભારત સરકારે આવા પ્રયાસો છોડી દીધા હતા અને એ ટાપુની મુલાકાત લેવા સંબંધે બહારના લોકો પર પ્રતિબંધ પણ મૂક્યો હતો.

2004ની સુનામી પછી ભારત સરકારે આ જાતિઓ હજુ પણ જીવંત છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ ટાપુ પર ઊડતા હેલિકૉપ્ટર પર તીર છોડ્યાં હતાં.

સેન્ટિનેલ ટાપુ સહિતનો આ દ્વીપસમૂહ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. આ દ્વીપસમૂહ ઇન્ડો-પેસિફિક સમુદ્ર માર્ગ નજીક બંગાળની ખાડીમાં આવેલો છે.

આ જાતિઓને મળવામાં કેવાં કેવાં જોખમો છે?

સેન્ટિનેલ ટાપુ, રહસ્યમયી આદિવાસી સમુદાય, લોકોથી નથી મળતા, અંદમાન નિકોબાર, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, હિંદ મહાસાગર,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ જાતિઓ હજારો વર્ષોથી સંપૂર્ણ એકલતામાં જીવે છે

આ જાતિઓ હજારો વર્ષોથી સંપૂર્ણ એકલતામાં જીવે છે.

તેનો અર્થ એ છે કે તેમની પાસે શરદી, ફ્લૂ અથવા ઓરી જેવી સામાન્ય બીમારીઓથી પોતાને બચાવવા માટે જરૂરી રોગપ્રતિકારક શક્તિ પણ નહીં હોય.

આ કારણસર 1956માં ત્યાં મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે બહારના સમુદાયના રોગો આ જાતિને અસર કરી શકે છે.

અન્ય લોકોને આ વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા માટે ભારતીય નૌકાદળ ટાપુ પર પેટ્રોલિંગ કરે છે.

જાહ્નવી મૂળે કહે છે, "તેમની નજીક જવામાં જીવનું જોખમ છે, કારણ કે તેઓ બહારના લોકોને આવકારતા નથી અને ભૂતકાળમાં જેમણે આવા પ્રયાસ કર્યા છે તેમના પ્રત્યે તેમણે દુશ્મનાવટ દર્શાવી છે."

આ જાતિઓ વિશે વધતી જિજ્ઞાસા આદિવાસી સંરક્ષણ જૂથો માટે ચિંતાનો વિષય બની છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.