વૈજ્ઞાનિકો આકાશમાં શોધી રહ્યા છે વિશાળ નદીઓ

આકાશી નદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સોફી હાર્ડાચ
    • પદ, બીબીસી ફ્યુચર

વાતાવરણીય નદીઓના (ઍટમૉસ્ફિયરિક રિવર્સ) વાવાઝોડાએ અમેરિકાના વેસ્ટ કોસ્ટ પ્રદેશમાં તબાહી મચાવી છે અને તેનો વ્યાપ વધી રહ્યો છે. હવે તે ક્યાં ત્રાટકશે તેની આગાહી કરવા માટે વિજ્ઞાનીઓ આકાશમાં તેમનો પીછો કરી રહ્યા છે.

અન્ના વિલ્સન જાન્યુઆરી 2024માં ઉત્તર પેસિફિક મહાસાગર પરના ભ્રામક રીતે શાંત દેખાતા શ્વેત વાદળોના મોટા સમૂહને ગલ્ફસ્ટ્રીમ જેટમાં બેસીને જોઈ રહ્યાં હતાં. વાતાવરણીય વિજ્ઞાની અને આત્યંતિક હવામાન નિષ્ણાત વિલ્સન પોતાના હેડફોન્સ દ્વારા તેમના સાથીદારના કાઉન્ટડાઉનને સાંભળી શકતા હતા. તેમનું પ્લેન અમેરિકન વેસ્ટ કોસ્ટ નજીક પહોંચ્યું ત્યારે નીચેના વાવાઝોડાની તીવ્રતા માપવા માટે પ્લેનના પાછળના ભાગમાંથી તેમના એક અન્ય સાથીદારે પાતળું, નળાકાર ઉપકરણ નીચે ફેંક્યું હતું.

તેઓ જે પ્રકારના વાવાઝોડાને ટ્રેક કરી રહ્યા હતા તેને એટમૉસ્ફિયરિક રિવર કહેવામાં આવે છે. તે હવામાનની એક એવી ઘટના છે, જે તાજેતરનાં વર્ષોમાં વધુને વધુ ધ્યાન આકર્ષી રહી છે.

વાતાવરણીય નદીઓ, આબોહવા પરિવર્તન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, US AIR FORCE

તેનું કારણ એ છે કે તેની વિનાશક અસરને સમજવા માટે વિજ્ઞાનીઓ અને લોકો સ્પર્ધા કરી રહ્યા છે. સંશોધન સૂચવે છે કે આબોહવા પરિવર્તનને કારણે વાતાવરણીય નદીઓ મોટી, વારંવાર અને વધુ તીવ્રતાથી આકાર પામી રહી છે. તેનાથી જે નુકસાન થાય છે તે બદથી બદતર થઈ રહ્યું છે.

ઘણીવાર આકાશમાંની નદીઓ તરીકે ઓળખાવવામાં આવતી વાતાવરણીય નદીઓ પાણીની વરાળની વિશાળ, અદૃશ્ય રિબન્સ હોય છે. એ પ્રત્યેક નદી સેંકડો કિલોમીટર પહોળી હોઈ શકે છે અને તે મિસિસિપી નદી કરતાં 27 ગણા વધારે પાણીનું વહન કરતી હોય છે. તે ગરમ મહાસાગરમાં જન્મે છે, કારણ કે દરિયાઈ પાણીનું બાષ્પીભવન થાય છે, ઉપર જાય છે અને ઠંડા અક્ષાંસ તરફ ગતિ કરે છે.

તે વરાળ કેલિફોર્નિયા જેવા દરિયાકિનારે પહોંચે છે ત્યારે તે પર્વતો પર વહે છે. ઠંડી થાય છે અને વરસાદ અથવા બરફ સ્વરૂપે નીચે આવે છે, જે ભૂસ્ખલનનું કારણ બને છે અને મૂશળધાર વરસાદ, પૂર તથા જીવલેણ હિમપ્રપાત માટે તે પૂરતું હોય છે.

વાતાવરણીય નદીઓને કારણે અમેરિકન વેસ્ટ કોસ્ટ પર સૌથી વધુ વરસાદ, સૌથી ગરમ તોફાનો, મોટું પૂર, દરિયાકાંઠે જોરદાર પવન અને ભૂસ્ખલન લાવે છે. આ બધું ‘પરિવાર’ તરીકે ઓળખાતા સામૂહિક સ્વરૂપે પણ આવી શકે છે. એ પૈકીનું ઘણાં અંદરનાં સ્થળો પર દિવસો સુધી પ્રહાર કરે છે. વિલ્સન અને તેમના સાથીદારો જે વાવાઝોડાઓમાંથી પસાર થઈ રહ્યા હતા તે વાસ્તવમાં ચાર વાતાવરણીય નદીઓ દ્વારા રચાયું હતું. બાદમાં તે કેલિફોર્નિયામાં ભારે હિમવર્ષા અને જાન્યુઆરી 2024માં ઓરેગોનમાં પૂરનું કારણ બન્યું હતું.

આકાશી નદીઓ વિશેનાં અનેક અનુમાનો

વાતાવરણીય નદીઓ, આબોહવા પરિવર્તન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેલિફોર્નિયા સાન ડિયાગો યુનિવર્સિટી ખાતેની સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યુશન ઑફ ઓશનોગ્રાફીના ફિલ્ડ રિસર્ચ મેનેજર વિલ્સન કહે છે, "તે ક્યાં ત્રાટકશે, તે કેટલું મજબૂત હશે અને કેટલો સમય ચાલશે તેના જવાબ મેળવવાના પ્રયાસ અમે સતત કરીએ છીએ."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિલ્સન જાન્યુઆરીમાં જે ફ્લાઇટમાં હતા તે ઍટમોસ્ફેરિક રિવર રિકોનિસન્સ અથવા એઆર રેકોનનો એક ભાગ હતી. એ અમેરિકન એરફોર્સ, નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (નોઆ) અને અન્ય ભાગીદારો સાથેનો સંયુક્ત પ્રોજેક્ટ હતો. વાવાઝોડાના અવલોકન માટે તૈનાત કરાયેલા હરિકેન હન્ટર પ્લેનનો ઉપયોગ કરીને નોઆ ગલ્ફસ્ટ્રીમ જેટ તેમજ બે કે તેથી વધુ એરફોર્સના વિમાનો વિજ્ઞાનીઓની ટીમ સાથે વાતાવરણીય નદીઓ પર ઉડે છે અને તેમાં ડ્રોપસોન્ડ નામના ઉપકરણો છોડે છે.

વિલ્સન કહે છે, "વાતાવરણીય નદીઓ રસપ્રદ અને ઠંડી હોય છે, પરંતુ તમે તેને જોઈ શકતા નથી, કારણ કે તે પાણીની વરાળ હોય છે. તે સપાટીની ખરેખર નજીક હોય છે અને સામાન્ય રીતે વાતાવરણથી થોડાક કિલોમીટર ઉપરના ભાગમાં કેન્દ્રિત થતી હોય છે."

વિલ્સન જણાવે છે કે તેમનું વિમાન ક્લાઉડ કવર હેઠળ ઊડતું હોય છે. એ કારણે તે ઉપગ્રહો જેવા પરંપરાગત હવામાન નિરીક્ષણ ટૂલ્સની નજરમાં આવતા નથી. વિલ્સન કહે છે, "નજીકની સપાટી પર શું થઈ રહ્યું છે તે જાણવાનું ઉપગ્રહો માટે ખરેખર મુશ્કેલ હોય છે. તેથી તેમાંથી વિમાન ઉડાવવાથી સેન્સર્સ ડ્રૉપ કરી શકાય છે અને તાપમાન, હવાના દબાણ તથા ભેજ જેવા પાયાના હવામાનશાસ્ત્રીય માપ મેળવી શકાય છે."

વિલ્સન અને તેમની ટીમ જાન્યુઆરીમાં જે વાતાવરણીય નદીઓનું નિરિક્ષણ કરી રહ્યાં હતા તે 51 વાતાવરણીય નદીઓની શ્રેણીનો એક ભાગ હતી, જે પાનખર 2023 અને વસંત 2024ની વચ્ચે વોશિંગ્ટન, ઓરેગોન તથા કેલિફોર્નિયામાં ત્રાટકી હતી. તેની તીવ્રતા અગાઉની સીઝન કરતા 13 ગણી વધારે હતી. આવું તોફાન ક્યારે તથા ક્યાં ત્રાટકશે અને તે કેટલું શક્તિશાળી છે તેની આગોતરી માહિતી મેળવવાથી જમીન પરના લોકોને તેના સામનાની તૈયારી કરવામાં મદદરૂપ થાય છે. વિલ્સન અને તેમના સાથીદારોની ફ્લાઇટ્સ 2016માં શરૂ થઈ હતી.

તે પણ વાતાવરણીય નદીઓને વધુ સારી રીતે સમજવાના વ્યાપક વૈજ્ઞાનિક પ્રયાસોનો એક હિસ્સો છે. તેમાં તેના આશ્ચર્યજનક લાભોનો પણ સમાવેશ થાય છે.

આત્યંતિક હવામાન નિષ્ણાતો જણાવે છે તેમ વાતાવરણીય નદીઓ વિનાશક હોય તે જરૂરી નથી. તે જીવન ટકાવી રાખવામાં મદદરૂપ પણ હોઈ શકે છે.

આ નદીઓ લાભપ્રદ પણ છે?

વાતાવરણીય નદીઓ, આબોહવા પરિવર્તન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANNA WILSON

વિલ્સન કહે છે, "આપણને વાતાવરણીય નદીઓની જરૂર છે. તેમના વિના વેસ્ટ કોસ્ટમાં દુકાળ પડે.” વેસ્ટ કોસ્ટમાંના બે તૃતિયાંશ દુષ્કાળનો અંત વાતાવરણીય નદીના આગમન સાથે થાય છે. તેને દુષ્કાળમાં ઉદ્ધારક તરીકે ઓળખવામાં આવે છે.

આ વાત સાથે સહમત થતાં કેલિફોર્નિયા યુનિવર્સિટી, લોસ એન્જલસ અને નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના એટમોસ્ફેરિક વિજ્ઞાની બિન ગુઆન કહે છે, "વાતાવરણીય નદીઓનું લાભપ્રદ પાસું પણ છે. આપણે જોખમી બાજુને જ હાઇલાઇટ કરીએ છીએ, પરંતુ આપણે એ યાદ રાખવું પડશે કે વાતાવરણીય નદીઓ કેલિફોર્નિયા જેવા શુષ્ક પ્રદેશોમાં પાણીનો મહત્ત્વપૂર્ણ પુરવઠો પૂરો પાડે છે."

કેલિફોર્નિયાના કુલ વરસાદ અને બરફમાં તેનો કુલ હિસ્સો 50 ટકા સુધીનો હોય છે.

વાતાવરણીય નદીઓનું મૂળ હવાઈ ટાપુ નજીક હોવાનું માનવામાં આવે છે. તેથી કૅનેડા અને અમેરિકન વેસ્ટ કોસ્ટમાં તેને ‘પાઇનેપલ ઍક્સપ્રેસ’ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, ગુઆન કહે છે કે નિષ્ણાતો આ નામનો ઉપયોગ ભાગ્યે જ કરે છે, કારણ કે વાતાવરણીય નદીઓ વૈશ્વિક ઘટના છે અને વેસ્ટ કોસ્ટમાં ત્રાટકતી આવી વાતાવરણીય નદીઓનું ઉદ્ગમસ્થાન હવાઈથી ઘણું દૂર હોય છે. ઑક્ટોબર 2017માં અસામાન્ય રીતે લાંબી વાતાવરણીય નદી જાપાનથી વૉશિંગ્ટન સુધીના લગભગ 8,000 કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલી જોવી મળી હતી.

વાતાવરણીય નદીઓના વધુ ઝીણવટભર્યા રેન્કિંગ માટે સંશોધકોએ 2019માં એકથી પાંચ સુધીનો એક સ્કેલ બનાવ્યો હતો. તેમાં નબળી, સાધારણ વરસાદ લાવતી આવી નદીને પ્રથમ રેન્ક, જ્યારે અપવાદરૂપ જોખમી નદીને પાંચમી રેન્ક આપવામાં આવે છે.

સ્ક્રીપ્સ ઇન્સ્ટિટ્યુશન ઑફ ઓશનોગ્રાફીના હાઈડ્રોલૉજિસ્ટ કિઆન કાઓ કહે છે, "પ્રમાણમાં નરમ નદીને પાણી પુરવઠાની દૃષ્ટિએ લોકો માટે ફાયદાકારક ગણવામાં આવે છે. આત્યંતિક નદીઓને જ જોખમી ગણવામાં આવે છે. તેથી તેની સારી અને ખરાબ બન્ને બાજુઓ છે. તેનાથી કાયમ ખરાબ ઘટનાઓ સર્જાતી નથી."

કાઓના કહેવા મુજબ, વાતાવરણીય નદીઓની આગાહી કરવી એ તેમની વિનાશક અસરને મર્યાદિત કરવાની ચાવી છે, પરંતુ તે મુશ્કેલ છે. તે સમુદ્ર પર વિકસે છે. ત્યાં જમીન કરતાં તેમનું નિરીક્ષણ કરવાના બહુ ઓછા માર્ગ છે. એ નદીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરે છે અને તે મુસાફરી દરમિયાન ગમે ત્યાં અટકી શકે છે, તીવ્ર થઈ શકે છે, નબળી પડી શકે છે, ગરમ અથવા ઠંડી થઈ શકે છે અને અન્ય વાતાવરણીય નદીઓ અથવા તેના અવશેષો સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી શકે છે. આમાંના કોઈ પણ ફેરફારની અસર તેમના પ્રભાવ પર થાય છે.

કાઓના જણાવ્યા મુજબ, ફોરકાસ્ટ-ઇન્ફૉર્મ્ડ રિઝર્વોયર ઑપરેશન્સ જેવી વ્યૂહરચના તેની સાથે કામ પાર પાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ વ્યૂહરચનામાં હવામાન તથા પાણી સંબંધી આગાહીનો ઉપયોગ કરવામાં આવે છે અને જંગી પ્રમાણમાં વરસાદની અપેક્ષાએ પોતાના જળાશયો ખાલી કરી રાખવા કે કેમ તેનો નિર્ણય લેવામાં વોટર મેનેજર્સને મદદ કરે છે.

શું તે વિનાશક આકાર ધારણ કરી રહી છે?

વાતાવરણીય નદીઓ, આબોહવા પરિવર્તન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Rich Henning/Noaa

કાઓ કહે છે, "આપણે આ વાતાવરણીય નદીઓ બાબતે વધુ સારી રીતે આગાહી કરી શકીએ તો લાંબા સમય સાથે વધારે સચોટ સમયની વરતારો ભાખી શકીએ. એ સ્થિતિમાં આપણી પાસે વહીવટી નિર્ણયનો લેવા માટે વધુ સમય રહેશે. દાખલા તરીકે, જળાશયોમાંથી પાણીનો પુરવઠો છોડી દેવો કે પાણી બચાવી રાખવું તેનો નિર્ણય થઈ શકે."

તેમના જણાવ્યા મુજબ, ટૂંકા ગાળાની, ત્રણથી પાંચ દિવસના લીડ ટાઇમ માટેની આગાહી એકદમ સચોટ હોય છે, જ્યારે લાંબા ગાળાના લીડ ટાઇમ માટેની આગાહીમાં ચોકસાઈ ઘટી જાય છે. "બે સપ્તાહથી વધુના સમય માટેની આગાહીને બહેતર બનાવવાના આકરા પ્રયાસ સંશોધકો કરી રહ્યા છે," કારણ કે તૈયારી માટે એક કે તેથી વધુ મહિનાનો સમય મળે તો જમીન પરના લોકોને વધુ વિકલ્પો મળી શકે.

એઆર રિકોન ફ્લાઇટ્સ અહીં ઉપયોગી થાય છે, કારણ કે અન્ય સાધનો આકાશની અંદરની નદીઓમાં ડોકિયું કરી શકતા નથી.

વિલ્સનની ટીમ માટે દરેક ફ્લાઇટની શરૂઆત સવારની ફોરકાસ્ટ મીટિંગથી થાય છે. તેમાં આગામી દિવસોમાં અમેરિકામાં વરસાદ અને બરફવર્ષાની આગાહીની ચર્ચા કરવામાં આવે છે. અપેક્ષિત વરસાદ અથવા બરફ લાવનાર વાતાવરણીય નદી વિશેના વધુ ડેટા દ્વારા સુધારાની શક્યતા હોય તેવા વિસ્તારોને તેઓ ઓળખી કાઢે છે. પછી તેઓ વાતાવરણીય નદીમાં ઉડે છે અને ડ્રોપસોન્ડેસ વડે જરૂરી ડેટા એકત્ર કરે છે.

વિલ્સન કહે છે, "ઉપગ્રહોની નજરમાં બધું આવતું નથી એ આપણે જાણીએ છીએ ત્યારે આ ટાર્ગેટેડ રિકોનિસન્સ ફ્લાઇટ્સનો હેતુ છીંડાઓ પૂરવાનો છે."

દરેક ગલ્ફસ્ટ્રીમ ફ્લાઇટ્સ લગભગ આઠ કલાક ચાલે છે અને વિલ્સન કહે છે તેમ, તમારું પોતાનું ભોજન સાથે લાવવું તે વ્યવહારિક તૈયારીનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. સાધનો વિમાનમાંની ટીમને ડેટા ટ્રાન્સમિટ કરે છે, ટીમ તેને ચેક કરે છે અને તેને ગ્લોબલ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમમાં ટ્રાન્સમિટ કરે છે.

આ ગ્લોબલ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ વિશ્વ હવામાન સંસ્થાની સેવા છે, જે વૈશ્વિક હવામાન સંબંધી ડેટા એકત્રિત કરે છે અને તેનું વિતરણ કરે છે. એ ડેટા ફોરકાસ્ટિંગ મોડેલ્સમાં જાય છે. તે મોડલ્સ ઉપગ્રહો સહિતના લાખો અન્ય અવલોકનો સાથે ડેટાનો ઉપયોગ કરે છે. ડ્રોપસેન્ડ ડેટા દ્વારા વધારે સચોટ આગાહી જળાશયોના વ્યવસ્થાપકો તથા ઈમરજન્સી રિસ્પોન્ડર્સ સાથે શેર કરવામાં આવે છે.

અભ્યાસ સૂચવે છે કે ડ્રોપસોન્ડ ડેટાને લીધે આગાહી સુધારવામાં ખરેખર મદદ મળે છે. તાજેતરના વિશ્લેષણમાં ભલામણ કરવામાં આવી છે કે ભાવિ મિશનમાં દૈનિક ફ્લાઇટ્સ તથા ગલ્ફસ્ટ્રીમ જેટ્સ અને ઍરફોર્સના વિમાનોનો સમાવેશ કરવો જોઈએ, જેથી શક્ય તેટલો વધારે ડેટા એકત્ર કરી શકાય.

માહિતી એકત્ર કરવા માટે ટીમ અન્ય તકનીકોનો ઉપયોગ પણ કરી રહી છે. સાથે સાથે મોડેલિંગ સિસ્ટમ્સ પર કામ કરી રહી છે, જેથી આગાહીને વધુ બહેતર બનાવી શકાય અને પ્રત્યેક તોફાન વિશે બહેતર સમજ પ્રાપ્ત કરી શકાય.

સંશોધકો કહે છે કે વાતાવરણીય નદીઓ બદલાઈ રહી છે અને વારંવાર આકાર લઈ રહી છે તેમજ સંભવતઃ વધારે વિનાશક બની રહી છે, એવું અભ્યાસો સૂચવે છે ત્યારે તેને સમજવાની આ સ્પર્ધા તાકીદની છે.

ગરમી તથા ભેજના પરિવહનમાં પણ આ નદીઓની ભૂમિકા

વાતાવરણીય નદીઓ, આબોહવા પરિવર્તન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, US AIR FORCE

મેંગકિયન લુ હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનૉલૉજીમાં હાઇડ્રોમેટિયોરોલૉજી તથા જળ સંસાધનના પ્રોફેસર છે. તેમણે અને તેમની ટીમે જાન્યુઆરી 2024માં પ્રકાશિત કરેલા વૈશ્વિક અભ્યાસમાં વિશ્વભરમાં વાતાવરણીય નદીઓની ભાવિ તીવ્રતા, આવર્તન, તેની સાથે સંકળાયેલા વરસાદ અને હિમવર્ષાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. તેમના અનુમાન મુજબ, આ સદીના અંત સુધીમાં વાતાવરણીય નદીઓનું વૈશ્વિક આવર્તન લગભગ બમણું થઈ શકે છે, પરંતુ દરેક પ્રદેશ માટે તેનો અર્થ અલગ-અલગ હશે.

લુ કહે છે, "સામાન્ય રીતે વારંવાર આકાર પામતી અને મજબૂત વાતાવરણીય નદીઓને લીધે વારંવાર વધુ વરસાદ થાય છે, પરંતુ કાયમ એવું થતું નથી, કારણ કે આબોહવા પ્રણાલી નોન-લિનીયર છે."

વાતાવરણ આબોહવા પરિવર્તન સાથે ગરમ થવાથી ભેજના વધતા સ્તરને જાળવી શકે એવી શક્યતા જણાય છે. લુ કહે છે, "તેને લીધે વધુ વારંવાર તથા મજબૂત વાતાવરણીય નદીઓ સર્જાશે, તેવું અમને લાગે છે."

લુના કહેવા મુજબ, ગરમી તથા ભેજના પરિવહનમાં વાતાવરણીય નદીઓની ભૂમિકા હોય છે. ગરમી વધતી હોવાને કારણે વાતાવરણીય નદીઓ કેવી રીતે બદલાશે તે જાણવું, ગ્લોબલ વોર્મિગની વ્યાપક અસરને સમજવા માટે જરૂરી છે. દાખલા તરીકે, વાતાવરણીય નદીઓ જે ગરમાટો લાવે છે તેને લીધે પશ્ચિમ એન્ટાર્કટિકામાં બરફ પીગળી જાય છે.

આ સંદર્ભે વધી રહેલું સંશોધન તેની વૈશ્વિક અસરને હાઈલાઈટ કરે છે. પૂર્વ એશિયામાં તેઓ ગરમ મોસમમાં ભારે વરસાદમાં 90 ટકા જેટલો ફાળો આપે છે અને પૂર તથા ભૂસ્ખલનનું કારણ બને છે. તે બહુવિધ સ્થાનોને અસર કરી શકે છે, જેમાં એક જ સમયે અનેક સ્થળોએ વિનાશક હવામાનનો અનુભવ થઈ શકે છે, કારણ કે વાતાવરણીય નદીઓને લીધે એક વિસ્તારમાં બરફ તથા હિમવર્ષા થઈ શકે છે, જ્યારે બીજા વિસ્તારમાં વરસાદ અને જોરદાર પૂર આવી શકે છે.

વાતાવરણીય નદીઓ જંગલની આગ જેવી અન્ય આપત્તિઓ સાથે દુષ્ટ ચક્ર રચી શકે છે. જંગલની આગથી પ્રભાવિત વિસ્તારોમાં વનસ્પતિના અભાવે જમીન ઓછી શોષક બને છે અને તેનું ઝડપથી ધોવાણ થાય છે. આવા વિસ્તારોમાં ભૂસ્ખલન થઈ શકે છે. તેનાથી છોડની વૃદ્ધિ ઝડપી બની શકે છે અને આગામી આગ માટેનું બળતણ બની શકે છે. આ પ્રક્રિયાના પરિણામે આગામી સિઝનમાં દવગ્રસ્ત વિસ્તારોમાં વધારો થાય છે, એવું સંશોધન સૂચવે છે.

વાતાવરણીય નદીઓ સામે કેવી રીતે કામ પાડી શકીએ?

વાતાવરણીય નદીઓ, આબોહવા પરિવર્તન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અભ્યાસ જણાવે છે કે અનંત વરસાદનું કારણ બનતી એક પછી એક વાતાવરણીય નદીઓ પણ વધુ સામાન્ય બની રહી છે. ડિસેમ્બર 2022ના અંતથી જાન્યુઆરી 2023ના મધ્ય સુધી નવ વાતાવરણીય નદીઓ એક પછી એક કેલિફોર્નિયામાં ત્રાટકી હતી. તેના પરિણામે પૂર આવ્યું હતું, ભૂસ્ખલન થયું હતું અને વીજ પુરવઠો ખંડિત થયો હતો. એક અન્ય અભ્યાસના લેખકો જણાવે છે તેમ, આવા ઝૂમખાઓનો અર્થ એવો થઈ શકે કે બે વાવાઝોડાં દરમિયાન માટી સૂકાઈ શકતી ન હોવાને કારણે પૂરની શક્યતા પ્રબળ બને છે.

ગુઆન કહે છે, “પશ્ચિમ અમેરિકામાં પૂરથી થતા નુકસાનમાં વાતાવરણીય નદીઓનો હિસ્સો લગભગ 90 ટકા હોય છે. વાર્ષિક ધોરણે તેનું પ્રમાણ એક અબજ ડૉલરથી વધુ છે. વાતાવરણીય નદીઓમાં ફેરફારના અંદાજ મુજબ, આ સદીના અંત સુધીમાં તે પ્રમાણ બમણું કે ત્રણ ગણું પણ થઈ શકે છે.”

વાતાવરણીય નદીઓ કાયમ માત્ર પાણીની વરાળનું વહન જ કરતી નથી 2021માં આવી નદીઓ સહારાની ધૂળને આફ્રિકાથી યુરોપ સુધી લાવી હતી. પરિણામે આલ્પ્સમાંના બરફ પર ધૂળની ચાદર ફેલાઈ ગઈ હતી, તેની રિફ્લેક્ટિવનેસમાં ઘટાડો થયો હતો, ગરમી વધી હતી અને બરફની ઊંડાઈમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો હતો.

આ વૈશ્વિક સ્તર અને જટિલતાને ધ્યાનમાં લેતાં આપણે વાતાવરણીય નદીઓ સામે કેવી રીતે કામ પાડી શકીએ?

કાઓના કહેવા મુજબ, આબોહવા પરિવર્તન વાતાવરણીય નદીઓને કેવી રીતે બદલી રહ્યું છે તે જાણવાની અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વિકાસના વધુ ટકાઉ પગલાં લેવાની જરૂર છે. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, જનજાગૃતિ અને વધુ સચોટ તથા અત્યાધુનિક આગાહીઓ આપણને તૈયાર રહેવામાં મદદરૂપ થશે. સાથે સાથે એ જાણવું પણ જરૂરી છે કે હવામાનની કઈ પેટર્ન અને આબોહવાની કઈ પરિસ્થિતિ વાતાવરણીય નદીઓ સર્જાવામાં મદદરૂપ થાય છે.

દરમિયાન, દર વર્ષે સેંકડો ડ્રોપસોન્ડ્સ આ રહસ્યમય વાવાઝોડામાંથી પસાર થાય છે, ડેટા એકત્રિત કરે છે અને તેમને વધારે આગાહીક્ષમ બનાવે છે.

વિલ્સન કહે છે, ખાસ કરીને કેલિફોર્નિયામાંના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જેવા જમીન પરના રિસ્પોન્ડર્સના કાર્યના સંદર્ભમાં આ મિશન તેમને આશા આપે છે. “તત્કાળ અમલી બનાવી શકાય તેવી કોઈ વસ્તુ માટે કામ કરવું તે એક વિજ્ઞાની તરીકે અદ્ભુત લાગણી છે. તે જમીન ઉપરના લોકો પર સારો પ્રભાવ પાડી રહ્યું છે.