You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
300 કિમીની ઝડપે ત્રાટકેલું એ વાવાઝોડું જેણે મિનિટોમાં આખા શહેરને તબાહ કરી નાખ્યું
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
શેરીઓ અને ઘરો પાણીમાં ગરકાવ, તબાહ થયેલી હોટલો, ચારેકોર કચરો, ધરાશાયી થયેલાં વૃક્ષો, કૉમ્યુનિકેશન સિસ્ટમમાં વિક્ષેપ, હૉસ્પિટલોમાં ભારે નુકસાન અને બંધ થઈ ગયેલા રસ્તા.
આ છે ઓટિસ વાવાઝોડાએ દક્ષિણ મૅક્સિકોના શહેર એકાપુલ્કોમાં વેરેલાં વિનાશનાં દૃશ્યો.
કૅટગરી 5નું આ વાવાઝોડું 260થી 315 કિમી પ્રતિ કલાકની ઝડપે આઇકોનિક રિસોર્ટ સાથે ટકરાયું હતું. મૅક્સિકન પ્રશાંત મહાસાગરમાં નોંધાયેલ એ અત્યાર સુધીનું સૌથી તાકતવર વાવાઝોડું હતું.
કૉમ્યુનિકેશનમાં પડેલા વિક્ષેપને કારણે તંત્ર હજુ સુધી આ આપત્તિમાં થયેલાં મૃત્યુના આંકડા અંગે ચોક્કસ માહિતી નથી આપી શક્યું.
ટેલિફોનિક કૉમ્યુનિકેશન, ઇન્ટરનેટ અને વિશાળ વિસ્તારમાં વીજળી સેવામાં વિક્ષેપ સર્જાયો હતો. આ વાવાઝોડાની અમુક કલાકોમાં જ ખૂબ વધી ગઈ હતી. જેના કારણે લોકોને આ આપત્તિ સામે પૂરતી તૈયારીની તક મળી નહોતી.
મુસાફરો દ્વારા શૅર કરાયેલી તસવીરોમાં એકાપુલ્કોના પ્રવાસન સ્થળે વેરાયેલા વિનાશનાં દૃશ્યોથી વાવાઝોડાના પવનની તીવ્રતા દેખાઈ આવે છે.
વાવાઝોડું ત્રાટક્યું એના અમુક કલાક પહેલાં ડેવિડ હૉલ એક કૉન્ફરન્સમાં હાજરી પુરાવવા હોટલ પહોંચ્યા હતા. તેમણે બીબીસીને જણાવ્યું કે વરસાદ અને પવનને કારણે ઇમારતને નુકસાન થયું છે.
ભારે પવનને કારણે હોટલનાં રૂમોની બારીઓ તૂટી ગઈ હતી. જેના કારણે રૂમમાંથી વસ્તુઓ ઊડીને બહાર જવા લાગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના દાવા પ્રમાણે વાવાઝોડાને કારણે ઇમારત જાણે ધરતીકંપ આવ્યો હોય એવી રીતે ધ્રૂજી ઊઠી હતી. તેમણે કહ્યું કે, “ઘણા લોકો ગભરાયેલા છે.”
સ્થાનિક ટેલિવિઝન પર જોવા મળેલા કેટલાક વીડિયોમાં નદીના પૂરને કારણે એકાપુલ્કોના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હોવાનું દેખાઈ રહ્યું છે.
રાષ્ટ્રપતિ આન્દ્રે મેન્યુએલ લોપેઝ ઓબ્રાડોરે સવારે માહિતી આપતાં કહેલું કે તેમની પાસે ઘટનાના અસરગ્રસ્તોની કોઈ માહિતી નથી, કારણ કે “ત્યાં કોઈ કૉમ્યુનિકેશન નથી.”
“આ એક ખૂબ શક્તિશાળી વાવાઝોડું છે. તેની તીવ્રતા ખૂબ વધુ છે અને તેની પ્રકૃતિ સાવ અલગ હતી. આવી પ્રકૃતિવાળું વાવાઝોડું દાયકાઓમાં જોવા નથી મળ્યું.”
બપોરે તેઓ રાહતકાર્યના સંકલન માટે જમીન માર્ગે એકાપુલ્કો પહોંચવાના હતા. પરંતુ રસ્તા બ્લૉક હોવાને કારણે આગળ વધી શક્યા નહોતા.
દેશના દક્ષિણ ભાગે આગળ વધતા વાવાઝોડું ઓટિસ નબળું પડ્યું હતું, પરંતુ છેલ્લા કલાકોમાંય ધોધમાર વરસાદનું કારણ બન્યું હતું.
“મેં પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધેલું”
વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત બિલ્ડિંગો પૈકી એક એવી પ્રિન્સેસ મુંડો ઇમ્પિરિયલ હોટલમાં રોકાયેલાં ટુરિસ્ટ લુઇસા પેનાએ વાવાઝોડા દરમિયાનની પોતાની આપવીતી સોશિયલ મીડિયા મારફતે શૅર કરી હતી.
તેમણે કહ્યું, "રાતના 11 વાગ્યે વીજળી બંધ થઈ ગઈ અને પૂરઝડપે પવન ફૂંકાવા લાગ્યો, પવનની ઝડપ 260 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હતી, હું મારા કબાટમાં છુપાઈ ગયેલી, મેં ભગવાન ભજવાનું શરૂ કરી દીધેલું, હું મારી જાતને શાંત રાખવા પ્રયાસ કરવા લાગી, જોકે, મારા પર ગભરાટ હાવી થઈ ગયેલો."
તેમણે જણાવેલું કે તેમના રૂમની છત પડી ગયેલી, બારીઓ તૂટી પડેલી તેમજ રૂમમાં ચારેકોર પાણી હતું.
તેઓ પોતાની આપવીતી સંભળાવતાં કહે છે કે, "હું નસીબદાર છું કે મને કંઈ ન થયું અને હું જીવિત રહી શકી. અહીં માલસામાન સિવાય ખરખર કેટલું નુકસાન થયું છે એ અંગે કોઈને કંઈ ખબર ન હોવાનું કહેવાઈ રહ્યું છે."
કેટલાક વીડિયોમાં પર્યટકો રક્ષણાત્મક અવરોધ તરીકે પલંગ અને ગાદલાનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે.
સંઘીય ઇલેક્ટ્રિસિટી કમિશને કહ્યું કે ઓછામાં ઓછા પાંચ લાખ લોકોને વીજકાપની અસર થઈ છે. નોંધનીય છે કે એકાપુલ્કોની વસતી આઠ લાખની છે, એ મૅક્સિકોના સૌથી વ્યસ્ત પર્યટનસ્થળો પૈકી એક છે.
સેન્ટ્રલ મિગેલ આલેમાન સ્ટ્રીટ ખાતે આવેલા સંખ્યાબંધ ઉદ્યોગોના સ્ટ્રક્ચરને વાવાઝોડા અને લૂંટના કારણે નુકસાન થયું છે. આ રિપોર્ટ ટેલિવિઝન નેટવર્ક દ્વારા પ્રસારિત કરાયો હતો. ગૅસ સ્ટેશનોમાં ઈંધણનું વેચાણ બંધ કરી દેવાયેલું, જેના કારણે વાહનોની અવરજવર ભારે પ્રભાવિત થઈ હતી.
સરકારે વિસ્તારમાં રાહત બચાવ માટે સૈન્ય, નૅવી અને નેશનલ ગાર્ડને તહેનાત કર્યા હોવાનું જણાવ્યું છે. મૅક્સિકો શહેરથી રાહત બચાવની સામગ્રી સાથેનાં વાહનો જમીન માર્ગે મોકલાવાયાં હતાં, કારણ કે વાવાઝોડામાં એકાપુલ્કો ઍરપૉર્ટનેય નુકસાન થયું હતું.
સ્થાનિકો માટે 500 આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરાઈ હતી.
‘અવારનવાર ત્રાટકે છે વાવાઝોડાં’
મૅક્સિકોના પૅસિફિક અને ઍટલાન્ટિક તટોએ દર વર્ષે ઘણાં વાવાઝોડાં ત્રાટકે છે, સામાન્ય રીતે મે અને નવેમ્બરમાં તેનું પ્રમાણ વધુ હોય છે, જોકે, આ પૈકી ખૂબ ઓછાં વાવાઝોડાં કાંઠે કૅટગરી 5ના વાવાઝોડા તરીકે પહોંચે છે.
આ અઠવાડિયે અન્ય એક વાવાઝોડું નોર્મા ત્રાટક્યું હતું, જેમાં એક બાળક સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૅક્સિકન પૅસિફિક કાંઠે બે વખત આ વાવાઝોડાનું લૅન્ડફૉલ થયું હતું.
ઑક્ટોબરની શરૂઆતમાં લિડિયા નામનું વધુ એક વાવાઝોડું દેશનાં પશ્ચિમે આવેલાં રાજ્યો જાલિસ્કો અને નયારિત પર ત્રાટક્યું હતું. તે કૅટગરી 4નું વાવાઝોડું હતું.
ઑકટોબર 1997માં મૅક્સિકોના પૅસિફિક કાંઠે કૅટગરી 4નું વાવાઝોડું પોલિન ત્રાટકતાં 200 લોકનાં મૃત્યુ થયાં હતાં. જે પૈકી કેટલાંક એકાપુલ્કોમાં હતાં.
મૅક્સિકોના મૉડર્ન ઇતિહાસમાં આવેલું આ સૌથી વિનાશક વાવાઝોડું હતું.