અમેરિકામાં માસ શૂટિંગમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત

    • લેેખક, ક્રિસ્ટી કૂની
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકાના મેઇન રાજ્યના લુઇસટન ખાતે થયેલી ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મૃત્યુ થયાંના અહેવાલ છે. હથિયારધારી આરોપીની શોધ માટેનું અભિયાન ચાલુ છે.

પોલીસના જણાવ્યાનુસાર બુધવારે મોડી સાંજે બૉલિંગ ક્ષેત્ર અને રેસ્ટોરાંમાં આ હુમલો થયો હતો.

લુઇસટનની સાથોસાથ નજીક આવેલા લિસબન નગરના વાસીઓને સુરક્ષિત સ્થળે રહેવા સૂચન અપાયું છે.

પોલીસે આ બનાવ બાબતે 40 વર્ષીય રૉબર્ટ કાર્ડને શકમંદ જાહેર કર્યા છે, તેમજ જણાવ્યું છે કે, તે “હથિયારબંધ અને ખતરનાક” છે.

તંત્ર દ્વારા હજુ સુધી આ બનાવમાં થયેલાં મૃત્યુના આંકડાની પુષ્ટિ નથી કરી પરંતુ બીબીસીના અમેરિકા ખાતેના પાર્ટનર સીબીએસે સુરક્ષા દળના અધિકારીઓ સાથેની વાતચીત આધારે આ ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોનાં મૃત્યુ થયાંનું જણાવ્યું છે.

આ સિવાય આ ઘટનામાં એક કરતાં વધુ રિપોર્ટોમાં કરાયેલા દાવા મુજબ ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે આ તમા રિપોર્ટની પુષ્ટિ કરાઈ નથી.

મેઇનના જાહેર સુરક્ષા વિભાગના કમિશનર માઇકલ સોશુકે કહ્યું કે, ઘટનામાં “એક કરતાં વધુનાં મૃત્યુ થયાં” છે.

નોધનીય છે કે લુઇસટન એ મેઇન રાજ્યમાં પૉર્ટલૅન્ડની ઉત્તરે 35 માઇલના અંતરે આવેલું લગભગ 38 હજારની વસતીવાળું એક શહેર છે.

લુઇસટન પોલીસે કહ્યું કે તેઓ ઘટનાનાં બે સ્થળો, સ્કીમેન્જીસ રેસ્ટોરાં અને બૉલિંગ ક્ષેત્ર સ્પૅરટાઇમ રિક્રિએશન ખાતે પહોંચ્યા હતા.

આ બંને સ્થળો એક બીજાથી માત્ર 6.5 કિલોમીટરના અંતરે છે, એકથી બીજા સ્થળે દસ મિનિટમાં પહોંચી શકાય છે.

એબીસી ન્યૂઝ સાથેની વાતચીતમાં રાઇલી ડ્યુમોન્ટે કહેલું કે તેમની 11 વર્ષીય પુત્રી એક બૉલિંગ લીગમાં ભાગ લેવા પહોંચી હતી, એ સમયે તેમણે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.

તેમણે કહ્યું કે ભૂતપૂર્વ પોલીસ અધિકારી એવા તેમના પિતાએ બાદમાં તેમના પરિવારજનોને એકઠા કરીને છુપાવી દીધા હતા.

તેઓ કહે છે કે, “હું મારી દીકરીને બચાવવા એના પર ચતી સૂઈ ગયેલી. અને મારાં માતા મારા પર ચત્તાં સૂઈ ગયેલાં.”

તેઓ કહે છે કે તેમણે ઘટનાના ત્રણ-ચાર અસરગ્રસ્તોને જોયાં હતાં.

લુઇસટનમાં સિટી કાઉન્સિલનાં ઉમેદવાર બિલી જેન કૂકે બીબીસીને જણાવેલું કે જ્યારે તેઓ એક ઇવેન્ટમાંથી પરત ફરી રહ્યાં હતાં, એ દરમિયાન તેમને આ ઘટનાના સમાચાર મળ્યા હતા.

તેઓ જણાવે છે કે, “હેલિકૉપ્ટર, સાઇરન, મેં ક્યારેય આ શહેરમાં આટલી બધી અવરજવર અને પ્રવૃત્તિ નથી જોઈ. આખા રાજ્યમાંથી શહેરમાં પોલીસ ઊમટી પડી છે.”

“આખું શહેર લૉકડાઉનમાં છે. આ ખૂબ ભયાન છે. તમને લાગે છે કે આવું ક્યારેય ન બની શકે અને અચાનક જ આવું બની જાય છે.”

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) પર મેઇન સ્ટેટ પોલીસે જણાવ્યું : “લુઇસટનમાં એક શૂટર ઍક્ટિવ છે. 

એન્ડ્રોસ્કોગીન કાઉન્ટી શૅરિફની ઑફિસે શકમંદની બે તસવીરો જાહેર કરી છે, અને સાથે જણાવ્યું છે કે તે ફરાર છે. ઑફિસે જાહેર જનતાને તેની ઓળખ માટે મદદ કરવા અપીલ કરી છે.

તેમણે બ્રાઉન સ્વેટરમાં એક દાઢીવાળા હથિયારધારીની બિલ્ડિંગની અંદર પ્રવેશતા સમયની તસવીર જાહેર કરી છે.

ઍસોસિયેટેડ પ્રેસે જોયેલા પોલીસ બુલેટિન અનુસાર શકમંદ રૉબર્ટ કાર્ડ એ હથિયારોના ઇન્સ્ટ્રક્ટર છે. તેમને મેઇનના સાકો શહેર ખાતે અમેરિકન સૈન્ય દ્વારા તાલીમ મળેલી છે.

બુલેટિન અનુસાર તેમણે વર્ષ 2023ના ઉનાળામાં કેટલોક સમય માનસિક આરોગ્યની હૉસ્પિટલમાં પસાર કર્યો હતો અને એ દરમિયાન બૅઝ ખાતે શૂટિંગને અંજામ આપવાની ધમકી પણ આપી હતી.

આ સિવાય પોલીસે એક વ્હાઇટ કાર, જેના આગળના બમ્પર પર કાળા રંગનો પેઇન્ટ કરાયેલો હોવાનું મનાય છે, ની તસવીર જાહેર કરી છે, અને વાહનને ઓળખનારને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે.

માઇકલ સોશુકે રિપોર્ટરો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લિસબન શહેરના લોકોનેય સુરક્ષિત સ્થળે રહેવા જણાવાયું છે, કારણ કે આ સ્થળે જ ઘટનામાં સામેલ કાર દેખાઈ હતી.

સેન્ટ્રલ મેઇન મેડિકલ સેન્ટરે કહ્યું કે તેઓ “સામૂહિક મૃત્યુ, સામૂહિક શૂટર ઇવેન્ટ” સામે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ઈજાગ્રસ્તોની સારવાર માટે વિસ્તારની અન્ય હૉસ્પિટલો સાથે સંકલન સાધી રહ્યા છે.

લુઇસટન પબ્લિક સ્કૂલના સુપરિન્ટેન્ડેન્ટ જેક લેન્ગલેઇસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (ડીએચએસ)એ પોતાના નિવેદનમાં કહ્યું કે સચિવ એલેહાન્દ્રો માયોરકાસને ઘટનાની જાણ કરાઈ છે અને તેઓ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

નિવેદનમાં કહેવાયું છે કે, “ડીએચએસ સંઘીય સંરક્ષણ દળ, રાજ્ય અને સ્થાનિક પાર્ટનરો સાથે ખૂબ નિકટતા સાથે કામ કરી રહ્યું છે, જેથી લુઇસટન કૉમ્યુનિટીને જોઈતો સહકાર આપી શકાય.”

અમેરિકાના ન્યાય વિભાગના એક નિવેદનમાં કહેવાયું કે સંઘીય એજન્સીઓ રાજ્ય અને સ્થાનિક સંરક્ષણ દળોને મદદ કરી રહી છે.

વ્હાઇટ હાઉસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બાઇડને મેઇનના ગવર્નર જેનેટ મિલ્સ, સેનેટર એંગસ અને સુઝાન કૉલિન્સ તેમજ કૉંગ્રેસમૅન જેરેડ ગોલ્ડન સાથે વ્યક્તિગત રીતે ફોન પર વાત કરી.

સેનેટેર કિંગે એક નિવેદનમાં કહ્યું કે તેઓ “લુઇસટન શહેરના નિવાસીઓ અને પોતાના પરિવાર, મિત્રો અને પાડોશીઓ અંગે ચિંતાતુર તમામ માટે ખૂબ દુ:ખી છે.”