સુરેન્દ્રનગર : સરકારની તિરંગાયાત્રામાં બાળકોએ પહેરેલી સાવરકર-બોઝની તસવીરવાળી ટીશર્ટનો વિવાદ શું છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, અમદાવાદ

કૉંગ્રેસની ન્યાયયાત્રા અને ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત તિરંગાયાત્રા વચ્ચે સુરેન્દ્રનગરના સાંગાણી ગામની સરકારી શાળાનાં બાળકો અને શિક્ષકો પણ ચર્ચામાં આવી ગયાં છે.

શાળા દ્વારા 14 ઑગસ્ટના દિવસે ગામમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગાયાત્રા કાઢવામાં આવી.

આ યાત્રામાં વિદ્યાર્થીઓને સ્કૂલના યુનિફૉર્મ પર વિનાયક દામોદર સાવરકર અને સુભાષચંદ્ર બોઝનાં ચિત્રો ધરાવતી કેસરી રંગની ટીશર્ટ પહેરાવવામાં આવી હતી.

કૉંગ્રેસની ન્યાયયાત્રાના આગેવાનો પણ એ ગામમાં હોવાથી તેમની નજર આ તિરંગાયાત્રા દરમિયાન બાળકોએ પહેરેલી ટીશર્ટ પર પડી.

તેમણે બાળકોને મહાત્મા ગાંધીના હત્યાકેસમાં આરોપી રહી ચૂકેલા સાવરકરની તસવીરવાળી ટીશર્ટ પહેરાવવા બદલ શાળાના શિક્ષકોની ટીકા કરીને બાળકોએ પહેરેલી ટીશર્ટ કઢાવી નાખવાનો આગ્રહ કર્યો.

આ ઘટનાના વીડિયો વાઇરલ થયા અને આ મામલે સ્કૂલના શિક્ષક દ્વારા ન્યાયયાત્રાના આગેવાનો કૉંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય આયોજક લાલજી દેસાઈ, ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા સહિત પાંચ નેતાઓ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તેમના પર સુરેન્દ્રનગરની સરકારી શાળાની તિરંગાયાત્રાના કાર્યક્રમ દરમિયાન અડચણ ઊભી કરવાનો તથા બાળકોનાં ટીશર્ટ ઊતરાવવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, આ સ્કૂલના વિદ્યાર્થીઓને આ ટીશર્ટ તિરંગાયાત્રાના ભાગરૂપે નહોતી આપવામાં આવી. પરંતુ મુંબઈસ્થિત એક ટ્રસ્ટના દાતા દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર વિસ્તારની શાળાઓમાં આ પ્રકારે દેશના ઇતિહાસ અને સ્વતંત્રતાસંગ્રામ સાથે જોડાયેલા વ્યક્તિત્વોની તસવીરો ધરાવતી ટીશર્ટની વહેંચણી કરવામાં આવતી હોવાના ભાગરૂપે આ શાળાના વિદ્યાર્થીઓને આ ટીશર્ટ તિરંગાયાત્રાના દિવસો અગાઉ આપવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

નવમી ઑગસ્ટે કૉંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જે બુધવારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાંગાણી ગામે પહોંચી હતી. ત્યારે સાંગાણી પ્રાથમિક શાળા દ્વારા તિરંગાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ સાવરકર તથા બોઝની તસવીરોવાળી કેસરી ટીશર્ટ પહેરી હતી.

સાંગાણીની સરકારી શાળાના આચાર્ય કલ્પેશ ચૌહાણે લખાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, 'આ તિરંગાયાત્રામાં શાળાના ધોરણ એકથી આઠના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જોડાયાં હતાં. સવારે 11 વાગ્યા આસપાસ ચોટીલાથી અમદાવાદના હાઈવે પર કૉંગ્રેસની ન્યાયયાત્રા પસાર થઈ રહી હતી, તેઓ ગામમાં આવ્યા હતા અને બાળકો તથા અમને ઘેરી લીધા હતા.'

સમગ્ર ઘટનાક્રમનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં કૉંગ્રેસના લાલજી દેસાઈ દ્વારા બાળકોનાં ટીશર્ટ ઉપર સાવરકરની તસવીર ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા. ત્યારે શાળાના પ્રતિનિધિ આ ટીશર્ટ દાનમાં મળી હોવાનું જણાવતા જોવા મળે છે.

આ વાઇરલ વીડિયોની બીબીસી સ્વતંત્રપણે ખરાઈ નથી કરી શક્યું.

પોલીસ ફરિયાદમાં શું આરોપ નોંધાયા છે?

પોલીસ દ્વારા નોંધવામાં આવેલા એફઆઈઆર મુજબ, 'કૉંગ્રેસના નેતાઓએ શાળાના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી અને સ્વાતંત્ર્યસેનાનીઓ તથા ક્રાંતિકારીઓનું અપમાન કરીને સમાજના અલગ-અલગ વર્ગો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તથા રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે એવાં કથન કર્યાં હતાં. આ સિવાય ગેરકાયદેસર મંડળી રચીને સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરી છે.'

આ સિવાય ગેરકાયદેસર મંડળી રચીને સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરી હોવાનો આરોપ પણ પોલીસ ફરિયાદમાં મૂકવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ અંગે લીમડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "15 ઑગસ્ટ નિમિત્તે સરકારની સૂચના મુજબ ચોટીલા તાલુકાના સાંગાણી ગામની સરકારી શાળા દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરના સમયે શાળાની તિરંગાયાત્રા અને કૉંગ્રેસની ન્યાયયાત્રા સામસામે મળી હતી."

"તે સમયે ન્યાયયાત્રામાં સામેલ કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષકોને કહેવામાં આવ્યું કે ‘સાવરકરનો ફોટો કેમ રાખવામાં આવ્યો છે. આ હત્યારા છે.’ એમ કહીને માથાકૂટ શરૂ કરી હતી. તેમજ બાળકોની ટીશર્ટ કઢાવી નાખવા જણાવ્યું હતું. જેથી મામલો ગરમાયો હતો. તે સમયે સ્થળ પર બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા મામલો શાંત કરવામાં આવ્યો હતો."

વિશાલ રબારીએ વધુમાં જણાવ્યું, "આ મામલે શાળાના આચાર્ય દ્વારા રાત્રે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ટીશર્ટ અંગે શાળાના આચાર્યનું કહેવું છે કે તેમની શાળાનાં બાળકોને સેવાભાવી સંસ્થા દ્વારા ટીશર્ટ આપવામાં આવી હતી. ઘટના મામલે નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે."

આ ટીશર્ટ આપનારા દાતા કોણ છે?

સાંગાણી સરકારી શાળાને ટીશર્ટ મુંબઈસ્થિત ઇન્દુમતી વસંતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી.

ટ્રસ્ટીનું કહેવું છે તેમણે માત્ર આ શાળા જ નહીં, પરંતુ ચોટીલા આસપાસની 10 શાળાઓમાં ટીશર્ટ, નોટબુક્સ અને ટોપીઓ આપી છે. તેમજ તેઓ શાળાઓમાં વૃક્ષારોપણ પણ કરાવે છે. ટ્રસ્ટે કાર્યક્રમ 1થી 3 ઑગસ્ટ દરમિયાન રાખ્યો હતો.

ઇન્દુમતી વસંતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉમેશ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. અમે આ ટીશર્ટ 15મી ઑગસ્ટના અનુસંધાને નથી આપી. અમે દર વર્ષે કેટલીક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને નોટબુક્સ, ટીશર્ટ અને ટોપીઓ આપીએ છીએ. ટીશર્ટ ઉપર અમે દેશ માટે બલિદાન આપનારા મહાપુરુષોની તસવીરો છપાવીએ છીએ."

તેમણે વધુમાં કહ્યું, "દર વર્ષે અમે ટીશર્ટ પર અલગ-અલગ તસવીરો છપાવીએ છીએ. ગયા વર્ષે અમે શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપની તસવીરો છપાવી હતી. આ વર્ષે અમે વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝનો ફોટો છપાવ્યો છે. આ મુદ્દા પર ખોટી રીતે રાજનીતિ કરવામાં આવી રહી છે. અમે તો સેવાનું કામ કરીએ છીએ. આ વર્ષે અમે મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્કૂલોમાં કુલ મળીને 2130 ટીશર્ટ આપી છે."

દાનમાં મળેલી ટીશર્ટ બની ગઈ રાજકીય વિવાદનું કારણ

લાલજી દેસાઈએ વીડિયો નિવેદન બહાર પાડીને બાળકોને સાવરકરની ટીશર્ટ પહેરાવાના મામલે સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું, "જો કોઈ દાતા દ્વારા દાઉદ, હિટલર કે બિલ્લા-રંગાની ટીશર્ટ આપશે, તો તે પહેરાવાશે?"

દેસાઈના કહેવા પ્રમાણે, "સરદાર પટેલ સ્ટેડિયમનું નામ હઠાવીને નરેન્દ્ર મોદીએ પોતાનું નામ કર્યું એવી રીતે ગુજરાતમાંથી ગાંધીનું નામ મિટાવી દેવા માગે છે તથા ગોડસેના ખભે બંદૂક રાખીને ગાંધી ઉપર ગોળી ચલાવનારા સાવરકરનું નામ કરવા માગે છે. તેના માટેનું આ એક ષડ્યંત્ર અને પ્રયોગ છે."

ગૃહ રાજ્યમંત્રીએ કૉંગ્રેસના નેતાઓની ટીકા કરી

કૉંગ્રેસના નેતાઓ પર એફઆઈઆર વિશે માહિતી આપતા ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઍક્સ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

તેમણે ઍક્સ પર લખ્યું, "વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કૉંગ્રેસ કે વીડિયોમાં દેખાતા કૉંગ્રેસી નેતાઓની નથી. સુરેન્દ્રનગરમાં તિરંગાયાત્રા દરમિયાન બાળકોનાં ટીશર્ટ લઈ લેવા નિંદનીય બાબત છે. વીર સાવરકરજી તથા સુભાષચંદ્ર બોઝજીનું અપમાન કરનારા લોકો ઉપર આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(3), 221, 197(સી)(ડી), 352, 353 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે."

ઉલ્લેખનીય છે કે 'સ્વતંત્ર સાક્ષી' ન હોવાને કારણે ગાંધીજીની હત્યાના આરોપમાંથી સાવરકરને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

આ ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારવામાં નહોતો આવ્યો.

એ પછી કપૂર પંચે વર્ષ 1969માં ગાંધીજીની હત્યામાં સાવરકરની ભૂમિકાની વાત કહી હતી, પરંતુ એ પહેલાં તેમનું અવસાન થઈ ગયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.