ઇન્દોર દૂષિત પાણીને કારણે 8 લોકોનાં મૃત્યુ, મધ્ય પ્રદેશના મંત્રીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, SAMIR KHAN
મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું કે તપાસમાં પીવાના પાણીમાં ગટરનું પાણી માલુમ પડ્યું છે.
તેમણે કહ્યું, "જેવી કે સંભાવના હતી, પાણીમાં ગટરનું પાણી ભળ્યું હતું. તે દૂષિત છે. તેથી તેની ટ્રિટમેન્ટ પહેલાં જ થઈ રહી હતી. હાલ પણ તે જ ટ્રિટમેન્ટ ચાલુ છે."
તેમણે કહ્યું કે આખી કૉલોનીને જ્યારે ચેક કરવામાં આવશે, તેના માટે 8થી 10 દિવસ લાગશે. મોતના સવાલ પર મંત્રીએ કહ્યું કે "કુલ 8 લોકોનાં મૃત્યુ થયાં છે."
ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં મંગળવારે દૂષિત પાણી પીવાને કારણે કેટલાક લોકોનાં મૃત્યુ તથા સેંકડો લોકો ગંભીર રીતે બીમાર થવાનો મામલો સામે આવ્યો હતો.
વંદે ભારત સ્લીપર ટ્રેનની ટ્રાયલ પૂર્ણ, આ રૂટ પર ચાલશે પહેલી ટ્રેન

ઇમેજ સ્રોત, ANI
ગુરુવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. જે દરમિયાન જાણકારી આપી કે વંદે ભારત સ્લીપર ટ્રેનની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે.
તેમણે કહ્યું, "વંદે ભારત સ્લીપર ટ્રેનની ટ્રાયલ, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટીથી કોલકતા વચ્ચે દોડશે."
"કેટલાક દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી દેખાડશે."
ઈરાનમાં સુરક્ષાકર્મીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, એકનું મોત

ઈરાનમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાનમાં સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે, પ્રદર્શનકારીઓ સાથે થયેલા સંઘર્ષમાં એક સુરક્ષાકર્મીનું મોત થયું છે.
ઈરાનમાં છેલ્લા પાંચ દિવસથી વધતી મોંઘવારી અને ડૉલરની સરખામણીમાં ઈરાની મુદ્રા રિયાલની ઘટતી કિંમતને લઈને વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.
પ્રદર્શનો શરૂ થયાં બાદ અધિકારીઓએ પહેલી વખત કોઈ મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે.
આ પ્રદર્શનો તહેરાનમાં શરૂ થયાં હતાં. પરંતુ હવે તે અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગયાં.
ગુજરાતમાં બુલેટ ટ્રેન સૌપ્રથમ ક્યાં દોડશે? રેલવે મંત્રી દ્વારા કરવામાં આવી જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતા જણાવ્યું છે કે વર્ષ 2027માં બુલેટ ટ્રેન દોડતી થઈ જશે.
અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના દોડવાની તારીખની જાહેરાત કરતાં જણાવ્યું કે 15મી ઑગસ્ટના રોજથી બુલેટ ટ્રેન દોડવાની શરૂઆત થશે.
તેમણે કહ્યું, "બુલેટ ટ્રેન 2027 સુધીમાં તૈયાર થઈ જશે. સૌપ્રથમ સુરતથી બિલિમોરા સુધીનો હિસ્સો ઓપન થશે. ત્યાર પછી તે વાપી અને સુરત અને પછી વાપી અને અમદાવાદ સુધી દોડશે. ત્યાર પછી તે થાણેથી અમદાવાદ દોડશે અને પછી મુંબઈથી અમદાવાદનો ટ્રેક શરૂ થશે."
કેદ્રીય રેલવે મંત્રીએ પત્રકારો સાથે વાત કરતાં આ જાહેરાત કરી હતી. ભારતમાં પહેલી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવાની છે અને તેની કામગીરી હાલ ચાલી છે.
સ્વિત્ઝર્લૅન્ડના સ્કી રિસૉર્ટના વિસ્ફોટમાં ડઝનેકનાં મૃત્યુ, હુમલાનો અધિકારીઓએ કર્યો ઇન્કાર

ઇમેજ સ્રોત, social media
સ્વિત્ઝર્લૅન્ડના સ્કી રિસૉર્ટમાં થયેલા વિસ્ફોટ મામલે ત્યાંના અધિકારીઓએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી છે. તેમણે આ કોઈ હુમલો હોવાનો ઇન્કાર કર્યો છે.
પોલીસે જણાવ્યું છે કે 'ડઝનેક લોકો'ના માર્યા જવાનું અનુમાન છે. જ્યારે કે 100 જેટલા લોકો ઘાયલ થયા છે.
પ્રોસિક્યૂટર જનરલ બીટ્રેસ પિલૉડે જણાવ્યું કે "આ ઘટના કેમ અને કયા સંજોગોમાં ઘટી તેની જાણકારી મેળવવા માટે તેની તપાસ કરવામાં આવી રહી છે."
"હાલ તેને આગ લાગવાની ઘટના માનવામાં આવી રહી છે અને કોઈ પ્રકારનો હુમલો થયો હોવાનો સવાલ નથી."
તેમણે કહ્યું કે પીડિતોની ઓળખ કરવામાં આવી રહી છે અને જલદી તેમના પરિવારોને તેમના મૃતદેહો સોંપવામાં આવશે.
હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. જેમાં 10 હેલિકૉપ્ટર, 40 ઍમ્બ્યુલન્સ તથા 150 લોકોને તહેનાત કરવામાં આવ્યાં છે.

ઇમેજ સ્રોત, Police handout
અગાઉ પોલીસે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ક્રેન્સ-મોન્ટાના સ્કી રિસોર્ટમાં વિસ્ફોટ સમયે બારમાં 100થી વધુ લોકો હાજર હતા.
પોલીસે સ્વિત્ઝર્લૅન્ડ મીડિયા આઉટલેટ બ્લિકને આ માહિતી આપી હતી.
એક અપડેટમાં, પોલીસે એમ પણ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે તંત્ર તરફથી ઘણી ટીમો તહેનાત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે, ઉપરાંત ક્રેન્સ-મોન્ટાનાને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
પોલીસે અગાઉ કહ્યું હતું કે આ ઘટનામાં "ઘણા" લોકો મૃત્યુ પામ્યાં છે, પરંતુ ચોક્કસ મૃત્યુઆંક હજુ સુધી જાણી શકાયો નથી.
પોલીસે બીબીસીને જણાવ્યું હતું કે કોન્સ્ટેલેશન બારમાં સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે વિસ્ફોટ થયો હતો.
ક્રેન્સ-મોન્ટાના શહેર સ્વિસ આલ્પ્સ પર્વતમાળામાં સ્થિત એક વૈભવી સ્કી રિસૉર્ટ શહેર છે. આ શહેર બ્રિટિશ પ્રવાસીઓમાં લોકપ્રિય છે.
સ્વિત્ઝર્લૅન્ડના સ્કી રિસૉર્ટ બારમાં વિસ્ફોટ બાદ અનેક લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Social Media
સ્વિત્ઝર્લૅન્ડના સ્કી રિસૉર્ટ બારમાં વિસ્ફોટ બાદ અનેક લોકોનાં મોત થયાના અહેવાલ છે.
પોલીસ કહે છે કે ક્રેન્સ-મોન્ટાનાના સ્વિત્ઝર્લૅન્ડના સ્કી રિસૉર્ટના એક બારમાં વિસ્ફોટ બાદ ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા છે.
પોલીસે બીબીસીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કૉન્સ્ટેલેશન બારમાં સ્થાનિક સમય મુજબ 1:30 વાગ્યે (00:30 GMT) વિસ્ફોટ થયો હતો.
સોશિયલ મીડિયા પર ફરતા અપ્રમાણિત ફૂટેજમાં એક બારમાં આગ લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું છે જ્યાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી ચાલી રહી હતી.
પોલીસે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોના પરિવારો માટે એક હેલ્પલાઇન સ્થાપિત કરવામાં આવી છે.
ક્રેન્સ-મોન્ટા એ એક વૈભવી સ્કાય રિસોર્ટ છે, જે સ્વિત્ઝર્લૅન્ડના આલ્પ્સમાં સ્થિત છે, જે સ્વિત્ઝર્લૅન્ડની રાજધાની બર્નથી લગભગ બે કલાક દૂર છે.
આ રિસોર્ટ પ્રવાસીઓમાં લોકપ્રિય છે. ક્રૅન્સ-મોન્ટાના એ એક અપમાર્કેટ સ્કી રિસોર્ટ છે, જે સ્વિત્ઝર્લૅન્ડના વલૈસમાં સ્થિત છે, જે બ્રિટિશ પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય છે.
આ વિસ્તારમાં 87 માઇલ લાંબા રસ્તાઓ છે.
જાન્યુઆરીના અંતમાં, આ રિસોર્ટ એક પ્રતિષ્ઠિત સ્પીડ સ્કીઇંગ ઇવેન્ટ - એફઆઈએસ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે.
ઝોહરાન મમદાણીએ ન્યૂયૉર્કના મેયરપદના શપથ લીધા

ઇમેજ સ્રોત, Spencer Platt/Getty
અમેરિકન ડેમૉક્રેટિક પાર્ટીના નેતા ઝોહરાન મમદાણીએ ન્યૂયૉર્ક શહેરના મેયરપદના શપથગ્રહણ કર્યા છે.
શપથગ્રહણ સમારોહ ઓલ્ડ સિટી હૉલ સ્ટેશન ખાતે આયોજિત કરાયો હતો.
34 વર્ષીય ઝોહરાન મમદાણી પાછલાં 100 વર્ષ કરતાં પણ વધુ સમયમાં ન્યૂયૉર્કના સૌથી યુવાન અને પ્રથમ મુસ્લિમ મેયર છે. તે ન્યૂયૉર્કના મેયર બનનારી દક્ષિણ એશિયન મૂળની પ્રથમ વ્યક્તિ પણ છે.
ન્યૂયૉર્કમાં ગત વર્ષે નવેમ્બર માસમાં ચૂંટણી યોજાઈ હતી, મેયરપદ માટે મુખ્ય સ્પર્ધા મમદાણી અને ઍન્ડ્ર્યૂ કુઓમો વચ્ચે હતી.
મમદાણી સામે ડેમૉક્રેટ પ્રાઇમરીમાં હાર્યા બાદ કુઓમો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેમજ રિપબ્લિકન પાર્ટી તરફથી કર્ટિસ સ્લિવા પણ ઉમેદવાર હતા.
દૂષિત પાણી પીવાથી નાગરિકોનાં મૃત્યુ મામલે સવાલ પુછાતાં મંત્રી કૈલાશ વિજયવર્ગીયે કાબૂ ગુમાવ્યો

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સામેલ ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં મંગળવારે પ્રદૂષિત પાણી પીવાથી ઘણાં લોકોનાં મૃત્યુ થયાનો અને સેંકડો ગંભીરપણે બીમાર થયાનો મામલો સામે આવ્યો.
મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે બુધવારે આ મામલામાં ચાર લોકોનાં મૃત્યુની આધિકારિક પુષ્ટિ કરી. પરંતુ ઘણા અહેવાલોમાં મૃત્યુની સંખ્યા દસ હોવાનો દાવો કરાયો હતો.
મુખ્ય મંત્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધી 212 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જે પૈકી 50ને ડિસ્ચાર્જ કરી દવાય છે, જ્યારે 162ની હજુ પણ સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ સમગ્ર મામલે એક પત્રકારના સવાલ બાદ સ્થાનિક ધારાસભ્ય અને મધ્યપ્રદેશના કૅબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો, જે બાદ તેમની ઘણી ટીકા થઈ રહી છે.
જોકે, આ ઘટનાને થોડો સમય પસાર થયા બાદ જ મંત્રી વિજયવર્ગીયે પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યું અને ચોખવટ કરી.
બુધવારે મંત્રી વિજયવર્ગીયને એનડીટીવીના પત્રકાર અનુરાગ દ્વારીએ સવાલ કર્યો, 'ઘણા બધા લોકોને ઇલાજના પૈસા પાછા નતી મળ્યા અને પીવાના પાણીની ઠીક વ્યવસ્થા નથી?'
આનો જવાબ આપતાં વિજયવર્ગીયે કહ્યું, "છોડો યાર, તું ફોગટ પ્રશ્નો ન પૂછીશ."
એ બાદ પત્રકાર પોતાની વાત મૂકે છે, જે અંગે કૈલાશ વિજયવર્ગીય આપત્તિજનક ભાષામાં વાત કરે છે.
આ અગાઉ, મધ્યપ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે પ્રદૂષિત પાણીથી બીમાર થયેલા લોકોની મફત સારવાર કરાશે અને જેમણે ઇલાજ માટે પૈસા ખર્ચ કર્યા છે, તેમને પૈસા પરત મળશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












