You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બે બહેરા-મૂંગા માણસો રેલવે સ્ટેશન પર લાશ ભરેલી બૅગ ધકેલી રહ્યા હતા, મુંબઈ પોલીસકર્મીના પુત્રએ કેવી રીતે હત્યાનો ભેદ ઉકેલ્યો?
- લેેખક, અલ્પેશ કરકરે
- પદ, બીબીસી મરાઠી માટે
આજે આપણે જાણીશું કે કેવી રીતે મુંબઈ પોલીસ અધિકારીના બહેરા અને મૂંગા દીકરાએ એક જટિલ ગુનો ઉકેલ્યો.
ઑગસ્ટ 2024 માં મુંબઈના વ્યસ્ત દાદર રેલવે સ્ટેશન પર એક બૅગમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
આ બૅગ જે બે આરોપીઓની હતી તેઓ બંને બહેરા અને મૂંગા હતા. પરિણામે, મુંબઈ પોલીસ ગુનાનો ભેદ ઉકેલવામાં લાચાર બની ગઈ અને તેને તપાસમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
આખરે, મુંબઈના એક પોલીસકર્મીના પુત્રએ આ કેસનું રહસ્ય ઉકેલી નાખ્યું.
શું હતી ઘટના?
તારીખ 4 ઑગસ્ટ, 2024, રવિવારનો દિવસ હતો.
સમય રાત્રિનો હતો, 11: 50 વાગ્યાની આસપાસ.
જગ્યા હતી દાદર રેલવે સ્ટેશન.
રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા માટે ભીડ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાદર જંક્શન હોવાથી લોકલ ટ્રેનો તેમજ ઍક્સપ્રેસ ટ્રેનોનો પ્રવાહ હંમેશની જેમ સતત ચાલુ હતો.
સોમવારે રાત્રે દાદરથી સાવંતવાડી જતી તુતારી ઍક્સપ્રેસ પકડવા માટે મુસાફરો પ્લૅટફૉર્મ નંબર 11 પર રાહ જોઈ રહ્યા હતા.
તુતારી ઍક્સપ્રેસ સ્ટેશન પર આવી અને મુસાફરો ટ્રેન પકડવા માટે દોડવા લાગ્યા.
પોલીસને બૅગમાં મૃતદેહ હોવાની ખબર કેવી રીતે પડી?
પ્લૅટફૉર્મ નંબર 11 પર પાંચમા અને છઠ્ઠા ડબ્બાની વચ્ચે બે લોકો તુતારી ઍક્સપ્રેસમાં ચડવા જઈ રહ્યા હતા. બંને પાસે પૈડાવાળી બૅગ હતી. જોકે, આ બૅગ ટ્રેનમાં ચડાવતી વખતે તે બંને ખૂબ જ થાકી ગયા હતા. વજનને કારણે બંનેને ટ્રેનમાં બૅગ લઈ જતી વખતે ખૂબ પરસેવો વળ્યો હતો.
તે સમયે રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો સંતોષ કુમાર યાદવ અને પોલીસ કૉન્સ્ટેબલ માધવ કેન્દ્રા પ્લૅટફૉર્મ પર પેટ્રોલિંગમાં હતા. આ બંનેની હિલચાલ જોઈને તેમને શંકા ગઈ.
તેમણે બંનેને રોક્યા અને બૅગ ખોલવા કહ્યું. પરંતુ તેઓ તેને ટાળી રહ્યા હતા. પોલીસને તેમની હિલચાલ પર શંકા ગઈ અને બૅગની સ્થિતિ જોઈને તેને ખોલવા માટે આદેશ કર્યો. બૅગ ખૂલી તો બધા ચોંકી ગયા.
બૅગમાં લોહીથી લથપથ એક શરીર હતું. શરીર પર માથામાં ગંભીર ઈજાઓ હતી. પોલીસે તરત જ બંનેની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમાંથી એક ભાગી ગયો અને બીજાને પોલીસે પકડી લીધો.
પોલીસે બૅગ જપ્ત કરી અને મૃતદેહને હૉસ્પિટલમાં મોકલી આપ્યો. આરોપીને પાયધુની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. કારણ કે પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર આરોપી પાયધુની પોલીસ સ્ટેશનની હદમાંથી આવ્યો હતો.
પાયધુની પોલીસે વધુ તપાસ શરૂ કરી. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી તે બહેરી હતી. આ કારણે પોલીસ શરૂઆતમાં તેની પાસેથી કોઈ માહિતી મેળવી શકી ન હતી. પોલીસને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
સાંકેતિક ભાષાનું જ્ઞાન ધરાવતી વ્યક્તિની શોધ
આરોપીઓ પાસેથી કોઈ માહિતી ન મળતાં તપાસ અટકી ગઈ હતી.
હત્યાના રહસ્યને ઉકેલવા માટે પોલીસ એવી વ્યક્તિને શોધી રહી હતી જે મૂંગા અને બહેરા લોકોની સાંકેતિક ભાષા જાણતી હોય. મધ્યરાત્રિ થઈ ગઈ હતી, તો હવે કોણ આવશે? એ પ્રશ્ન હતો. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસની એક ટીમ સાંકેતિક ભાષા જાણતી હોય તેવા વ્યક્તિની શોધ માટે નીકળી ગઇ હતી.
તે સમયે દાદર પોલીસ આરએકે કિડવાઈ માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના નાકાબંધી વિસ્તારમાં પહોંચી ત્યારે લગભગ 2 વાગ્યા હતા. તે સમયે આર.એ.કે.ના કૉન્સ્ટેબલ રાજેશ સાતપુતે ફરજ પર હતા.
નાકાબંધી દરમિયાન કિડવાઈ માર્ગ પોલીસે દાદર પોલીસ વાહનમાં રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને પૂછ્યું, "તમે ક્યાં જઈ રહ્યા છો?" આ સંદર્ભમાં દાદર પોલીસે જણાવ્યું હતું કે તેઓ સાધના વિદ્યાલય જઇ રહ્યા છે અને તેઓ મૂંગા અને બહેરા લોકોની સાંકેતિક ભાષા જાણતા હોય તેવા લોકોને શોધી રહ્યા છે.
જોકે, નાકાબંધી સમયે હાજર કૉન્સ્ટેબલ રાજેશ સાતપુતેએ દાદર પોલીસને જાણ કરી કે આ સમયે ત્યાં કોઈ ઉપલબ્ધ હેશે નહીં. જોકે, મારો દીકરો પણ તે શાળામાં ભણતો હતો. પાયધુની પોલીસ અને રાજેશ સાતપુતે વચ્ચે ચર્ચા થઇ કે શું તે અમને મદદ કરી શકશે.
રાત્રે 2 વાગ્યે સાતપુતે તેના ઉપરી અધિકારીઓની સૂચના મુજબ ઘરે ગયા અને કોઈ પણ વિલંબ કર્યા વિના તેના પુત્ર ગૌરવ સાતપુતેને પાયધુની પોલીસ સ્ટેશન લઈ આવ્યા.
ગૌરવે વાતચીત દ્વારા મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી
પોલીસ ટીમે ગૌરવને સવારે 2 વાગ્યે આરોપી સાથે વાતચીત કરવા માટે એક પ્રશ્નાવલી આપી.
ગૌરવે આરોપી જય ચાવડા સાથે સાંકેતિક ભાષામાં વાતચીત શરૂ કરી.
પોલીસને દરેક પ્રશ્નના જવાબ મળવા લાગ્યા અને એક કલાકની વાતચીત પછી તપાસ માટેની મહત્ત્વપૂર્ણ માહિતી મળી. આનાથી પોલીસને ગુનો અને તેના સહ-આરોપી અને હેતુ વિશે વિગતવાર માહિતી મળી.
બીબીસી સાથે વાત કરતા કૉન્સ્ટેબલ રાજેશ સાતપુતેએ કહ્યું, "મેં અને મારા દીકરાએ નાગરિક તરીકેની અમારી ફરજ નિભાવી."
"ગૌરવે સાધના વિદ્યાલયમાં 10મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને મઝગાંવ ડૉક લિમિટેડમાંથી પાઇપ ફિટરનો કોર્સ પૂર્ણ કર્યો છે. તે હાલમાં ઘરે જ રહે છે. પરંતુ તે સમયે મારા પોલીસ સાથીદારોને ગુનાને શોધવામાં મદદની જરૂર હતી, તેથી મારા દીકરાએ તરત જ મદદ કરી. ગૌરવના પ્રયાસોને કારણે પોલીસ સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી શકી. ગૌરવ મૂંગો અને બહેરો હોવા છતાં અમે તેને જે પણ કામ કરવાનું કહીએ છીએ તે તે કરે છે. તે સ્માર્ટ છે."
તપાસમાં શું બહાર આવ્યું?
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરાર આરોપીનું નામ શિવજીતસિંહ હતું.
ખબર પડી કે તે ઉલ્હાસનગરમાં રહે છે. પોલીસે આ માહિતીનો ઉપયોગ કરી ફરાર આરોપી શિવજીતસિંહની પણ ધરપકડ કરી.
મળી આવેલા મૃતદેહની ઓળખ અરશદ અલી સાદિક અલી શેખ (ઉંમર 30) તરીકે થઈ છે. અરશદ શેખ પણ બહેરા અને મૂંગા હતા.
પૂછપરછ દરમિયાન શિવજીતસિંહ અને જય ચાવડાએ સાદિક અલી શેખની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
ત્યારબાદ બંને આરોપીઓએ મૃતદેહને કોંકણ લઈ જઈ તેનો નિકાલ કરવાનો નિર્ણય કર્યો. આ માટે તે બંને અરશદના મૃતદેહને બૅગમાં ભરીને તુતારી ઍક્સપ્રેસમાં કોંકણ જવા રવાના થયા હતા.
આ હત્યાનું રહસ્ય અહીં જ સમાપ્ત થતું નથી.
આરોપી સાથે વાત કર્યા બાદ પોલીસ કૉન્સ્ટેબલ રાજેશ સાતપુતેના પુત્ર ગૌરવે બીજી ચોંકાવનારી માહિતી આપી. જેમાં બંને આરોપીઓ આવા જ એક વૉટ્સઍપ ગ્રૂપના સભ્યો હતા. જેમાં વિશ્વભરના ઘણા દેશોના અપંગ લોકોનો સમાવેશ થતો હતો.
હત્યારાઓએ અરશદની હત્યા કરવા માટે આ જૂથના ત્રણ અપંગ લોકોની મદદ લીધી હતી.
હત્યા દરમિયાન આ ત્રણે અપંગ લોકો સાથે વીડિયો કૉલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ગૌરવને એ પણ જણાવ્યું કે બૅલ્જિયમનો એક અપંગ વ્યક્તિ પણ આ જૂથમાં સામેલ છે.
હત્યા કેમ કરવામાં આવી?
અરશદ શેખ સાન્તાક્રુઝના ગુલાલ વાડી વિસ્તારમાં રહેતો હતો. અરશદ અને રુક્સાના એકબીજાના પ્રેમમાં હતાં. બંનેનાં લગ્ન 2012 માં થયાં હતાં. તેમને બે બાળકો પણ છે. રૂક્સાના આ મામલે સાવ ચૂપકીદી સેવે છે.
અરશદ નાની-મોટી નોકરીઓ કરીને પરિવારનો વ્યવસાય ચલાવતો હતો. એક દિવસ તેની મિત્રતા જય ચાવડા અને શિવજીત સાથે થઈ ગઈ, જેઓ પાયધુનીમાં કરોડોના ઘરમાં રહેતા હતા.
પાછળથી જય અને અરશદની મિત્રતા વધુ મજબૂત બની. તેઓ ઘરે આવાવી લાગ્યી. અરશદની પત્ની રુકસાના અને જય પ્રવીણ ચાવડા વચ્ચે 'અનૈતિક સંબંધ' હતાં.
પછી જયે અરશદને કાયમ માટે દૂર કરવાનું કાવતરું રચ્યું.
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે હત્યાનું આયોજન ઘણા દિવસોથી કરવામાં આવ્યું હતું.
આ માટે જયે તેના મિત્ર શિવજીતની મદદ લીધી.
આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે અરશદને પાયધુની પોલીસ સ્ટેશનની હદમાં આવેલા તેમના ઘરે પાર્ટી માટે બોલાવ્યો હતો. તેને દારૂ પીવડાવ્યો હતો અને જ્યારે તે ખૂબ જ નશામાં હતો ત્યારે તેને હથોડાથી માર મારીને હત્યા કરી હતી.
કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી
પોલીસે કેસની વધુ તપાસ કરી અને પોલીસને અરશદની પત્ની રુક્સાના શેખ વિરુદ્ધ પુરાવા મળતા તેની પણ ધરપકડ કરી છે.
ઉપરાંત બૅલ્જિયમમાં એક વ્યક્તિ સામે આરોપો હોવાથી પોલીસ તેને પણ અટકાયતમાં લેવા માંગતી હતી. પોલીસે આ કેસ ત્યાંની કોર્ટમાં ચલાવવાનો પ્રયાસ કર્યો છે.
આ કેસની શરૂઆતની તપાસ પોલીસે તે સમયે ચાર કલાકમાં જ કરી લીધી હતી. જોકે, ઘણા દિવસો સુધી વધુ તપાસ કર્યા બાદ પોલીસે હત્યા માચે વપરાયેલું હથિયાર જપ્ત કર્યું છે.
ઘણા લોકોનાં નિવેદનો નોંધ્યાં પછી આરોપીઓ પાસેથી કબૂલાત મેળવ્યા પછી અને નક્કર પુરાવા સાથે પોલીસે જય પ્રવીણ ચાવડા, શિવજીતસિંહ અને રુક્સાના શેખ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી અને તેમને કોર્ટમાં રજૂ કર્યાં છે. ત્રણેય હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ કેસની સુનાવણી ટૂંક સમયમાં શરૂ થશે.
આ કિસ્સામાં, આખી પોલીસ ટીમે હત્યાના રહસ્યને ઉકેલવા માટે સખત મહેનત કરી હતી.
પોલીસકર્મીના બહેરા-મૂંગા પુત્રની પ્રશંસા
બધાએ કિડવાઈ પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ રાજેશ સાતપુતે અને તેમના પુત્રની ફરજ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી.
મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરે કહ્યું, "પોલીસ કૉન્સ્ટેબલ રાજેશ સાતપુતેને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સમજાયું કે તેમનો પોતાનો પુત્ર બહેરો અને મૂંગો છે. તેની સાંકેતિક ભાષા આ લોકોને મદદ કરી શકે છે તેવું વિચારીને તેમણે રાત્રે 2 વાગ્યે તેમના સૂતેલા પુત્રને જગાડ્યો. તેની સાંકેતિક ભાષાની મદદથી માત્ર ચાર કલાકમાં એક ગંભીર ગુનાનો પર્દાફાશ થયો. આ ઘટના ફરજની મર્યાદાથી આગળ વધે છે અને હિંમત અને ખંતની અસરને ઉજાગર કરે છે. ગુનાની તપાસમાં પોલીસ કૉન્સ્ટેબલ રાજેશ સાતપુતે અને તેમના પુત્ર ગૌરવ દ્વારા આપવામાં આવેલી મદદ મુંબઈ પોલીસના અતૂટ સમર્પણનું ઉદાહરણ છે."
કિડવાઈ માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અન્નાસાહેબ ગાડેકરે કહ્યું કે, "પોલીસ કૉન્સ્ટેબલ રાજેશ સાતપુતેના સમર્પણને સલામ અને તેમના દીકરા ગૌરવ દ્વારા બતાવેલ નૈતિકતાને સલામ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન