મોદી-જિનપિંગે હાથ મિલાવ્યા, સંબંધોની ગાડી પાટે ચડવાની શક્યતા કેટલી?

ભારત, ચીન, નરેન્દ્ર મોદી, શી જિનપિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે રશિયાના કઝાન ખાતે દ્વિપક્ષીય મંત્રણા થઈ
    • લેેખક, સંદીપ રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે રશિયાના કઝાન ખાતે દ્વિપક્ષીય મંત્રણા થઈ. આ દરમિયાન બંને નેતાએ ખૂબ જ ઉષ્માપૂર્વક હાથ મિલાવ્યા.

લગભગ પાંચ વર્ષ બાદ પહેલી વખત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ઉષ્મા જોવા મળી.

બંને નેતાએ સરહદ પર તણાવ ઘટાડવા મામલે જે કરાર થયા, તેનું સ્વાગત કર્યું હતું. બંને નેતાએ 'સરહદ પર શાંતિ' જાળવી રાખવાને પ્રાથમિકતા જણાવીને 'પરસ્પર વિશ્વાસ', 'પરસ્પર સન્માન' અને 'પરસ્પર સંવેદનશીલતા'ને સંબંધો માટે આધારભૂત ગણાવ્યા.

શી જિનપિંગે 'પરસ્પર સંવાદ અને સહયોગ' પર ભાર મૂકવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું, "બંને દેશના લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાય આપણી મુલાકાતને ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ રહ્યાં છે."

બંને દેશોની સેનાઓ વચ્ચે વર્ષ 2020માં લદ્દાખના ગલવાન ખાતે હિંસક અથડામણ થઈ હતી, એ પછી બંને દેશોના સંબંધ તણાવપૂર્ણ થઈ ગયા હતા. એ હુમલામાં ભારતના 20 સૈનિક મૃત્યુ પામ્યા હતા, જ્યારે ચીનના પક્ષે પણ ખુંવારી થઈ હતી.

ભારતે સોમવારે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ખાતે તણાવ ઘટાડવા માટે બંને દેશો વચ્ચે કરાર થયા હોવાની જાહેરાત કરી હતી. જે બંને દેશો વચ્ચે પૂર્વવત્ થઈ રહેલા સંબંધોનું પહેલું પગથિયું હતું.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પણ તેને એક તક ગણાવીને લખ્યું, "ભારત ચીન મુદ્દાના ઉકેલ માટે આ મહત્ત્વપૂર્ણ તક છે, જે સ્વાગતયોગ્ય છે."

ભારત-ચીન સંબંધ પર નજર રાખતા રાજકીય નિષ્ણાતોના મતે મોદી-જિનપિંગની મુલાકાત સંબંધોને સામાન્ય બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત મહત્ત્વપૂર્ણ કેમ?

ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હોવા છતાં બંને દેશોનાં આર્થિક હિતો પર તેની કોઈ અસર નહોતી પડી
ઇમેજ કૅપ્શન, ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હોવા છતાં બંને દેશોનાં આર્થિક હિતો પર તેની કોઈ અસર નહોતી પડી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બંને દેશો વચ્ચેના સંબંધમાં છેલ્લાં લગભગ પાંચ વર્ષથી કડવાશ આવી ગઈ હતી, જેના કારણે આ પ્રકારની પહેલ મહત્ત્વૂપર્ણ બની રહે છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર રાજનકુમારના કહેવા પ્રમાણે, "ભારત અને ચીનના ટોચના નેતાઓની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે લગભગ એક અઠવાડિયા પહેલાં સુધી કોઈને પણ અંદાજ ન હતો કે બંને દેશો વચ્ચે આ પ્રકારની કોઈ બેઠક મળવાની છે."

"બંને દેશોએ લદ્દાખની સરહદે પૂર્વવત્ સ્થિતિની જાહેરાત કરી એ પછી આ બેઠક થઈ હતી. જો લદ્દાખ ખાતે બંને દેશોની સેના ખડકાયેલી હોત અને બંને દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હોત. તો બંને નેતાઓને સવાલ પુછાયા હોત. આ દૃષ્ટિએ જોવામાં આવે તો આ બેઠક મહત્ત્વૂપર્ણ છે."

પ્રો. રાજનના કહેવા પ્રમાણે, "ભારતે હંમેશાં ડાયલૉગ ડિપ્લૉમસી પર ભાર મૂકે છે. આ બેઠક બાદ ભારત કહી શકે છે કે તે જે કહે છે, તે કરે પણ છે. તેણે આ વિવાદને સંવાદથી ઉકેલ્યો છે."

કેટલાક નિષ્ણાતોના મતે તણાવ ઘટાડવા માટેના કરાર અને ચીનને વાટાઘાટના ટેબલ પર લાવવાને ભારતના 'મોટા વિજય' તરીકે જુએ છે.

નવી દિલ્હીસ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેન્શન ખાતે અધ્યયન તથા વિદેશ વિભાગના ઉપાધ્યક્ષ પ્રોફેસર હર્ષ પંતના કહેવા પ્રમાણે, "બંને દેશો વચ્ચે વાતચીતની શરૂઆત થવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે."

પંતે બીબીસી હિંદી સાથે વાત કરતા કહ્યું, "એક રીતે તે ભારતનો મોટો વિજય છે. ભારત એક મોટી શક્તિ સામે મક્કમપણે ઊભું રહ્યું અને વારંવાર કહ્યું કે જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી તમામ ક્ષેત્રે સંબંધ સામાન્ય નહીં થાય અને તાજેતરના કરારમાં ચીને આ વાતનો સ્વીકાર કર્યો."

પ્રો. પંતના મતે, "ચીને યથાસ્થિતિનો સ્વીકાર કર્યો છે. ભારતના મૂળભૂત દૃષ્ટિકોણનો સ્વીકાર કરીને પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે. આ એ જ વિસ્તાર છે કે જ્યાં વર્ષ 2020માં સમસ્યા ઊભી થઈ હતી."

"આ મોટી સિદ્ધિ છે. બંને દેશો વચ્ચેના સંબંધમાં જ્યાંથી અટકાવ આવ્યો હતો, ત્યાંથી જ પ્રગતિ થઈ છે. ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે જ્યાં સુધી સરહદ પર યથાસ્થિતિ બહાલ ન થાય, ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધ આગળ નહીં વધી શકે."

"સોમવારે સરહદ પર તણાવ ઘટાડવા સંબંધિત કરારની જાહેરાત થઈ. એ પછી મોદી અને શી જિનપિંગની મુલાકાત, એ કરાર પર મહોર મારવા માટે થઈ છે."

પ્રો. પંતના કહેવા પ્રમાણે, "વડા પ્રધાન મોદીએ કહ્યું કે જો એકબીજા પ્રત્યે આદર અને સંવેદનશીલતા નહીં હોય તો પરસ્પરના સંબંધ આગળ નહીં વધી શકે. આનો એક મતલબ એવો પણ છે કે શરૂઆત તો થઈ છે, પરંતુ ચીન તેના વલણમાં આંશિક ફેરફાર લાવશે, એ પછી જ આગળનો માર્ગ ખૂલશે."

પ્રો. રાજનકુમારના મતે આ બેઠક પછી સરહદનો વિવાદ ઉકેલાતો જણાશે, પરંતુ, "એવું ન માની લેવું જોઈએ કે ભારત અને ચીન વચ્ચેના તમામ મુદ્દા ઉકેલાઈ જશે."

આર્થિક મજબૂરીઓની ભૂમિકા

ભારત, ચીન, નરેન્દ્ર મોદી, શી જિનપિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોના મતે ચીનની આર્થિક સ્થિતિ ખાસ સારી નથી એટલે તે ચોક્કસથી ઇચ્છશે કે ભારતીય બજારમાં તેને સ્થાન મળે અને જળવાઈ રહે

ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હોવા છતાં બંને દેશોનાં આર્થિક હિતો પર તેની કોઈ અસર નહોતી પડી. જોકે, બંને પક્ષોના સંબંધોને સામાન્ય બનાવવામાં આર્થિક હિત પણ કારણભૂત રહ્યાં.

ડૉ. રાજનકુમારના કહેવા પ્રમાણે, "ભારત 80 અબજ ડૉલરની આયાત કરે છે અને માત્ર 40 અબજ ડૉલરની નિકાસ કરે છે. ચીનની સાથેના વેપારમાં ઘટ એ ભારત માટે મોટો મુદ્દો છે. ભારત આ મુશ્કેલીને ઉકેલવા માગે છે."

બંને દેશો વચ્ચે વર્ષ 2023માં 136 અબજ ડૉલરનો વેપાર થયો. એટલું જ નહીં અમેરિકાને પછાડીને ચીન ભારતનું સૌથી મોટું ટ્રૅડિંગ પાર્ટનર બની ગયું હતું.

છેલ્લા અમુક ત્રિ-માસિક ગાળા દરમિયાન ચીનની અર્થવ્યવસ્થા ધીમી પડી છે. બીજી તરફ, ભારતમાં ચીનના રોકાણને અસર પડી છે. ભારતને પણ તેના ઉત્પાદનક્ષેત્ર માટે કાચા માલની જરૂર છે.

પ્રો. પંતના કહેવા પ્રમાણે, "બંને દેશ ઇચ્છે છે કે આર્થિક સંબંધ સામાન્ય બને. વેપાર ચાલુ છે, પરંતુ ભારતે ચીનના રોકાણ મુદ્દે કડક માપદંડ લાગુ કર્યા હતા. જેના કારણે ચાઇનીઝ ઉદ્યોગપતિઓ માટે ભારતમાં રોકાણ કરવું મુશ્કેલ બની ગયું હતું."

પ્રો. પંતના કહેવા પ્રમાણે, "ન કેવળ રોકાણમાં ઘટાડો થવો જોઈએ, પરંતુ મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાના ક્ષેત્રમાંથી પણ બહાર ફેંકાઈ ગયું છે. વર્ષ 2020 પહેલાં એવી વ્યાપક ચર્ચા હતી કે ચીનની અગ્રિમ ટેલિકૉમ કંપની હુવાવે ભારતમાં 5જી સુવિધા માટે ઉપકરણો પૂરાં પાડતી કંપનીમાંથી એક હશે, પરંતુ વિવાદને કારણે તેમાં કોઈ પ્રગતિ નહોતી થઈ."

પ્રો. પંત ઉમેરે છે કે હાલમાં ચીનની આર્થિક સ્થિતિ ખાસ સારી નથી એટલે તે ચોક્કસથી ઇચ્છશે કે ભારતીય બજારમાં તેને સ્થાન મળે અને જળવાઈ રહે. આ વિવાદથી ભારતને પણ મુશ્કેલી પડી છે.

પ્રો. હર્ષ પંતના કહેવા પ્રમાણે, "ભારતીય ઉદ્યોગોને જે સામાન જોઈએ છે તેમાં સરકારના વલણને કારણે મુશ્કેલી પડી રહી છે. આ વિશે ભારતીય ઉદ્યોગજગતનું પણ આંશિક દબાણ હતું. એમનું કહેવું છે કે જો ચીનની સાથેના સંબંધ થોડા સામાન્ય બનશે, તો તેમને ભારતની ઉત્પાદનક્ષમતા વધારવામાં સફળતા મળશે. ભારત પણ ઇચ્છે છે કે તેની ઘરેલુ ઉત્પાદકતા વધે."

એટલે કે બંને તરફથી સંબંધોને સામાન્ય બનાવવા માટે ઉત્કંઠા હતી. એટલે બંનેના દેશ વચ્ચેનો વેપાર પાટે ચઢશે.

ભારત-ચીન સંબંધ અને ભૂ-રાજકારણ

ભારત, ચીન, નરેન્દ્ર મોદી, શી જિનપિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ચીન સાથેના સંબંધમાં ખટાશ આવી, એ પછી ભારત અને અમેરિકા વચ્ચે નિકટતા વધી. ભારતે અમેરિકાના નેતૃત્વમાં ક્વાડ જૂથનું સભ્ય બની ગયું છે. જાપાન અને ઑસ્ટ્રેલિયા પણ આ સંગઠનના સભ્ય છે.

ક્વાડના નેતાઓની એક બેઠક ગયા મહિને અમેરિકામાં મળી હતી. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, "અમે કોઈની પણ વિરુદ્ધ નથી. અમે બધા કાયદા પર આધારિત એક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સંપ્રભુતા તથા પ્રાદેશિક અખંડતાનાં સન્માન અને તમામ મુદ્દે શાંતિપૂર્ણ રીતે ઉકેલ કાઢવાના હિમાયતી છીએ."

પ્રો. પંતના કહેવા પ્રમાણે, ભારત પોતાનાં હિતોને અનુરૂપ અન્ય દેશો સાથે સંબંધ સ્થાપિત કરી રહ્યું છે તથા આમ કરીને તે ડિટરન્સ (પ્રતિરોધ) ઊભો કરવા માગે છે.

મોદી અને જિનપિંગની મુલાકાત બાદ ચીને પોતાના નિવેદનમાં કહ્યું, "બહુધ્રુવીય વિશ્વ"ની વાત કહી છે. જોકે, ભારત અગાઉથી જ કહેતું રહ્યું છે કે તે કોઈ પણ સૈન્ય જૂથમાં સામેલ નહીં થાય.

પ્રો. પંત કહે છે, "ચીન અને અમેરિકાની વચ્ચે પ્રતિસ્પર્ધા છે, એટલે ચીન બહુધ્રુવીય વિશ્વની વાત કહે છે, પરંતુ તે બહુધ્રુવીય એશિયાની વાત નથી કરતું. તેણે હિંદ મહાસાગરથી લઈને પાડોશી દેશોના માધ્યમથી ભારતને બીજા દરજ્જાની શક્તિ દેખાડવા માટે પૂરેપૂરા પ્રયાસ કર્યા છે."

ભારતે બુધવારે નિવેદન પાડ્યું, જેમાં 'બહુધ્રુવીય એશિયા તથા બહુધ્રુવીય વિશ્વ'ની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સાથે જ તમામ મોરચે દ્વિપક્ષીય સંબંધ સુધારવાની તથા વિકાસ સંબંધિત પડકારોને ઉકેલવાની વાત કહી.

પ્રો. પંત કહે છે, "જો ચીન તેનું વિસ્તારવાદી અને આક્રમણ વલણ ચાલુ રાખખશે તો તે ભારત સાથેના સંબંધોનું સન્માન નહીં કરે. તો ભારતે અન્ય દેશો સાથે સંબંધ બાંધવા જ પડશે. ચીન પર આધાર રહેશે કે તે ભારત સાથે કેવા સંબંધ રાખવા માગે છે."

અગાઉ પણ થઈ છે મંત્રણાઓ

ભારત, ચીન, નરેન્દ્ર મોદી, શી જિનપિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વર્ષ 2019માં ચેન્નાઈ પાસે મહાબલિપુરમ્ ખાતે નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી

પ્રો. પંત કહે છે કે વિવાદને ઉકેલવાની મંછા સાથે અનેક મંત્રણા થઈ છે. જ્યારે ડૉકલામનું સંકટ ઊભું થયું હતું, ત્યારે ચીનના વુહાન ખાતે બ્રિક્સ સંમેલન યોજાયું હતું, જ્યાં બંને નેતા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટ થઈ હતી.

પ્રો. પંત કહે છે, "એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે અમે 'વુહાન સ્પિરિટ'ને આગળ વધારીશું. એ પછી વર્ષ 2019માં ચેન્નાઈ પાસે મહાબલિપુરમ્ ખાતે બંને નેતા વચ્ચે મુલાકાત થઈ હતી. એ પછી ગલવાન ખાતે સૈનિકોની વચ્ચે અથડામણ થઈ હતી."

પ્રો. પંત ઉમેરે છે, "હાલમાં જે કરાર થયો અને પછી જે મુલાકાત થઈ, તે વર્ષ 2020 પછી જે મુદ્દા ઊભા થયા હતા તેના સાથે સંબંધિત છે. એથી વિશેષ કશું નથી."

તેમના મતે, "આના વિશે વાધારે પડતી આશા રાખવી બિનજરૂરી છે. બંને દેશો વચ્ચેના સંબંધમાં એકદમ પરિવર્તન આવી જશે કે ચીનનું હૃદયપરિવર્તન થઈ ગયું છે, એમ કહેવું વહેલું ગણાશે."

જોકે, ચીન તરફથી આ પહેલને આશા સાથે જોવામાં આવે છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું, "ચીન-ભારતના સંબંધોની દિશા વૈશ્વિક ટ્રૅન્ડ્સ તથા પ્રાદેશિક સમીકરણોના આધારે આકાર લે છે. આ બંને દેશ પૂર્વની બે મહાન અને પ્રાચીન સભ્યતા ધરાવે છે."

"વિકાસશીલ દેશોના રૂપમાં ચીન-ભારત સંબંધમાં મહત્ત્વપૂર્ણ નિહિતાર્થ છે. જે દ્વિપક્ષીય સંબંધથી આગળ વિસ્તરે છે."

"ચીન અને ભારતે એકતા તથા સહકારને પસંદ કરીને તેમની સ્વતંત્રતા અને સ્વાયત્તતાને યથાવત્ રાખવી જોઈએ. તેમણે એકબીજાની સફળતા માટે પ્રયાસ કરવા જોઈએ તથા એકબીજા સાથે ટકરાવાનું ટાળવું જોઈએ."

અન્ય મુદ્દાઓ પર અસર પડશે?

ભારત, ચીન, નરેન્દ્ર મોદી, શી જિનપિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ચીન અને ભારતની વચ્ચે માત્ર વાસ્તવિક નિયંત્રણ રેખા (લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ, એલએસી) મુદ્દે વિવાદ નથી.

પ્રો. પંતના કહેવા પ્રમાણે, "અનેક સમસ્યામાંથી આ એકમાત્ર છે."

વાસ્તવમાં ચીન દ્વારા ભારતના ભૂભાગ અને અરુણાચલ પ્રદેશની પર પણ દાવા કરવામાં આવે છે. તે અરુણાચલ પ્રદેશને 'દક્ષિણ તિબેટ' કહે છે.

પ્રો. હર્ષ પંતનું કહેવું છે, "સૌથી મોટી સમસ્યા એ છે કે ચીને ક્યારેય ભારતને સમકક્ષ તરીકે નથી જોયું. ચીન પાસે જે કોઈ વિકલ્પ હતા, તેમાંથી ભારતને ઊતરતા દરજ્જાની શક્તિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. ચાહે તે પાકિસ્તાનનો ઉપયોગ કરવાનું હોય કે હિંદ મહાસાગરમાં દ્વિપક્ષીય સ્થિતિ હોય કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ ન થવા દેવાની વાત હોય."

તેઓ કહે છે, "મને નથી લાગતું કે ભારત કે ભારત સરકારમાં આવો કોઈ ભ્રમ રહેવો જોઈએ કે આ કરાર પછી ખાસ કશું બદલાશે કે પછી ચીન તરફથી ખાસ કોઈ મોટો ફેરફાર આવશે."

ડૉ. રાજનકુમાર વધુ આશા રાખવા સામે ચેતવે છે. તેઓ કહે છે, "સરહદનો મુદ્દો સંપૂર્ણ ઉકેલાઈ જશે એની કોઈ આશા નથી, કારણ કે અરુણાચલ પ્રદેશ અને ભૂતાનમાં પેટ્રોલિંગનો મુદ્દો એમ જ રહેશે. કરાર થયા બાદ ચીન પોતાના કબજાવાળા વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ વિસ્તારવા લાગે છે."

ભારત દ્વારા કદાચ એટલે જ સાવચેતી રાખવામાં આવી રહી છે અને વડા પ્રધાન મોદીએ કહ્યું, "કોઈ પણ સ્થિતિમાં શાંતિ ભંગ ન થવા દેવી જોઈએ."

વાતચીત શરૂ થઈ છે એટલે આશા રાખવી જોઈએ કે તે આગળ વધશે. ડૉ. રાજનકુમારના મતે, "વાતચીત શરૂ થાય તો તે આગળ સુધી વધી શકે છે."

પ્રો. પંતના કહેવા પ્રમાણે, "એલએસી પર તણાવ ઘટે, તો તેની સારી અસર વેપાર પણ પડી શકે છે, જેની બંને દેશને જરૂર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.