જાફરાબાદ : 'દીકરી રોજ પૂછે છે કે પપ્પા કાંઠે આવ્યા?', દરિયામાં ગયેલા માછીમારો ગુમ

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
અમરેલીના જાફરાબાદ બંદરની બે અને બાજુના ગીર સોમનાથ જિલ્લાના રાજપરા બંદરની એક એમ કુલ ત્રણ ફિશિંગ બોટમાં માછીમારી કરવા નીકળેલા 11 માછીમારો ગત 19મી ઑગસ્ટના રોજ દરિયાનાં તોફાની મોજાં વચ્ચે બોટ ડૂબી જતાં ગુમ થયા હતા.
તેમાંથી બે માછીમારના મૃતદેહો ગઈ કાલે સાંજે મળી આવ્યા છે, પરંતુ બાકીના નવ માછીમારો ચાર દિવસ પછી પણ ગુમ છે.
સ્થાનિક સરકારી અધિકારીઓ અને માછીમાર આગેવાનોએ કહ્યું હતું કે ગુમ માછીમારોને બચાવી લેવાના શક્ય તમામ પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ શુક્રવારે પણ દરિયો ખૂબ તોફાની રહેવાને કારણે શોધખોળ અને બચાવ અભિયાનમાં મુશ્કેલી પડી રહી છે.
માછીમાર આગેવાનોએ આપેલી માહિતી અનુસાર જે માછીમારો ગુમ થયા છે તે આ વર્ષે માછીમારી કરવા માટે પહેલી વાર જ દરિયામાં ગયા હતા. જાફરાબાદ બંદરથી માંડ 18 -20 નોટિકલ માઈલ દૂર પહોંચ્યા ત્યાં જ તેમની હોડીઓ ઊંધી વળી ગઈ હતી અને ડૂબી ગઈ.
આજુબાજુ માછીમારી કરી રહેલી અન્ય હોડીઓ દ્વારા 15 માછીમારોને બચાવી લેવાયા હતા, પરંતુ 11 માછીમારો પાણીમાં ગરકાવ થઈ જતાં ગુમ થયા હતા.
ત્રણ હોડી દરિયામાં ડૂબી

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
જે ત્રણ હોડી દરિયામાં ડૂબી ગઈ તેનાં નામ 'જયશ્રી તાત્કાલિક', 'દમયંતી' અને 'મુરલીધર' છે.
જાફરાબાદ ખારવા સમાજ માછીમાર બોટ ઍસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ બીબીસીને જણાવ્યું હતું કે, "ડૂબી ગયેલી બોટમાંથી 'જયશ્રી તાત્કાલિક' અને 'દમયંતી' જાફરાબાદની હોડીઓ હતી હતી જ્યારે 'મુરલીધર' ગીર સોમનાથના ઉના પાસે આવેલા સૈયદ રાજપરા બંદરની હતી."
તેમણે કહ્યું હતું કે, "જયશ્રી તાત્કાલિક અને 'દમયંતી'માં નવ-નવ માછીમારો અને 'મુરલીધર'માં આઠ માછીમારો સવાર હતા. 'જયશ્રી તાત્કાલિક'ના નવ માછીમારોમાંથી પાંચને બચાવી લેવાયા હતા, પરંતુ ચાર પાણીમાં ગરકાવ થઈ ગયા. આવી જ રીતે દમયંતીના નવ માછીમારોમાંથી છને બચાવી લેવાયા, પરંતુ ત્રણ ગુમ થઈ ગયા હતા. મુરલીધરના આઠ માછીમારોમાંથી ચારને બચાવી લેવાયા અને ચાર ગુમ થઈ ગયા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માછીમારો દરિયામાં ગયા ત્યારે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Faruk Kadri/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જયશ્રી તાત્કાલિક બોટના માલિક યશવંત બારૈયા બોટ દરિયામાં ડૂબી ત્યારથી ત્રણ રાતથી ઊંઘી શક્યા નથી.
બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "બોટના કૅપ્ટન દિનેશ ટંડેલ હતા અને અન્ય લોકો ખલાસી હતા. આમાંથી વિનોદભાઈની દીકરી મુંબઈમાં એક શેઠને ત્યાં રહી ઘરઘાટીનું કામ કરે છે. બોટ ડૂબવાના સમાચાર આવ્યા ત્યારથી તે દીકરી મને દિવસમાં ઘણા ફોન કરે છે અને પૂછે કે કે તેના 'પપ્પા દરિયામાંથી પાછા આવી ગયા કે નહીં?' હું તેને આશ્વાસન આપવા સિવાય બીજું કશું કહી શકતો નથી, કારણ કે દરિયો એટલો તોફાની છે કે સરકાર અમને શોધખોળ માટે બીજી બોટો લઈ દરિયામાં જવાની મંજૂરી આપતી નથી."
"બોટ ડૂબી જવાથી મારાં પત્નીનું બ્લડપ્રેશર ડાઉન થઈ ગયું છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે."
તેઓ આગળ વાત કરતાં નસીબને દોષ આપે છે અને કહે છે કે, "દિનેશભાઈને પણ નાનાં બાળકો છે. 19 તારીખે તેમનો મૅસેજ આવ્યો કે દરિયો બહુ વધારે તોફાની થઈ ગયો છે અને તેઓ પાછા ફરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચાર મીટર જેટલાં ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. મને લાગે છે કે આવા જ એક ઊંચા મોજાએ બોટને ઊંચી વળી દીધી હશે. જે લોકો કૂદી શક્યા તે કૂદીને દરિયામાં પડી ગયા અને મારા નાનાભાઈની બોટના માછીમારોએ તેમણે બચાવી લીધા. બાકીના લોકો બોટની કૅબિનમાં ઊંઘતા હતા તેથી તેઓ કૂદી નહીં શક્યા હોય."
યશવંતભાઈએ કહ્યું એ પ્રમાણે 'જયશ્રી તાત્કાલિક' જાફરાબાદ બંદરથી 18 ઑગસ્ટે આ વર્ષની પહેલી ફિશિંગ ટ્રીપ પર રવાના થઈ હતી અને એકાદ અઠવાડિયા સુધી માછીમારી કરવાનું આયોજન હતું, પરંતુ બીજા જ દિવસે તે બોટ ડૂબી ગઈ.
ચાર દિવસ પછી બે મૃતદેહ મળ્યા, અન્યની શોધખોળ ચાલુ

ઇમેજ સ્રોત, Indian Coast Guard
અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે બીબીસીને જણાવ્યું હતું કે, "હવામાન અતિશય ખરાબ હોવાથી માત્ર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનાં જહાજો અને વિમાનો જ માછીમારો ગુમ છે તેની શોધખોળ કરવા માટે સમર્થ છે."
તેમણે કહ્યું હતું કે, "કોસ્ટગાર્ડનાં ત્રણ જહાજ અને ચાર વિમાનો દરિયાના જે ભાગમાં આ ત્રણ હોડીઓ ડૂબી હતી ત્યાં શોધખોળ કરી રહ્યાં છે. શુક્રવારે સાંજે કોસ્ટગાર્ડને બે મૃતદેહો મળી આવ્યા છે અને તેને કાંઠે લાવવાની કામગીરી થઈ રહી છે. જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તેના કારણે અમે માછીમારોને તેમની બોટ લઈને દરિયામાં શોધખોળ માટે પરવાનગી નથી આપી શકતા."
કલેક્ટરે ઉમેર્યું હતું કે, "ગુમ લોકોની શોધખોળમાં દરિયાકાંઠે રહેતા લોકોની પણ મદદ માગી છે. જે અગિયાર માછીમારો ગુમ છે તેમના ફોટો અમે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે રહેતા લોકોને આપ્યા છે જેથી કરીને જો અગિયારમાંથી કોઈ મળી આવે તો સરકારને તરત જાણ કરી શકે."
રાજુલા-જાફરાબાદ વિધાનસભાના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે સરકાર ગુમ માછીમારોને બચાવવાના શક્ય તમામ પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું હતું કે, "19 તારીખે સાંજે ઘટના બની એ પછી હવામાન એટલું ખરાબ હતું કે કોઈ જહાજ કે હૅલિકોપ્ટર મદદ માટે મોકલી શકાય તેમ ન હતું. 20મી તારીખે સવારથી કોસ્ટગાર્ડે શોધખોળ શરૂ કરી હતી. અમે બચાવનું ઑપરેશન હાથ ધર્યું છે અને હજુ પણ તે ચાલુ છે."
જાફરાબાદના આસિસ્ટન્ટ ફિશરીઝ સુપરિન્ટેન્ડેન્ટ પ્રવીણ પરમારે બીબીસીને જણાવ્યું કે હાલ જાફરાબાદની માછીમારીની કોઈ બોટ દરિયામાં નથી.
તેમણે કહ્યું હતું કે, "માછીમારી કરવા જવા માટે જરૂરી ફિશિંગ ટ્રીપના ટોકન આપવાનું અમે હાલ પૂરતું બંધ કર્યું છે અને જે બોટો દરિયામાં 19 તારીખ પહેલાં ગઈ હતી એ બધી પછી આવી ગઈ છે. જે માછીમારો ગુમ છે તેમના પરિવાર સાથે સ્થાનિક માછીમાર આગેવાનો સતત સંપર્કમાં છે અને અમે તેમને સર્ચ અને રેસ્ક્યૂ ઑપરેશનની પ્રગતિ વિશે માહિતી આપી રહ્યા છીએ."
માછીમારોની સરકાર પાસે શું માગ છે?

ઇમેજ સ્રોત, Kanaiyalal Solanki
જાફરાબાદ ખારવા સમાજ માછીમાર બોટ ઍસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી કહે છે કે, "જાફરાબાદ બંદરમાં અત્યારે 700 બોટ લાંગરેલી છે અને જાફરાબાદની એક બોટ મહારાષ્ટ્રના દહાણુ બંદરના આઉટર એન્કરેજમાં લાંગરેલી છે. જે ત્રણ બોટ ડૂબી ગઈ છે તે સિવાયની જાફરાબાદની કોઈ બોટ હવે દરિયામાં નથી."
તેઓ કહે છે કે, "છેલ્લાં કેટલાંક વર્ષોથી ઑગસ્ટ મહિનામાં ભારે વરસાદ અને પવનના કારણે દરિયો તોફાની રહે છે અને તેને કારણે માછીમારોને જાનમાલનું નુકસાન વેઠવું પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. 16 ઑગસ્ટથી ફિશિંગ સિઝન શરૂ થતાં માછીમારો બોટ લઈને માછીમારી કરવા દરિયામાં જાય છે, પરંતુ હવામાન બગડતાં તેઓ ફસાઈ જાય છે અને ક્યારેક તેમની બોટો પણ ડૂબી જાય છે."
"આથી, અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે ભારતના પશ્ચિમ કાંઠે ફિશિંગ સિઝનની શરૂઆત 16 ઑગસ્ટને બદલે પહેલી ઑગસ્ટ કરવામાં આવે, જેથી કરીને જ્યારે માછીમારો ફિશિંગ ચાલુ કરે ત્યારે દરિયો શાંત થઈ ગયો હોય."
અહીં ઉલ્લેખનીય છે મહારાષ્ટ્ર સરકાર પહેલી ઑગસ્ટથી જ માછીમારીની છૂટ આપે છે, પરંતુ ગુજરાત સરકાર 16 ઑગસ્ટથી છૂટ આપી ફિશિંગ સિઝનની શરૂઆત કરાવે છે.
કનૈયાલાલે કહ્યું, "સામાન્ય રીતે સિઝનની શરૂઆતમાં માછલીઓ વધારે મળે છે. મહારાષ્ટ્રમાં ફિશિંગ સિઝન બે અઠવાડિયાં વહેલી શરૂ થતી હોવાથી મહારાષ્ટ્રના માછીમારોને ફાયદો થાય છે. વળી, તેઓ ગુજરાત કાંઠાના દરિયા નજીક પણ માછીમારી કરવા આવી જાય છે. પરિણામે ગુજરાતના માછીમારો દરિયો તોફાની હોય તો જોખમ ખેડીને પણ 16 ઑગસ્ટ પછી ફિશિંગ માટે નીકળી જાય છે, કારણ કે આ તેમની આજીવિકાનો સવાલ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












