You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ ખ્યાતિ હૉસ્પિટલ: કયું ઑપરેશન કરવામાં આવ્યું હતું, ઑપરેશન બાદ દર્દીઓનાં મોત કેમ થયાં?
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં હાર્ટ ઑપરેશન બાદ બે દર્દીનાં કથિત મોત થતાં વિવાદ થયો છે. દર્દીઓનાં સંબંધીઓનો આક્ષેપ છે કે તેમને જાણ કર્યા વગર ઑપરેશન કરવામાં આવ્યું હતું. દરદીઓનાં મોત થતાં પરિવારજનો અને સંબંધીઓએ હૉસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.
સંબંધીઓએ હૉસ્પિટલમાં તોડફોડ પણ કરી હોવાના અહેવાલ છે. મામલો સામે આવ્યા બાદ હૉસ્પિટલના ચૅરમૅન અને ડાયરેક્ટર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાલ સંપર્કવિહોણા થઈ ગયા છે.
ઘટના સામે આવ્યા બાદ પોલીસ અને અધિકારીઓની ટીમે હૉસ્પિટલની મુલાકાત લઈને તપાસ આદરી છે. મંગળવારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હૉસ્પિટલ જઈને દરદીઓની મુલાકાત લીધી હતી. તેમણે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
તેમણે જણાવ્યું, "બે દિવસ પહેલાં મને માહિતી મળી હતી કે કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યાં હતાં. જરૂરિયાતમંદ લોકો આ કૅમ્પમાં ગયા હતા."
આ હૉસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના દસ્તાવેજો તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી હતી. હૉસ્પિટલ દ્વારા એવું પણ કહેવાયું હતું કે તેમને બસ દ્વારા અમદાવાદ ખાતેની તેમની હૉસ્પિટલમાં લઈ જવાશે.
ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સમાં કરેલી પોસ્ટ મારફતે જણાવ્યું, "અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્યની ઍન્ટિ-ફ્રૉડ યુનિટને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હૉસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરીને જરૂરી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે."
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઍક્સ પર તેમણે લખ્યું, "કડીના સાત દર્દીઓની ઍન્જિયોપ્લાસ્ટી કરતા બેનાં મૃત્યુ. પાંચ દર્દીઓ આઈસીયુમાં હોવાના દુઃખદ સમાચાર છે. કડીના બોરીસણા ગામમાં હેલ્થ કૅમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની ઍન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખ્યાતિ હૉસ્પિટલ સામે અગાઉ પણ દર્દી સાથે બેદરકારી દાખવી હોવાના આરોપો થયા છે. સાલ 2022માં પણ ત્રણ દર્દીઓને સ્ટેન્ટ મુક્યા બાદ એકનું મૃત્યુ થયું હતું.
શક્તિસિંહ ગોહિલે આ મામલે ગંભીર આરોપ લગાવતા ઍક્સ પર લખ્યું, "આ હૉસ્પિટલ સરકારી યોજનાના દુરુપયોગ માટે કુખ્યાત છે. જ્યારે 2022માં એક દર્દીનું મોત થયું હતું ત્યારે જો સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોત અને આ હૉસ્પિટલ બંધ કરાવી દીધી હોત તો આજે કડીના નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત."
કેવી રીતે બે દર્દી મૃત્યુ પામ્યાં?
કડી તાલુકાના બોરીસમા ગામ ખાતે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા મેડિકલ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામ લોકોના વિવિધ ટેસ્ટ થયા હતા. આ કૅમ્પમાં સામેલ થયેલાં લોકોને વધુ સારવાર માટે અમદાવાદ સ્થિત હૉસ્પિટલમાં દાખલ થવા માટે કહેવામાં આવ્યું હતું.
બોરીસણાના સરપંચ મિતેશ પટેલે બીબીસીને જણાવ્યું, "10મી નવેમ્બરના રોજ ગામમાં મેડીકલ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૅમ્પમાં વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. ટેસ્ટ બાદ 19 લોકોને વધુ સારવાર માટે અમદાવાદ સ્થિત ખ્યાતિ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા."
"19 વ્યક્તિઓમાંથી 7 વ્યક્તિઓના પરિવારજનોને જાણ કર્યા વગર તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ઑપરેશનના અમુક કલાક બાદ બે દર્દીઓનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય પાંચ દર્દીઓ હાલ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે."
મિતેશ પટેલે હૉસ્પિટલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું, "ગામલોકોને વધુ તપાસ અને મફત સારવારની વાત કરીને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જે વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી તેમની પણ ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ માત્ર આયુષમાન યોજના હેઠળ પૈસા મળે તે માટે કરવામાં આવ્યું છે."
ઍન્જિયોપ્લાસ્ટી બાદ 59 વર્ષના સેનમા નાગરભાઈ મોતી અને 40 વર્ષના બારોટ મહેશભાઈ ગીરધરભાઈનું મૃત્યુ થયું છે.
ગામના ઉપ સરપંચ સંજય પટેલ અનુસાર અનુસાર બંને એકદમ સ્વસ્થ હતા અને તેમને કોઈ શારીરિક તકલીફ નહોતી.
તેઓ પણ ગંભીર આરોપ લગાવતા કહે છે, "જે લોકોની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે તેમને હૃદય સંબંધિત બીમારી હતી જ નહીં."
ગામના નીલકંઠેશ્વર મંદીરમાં મેડિકલ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ લોકોએ ભાગ લીધો હતો. દર્દીઓને અમદાવાદ લઈ ગયા બાદ ટૂંક સમયમાં તેમનું ઑપરેશન કરવામાં આવ્યું હતું.
શું મેડિકલ કૅમ્પ માટે કોઈ પરવાનગી લેવામાં આવી હતી? તેના જવાબમાં સંજય પટેલ કહે છે, અમે કોઈ લેખિત અથવા મૌખિક મંજૂરી આપી નથી. ગામમાં મેડિકલ કૅમ્પનું આયોજન થતું રહે છે પરંતુ આવી ઘટના પ્રથમવાર બની છે.
અમને રાત્રે ફોન આવ્યો ત્યારે ખબર પડીઃ પરિવારજન
મૃતકના પરિવારજનો અનુસાર તેમના સભ્યને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી તેમ છતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બીબીસી સહયોગી કેતન પટેલે બોરીસણા ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે વાત કરતા મૃતક મહેશભાઈ બારોટના કાકા બળદેવભાઈએ જણાવ્યું, "સોમવાર રાત્રે અમને હૉસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે માહિતી મળી હતી કે મારો ભાણેજનું મૃત્યુ થયું છે."
બળદેવભાઈ જણાવે છે, "મહેશે જીવનમાં ક્યારેય એક ગોળી પણ લીધી નથી. અમને જાણ કર્યા વગર કૅમ્પમાં ગયો હતો અને ત્યાંબાદ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. આ એક કૌભાંડ છે જેમાં સ્વસ્થ વ્યક્તિનું ઑપરેશન કરવામાં આવ્યું. સરકારે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ."
ગામલોકો અનુસાર મેડિકલ કૅમ્પમાં ભાગ લેનારા મોટાભાગના લોકોને અમદાવાદ ખાતે ખ્યાતિ હૉસ્પિટલમાં દાખલ થવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલાક લોકો હૉસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ કેટલાક લોકોએ જવાનું ટાળ્યું હતું.
બોરીસણામાં રહેતા કનુભાઈ પટેલને પણ કહેવામાં આવ્યું હતું કે ઍન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર છે પરંતુ તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા નહોતા.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "હું મેડિકલ કૅમ્પમાં ગયો ત્યારે બલ્ડ પ્રશેર માપવામાં આવ્યું હતું. ત્યારબાદ મને કહેવામાં આવ્યું કે, વગર ખર્ચે તમારું ઑપરેશન કરવામાં આવશે પરંતુ હું ત્યાં ગયો નહોતો."
ગામ લોકો અનુસાર મેડિકલ કૅમ્પ વિશે ગામમાં મોટાપાયે પ્રચાર કરવામાં આવ્યો હતો અને મફત સારવારની જાહેરાત કરવામાં આવી હતી.
બીજી તરફ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ઝોન વનના ડીસીપી નીતા દેસાઈએ બીબીસી સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું, "હાલ પોલીસ મેડિકલ ટીમના વિશેષજ્ઞો સાથે મળીને ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે."
નીતા દેસાઈએ જણાવ્યું કે સારવારમાં જો બેદરકારી જણાશે તો તેના આધારે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવશે.
તેમણે કહ્યું, "દર્દીઓની સારવાર ડૉ. પ્રશાંત વિજરાની દ્વારા કરવામાં આવી હતી. પોલીસ તેમનું નિવેદન પણ લઈ રહી છે. પોલીસ એ ઘટનાની પણ તપાસ કરી રહી છે કે હૉસ્પિટલના સત્તાવાળાઓએ ઑપરેશન પહેલાં દર્દીઓની મંજૂરી લીધી હતી કે નહીં."
'હવે ભગવાન જ ડૉક્ટરોનો ન્યાય કરશે'
દાખલ થયેલા દર્દીઓ સાથે બીબીસી સહયોગી ભાર્ગવ પરીખે વાત કરી હતી.
દર્દીઓ પૈકી એક કોકિલાબહેન પટેલ કહે છે કે, “બોરીસણા ગામમાં આ લોકોએ 10 તારીખે કૅમ્પ કર્યો હતો. મારા પગમાં થોડી તકલીફ છે અને ડાયાબિટીસ છે. આ લોકો મને બસ લઇને લેવા માટે આવ્યા અને કહ્યું કે તમારા પગમાં જે તકલીફ છે તેનું અમે સંપૂર્ણ ચેકઅપ કરીને ઇલાજ કરાવીશું એવું કહ્યું.”
તેમનું કહેવું છે કે તેમને લેવા માટે ખ્યાતિ હૉસ્પિટલની બસ આવી હતી.
કોકિલાબહેન કહે છે, “તેમણે મારા હ્રદયમાં પણ તકલીફ છે એમ કહીને ઍન્જિયોપ્લાસ્ટી કરી દીધી અને PMJAY યોજના હેઠળ તેમણે આમ કર્યું.”
અન્ય એક દર્દી આનંદીબહેન પટેલનું કહેવું છે કે, તેમને ઢીંચણ, કમર અને ખભાનો દુ:ખાવો હતો અને તેમને હ્રદયની કોઈ તકલીફ ન હતી.
તેમના પરિવારજનોનું કહેવું છે કે ગઇકાલે બપોરે ગભરામણ થવા લાગી અને ડૉક્ટરે કોઈ દવા પણ આપી નથી.
મૃતક નાગરભાઈ સેનમાના પુત્ર ભરત સેનમા કહે છે કે, “ગરીબ માણસોનું કોઈ સાંભળતું નથી. અમે ખેતમજૂર છીએ. આ લોકોએ ગામમાં કૅમ્પ યોજ્યો હતો. મારા પિતાને થોડી જ તકલીફ હતી અને તેમનું મૃત્યુ થઈ ગયું.”
તેઓ કહે છે, “મને સરકાર પર કોઈ ભરોસો નથી અને ભગવાન જ હવે આ ડૉક્ટરોનો ન્યાય કરશે.”
'મારા પરિવારને ખબર પણ નથી કે મારી ઍન્જિયોગ્રાફી કરી છે'
બોરીસા ગામના સુશીલાબેન પ્રજાપતિની પણ ઍન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.
તેમની સાથે બીબીસી સંવાદદાતા લક્ષ્મી પટેલ સાથે વાત કરતાં જણાવ્યું કે, “અમે 11 તારીખે સવારે 9.30 વાગ્યાની આસપાસ અમારા ગામથી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. અમે લોકો હસતા મોંએ અહીં આવ્યા હતા. બપોરે 11 વાગ્યે અમે પહોંચ્યા ત્યારપછી અમારા લોહીના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને 3 વાગ્યે ઍન્જિયોગ્રાફીનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.”
તેઓ કહે છે, “મારા ગામમાં કૅમ્પ થયો ત્યારે જ મને કહેવાયું હતું કે મારે રોકાવું પડશે. મારા પરિવારને પણ જાણ નથી કે મારી ઍન્જિયોગ્રાફી કરવામાં આવી છે. સહમતિપત્રમાં મારા પરિવારની નહીં પરંતુ મારી જ સહી કરાવવામાં આવી હતી.”
"અમારા ગામનાં બે લોકોનાં મૃત્યુ થયા તે અંગે અમને મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ જાણ થઈ હતી. એ બંને લોકોની તબિયત ખૂબ જ સારી હતી. રાત્રે અઢી વાગ્યે ખબર પડી ત્યારે ધ્રાસકો પડ્યો હતો. આ સમાચાર સાંભળીને અમારા ઘરના લોકો પણ ડરી ગયા છે. ગઇકાલે રાત્રે 9 વાગ્યા પછી કોઇપણ ડૉક્ટર અમારું ચૅકઅપ કરવા માટે આવ્યા નથી. અમારે રજા લઇને ઘરે જ જવું છે.”
ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે “જે દર્દીઓ દાખલ છે તેમનું યુ.એન. મહેતા હૉસ્પિટલના ડૉક્ટરો દ્વારા ચૅકઅપ કરાવાયું છે. જેઓ સ્વસ્થ છે તેમને અત્યારે જ રજા આપવામાં આવી રહી છે.”
હૉસ્પિટલના સંચાલકોનું શું કહેવું છે?
જોકે, હૉસ્પિટલના સંચાલકોએ દર્દીની સારવાર મામલે કોઈ બેદરકારી દાખવી હોવાના આરોપોને ફગાવ્યા છે. હૉસ્પિટલના સંચાલકોનું એમ પણ કહેવું છે કે જે દર્દીઓનાં મૃત્યુ થયાં છે તે બદલ તેમને ખેદ છે અને તેઓ પોલીસ તપાસમાં સહયોગ કરી રહ્યા છે.
ખ્યાતિ હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. રાજેન્દ્ર ખંભાતેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમારો આશય સેવાનો જ હતો. કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી. કોઈ દર્દીનું મોત થાય તેમ અમે શા માટે ઇચ્છીએ? અમે તો સારું કરવા માગતા હતા. પરંતુ જે થયું તે દુ:ખદ છે. મૃતક દર્દીઓના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે."
બીબીસી ગુજરાતીએ તેમને એ આરોપ વિેશે પૂછ્યું કે દર્દીઓની જાણ બહાર તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી કે કેમ?
ડૉ. રાજેન્દ્ર ખંભાતેએ જવાબમાં જણાવ્યું, "અમે તેમને જણાવ્યું હતું અને તેમની મરજીથી જ સારવાર કરવામાં આવી છે. કૅમ્પમાંથી 19 દર્દીઓને હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. તે પૈકી 12 દર્દીઓને જવા દેવામાં આવ્યા. સાત દર્દીઓને સારવાર કરવી પડી. પાંચ સાજા છે પરંતુ બેનાં કમનસીબે મોત થયાં. જરૂરિયાતમંદોની સારવાર કરવી એ અમારી સામાજીક જવાબદારી છે અને તેના ભાગરૂપે અમે આ કામ કરીએ છીએ. તેમાં અઢળક પૈસાનો ખર્ચો થાય છે."
તેમણે એમ પણ કહ્યું કે હાલ મામલો પોલીસ તપાસ હેઠળ છે અને અમે તપાસમાં સહયોગ આપી રહ્યા છીએ. તેમણે હૉસ્પિટલમાં થયેલી તોડફોડની ઘટના પર પણ અફસોસ વ્યક્ત કર્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન