રાજકોટ : દીકરીની ઇચ્છા પૂરી કરવા પિતાએ દેશવિદેશની ઢીંગલીઓનું મ્યુઝિયમ કેવી રીતે બનાવી દીધું

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજકોટમાં ડૉ.યાજ્ઞિક રોડ પર આવેલું ઢીંગલીઘર બાળકોને સપનાંની દુનિયામાં વિહાર કરાવે છે.

મોટેરા પણ તે નિહાળે તો તેનું બાળપણ થોડી ક્ષણ માટે સજીવન થઈ જાય છે. 108થી વધુ દેશોની બે હજારથી વધારે ઢીંગલીઓ ત્યાં છે. એ ઢીંગલીઓની સાથે-સાથે બાળકોને મોજ પડે તેવી કેટલીક પ્રવૃત્તિ પણ ત્યાં છે.

રોટરી ક્લબ ઑફ રાજકોટ મિડટાઉનના પ્રયાસથી જે આંતરરાષ્ટ્રીય ઢીંગલીઘર આકાર પામ્યું છે પણ તેની પાછળની કહાણી કોઈ પરિકથા જેવી છે.

રોટરી ક્લબ સાથે સંકળાયેલા દીપક અગ્રવાલ તેમના પરિવાર સાથે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાએ ગયા હતા ત્યાં તેમની છ વર્ષની દીકરી કાજલની એક જિદ્દને કારણે રાજકોટમાં ઢીંગલીઘર તૈયાર થયું છે.

કાજલનાં માતા અને ઢીંગલીઘરનાં ક્રિએટિવ હૅડ મિનાક્ષીબહેન અગ્રવાલ એ પ્રસંગ જણાવતાં બીબીસીને કહે છે કે, "વર્ષ 2000-2001માં અમારો પરિવાર ચારધામની યાત્રાએ ગયો હતો. એ વખતે અમારી દીકરી કાજલ છ વર્ષની હતી. અમે કેદારનાથ ગયાં હતાં. ત્યાં ઘણા લોકો ઘોડા કે ખચ્ચર પર બેસીને ચઢાણવાળા રસ્તા પાર કરતા હતા."

"એ વખતે મારા પતિ અને કાજલના પપ્પાએ તેને કહ્યું હતું કે બેટા, તું જો ઘોડા કે ખચ્ચર વગર ચાલીને જ પહોંચીશ તો પાછા વળતાં તને દિલ્હીમાં જે પ્રખ્યાત ઢીંગલીઘર આવેલું છે તે જોવા લઈ જઈશ."

તેઓ કહે છે કે, "કાજલ તો કેદારનાથનો ટેકરાવાળો રસ્તો ચાલીને જવાં તૈયાર થઈ ગઈ."

બીબીસી સાથે વાત કરતાં કાજલ કહે છે કે, "એ વખતે હું એમ જ માનતી હતી કે ઢીંગલી તો એકલદોકલ જ કોઈના ઘરમાં હોય. ઢીંગલીનું પોતાનું એક ઘર એટલે કે સંગ્રાહલય હોય અને એમાં હજારોની સંખ્યામાં ઢીંગલીઓ હોય તે કલ્પના જ મારા માટે નવી હતી. હું ખૂબ રોમાંચિત હતી. હું તો હોંશે હોંશે ચાલીને કેદારનાથ ચઢી ગઈ હતી."

રાજકોટના ઢીંગલીઘરમાં 2000થી વધારે ઢીંગલીઓ છે

ઘટના આગળ વધે છે. કાજલનાં માતા મિનાક્ષીબહેન કહે છે કે, "બીજે દિવસે અમે દિલ્હી પહોંચ્યાં અને ત્યાં અમારું એક દિવસનું જ રોકાણ હતું. અમારે તરત રાજકોટની ટ્રેન પકડવાની હતી."

"આંખોમાં અચરજ અને ઉત્સાહ આંજેલી કાજલને લઈને અમે જ્યારે દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં આવેલા ઢીંગલીઘરમાં પહોંચ્યાં તો તે બંધ હતું."

"તે દિવસે સોમવાર હતો. દેશના મોટા ભાગના સંગ્રહાલયમાં સોમવારે રજા હોય છે. કાજલ તો ત્યાં ખૂબ રડી. એ વખતે પપ્પાએ તેને ફોસલાવીને શાંત પાડી કે તું ચિંતા ન કર, તારા માટે રાજકોટમાં આપણે એક ઢીંગલીઘર બનાવશું. તે શાંત થઈ ગઈ. એ વખતે તો મામલો શાંત પડી ગયો."

પરિવાર રાજકોટ આવી ગયો અને બધા કામે લાગી ગયા.

કાજલ કહે છે કે, "પાંચેક મહિના પછી મને અચાનક યાદ આવ્યું અને પપ્પાને કહ્યું કે તમે ઢીંગલીઓના મ્યુઝિયમ બનાવવાનો વાયદો આપ્યો હતો. એનું શું થયું? પપ્પા પણ ત્યારે ભૂલી જ ગયા હતા. મેં યાદ દેવડાવ્યું એટલે તેમના મનમાં ઝબકારો થયો. તેમણે એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું."

દીપક અગ્રવાલ રાજકોટમાં રોટરી ક્લબ સાથે જોડાયેલા છે. તેમણે આ પ્રકારનું ઢીંગલીઘર બનાવવાનો આઇડીયા રજૂ કર્યો હતો.

શરૂઆતમાં તેમને મોળો પ્રતિસાદ મળ્યો હતો. કામ આગળ વધતું ગયું તેમ તેમ સારો પ્રતિસાદ મળ્યો અને 2005માં રાજકોટમાં ગુજરાતનું પ્રથમ ઢીંગલીઘર તૈયાર થયું.

મિનાક્ષી અગ્રવાલ કહે છે કે, "અહીં જેટલી પણ ઢીંગલીઓ છે તે ખરીદીને મૂકી નથી. વિવિધ દેશના લોકોએ ભેંટ મોકલી છે. એ વખતે દીપકે દુનિયાભરમાં રોટરી સાથે સંકળાયેલા લોકોને ઈમેલ કર્યા હતા અને કહ્યું હતું કે તમારે ત્યાં તમારા દેશની પારંપરિક ઢીંગલી હોય તે અમને મોકલો, અમારે ઢીંગલીઘર બનાવવું છે. અમને બાર્બી ડૉલ્સ નથી જોઈતી. તમારા દેશ અને પરંપરાની ઓળખસમી ઢીંગલી જોઈએ છે."

દેશદેશાવરથી ઢીંગલીઓ આવવા માંડી અને આજે બે હજાર કરતાં વધુ ઢીંગલીઓથી સંગ્રહાલયનો સંસાર હર્યોભર્યો છે.

રાજકોટમાં જ રહેતા યુવક ઋતુરાજસિંહ રાણા કહે છે કે, "મેં ઇન્સ્ટાગ્રામ પર ઢીંગલીઘર વિશે જાણ્યું. અહીં આવ્યો તો મારી બાળપણની દુનિયામાં પહોંચી ગયો હોય તેવું લાગ્યું. અહીં રાણીસાહેબથી માંડીને અનેક દેશની ઢીંગલીઓ છે."

જે દીકરી સાથે બોલવાનો સંબંધ નથી, તેની ઢીંગલી જર્મનીથી એક પિતાએ મોકલી

અહીંની દરેક ઢીંગલીઓ સાથે કોઈને કોઈ પ્રસંગ જોડાયેલા છે.

કાજલ અગ્રવાલ કહે છે કે, "એક એવી ઢીંગલી છે જે કચરામાંથી તૈયાર થયેલી છે. જર્મનીના એક પિતાએ પોતાની દીકરીની ઢીંગલી અમને મોકલી હતી. સાથે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારી દીકરી સાથે હવે મારે બોલચાલનો સંબંધ નથી પણ તેના ખાનામાંથી મને આ ઢીંગલી મળી છે જે તમને મોકલી રહ્યો છું. ઢીંગલીના નિમિત્તથી મારી દીકરી સાથે તંતુ જોડાયો તે માટે હું તમારા ઢીંગલીઘરનો ઋણી છું."

આ એવું મ્યુઝિયમ છે જે કોઈ સરકાર કે નવાબ કે રાજાએ નથી બનાવ્યું પણ સામાન્ય લોકોએ તૈયાર કર્યું છે. તેમાં દેશવિદેશથી ઢીંગલીઓ મોકલનારા લોકો પણ ખૂબ સામાન્ય લોકો છે.

રોટરી સંસ્થાએ એમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. એના સહારે જ દેશવિદેશના લોકો સાથ સંપર્ક સારી રીતે થઈ શક્યો અને વિશ્વાસના તાંતણે દેશવિદેશથી ઢીંગલીઓ રાજકોટના આંગણે આવી હતી.

ઢીંગલીઘરની અંદર હાલકડોલક થતું રમકડાનું એક ઝીબ્રા છે જેના પર સવારી કરીને બાળકો મોજ લઈ શકે છે.

એ લંડનથી મોકલવામાં આવ્યું હતું. એની પાછળની કહાણી જણાવતાં મિનાક્ષી અગ્રવાલ કહે છે કે, "એ રૉકિંગ ઝેબ્રા 200 કીલોનો છે. લંડનથી એ રાજકોટ મોકલવવો ખૂબ ખર્ચાળ હતું. ત્યાંનાં બાળકોને ખબર પડી એટલે સાતથી બાર વર્ષનાં બાળકોએ ભંડોળ ભેગું કરીને એ ઝેબ્રા રાજકોટ મોકલ્યો."

"તેમણે ભંડોળ જે રીતે એકઠું કર્યું તે ઘટના પ્રેરણાદાયી છે. ત્યાં એવો નિયમ છે કે વિદ્યાર્થી જે દિવસે શાળામાં યુનિફૉર્મ ન પહેરે તે દિવસે તેમણે દંડ પેટે ચોક્કસ રકમ ચૂકવવાની હોય છે. જે બળકોના ભંડોળમાં જમા થાય છે. ત્યાંનાં બાળકો છ મહિના સુધી વારાફરતી યુનિફૉર્મ વગર ગયા. ત્રણ શાળાના બાળકોએ આવું કરીને પૈસા ભેગા કરીને એ ઝેબ્રા રાજકોટ મોકલ્યો હતો."

જેમને જોયા નથી તેમના માટે કંઈક કરી છૂટવાનું ઉમદા ઉદાહરણ બાળકોએ પૂરું પાડ્યું છે.

ઢીંગલીઓની આંગળી ઝાલીને દુનિયાનો પ્રવાસ કરો

પાકિસ્તાન, રશિયા, જર્મની વગેરે દેશમાંથી ઢીંગલીઓ આવી હતી. એ ઢીંગલીની આસપાસ જે તે દેશનો ધ્વજ અને દેશનો માહોલ ઢીંગલીઘર સંચાલકોએ પોતે તૈયાર કર્યો છે.

જેમકે, સ્વિત્ઝરલૅન્ડથી ફક્ત ઢીંગલી આવી હતી. તે ઠંડો પ્રદેશ હોવાથી ઢીંગલીની આસપાસ બરફના પહાડ જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે.

કાજલ કહે છે કે, "ખરેખર તો આ મ્યુઝિયમ વિવિધ સંસ્કૃતિના મેળા જેવું છે. આ ઢીંગલીઘરનો ઉદ્દેશ એટલો જ છે કે તમે માત્ર એક કલાક એને આપો અને દુનિયાનો પ્રવાસ ઢીંગલીઓ તમને કરાવશે."

રોટરી ક્લબ ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બૅન્ક અને અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટે ઢીંગલીઘરનો સહયોગ આપ્યો છે. અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટે માળખાગત સુવિધા પૂરી પાડી છે. ઢીંગલીઘર માટેની 9000 સ્ક્વેયર ફૂટની જગ્યા રાજકોટ નાગરિક સહકારી બૅન્કે આપી છે અને સંચાલનમાં પણ સહયોગ કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.