પિતાનો જીવ બચાવવા જતા પોતાનો જીવ ગુમાવનારા 14 વર્ષના કિશોરની કહાણી

સીરિયા શરણાર્થીઓ બ્રિટન
    • લેેખક, ઍન્ડ્ર્યૂ હાર્ડિંગ
    • પદ, બીબીસી ન્યૂઝ

જે રાત્રે તે ડૂબી ગયો, એ રાત્રે 14 વર્ષીય ઓબાદા અબ્દ રબ્બોને ફરી એક વાર શંકા થઈ રહી હતી. તે તેની આસપાસના માણસોને સતત કહેતો રહ્યો, "હું તરી શકતો નથી." કારણ કે તેઓ સતત અંધારામાં ભીના સ્લિપવે પર ચાલતાં ચાલતાં બર્ફીલા મોજાઓ તરફ આગળ વધી રહ્યા હતા.

ઓબાદાના મોટાભાઈ આયસરે (24) તેનો હાથ પકડ્યો હતો.

નવ મહિના અગાઉ સીરિયા છોડ્યા બાદ આ ત્રીજી વખત બની રહ્યું હતું જ્યારે તેઓ સમુદ્ર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. દરેક વખતે ઓબાદાએ બેચેન થઇને એક જ પ્રકારની વીનવણીઓ કરી હતી કે તેને ડર લાગી રહ્યો હતો, તેને તરતાં આવડતું ન હતું. તેને મુસાફરી વિશે પણ પર્યાપ્ત જાણકારી ન હતી.

એ રાત્રે ઉત્તર ફ્રાન્સના કિનારાથી થોડા મીટર દૂર તણાઇને ડૂબી ગયેલા પાંચ લોકોમાં ઓબાદા અને આયસરનો સમાવેશ થતો હતો. નવા વર્ષના 2024ના પ્રથમ પખવાડિયામાં નાની હોડીમાં યુકે જવાનો પ્રયાસ કરતી વખતે મૃત્યુ પામનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.

પરંતુ એક બાળકને આ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે મૂકી દેવામાં આવ્યો તે સમજવાનો પ્રયાસ કરવા માટે બીબીસીએ સીરિયાથી ઓબાદાના પ્રવાસનું રીક્રિએશન કર્યું. તેના ભાઇઓ, સંબંધીઓ અને તેમની સાથે આવેલા અન્ય લોકો સાથેના વીડિયો, સંદેશાઓ અને ઇન્ટરવ્યૂનો ઉપયોગ કરીને બીબીસીએ આ યાત્રાની શરૂઆત કરી. અમારો ઉદ્દેશ્ય દરેક તબક્કે તેમણે લીધેલા ધ્રુજાવી દેનારા નિર્ણયો પાછળનો હેતુ જાણવાનો અને તેનો આંશિક અનુભવ કરવાનો હતો.

અમે એ ભયાવહ દબાણનો પર્દાફાશ કર્યો છે કે જેને કેટલાક બાળકો પર કરવામાં આવે છે – આ દબાણ માતા-પિતા, સંબંધીઓ અને દાણચોરો દ્વારા કરવામાં આવે છે. આ તપાસથી અમને બ્રિટન સુધી પહોંચવા માંગતા લોકોના હેતુઓ, વ્યૂહરચનાઓ વિશે જાણવા મળ્યું. એ સિવાય બ્રિટિશ અને અન્ય સરકારોએ ઉભા કરેલા અવરોધોની અસર વિશે એક વ્યાપક કહાણી મળી.

ભરતી આવી અને બૉટને તાણી ગઈ

સિરિયા શરણાર્થીઓ બ્રિટન

છેલ્લા કેટલાક મહિનાઓથી ઓબાદાની આસપાસના માણસો, તેમાંથી લગભગ એક ડઝન તો દક્ષિણ સીરિયાના દારાહ વિસ્તારમાં તેના જ પડોશમાં રહેતા હતા. તેઓ ઓબાદાને સતત મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેને મજબૂત બનવાનું કહી રહ્યા હતા. તેની પોતાની સંભાળ રાખવાનું કહી રહ્યા હતા, મર્દ બનવાનું કહી રહ્યા હતા. પણ તેનાથી ફાયદો થઈ રહ્યો ન હતો.

પુરુષો માટે આ પ્રકારની મુસાફરી કરવી એ સામાન્ય બાબત હતી. સ્ત્રીઓ માટે આ વધુ સંવેદનશીલ અને કપરી મુસાફરી છે. કારણ કે તેમને યુદ્ધગ્રસ્ત લિબિયામાંથી પસાર થવું પડશે. પરંતુ એ રાત્રે કિશોરવયના બાળકો સાથે બે માતાઓ પણ ત્યાંથી સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી.

અત્યાર સુધી ફ્લૅટેબલ બૉટ સ્લિપવેના છેડે પહેલેથી જ પાણીમાં હતી, અને કેટલાક લોકો બૉર્ડ પર ચઢી રહ્યા હતા. કુલ મળીને તેમની આસપાસની ભીડમાં 60થી વધુ લોકો તેમને બૉટમાં જગ્યા મળે તેની આશા રાખીને બેઠા હતા. ઘણા બધા લોકો તેમાં સમાઈ શકે તેમ હતા. દાણચોરોએ મોટરસાઇકલની અંદરની ટ્યુબને ફ્લૉટેશન ડિવાઇસ તરીકે ઉપયોગમાં લીધી હતી. જ્યાં સુધી બૉટ ઇંગ્લૅન્ડ તરફ ન જાય ત્યાં સુધી તેને ફુલાવવી નહીં તેવું નક્કી થયું હતું.

ભરતી આવતાં જ ઝડપથી બોટ ખેંચાવા લાગી. ભરતી તેને સ્લિપવેથી દૂર અને ઊંડા પાણી તરફ ખેંચી ગઈ. તે રવિવાર 14 જાન્યુઆરીની વહેલી સવાર હતી અને 2024નું તેમનું પ્રથમ ક્રોસિંગ શરૂ કરવાનો પ્રયાસ દાણચોરોની ટોળકી કરી રહી હતી. પવન પૂરતો ન હતો, ઘટી ગયો હતો.

ટૂંક સમયમાં જ એવું બન્યું કે તણાઈ ગયેલા લોકો બૉટ પર ચઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને અંધાધૂંધી છવાઈ ગઈ.

આ એ પ્રકારના પહોળા પટવાળો બીચ ન હતો જેને બધાએ ઉત્તરી ફ્રેંચ કિનારે જોયો હતો. તેના બદલે દાણચોરો તેમને બૂલોન બંદરની ઉત્તરે આવેલા એક નાનકડા રિસોર્ટ ટાઉન વિમેરેક્સમાં લઈ આવ્યા હતા.

છોકરાને કઈ રીતે ઇંગ્લૅન્ડ જવાનું પ્રોત્સાહન મળ્યું?

સિરિયા શરણાર્થીઓ બ્રિટન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ બોટ પર ચઢવા માંગતા હતા પરંતુ આસપાસ ક્યાંય છીછરું પાણી ન હતું. સ્લિપવેની બંને તરફ સીધું જ ઉંડાણ હતું.

"આપણે જે પ્રકારની અપેક્ષા રાખી હતી તેવું નથી," બચી ગયેલા એક વ્યક્તિએ કહ્યું.

પશ્ચિમ લંડનમાં બેસીને ઓબાદાના બીજા ભાઈઓમાંના એક નાદા(25) તેના ફૉન પર નજર માંડીને બેઠા હતા. લંડનમાં એક વાગ્યો હતો, જ્યારે ફ્રાન્સમાં બે વાગ્યા હતા.

થોડા કલાકો પહેલા જ નાદાએ આખા જૂથને ફૉન કર્યો હતો. તેઓ કેલાઈસમાં નહેરના પુલ નીચે તેમના કામચલાઉ કૅમ્પમાં તાપણું કરીને બેઠા હતા. તેઓ આગળની મુસાફરી વિશે આશ્વસ્ત હતા.

ઘટ્ટ રંગની ગૂંથેલી ટોપી અને વાદળી સ્કાર્ફ પહેરેલા ઓબાદાએ પણ સ્મિત વેર્યું હતું અને કેમેરા તરફ બે આંગળીઓ બતાવી વિક્ટરી સાઇન દેખાડી હતી. તેમની લાંબી, મુશ્કેલ મુસાફરી લગભગ સમાપ્ત થઈ ચૂકી હતી.

નાદાએ બે વર્ષ અગાઉ આ જ રીતે ખતરનાક ક્રૉસિંગ કર્યું હતું. તેણે પિતાની ધીરજ રાખવાની સલાહની અવગણના કરી હતી. તેમના પિતા કહી રહ્યા હતા કે ટૂંક સમયમાં જ સીરિયામાં યુદ્ધ સમાપ્ત થઈ શકે છે.

નાદાએ તેના પિતાને શું કહ્યું હતું તે તેને યાદ છે. "અમે 12 વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ અને તે યુદ્ધ હજુ પણ અટક્યું નથી. અમારી કોઈ સલામતી નથી. આશ્રય માંગવાનો બીજો કોઈ રસ્તો નથી."

નાદા તેના બીજા ભાઈઓની જેમ જ દાઢીવાળો, મૃદુભાષી અને કદ-કાઠીમાં ઊંચો છે.

નાદાએ ઇંગ્લૅન્ડની મુસાફરી આ રીતે કરવાનું પસંદ કર્યું હતું કારણ કે તેના એક કાકા લગભગ એક દાયકા અગાઉ આ રીતે પ્રવાસ કરી ચૂક્યા હતા અને તેમને પછી ત્યાં રહેવાની પરવાનગી મળી ગઈ હતી. બંને લોકો ગેરકાયદેસર રીતે ત્યાં ગયા હતા. કારણ કે, નાદાના જણાવ્યા અનુસાર બીજો કોઈ વિકલ્પ ન હતો.

આશ્રય મેળવવા માંગતા લોકોને કાયદાકીય સલાહ આપતી નિષ્ણાત ચેરિટી સંસ્થા એસાયલમ એઇડ અનુસાર, સીરિયન નાગરિકો માટે યુકેમાં રૂબરૂ મુસાફરી કર્યા વિના આશ્રય માટે અરજી કરવાનો કોઈ વ્યવહારુ રસ્તો ઉપલબ્ધ નથી.

મોટાભાગના લોકો ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરે છે કારણ કે આશ્રય માંગવાની અરજી કરવા માટે કોઈ વિઝા નથી. ‘કુટુંબનું પુનઃમિલન’ એ થોડા ઉપલબ્ધ કાનૂની માર્ગોમાંથી એક ગણાય છે અને તેમાં પણ વિઝા ઘણીવાર નકારવામાં આવે છે. કેટલાક લોકો તેમાં સફળ થાય છે.

પુનઃવસવાટ યોજનાઓ દ્વારા પણ થોડી સંખ્યામાં પ્રવેશ આપવામાં આવે છે અને ગૃહમંત્રાલયના આંકડા દર્શાવે છે કે, સપ્ટેમ્બર 2023માં સમાપ્ત થયેલા વર્ષમાં લગભગ 325 સીરિયન નાગરિકોને આ રીતે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. યુકેમાં આશ્રય માટે અરજી કરનારા 90%થી વધુ સીરિયનો સફળ થાય છે, કારણ કે તેમના દેશમાં હજુ પણ સંઘર્ષ ચાલી રહ્યો છે.

ઈંગ્લૅન્ડ પહોંચ્યા પછી, નાદાએ અધિકારીઓને કહ્યું હતું કે સરકાર પ્રત્યે દ્રોહી હોવાના આરોપ પછી તેને દમાસ્કસમાં તેની યુનિવર્સિટીમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તે લશ્કરમાં ભરતી થવા ઈચ્છતો નથી.

"આ સુરક્ષિત પગલું ન હતું. તમે સેનામાં જાઓ અને 10 વર્ષ રહો. તમારે લોકોને મારવાના અથવા તો તમે મરી જશો. અમારે આવું કરવું નથી."

ભારત મ્યાનમાર સાથેની 'સમસ્યારૂપ' સરહદ પર વાડ કેમ કરવા માગે છે?

ભાઈને નોકરી મળતા વધુ પ્રોત્સાહન મળ્યું

સિરિયા શરણાર્થીઓ બ્રિટન
ઇમેજ કૅપ્શન, ઓબાદાના ભાઈ નાદા

ગત વર્ષે ઑક્ટોબરમાં, નાદાને શરણાર્થીનો દરજ્જો અને પાંચ વર્ષ માટે બ્રિટનમાં રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. તેને થોડા સમય પહેલાં જ વૅમ્બલી નજીક વેરહાઉસમાં કામ મળ્યું છે. તે હવે અંગ્રેજી ભાષાનો કૉર્સ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં જ તેની પત્નીને સીરિયાથી અહીં લાવવાની આશા રાખે છે. તેને શરણાર્થી તરીકે અરજી કરવાની મંજૂરી આપવામાં આવી છે અને આખરે કદાચ તે ઈંગ્લૅન્ડમાં તેની કાયદાની ડિગ્રી ફરી શરૂ કરી શકશે.

બ્રિટનમાં આવ્યા પછી તરત જ નાદાએ તેના ભાઈઓને પણ આમ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ હજુ દારાહમાં જ રહે છે.

તેણે ઓબાદાને ફૉન પર કહ્યું હતું કે, “તું યુવાન છો, તું અહીં અભ્યાસ કરી શકે છે."

સીરિયાના ગૃહયુદ્ધની શરૂઆત થયા બાદ તેના કેટલાક પિતરાઈ ભાઈઓ પણ યુકે પહોંચી ગયા હતા. દારાહ અસદ શાસન વિરુદ્ધ ક્રાંતિના જન્મસ્થળ તરીકે પ્રતિષ્ઠા ધરાવતું શહેર છે. ત્યાંના લોકોનું અહીં એક આખું નેટવર્ક હતું.

નાદાએ ઉત્સાહમાં કહ્યું, "તમે અહીં નવું જીવન બનાવી શકો છો."

પિતાની સારવાર યુકેમાં કરાવવાની આશા

સિરિયા યુકે શરણાર્થીઓ

દારાહમાં ઓબાદાએ શાળાકીય શિક્ષણ લીધું હતું. તેના ભાઇઓએ વિચાર્યું હતું કે તે ‘ખૂબ સારો અને ખૂબ જ હોંશિયાર’ છે અને તેમને આશા હતી કે તે કદાચ ડૉક્ટર બનવા માંગે છે. તે ફૂટબૉલનો ચતુર ખેલાડી હતો અને તેણે નાદાને ઈંગ્લૅન્ડમાં માન્ચેસ્ટર સિટીની મૅચ જોવા વિશે ઉત્સાહપૂર્વક વાત કરી.

"પરંતુ તે હજુ એક બાળક જ હતો." સીરિયામાં ઓબાદાને ઓળખતા મિત્રએ કહ્યું.

પરંતુ એવા સંકેતો મળે છે કે ઓબાદાને તેના નિરાશાગ્રસ્ત માતાપિતા દ્વારા મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો અથવા તો તેના પર દબાણ પણ કરવામાં આવ્યું હતું. તેમના પિતા અબુ આયસરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને હવે તેઓ યુકેમાં સારવારની આશા રાખે છે. તેમના માતા ઉમ આયસરે અમને એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, “મારો નાનો પુત્ર ગયો છે જેથી તે ભવિષ્યમાં ફરી અમારી સાથે મુલાકાત કરી શકે."

દારાના એક પાડોશી પણ આ વાતને સમર્થન આપે છે. તેઓ ઓબાદા ડૂબી ગયો તે રાત્રે તેની સાથે હતા.

એ વ્યક્તિએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું, "તે બ્રિટન પહોંચશે અને તેના ભાઇને મળશે તથા ટૂંક સમયમાં જ તેના માતા અને પિતાને લાવશે. એ જ તેમના જવાનું મુખ્ય કારણ હતું જેથી કરીને તેમના પિતા વિદેશમાં તબીબી સારવાર લઈ શકે."

હકીકતમાં તો આ યોજના શરૂઆતથી જ ભૂલભરેલી હતી. લંડનમાં તેનો પહેલેથી જ એક પુખ્ત ભાઈ હતો. એ પરિસ્થિતિમાં ઓબાદા એક સગીર તરીકે, તેના માતાપિતાને કાયદેસર રીતે અનુસરે તેવી વ્યવસ્થા કરી શકે તેવી સ્થિતિમાં ન હોત.

ઓબાદા હજુ 13 વર્ષનો હતો જ્યારે તે અને તેનો ભાઈ આયસર ગયા વર્ષે મે મહિનામાં દમાસ્કસથી લિબિયાના શહેર બેનગાઝી જવા માટે વિમાનમાં સવાર થયા હતા. લિબિયામાં મુસાફરી કરતા સીરિયનો માટે વિઝાની આવશ્યકતા નથી અને દુબઈમાં કામ કરતા એક કાકાએ તેમને પૈસાની મદદ કરી હતી. દુબઈમાં તેમની પાસે આશ્રયની કોઈ વ્યવસ્થા ન હતી. ઓબાદા ત્યાં શાળામાં જઈ શક્યા ન હોત, અને તેમનું કુટુંબ બ્રિટન જવા મક્કમ જણાતું હતું.

છોકરાને જ્યારે ડર પેઠો

સિરિયા યુકે શરણાર્થીઓ

ઓબાદા કદાચ તેમનાં માતાપિતાની વિનંતીઓ અને તેમના મોટાભાઈના ઉત્સાહ અને નિશ્ચયથી પ્રભાવિત થયા હતા, તો તેના કારણે પણ તેઓ આ મુસાફરી સાથે સંડોવાયેલા જોખમોને સંપૂર્ણપણે સમજી શક્યા ન હતા. પણ તેમને ટૂંક સમયમાં જ આ જોખમોનો અંદાજ આવી જવાનો હતો.

ઑક્ટોબર 2023માં, લિબિયામાં મહિનાઓની રાહ જોયા પછી બંને ભાઈઓએ રાજધાની ત્રિપોલીથી નીકળીને દાણચોરની હોડીમાં ભૂમધ્ય સમુદ્ર પાર કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમને ટ્યુનિશિયન પૅટ્રોલિંગ બૉટ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા અને તેમને લિબિયા પાછા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સ્થાનિક લશ્કરના હાથમાં આવી ગયા હતા.

"અમને એક મહિના સુધી કેદ કરવામાં આવ્યા હતા અને ત્રાસ આપવામાં આવ્યો હતો. દારાહમાં તેમના પાડોશી ફારિસ (23) સીરિયાથી મુસાફરીમાં તેમની સાથે અવારનવાર રહેતો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ખુલ્લા ભોંય પર સૂતા હતા, અને ઘણીવાર પાસ્તાનું નાનું બાઉલ જ ખાવા મળતું હતું, એ પણ દિવસમાં એક જ વાર. આખરે, દુબઈમાં તેમના કાકાની વધુ આર્થિક મદદ સાથે બંને ભાઈઓ જાણે કે તેમની આઝાદી ખરીદવામાં સફળ રહ્યા.

આ સમયે દરમિયાન આશ્ચર્યજનક રીતે ઓબાદાએ મુસાફરી ચાલુ રાખવા અંગે ગંભીર શંકા વ્યક્ત કરવાનું શરૂ કર્યું.

ફારિસ યાદ કરતા કહે છે, "તે ડરી ગયો હતો. અમે તેને મજબૂત બનાવવા માટે તેની સાથે વાત કરતા હતા અને તેને કોઈ પણ બાબતની ચિંતા ન કરવાનું કહેતા હતા. પરંતુ તેને તેની સંભાળ રાખવા માટે કોઈની જરૂર હતી.”

બ્રિટનનો નવો શરણાર્થી કાયદો

એ સ્લિપવે જ્યાં આ જાનલેવા ઘટના બની હતી
ઇમેજ કૅપ્શન, એ સ્લિપવે જ્યાં આ જાનલેવા ઘટના બની હતી

જ્યારે જૂથે જાહેરાત કરી કે તેમને અન્ય દાણચોરો મળી આવ્યા છે જે તેમને ઇટાલી લઈ જવા માટે તૈયાર છે ત્યારે ઓબાદાએ તેમનાં માતાપિતાને બોલાવ્યાં અને તેમને કહ્યું કે ભૂમધ્ય સમુદ્ર પાર કરવાનો આ તેમનો છેલ્લો પ્રયાસ હશે. જો તે કામ ન કરે, તો તે ઘરે પાછો આવશે.

ફારિસે કહ્યું, "અમે તેનો હાથ પકડ્યો અને કહ્યું કે અમે તેની સાથે છીએ. ગભરાવાની કોઈ જરૂર નથી," ડિસેમ્બરમાં આ જૂથ બીજી ઇનફ્લૅટેબલ બૉટ પર ચઢ્યું.

આ વખતે તેઓ માંડમાંડ સફળ થયા. સમુદ્રમાં 22 કલાક પછી તેમને લૅમ્પેડુસા ટાપુ પર ઇટાલિયન કૉસ્ટગાર્ડ્સ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક સત્તાવાળાઓ તેમનાં નામ નોંધેલાં હતાં જેના કારણે તેમને ઇટાલી સિવાય અન્ય કોઈ પણ EU હેઠળ આવતા દેશોમાં આશ્રય માટે અરજી કરવાનું મુશ્કેલ બને તેમ હતું. છતાં પણ એકવાર તેમને મુક્ત કરવામાં આવ્યા પછી, તેઓ ઇટાલિયન ભૂમિ પર બૉલોગ્નાથી પહેલાં મિલાન અને પછી સરહદ પાર કરીને ફ્રાન્સમાં ગયા.

તે દરમિયાન નાદાએ તેમના પોતાના પર શંકા કરવાનું શરૂ કર્યું. યુકેમાં આશ્રય શોધનારાઓ માટેના નિયમો વધુ કડક થઈ રહ્યા છે. તેમણે ફરીથી તેમના ભાઈઓને બોલાવ્યા.

"મેં તેમને જર્મની અથવા ઈટાલી જવા કહ્યું. કારણ કે અહીં મુશ્કેલ નિયમો છે. નવા નિયમો આશ્રય શોધનારાઓ માટે ખૂબ જ મુશ્કેલ છે."

પરંતુ ભાઈઓએ ના પાડી.

સૈદ્ધાંતિક રીતે, યુકેનો નવો ગેરકાયદેસર સ્થળાંતરણ કાયદો જે ગયા જુલાઈમાં અમલમાં આવ્યો હતો, તેના હેઠળ હવે ઓબાદાને આશ્રય મેળવવા અને યુકેમાં રહેવાનો અધિકાર નહીં મળી શકે. પરંતુ નાની નૌકાઓમાં આવનારાઓને ક્યાં મોકલવા તે અંગે હજુ સુધી કોઈ સમજૂતી ન હોવાને કારણે, ઓબાદા મોટેભાગે હજારો અન્ય લોકો સાથે જોડાયા હશે. રેફ્યુજી કાઉન્સિલે ‘પરમૅનેન્ટ લિમ્બો’ તરીકે વર્ણવી છે. યુકેમાં રહેવા મળી શકે પરંતુ કોઈ સ્પષ્ટ ભવિષ્ય વિના.

નાદાના ભાઈઓ ટ્રેન દ્વારા પેરિસ જતા રહ્યા. તેઓ મૅઇનલૅન્ડ યુરોપમાં કોઈને જાણતા ન હતા. નાદા ઇંગ્લૅન્ડમાં હતાં, તેમના ઘણા સંબંધીઓ પણ હતા. આ ઉપરાંત, મુસાફરીનો સૌથી મુશ્કેલ ભાગ ચોક્કસ સમાપ્ત થઈ ગયો હતો.

નાદા યાદ કરતાં કહે છે કે ઓબાદા તેમને એવું કહી રહ્યા હતા કે, "હું ત્યાં [યુકે] આવવા માંગુ છું કારણ કે તમે અહીં છો."

બ્રિટન જવાનો પ્રયાસ કરતા ઠંડા પાણીમાં જ્યારે લોકો ડૂબ્યાં

સિરિયા યુકે શરણાર્થીઓ

પછી જાન્યુઆરીની શરૂઆતમાં ઓબાદા, આયસર અને અડધા ડઝન સીરિયન મિત્રો ક્લાઈસ પહોંચ્યા. તેમણે બ્રિજની નીચે તંબુ નાખ્યા. તેઓ ફ્રૅન્ચ પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ કેટલીકવાર તંબુઓ લઈ જાય છે અને તેમને ‘આગળ વધવા’ કહે છે.

બીબીસીએ એક સ્થાનિક ચેરિટી સાથે વાત કરી હતી જેણે કેલાઈસમાં જૂથને મદદ કરવાની માંગ કરી હતી. ઓબાદાને સગીર તરીકે આશ્રય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કહ્યું હતું કે તે તેમના ભાઈ સાથે રહેવા માંગે છે. આ સંસ્થાનું તેના કાર્યની સંવેદનશીલતાને કારણે નામ આપવામાં આવ્યું નથી. તે ઓછામાં ઓછા બે અન્ય કિશોરવયના છોકરાઓ સાથે પણ સંપર્કમાં હતી જેમણે ઓબાદાએ જે બૉટમાં આવવાનો પ્રયાસ કર્યો હતો તે જ બોટમાં તેમણે સવારી કરી હોત.

ચેરિટીના પ્રતિનિધિએ બીબીસીને જણાવ્યું હતું કે કેલાઇસમાં દાણચોરોએ આમાંના કેટલાક અન્ય છોકરાઓને પણ ગેરમાર્ગે દોર્યા હતા. આ છોકરાઓ પણ તેમના પરિવારોનું દબાણ અનુભવે છે.

આ છોકરાઓમાંથી એક વિશે જણાવતા સંસ્થાના પ્રતિનિધિએ કહ્યું: "તેણે અમને ફોન કરીને કહ્યું હતું કે તે ભયભીત છે. તેણે અમને કહ્યું કે તેનાં માતાપિતાએ તેને દબાણ કર્યું હતું."

એક અઠવાડિયા કરતાં પણ વધુ સમય પછી જૂથને સીરિયન દાણચોરો દ્વારા તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ દાણચોરોને તેમણે જેમને તેઓએ યુકે લઈ જવા માટે વ્યક્તિદીઠ 2000 પાઉન્ડ ચૂકવ્યા હતા. હવામાનની આગાહી સામાન્ય હતી અને તેઓ શનિવારે રાત્રે નીકળવાના હતા.

દરિયાકિનારે પવન ન હતો, પરંતુ તાપમાન થોડું ઠંડુ હતું અને સમુદ્રની સપાટીનું તાપમાન કદાચ 7 ડિગ્રી સેલ્સિયસ હતું.

અંધારામાં ઓબાદાએ સ્લિપવેથી દૂર જતી વખતે ઇન્ફ્લૅટેબલ બૉટ પર ચઢવાનો પ્રયાસ કરતા લોકોના જથ્થામાં જોડાવાનો પ્રયાસ કર્યો. પરંતુ તરત જ તેને અને આયસરને ખબર પડી કે તેઓ તેમની ઠંડા સમુદ્રમાં આસપાસ પટકાયા હતા.

ફારિસે કહે છે, "તેઓ ચીસો પાડવા લાગ્યા અને મદદ માંગવા લાગ્યા. તેઓ સ્લિપવે પર પાછા ફરવામાં સફળ થયા હતા અને લોકોને પાણીમાંથી બહાર ખેંચવામાં મદદ કરી રહ્યા હતા. પરંતુ અંધારામાં, તે ઓબાદાને શોધી શક્યા નહીં."

તેમણે કહ્યું, "હું તેને જોઈ શકતો ન હતો. તે પાણીમાં અદૃશ્ય થઈ ગયો. પાણીએ તેને ખેંચી લીધો અને હું તેના સુધી પહોંચી શક્યો નહીં. અમને ખબર ન હતી કે તે આટલું ઊંડું હશે."

ફ્રૅન્ચ પોલીસ નજીકમાં પૅટ્રોલિંગમાં હતી. યુકેના વધારાના ભંડોળે ફ્રાન્સને આ પ્રદેશમાં અધિકારીઓની સંખ્યા વધારવા માટે સક્ષમ બનાવ્યું છે. પરંતુ દાણચોરો દ્વારા ઉપયોગમાં લેવાતા દરિયાકિનારાના લગભગ 150 કિમીના પટ્ટાની દેખરેખ રાખવા માટે હજુ પણ સંખ્યા પૂરતા પ્રમાણમાં નથી.

નૌકાદળનું એક હૅલિકોપ્ટર અને પૅટ્રોલિંગ બોટ 02:15 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા. બચાવ કાર્યકરોએ હાયપોથર્મિયાથી પીડાતા 20 લોકોની સારવાર કરવામાં મદદ કરી. પરંતુ ઓબાદા તેમાં ન હતો.

સાર્જન્ટ મેજર મેક્સાઈમ મેનૂને યાદ કરતા કહે છે, "હું હજી તે સાંભળી શકું છું, એ ચીસો હતી, મૃત્યુની ચીસો." તેઓ તે રાત્રે જ એ વિસ્તારમાં બીજા એક બચાવ અભિયાનમાં ઠંડા પાણીમાં ડૂબ્યા હતા.

થોડીવાર પછી નાદાને લંડનમાં ફોન આવ્યો.

"તેઓ બંને હવે આ દુનિયામાં નથી."

પહેલાં ખબર હોત તો સીરિયા ન છોડ્યું હોત

સિરિયા યુકે શરણાર્થીઓ

તે ગ્રૂપ કૉલમાં અન્ય એક સીરિયન હતો. તેણે આયસરને પહેલાં પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી, પણ મોડું થઈ ગયું હતું. અને પછી ઓબાદાની લાશને કિનારે ખેંચવામાં આવી હતી. તે તરવામાં અસમર્થ હતો. તેઓ બંને સ્લિપવેથી 10 મીટર દૂર જ ડૂબી ગયા હતા.

ફોન ચાલુ હતો નાદાની આંખો ખુલ્લી હતી અને આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે રડવાનું શરૂ કર્યું, તેમની છાતી ધબકતી રહી, પછી તેમણે તેમની આંખો લૂછી.

મેં તેમને પૂછ્યું, “તમને જે અત્યારે ખબર છે એ જ તમને પહેલેથી ખબર હોત તો તમે સીરિયામાં જ રોકાઈ ગયા હોત?”

"હા. આયસર અને ઓબાદા સાથે જે થયું તે પછી હું સીરિયામાં જ રોકાઈ ગયો હોત." તેમણે જવાબ આપ્યો.

શું તમે ઇચ્છો છો કે ઓબાદા પણ સીરિયામાં રોકાઈ ગયા હોત?

"હા."

શું તમે તેને સફર કરવા માટે પ્રોત્સાહિત કરવા વિશે દોષભાવ અનુભવો છો?

"હા, હા." તેમણે કહ્યું.

તે પછીની સાંજે કેલાઈસના લગભગ 100 સ્થાનિકો અને મુઠ્ઠીભર સ્થળાંતર કરનારાઓ પાંચ મૃતકો માટે એક મિનિટનું મૌન પાળવા માટે ટાઉન સેન્ટરમાં ભેગા થયા હતા. આ પાંચ એવા લોકો હતા જેઓ ચેનલને પાર કરવાનો પ્રયાસ કરતા તાજેતરમાં મૃત્યુ પામ્યા હતા.

એક સ્થાનિક ફ્રેન્ચ મહિલાએ ઉગ્ર ભીડને કહ્યું, "સૌથી મોટો દોષ યુરોપના કાયદાઓનો છે જે શરણાર્થીઓનું જીવન અશક્ય બનાવે છે. જે તેમને કોઈ અધિકાર આપતા નથી. તેઓ સરહદો પર જીવવું અશક્ય બનાવી દે છે."

દારાહમાં રહેતા ઓબાદાનાં માતાપિતાએ અમને તેમના પુત્રના ખાલી રૂમનો વીડિયો મોકલ્યો.

"અમે મારા બાળકોને છેલ્લી વાર જોવા માગીએ છીએ. આ મારી એક વિનંતી છે. નાનો પુત્ર 14 વર્ષનો હતો. હું તેને દફનાવવામાં આવે તે પહેલાં તેને જોવા માંગુ છું. “ તેમનાં માતા ઉમ આયસરે રડતાં-રડતાં કહ્યું.

"હું બીમાર માણસ છું. મને શ્વાસ લેવા માટે ઑક્સિજનની જરૂર છે." તેમના પિતા અબુ આયસરે કહ્યું.

ઓબાદાની આ કહાણીને કેવી રીતે જોવી જોઇએ?

આવી ખતરનાક સફરમાં બાળકના જીવને જોખમમાં મૂકવા બદલ ઘણા લોકો તેનાં માતાપિતા અને પરિવારની ટીકા કરવા ઇચ્છતા હશે. અન્ય લોકો કે જેઓ સીરિયા જેવા યુદ્ધ ઝોનમાં જીવનનો સીધો અનુભવ ધરાવે છે એ લોકો દલીલ કરી શકે છે કે કુટુંબની નિરાશાને કારણે તેમણે આવું પગલું ભર્યું.

એવું લાગે છે કે ઓબાદાના મૃતદેહને તેના ભાઈની સાથે આગામી દિવસોમાં કલાઈસમાં દફનાવવામાં આવશે. ફ્રૅન્ચ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેને યુકે મોકલવો શક્ય નહીં બને. નાદાના જણાવ્યા મુજબ મૃતદેહને સીરિયા પાછો મોકલવામાં લાગતો ખર્ચ પણ ખૂબ ઊંચો હતો.

(એડિશનલ રિસર્ચ: કૅથી લૉંગ, ફૅરાસ કવાફ અને મરિયાને બેસ્ની દ્વારા, લિલી હુય્ન, મૅટ થૉમસ અને કૅટ ગૅનોર દ્વારા ડિઝાઇન; જેમ્સ પર્સી અને ડૉમિનિક બેઇલી દ્વારા પ્રૉડક્શન)