બાળકોને કોથળામાં સંતાડી જીવના જોખમે બોટમાં ભાગી છૂટેલા પરિવારની કહાણી

મહામારી પછી ઉત્તર કોરિયાથી પલાયનની યોજના પોતે કેવી રીતે બનાવી હતી તેની વાત કિમે બીબીસી સાથેની મુલાકાતમાં કરી હતી
ઇમેજ કૅપ્શન, મહામારી પછી ઉત્તર કોરિયાથી પલાયનની યોજના પોતે કેવી રીતે બનાવી હતી તેની વાત કિમે બીબીસી સાથેની મુલાકાતમાં કરી હતી
    • લેેખક, જીન મેકેન્ઝી
    • પદ, બીબીસી સંવાદદાતા, સોલ

મિસ્ટર કિમે આ વર્ષની શરૂઆતમાં ઉત્તર કોરિયામાંથી ભાગી છૂટવાની અશક્ય લાગતી યોજના બનાવી હતી. તેઓ તેમના સંપૂર્ણ પરિવાર – સગર્ભા પત્ની, માતા, તેમના ભાઈના પરિવાર અને પિતાના અસ્થિકળશ સાથે સમુદ્ર માર્ગે નાસી છૂટ્યા હતા.

મિસ્ટર કિમનો પરિવાર આ વર્ષે ઉત્તરમાંથી ભાગીને દક્ષિણ કોરિયામાં પ્રવેશેલો પ્રથમ પરિવાર છે. કોવિડ મહામારી ત્રાટકી ત્યારે ઉત્તર કોરિયાની સરકારે ગભરાઈને પોતાના દેશને વિશ્વના બાકીના હિસ્સાથી સીલ કરી દીધો હતો.

સરહદો બંધ કરી દીધી હતી અને વેપાર થંભાવી દીધો હતો. એક સમયે ઉત્તરમાંથી ભાગી છૂટવું સામાન્ય બાબત હતી, પરંતુ નવી પરિસ્થિતિમાં તે સદંતર બંધ થઈ ગયું હતું.

મહામારી પછીના આ પલાયનની યોજના પોતે કેવી રીતે બનાવી હતી તેની વાત કિમે બીબીસી સાથેની મુલાકાતમાં કરી હતી. ભૂખે મરતા લોકો અને દમનના વધતા કિસ્સા સાથે ઉત્તર કોરિયામાં જીવન કેવું છે એ વિશે તેમણે જણાવ્યું હતું.

તેમણે તેમનું સંપૂર્ણ નામ પરિવારની સલામતી ખાતર ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી.

કિમે કહેલી બધી વાતોની સચ્ચાઈ ચકાસણી બીબીસી કરી શક્યું નથી, પરંતુ તેમણે જે વિગત આપી છે તે અન્ય સ્રોત દ્વારા કહેવામાં આવેલી વાતો સાથે મેળ ખાય છે.

નાસી છૂટવાની રાત તોફાની હતી. દક્ષિણ તરફથી ફૂંકાઈ રહેલો પવન સાથે વાવાઝોડું પણ લાવ્યો હતો. આ બધું મિસ્ટર કિમની યોજનાનો એક ભાગ હતું. તોફાની હવામાનને કારણે કોઈ સર્વેલન્સ જહાજ તેમનો પીછો કરશે અને પાછા ફરવા દબાણ કરશે એવું તેમણે ધાર્યું હતું.

એ રાતનું સપનું તેઓ વર્ષોથી જોતા હતા. મહિનાઓથી તેનું ઝીણવટપૂર્વક આયોજન કરતા હતા, પરંતુ તેનાથી તેમનો ભય ઓછો થયો ન હતો.

તેમના ભાઈનાં સંતાનો ઊંઘી રહ્યાં હતાં ત્યારે કિમે તેમને સ્લીપિંગ પિલ્સ ખવડાવી દીધી હતી, જેથી તેઓ જાગી ન જાય. તેમણે અને તેમના ભાઈએ બાળકોને ઊંચકીને સૂરંગ બિછાવેલા અંધારિયા વિસ્તારમાંથી, તેમના નાસી છૂટવા માટેની બોટ જ્યાં બાંધેલી હતી ત્યાં લઈ જવાના હતા. ગાર્ડની સર્ચલાઈટના પ્રકાશથી બચવા માટે તેઓ સાવધાનીપૂર્વક આગળ વધ્યા હતા.

કિમનો પરિવાર આ વર્ષે ઉત્તરમાંથી ભાગીને દક્ષિણ કોરિયામાં પ્રવેશેલો પ્રથમ પરિવાર છે

ઇમેજ સ્રોત, OFFICE OF SOUTH KOREAN POLITICIAN YOO SANG-BUM

ઇમેજ કૅપ્શન, કિમનો પરિવાર આ વર્ષે ઉત્તરમાંથી ભાગીને દક્ષિણ કોરિયામાં પ્રવેશેલો પ્રથમ પરિવાર છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બોટ સુધી પહોંચ્યા પછી તેમણે બાળકોને અનાજના જૂના કોથળામાં સંતાડી દીધાં હતાં, જેથી તે ઓજારોના થેલા જેવા લાગે. એ પછી કિમનો સંપૂર્ણ પરિવાર દક્ષિણ કોરિયા જવા રવાના થયો હતો.

પુરુષો તલવારોથી સજ્જ હતા અને મહિલાઓ ઝેરથી. કોસ્ટ ગાર્ડ્ઝ સાથે ટકરાવ થાય તો તેમના પર ફેંકવા માટે કિમના પરિવારે ઈંડાંનાં ખાલી કોચલાંમાં મરચાનો ભૂકો અને રેતી ભરી રાખ્યાં હતાં.

તેમની બોટનું એન્જિન જોરદાર અવાજ કરી રહ્યું હતું, પરંતુ કિમને તેમને ધડકતા હૈયાનો અવાજ જ સંભળાતો હતો. નાની સરખી ભૂલ થાય તો પણ તેમને બધાને ફાંસીની સજા મળી શકે તેમ હતી.

હું મિસ્ટર કિમને ગયા મહિના સોલની બહારના વિસ્તારમાં મળ્યો ત્યારે તેમની સાથે સાદા વેશમાં એક પોલીસ અધિકારી પણ હતા. ઉત્તર કોરિયા છોડીને આવેલા લોકોની સલામતી માટે એવું કરવામાં આવે છે.

ઉત્તર કોરિયાના લોકો દક્ષિણ કોરિયા આવે પછી તેમને એક પુનર્વસન કેન્દ્રમાં રાખવામાં આવે છે. કિમ અને તેમના પરિવારને એ કેન્દ્રમાંથી થોડા સપ્તાહ પહેલાં જ મુક્ત કરવામાં આવ્યા હતા.

પાછલાં ચાર વર્ષને યાદ કરતાં કિમે કહ્યું હતું, “અમે બહુ પીડા ભોગવી છે.”

તેમના જણાવ્યા મુજબ, કોવિડ-19 પહેલાંના દિવસોમાં લોકો બહુ ડરેલા હતા. વિશ્વમાં મરી રહેલા લોકોના ફોટોગ્રાફ્સ ઉત્તર કોરિયા સરકારે પ્રસારિત કર્યા હતા અને ચેતવણી આપી હતી કે નાગરિકો નિયમોનું પાલન નહીં કરે તો આખા દેશનો સફાયો થઈ શકે છે. નિયમોના ઉલ્લંઘન બદલ કેટલાક લોકોને લેબર કૅમ્પ્સમાં મોકલી દેવામાં આવ્યા હતા.

કોવિડનો કોઈ શંકાસ્પદ કેસ જણાય ત્યારે ગાર્ડ્ઝ આખા ગામને ક્વૉરેન્ટીન કરી દેતા હતા. બધાને ઘરમાં પૂરી દેવામાં આવતા હતા અને આખો વિસ્તાર સીલ કરી નાખવામાં આવતો હતો. અંદર પૂરાયેલા લોકો પાસે બહુ ઓછું ખાવાનું કે ખાવા માટે કશું બચતું ન હતું.

કિમે કહ્યું હતું, “લોકોને થોડા સમય સુધી ભૂખ્યા રાખ્યા બાદ સરકાર ખાદ્યસામગ્રીનો જથ્થો મોકલતી હતી. તેઓ સસ્તા દરે ભોજન આપવાનો દાવો કરતા હતા જેથી લોકો તેમની પ્રશંસા કરે. આ તો બાળકને ભૂખ્યું રાખ્યા પછી તેને થોડું ભોજન દેવા જેવું હતું.”

આ વ્યવસ્થા મહામારીમાંથી કમાણી કરવાની સરકારની વ્યૂહરચનાનો હિસ્સો છે કે કેમ, એવા સવાલ લોકો કરવા લાગ્યા હતા.

ઘણા બધા લોકો કોવિડમાંથી બચી ગયા હતા. તેથી તેમને એવું લાગવા માંડ્યું હતું કે સરકારે કોવિડનો ખોટો હાઉ ઊભો કર્યો હતો, એમ જણાવતાં કિમે કહ્યું હતું, “હવે લોકો એવું માનવા માંડ્યા છે કે તે અમારા પર અત્યાચાર કરવાનું એક બહાનું માત્ર હતું.”

સીમા બંધ કરવાને કારણે સૌથી વધુ નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમના કહેવા મુજબ, ઉત્તર કોરિયામાં ફૂડ સપ્લાય લાંબા સમયથી અનિશ્ચિત રહી છે, પરંતુ ઓછા પુરવઠાને કારણે ખાદ્યસામગ્રીના ભાવ આસમાને ચડ્યા છે. બધાનું જીવન વધારે કઠીન બની ગયું છે. 2022ની વસંતમાં પરિસ્થિતિ વણસી ગઈ હતી.

તેમણે કહ્યું હતું, “સાતથી આઠ વર્ષ સુધી ભૂખમરા બાબતે ખાસ ચર્ચા થઈ ન હતી, પરંતુ એ પછી એવી ઘટનાઓ બાબતે વારંવાર સાંભળવા મળતું હતું. એક સવારે ઊઠીએ ત્યારે સાંભળવા મળતું કે આ જિલ્લામાં કોઈ ભૂખને લીધે મરી ગયું. બીજી સવારે એવા બીજા અહેવાલો મળતા હતા.”

ઉત્તર કોરિયામાં ભૂખમરાથી લોકો જીવ ગુમાવી રહ્યા છે

ઉત્તર કોરિયાએ માર્ચ, 2023માં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની મદદ માગી હતી

કિમના જણાવ્યા મુજબ, આ વર્ષે ફેબ્રુઆરીમાં બાજુના ગામનો એક ગ્રાહક બેઠકમાં મોડો આવ્યો હતો. તેણે કહ્યું હતું કે એક વૃદ્ધ દંપતીની સંદિગ્ધ હત્યાના મામલામાં તેના ગામના બધા લોકોને અટકાયતમાં લીધા હતા, પરંતુ પોસ્ટમૉર્ટમ પછી તેમણે જાહેરાત કરી હતી કે વૃદ્ધ દંપતી ભૂખને કારણે મૃત્યુ પામ્યું હતું. એ દંપતી મૃત્યુ પામી રહ્યું હતું ત્યારે ઉંદરડાંએ તેમના હાથ અને પગની આંગળીઓ કરડી ખાધી હતી. તેને લીધે તપાસકર્તાઓને દંપતીની હત્યા થયાની શંકા પડી હતી.

કિમના જણાવ્યા મુજબ, તેઓ બે ખેડૂતને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. એ ખેડૂતો એપ્રિલમાં ભૂખને કારણે મૃત્યુ પામ્યા હતા. ખેડૂતો માટે એ અત્યંત મુશ્કેલ સમય હતો, કારણ કે પાક ખરાબ થઈ જાય તો સરકાર તેમને વધુ વ્યક્તિગત ખાદ્યાન્ન પુરવઠો આપીને તેમની પાસેથી પૈસા વસૂલતી હતી.

ભૂખમરાને લીધે થયેલા મૃત્યુની પુષ્ટિ અમે સ્વતંત્ર રીતે કરી શકતા નથી. ખાદ્યાન્ન સંકટ વિશેના 2023ના વૈશ્વિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાની સીમા બંધ કરી દેવામાં આવ્યા પછી ફૂડ ઇનસિક્યૉરિટી વિશેની ચોક્કસ માહિતી મેળવવાનું પડકારજનક બની ગયું છે, પરંતુ સ્થિતિ વણસી રહી હોવાના સંકેત છે. ઉત્તર કોરિયાએ માર્ચ, 2023માં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની મદદ માગી હતી.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના ઉત્તર કોરિયાના નિષ્ણાત ચોઈ જે-હૂને જણાવ્યું હતું કે ભાગીને સોલ આવેલા અને ઉત્તર કોરિયામાંના તેમના પરિવારજનો સાથે વાત કરી શકતા કેટલાક લોકો પાસેથી મેં ભૂખમરાના કિસ્સાઓ સાંભળ્યા હતા.

તેમણે કહ્યું હતું, “કોવિડકાળ દરમિયાન ખાદ્યાન્નની પરિસ્થિતિ વકરી ગઈ હતી અને કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું હોવાની વાતો સાંભળવા મળી છે.”

જોકે, પરિસ્થિતિ 1990ના દાયકા જેટલી વિનાશક ન હતી, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું, “લોકોએ તેમની પાસેનાં મર્યાદિત સાધનો વડે ટકી રહેવાના માર્ગ શોધી કાઢ્યા હોવાનું સાંભળવા મળ્યું છે.”

મિસ્ટર કિમ પોતે ટકી રહ્યા હતા એટલું જ નહીં, તેમણે આગળ વધવાની તરકીબ પણ શોધી કાઢી હતી. કોવિડ પહેલાં મોટા ભાગના લોકોની માફક તેમણે કાળા બજારમાં પોતાનો માલ વેચીને કમાણી કરી હતી.

તેમણે ચીનથી દાણચોરી વડે લાવવામાં આવેલી મોટરબાઇક્સ અને ટેલિવિઝન કાળાબજારમાં વેચ્યાં હતાં, પરંતુ સરહદ સીલ કરી દેવામાં આવી એ પછી તેમણે શાકભાજીનો વેપાર શરૂ કર્યો હતો. તેમને ખબર હતી કે ખાવાનું તો બધાને જોઈતું હોય છે.

તેમણે ખુદની ઓળખ “તીડના વેપારી” તરીકે સ્થાપિત કરી હતી અને શેરીઓમાં ફરીને ગુપ્ત રીતે પોતાનો માલ વેચતા હતા. તેમણે કહ્યું હતું, “કોઈ અમારા વિશે સત્તાવાળાઓને જાણ કરે તો અમે તીડની માફક નાસી છૂટતા હતા.”

“લોકો મારી પાસે આવતા હતા અને વેચવાની વિનંતી કરતા હતા. હું જે કિંમત ઇચ્છું તે આપવા તૈયાર હતા.” આ પ્રક્રિયામાં કિમ પહેલાં કરતાં ઘણા સમૃદ્ધ થયા હતા. તેઓ અને તેમના પત્ની તેમની પસંદનું માંસનું ભોજન રાતે કરી શકતા હતા.

“ઉત્તર કોરિયામાં તેને બહુ સારું ભોજન ગણવામાં આવે છે.”

કિમે ઉત્તર કોરિયામાંથી નાસી જવાનું હજારો વખત વિચાર્યું હતું, પરંતુ તેમને તેમના પરિવારને પાછળ છોડી જવાનું મંજૂર ન હતું

નાસી જવાનું હજારો વખત વિચાર્યું હતું

કિમની આ કથા એક અત્યંત સમજદાર અને ક્યારેક બેઈમાન વેપારીના જીવનની તસવીર પ્રસ્તુત કરે છે. હાલ તેઓ આયુષ્યની ત્રીસીના દાયકામાં છે. તેમણે ઉત્તર કોરિયાની સિસ્ટમને માત આપવા માટે એક દાયકાથી વધુ સમય સુધી સંઘર્ષ કર્યો હતો અને બચત કરી હતી.

તેનું આંશિક કારણ એ હતું કે નાની ઉંમરથી તેમનો આ સિસ્ટમથી મોહભંગ થઈ ગયો હતો. તેમને યાદ છે ત્યાં સુધી તેઓ અને તેમના પિતા ગુપ્ત રીતે દક્ષિણ કોરિયન ટીવી કાર્યક્રમો નિહાળતા હતા.

તેઓ દક્ષિણ કોરિયાની સરહદની એટલા નજીક રહેતા હતા કે તેઓ એ કાર્યક્રમો નિહાળી શકતા હતા. દક્ષિણ કોરિયામાં લોકો સ્વતંત્ર હતા અને કિમ એ દેશથી મોહિત થઈ ગયા હતા.

મોટા થવાની સાથે કિમે ઉત્તર કોરિયામાં જે ભ્રષ્ટાચાર અને અન્યાય જોયો હતો. એ કારણે તેઓ ઉત્તર કોરિયાથી વધારે દૂર થઈ ગયા હતા. સલામતી અધિકારીઓએ તેમના ઘર પર દરોડો પાડ્યો એ ઘટનાને યાદ કરતાં તેમણે કહ્યું હતું, “તમારી પાસે જે કંઈ છે તે સરકારનું છે. ”

અધિકારીએ ઉપહાસ કરતાં કહ્યું હતું, “આ ઓક્સિજન પણ તમારો છે એવું તમે માનો છો? એવું નથી.”

કિમના જણાવ્યા મુજબ, કથિત અસામાજિક વર્તનને દબાવી દેવા માટે સરકારે 2021માં શક્તિશાળી ક્રેકડાઉન સ્ક્વૉડની રચના કરી હતી. એ સ્ક્વૉડના કર્મચારીઓ રસ્તા જતા લોકોને મનમાની રીતે રોકતા હતા અને તેમને ડરાવતા-ધમકાવતા હતા. “લોકોએ ક્રેકડાઉન સ્ક્વૉડના અધિકારીઓને, પિશાચ આપણું લોહી પીતા હોય છે તેમ, મચ્છર કહેવાનું શરૂ કરી દીધું હતું.”

સૌથી ગંભીર અપરાધ ખાસ કરીને દક્ષિણ કોરિયન સંસ્કૃતિનો ઉપભોગ કરવાનું અને બહારની માહિતી શૅર કરવાનો હતો. કિમે જણાવ્યું હતું કે “તેના પરની કાર્યવાહી વધારે તીવ્ર બની ગઈ હતી. કોઈ પકડાઈ જાય તો તેને ગોળી મારી દેવામાં આવતી હતી અથવા તેમને લેબર કૅમ્પમાં મોકલી આપવામાં આવતા હતા.”

કિમના જણાવ્યા મુજબ, ગયા વર્ષે એપ્રિલમાં તેમને 22 વર્ષના એક યુવાનને જાહેરમાં ગોળી મારીને મૃત્યુદંડ આપવાની ઘટના જોવાની ફરજ પાડવામાં આવી હતી.

“એ યુવાનને 70ના દાયકાનાં દક્ષિણ કોરિયન ગીતો સાંભળવા બદલ, ત્રણ ફિલ્મો જોવા બદલ તથા તે દોસ્તો સાથે શૅર કરવા બદલ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.”

અધિકારીઓએ લોકોને જણાવ્યું હતું કે એક સાચો દાખલો બેસાડવા માટે તેઓ આ વ્યક્તિને આકરી સજા કરવા ઇચ્છતા હતા. કિમે કહ્યું હતું, “એ બધા નિર્દય છે. દરેક વ્યક્તિ તેમનાથી ભયભીત છે.”

આ ઘટનાની પુષ્ટિ અમે કરી શકતા નથી, પરંતુ ઉત્તર કોરિયાએ ડિસેમ્બર, 2020માં એક નવો કાયદો બનાવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે દક્ષિણ કોરિયન કન્ટેન્ટ શૅર કરનારને મોતની સજા કરી શકાય છે.

સિટિઝન્સ અલાયન્સ ફૉર નૉર્થ કોરિયન હ્યુમન રાઇટ્સના જોઆના હોસાનિયાકે જણાવ્યું હતું કે યુવકને કરવામાં આવેલી મોતની સજાની કિમે કહેલી કથા જરાય આશ્ચર્યજનક નથી.

જોઆનાએ પાછલા બે દાયકામાં ઉત્તર કોરિયામાંથી નાસી છૂટેલા હજારો લોકોના ઇન્ટરવ્યૂ કર્યા છે. તેમણે કહ્યું હતું, “ઉત્તર કોરિયામાં વસ્તી નિયંત્રણ માટે ફાંસીની સજાનો ઉપયોગ કાયમ થતો રહ્યો છે. ત્યાં નવો કાયદો અમલી બને છે ત્યારે સંખ્યાબંધ લોકોને ફાંસી આપવામાં આવે છે.”

ઉત્તર કોરિયા

ઇમેજ સ્રોત, AFP

પોતાની વીતકકથા કહીને કિમ વ્યથિત થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે એક દોસ્તે આત્મહત્યા કરી એ પછી તેઓ આખરે ભાંગી પડ્યા હતા.

એ દોસ્ત એક મહિલા પ્રત્યે સ્નેહાકર્ષણ અનુભવતો ન હોવાથી તેને છૂટાછેડા આપવા અને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. અધિકારીઓએ કિમના દોસ્તને જણાવ્યુ હતું કે છૂટાછેડા લેવાનો એકમાત્ર રસ્તો લેબર કૅમ્પમાં થોડો સમય પસાર કરવાનો છે.

પોતાના જીવન પર પૂર્ણવિરામ મૂકતા પહેલાં બીજો માર્ગ ખોળવામાં તે દેવા હેઠળ ડૂબી ગયો હતો. દોસ્તના મોત પછી કિમ તેના બેડરૂમમાં ગયા હતા. રૂમની હાલત જોઈને કિમને સમજાયું હતું કે દોસ્તનું મોત કેટલું ધીમું અને પીડાદાયક હશે. દોસ્તે તેના આંગળીના નખ બહાર ન આવી ગયા ત્યાં સુધી દીવાલો ખોતરી હતી.

કિમે ઉત્તર કોરિયામાંથી નાસી જવાનું હજારો વખત વિચાર્યું હતું પણ તેમને તેમના પરિવારને પાછળ છોડી જવાનું મંજૂર ન હતું. 2022 સુધીમાં તેઓ એટલા વ્યાકુળ થઈ ગયા હતા કે તેમણે પરિવારજનોને નાસી છૂટવા માટે રાજી કરવાનું નક્કી કર્યું હતું.

તેમણે સૌથી પહેલા તેમના ભાઈને વિશ્વાસમાં લીધો હતો. ભાઈ અને તેમનાં પત્ની સીફૂડનો ગેરકાયદે ધંધો કરતાં હતાં, પરંતુ સરકાર ગેરકાયદે વિક્રેતાઓ પર તૂટી પડી હતી. બોટનો માલિક હોવા છતાં તે માછીમારી કરવા જઈ શકતો ન હતો. પૈસાની તંગીને કારણે એ આસાનીથી સહમત થયો હતો.

બન્ને ભાઈએ એ પછીના સાત મહિના સુધી ભાગી છૂટવાની યોજના બનાવી હતી.

ચીન સાથેની ઉત્તર કોરિયાની ઉત્તર સરહદના ઘણા સુસ્થાપિત માર્ગો મહામારી દરમિયાન બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ બન્ને ભાઈ સુદૂર દક્ષિણ-પશ્ચિમમાં, દક્ષિણ કોરિયાની સરહદ નજીક આવેલા માછીમારોના એક નાનકડા ગામમાં રહેતા હતા. તેથી તેમને સમુદ્રમાર્ગે નાસી છૂટવાનો એક વૈકલ્પિક, પરંતુ જોખમી રસ્તો મળ્યો હતો.

સૌથી પહેલાં તો તેમણે સમુદ્રમાં જવા માટે પરવાનગી લેવી જરૂરી હતી. તેમણે નજીકના એક લશ્કરી થાણા બાબતે સાંભળ્યું હતું. ત્યાં નાગરિકોને માછલી પકડવા માટે મોકલવામાં આવતા હતા. પછી એ માછલીને સૈન્ય ઉપકરણો માટે વેચી મારવામાં આવતી હતી. કિમ અને તેમના ભાઈએ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

એ દરમિયાન કિમે તટરક્ષકો અને સિક્યૉરિટી ગાર્ડ્ઝ સાથે દોસ્તી કેળવવાનું શરૂ કર્યું હતું. તેમની ગતિવિધિ, પ્રોટોકૉલ અને શિફ્ટ પેટર્ન વિશેની ગુપ્ત માહિતી મેળવી હતી. પોતાનો ભાઈ કોઈ પકડી ન શકે એવી રીતે રાતે બોટ દક્ષિણ કોરિયા સુધી લઈ જઈ શકશે તેની ખાતરી ન થઈ ત્યાં સુધી તેઓ આવું કરતા રહ્યા હતા.

એ પછી સૌથી મુશ્કેલ કામ પોતાના વૃદ્ધ માતા અને પત્નીને સાથે આવવા માટે મનાવવાનું હતું. એ બન્ને દક્ષિણ કોરિયા જવાનો વિરોધ કરી રહ્યા હતા. આખરે બન્ને ભાઈ માતા પર બરાડ્યા હતા અને ધમકી આપી હતી કે તેઓ તેમની સાથે નહીં જાય તો આખો પ્લાન પડતો મૂકવામાં આવશે અને પછી જીવનમાં જે તકલીફ પડશે તેના માટે માતા જવાબદાર હશે.

કિમે કહ્યું હતું, “મારાં માતા બહુ વ્યાકુળ હતાં. બહુ રડ્યાં હતાં, પણ આખરે માની ગયાં હતાં.”

જોકે, કિમનાં પત્ની, તેઓ ગર્ભવતી હોવાની જાણ થઈ ત્યાં સુધી અટલ હતાં. કિમે પત્ની સમક્ષ દલીલ કરી હતી, “હવે આ કેવળ તારું શરીર નથી. તું માતા પણ છે. આપણું બાળક આ નર્કમાં રહે એવું તું ઇચ્છે છે?” કિમની દલીલ અસરકારક સાબિત થઈ હતી.

દક્ષિણ કોરિયન સંસ્કૃતિથી પહેલાંથી જ પરિચિત કિમ આસાનીથી નવી પરિસ્થિતિને અપનાવી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયન સંસ્કૃતિથી પહેલાંથી જ પરિચિત કિમ આસાનીથી નવી પરિસ્થિતિને અપનાવી રહ્યા છે

ઉત્તર કોરિયા પશ્ચિમના દેશો સાથેના રાજદ્વારી સંબંધમાં ઉદાસીનતા દાખવી રહ્યું છે, પરંતુ ચીન અને રશિયા સાથેના સંબંધને મજબૂત બનાવી રહ્યું છે. તેને કારણે માનવાધિકારના કથિત ઉલ્લંઘન બદલ કશું કરવાનું આંતરરાષ્ટ્રીય સમુદાય માટે મુશ્કેલ બની ગયું છે.

દક્ષિણ કોરિયાની સરકારે ઉત્તર કોરિયન માનવાધિકારને પોતાની સર્વોચ્ચ અગ્રતા પૈકીના એક બનાવ્યા છે, પરંતુ તેના નાયબ-એકીકરણ પ્રધાન મૂન સેઓંગ-હ્યને જણાવ્યું હતું કે તેમની પાસે બહુ મર્યાદિત સાધનો છે.

તેમણે કહ્યું હતું, “અમે સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અન્ય મંચો પર આ મુદ્દાઓ સતત ઉઠાવીને લોકોની જાગૃતિ વધારવાના પ્રયાસ કરી રહ્યા છીએ.”

બ્રિટન અને જર્મનીનો દાખલો આપતાં તેમણે કહ્યું હતું, “ઉત્તર કોરિયા યુરોપના દેશોની વાત સાંભળે છે,” પરંતુ સોલની ભૂમિકા દક્ષિણમાં આવતા શરણાર્થીઓની ઘટતી સંખ્યાને મદદ કરવા અને તેમને પરામર્શ, આવાસ અને શિક્ષણ પ્રદાન કરવા પૂરતી મર્યાદિત કરી દેવામાં આવી છે.

કિમ અને તેમના પરિવારજનોને બચાવી લીધા બાદ તેઓ ઉત્તર કોરિયાના જાસૂસ નથી તેની ખાતરી કરવા દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ તેમને પૂછપરછ કરી હતી. એ પછી તેમને પુનર્વસન કેન્દ્રમાંના જીવન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

બન્ને દેશ ભૌગાલિક રીતે નજીક હોવા છતાં કિમનું જૂનું ઘર અને નવું ઘર એકમેકથી તદ્દન અલગ છે. શરણાર્થીઓએ પરિવર્તન સાથે કામ પાર પાડવા માટે બહુ સંઘર્ષ કરવો પડે છે.

ઑક્ટોબરમાં કિમનો પરિવાર પુનર્વાસ કેન્દ્રમાંથી એક એપાર્ટમેન્ટમાં આવ્યો ત્યારે તેમના પત્નીએ એક બાળકને જન્મ આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે તેમનાં પત્ની મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે, પરંતુ બાળક સ્વસ્થ છે.

કિમના પરિવારમાંથી કોઈએ અગાઉ મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કર્યો ન હતો અને કિમનાં પત્ની ખોવાયેલાં રહે છે. દરેક ભૂલ સાથે તેમનો આત્મવિશ્વાસ ઘટે છે. કિમે કહ્યું હતું, “મારાં પત્નીને અહીં આવવાનો પસ્તાવો થાય છે.”

જોકે, દક્ષિણ કોરિયન સંસ્કૃતિથી પહેલાંથી જ પરિચિત કિમ આસાનીથી નવી પરિસ્થિતિને અપનાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું, “જે દુનિયાની મેં કલ્પના કરી હતી અને જે દુનિયામાં હું હવે શારીરિક રીતે રહું છું એ બહુ સમાન લાગે છે.”

અમે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે મારી બાજુમાં પડેલું મારું એરપોડ કેસ ઉઠાવ્યું હતું અને તેને જોવા લાગ્યા હતા. મેં તેમને વાયરલૅસ હેડફોન કેસની બહાર કાઢીને દેખાડ્યું હતું, છતાં તેઓ ગૂંચવાયેલા દેખાતા હતા. મેં બડ્સ ઉઠાવીને મારા કાનમાં ખોસ્યા નહીં ત્યાં સુધી તેઓ સમજી શક્યા ન હતા અને પછી તેઓ હસી પડ્યા હતા.

આગળ જતાં આવા અનેક આશ્ચર્ય અને પડકારો આવશે. આ તો એમની યાત્રાનો પ્રારંભ માત્ર છે.

(પૂરક માહિતીઃ હોસુ લી અને લીહ્યુન ચોઈ. ચિત્રાંકનઃ લિલી હ્યુન્હ)