‘અમે મરવાની રાહ જોઈ રહ્યા છીએ’, સીલબંધ દેશની અંદર ભૂખમરા-ગરીબીમાં સબડતા લોકોની કહાણી

- લેેખક, જીન મૅકેન્ઝી
- પદ, બીબીસી ન્યૂઝ સંવાદદાતા, દક્ષિણ કોરિયાના સિઓલથી
છેલ્લા ઘણા મહિનાઓથી બીબીસી ઉત્તર કોરિયાના ત્રણ નાગરિકો સાથે ગુપ્ત રીતે સંવાદ કરી રહ્યું છે.
આ રહસ્યમય દેશની સરહદોની અંદર શું ચાલી રહ્યું છે એ પ્રથમ વખત સામે આવી રહ્યું છે.
આ સરહદોને ત્રણ વર્ષ પહેલાં જ બંધ કરી દેવામાં આવી હતી. અહીં ભૂખ, ઘાતકી દમન અને અત્યાચારનો બોલબાલા છે જેમાંથી ભાગી શકાય તેવી કોઇ શક્યતા નથી. તેમની ઓળખ છુપાવવા માટે તેમના નામ બદલવામાં આવ્યા છે.
માયોંગ સુક તેમનાં ફોન પર વ્યસ્ત છે. તેઓ પ્રતિબંધિત દવા વેચે છે.
તેઓ એક અનુભવી ડીલર છે અને ખૂબ ઓછી માત્રામાં જે લોકોને તેની જરૂર છે તેમને આ પ્રતિબંધિત દવા વેચી રહ્યાં છે. તેઓ પહેલાં એકવાર પકડાઇ ચૂક્યાં છે અને જેલથી છૂ઼ટવા માટે લાંચ આપીને બહાર આવ્યાં છે.
તેઓ બીજીવાર પકડાવાનું જોખમ લેવા નથી માગતાં. પરંતુ તેમને ભય છે કે કોઇપણ ક્ષણે તેના દરવાજે પોલીસ દસ્તક દઇ શકે છે. તેમને માત્ર પોલીસનો જ ડર નથી પરંતુ પા઼ડોશીઓનો પણ ડર છે.
'લગભગ કોઈ એવું બચ્યું નથી કે જેના પર હું ભરોસો કરી શકું. પહેલાં આવું ન હતું.'
માયોંગ સુકનો ડ્રગ કારોબાર ખૂબ સારી રીતે ચાલતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ 27 જાન્યુઆરી, 2020 ના રોજ ઉત્તર કોરિયાએ કોવિડ મહામારીને કારણે તેની સરહદોને બંધ કરી દીધી હતી.
જેના કારણે લોકો કે પછી કોઇપણ પ્રકારની વસ્તુઓને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
ઉત્તર કોરિયાના લોકો પર તો પહેલાંથી જ દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પરંતુ હવે તો તેઓ માત્ર તેમનાં શહેરો સુધી જ સીમિત થઇ ગયા છે.
સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અધિકારીઓ દેશ છોડી ચૂક્યા છે. સૈન્યને આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ વ્યક્તિ સરહદની નજીક આવે તેને ગોળી મારી દેવી.
દુનિયાનો સૌથી ગુપ્ત કહેવાતો દેશ હવે ઇન્ફૉર્મેશન બ્લૅક-હોલ બની ગયો છે જ્યાંથી કોઇ જ માહિતી બહાર આવતી નથી.
દેશના શાસક કિમ-જૉંગ-ુઊનના તાનાશાહી શાસન હેઠળ ઉત્તર કોરિયાના નાગરિકો બીજા દેશોના લોકો સાથે વાત કરવાની પણ છૂટ નથી.
NK ઑર્ગેનાઇઝેશન- જે દેશમાં સંપર્કોનું નેટવર્ક મૅનેજ કરે છે તેની મદદથી બીબીસીએ ઉત્તર કોરિયાનાં ત્રણ નાગરિકો સાથે વાત કરી.
સરહદોને બંધ કર્યા પછી તેમના જીવન પર થઇ રહેલી અસરોને વિશ્વ સામે મૂકવા તેઓ જાણે કે આતુર હતા.
તેઓ જાણતા હતા કે જો સરકારને આ વાતની ખબર પડી ગઇ કે તેઓ અમારી સાથે વાત કરી રહ્યા છે તો તેમની સાથે કંઇ પણ થઇ શકે છે.
તેમની સુરક્ષા ખાતર જે માહિતીઓ તેમણે અમારી સાથે શેયર કરી છેે તેમાંની અમુક માહિતીઓ જ અમે અહીં શેયર કરીશું. તેમના અનુભવો ઉત્તર કોરિયાની પરિસ્થિતિનો એક અલગ જ ચિતાર આપે છે.

માયોંગ સુક

માયોંગ સુક કહે છે કે, 'અમારી ખાવા-પીવાની સ્થિતિ પહેલાં આટલી ક્યારેય ખરાબ ન હતી.' ઉત્તર કોરિયામાં પરિવારોના ગુજરાન ચલાવવા માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી મોટાભાગે મહિલાઓ પર જ છે.
પુરુષોને મજૂરીમાંથી મળતી નગણ્ય રકમને કારણે મહિલાઓને પૈસાની વ્યવસ્થા કરવા માટે અલગઅલગ રસ્તાઓ શોધવા પડે છે.
સરહદ બંધ થયા પહેલાં માયોંગને ઍન્ટીબાયોટિક્સ દવાઓ ચીનથી આસાનીથી મળી રહેતી હતી અને તે સ્થાનિક બજારોમાં તેને વેચતાં હતાં.
તેના માટે તેમણે સરહદો પર રહેલા જવાનોને લાંચ આપવી પડતી હતી જેથી પોતાની કમાણીમાંથી તેઓ મોટો ભાગ ગુમાવી દેતાં હતાં. પરંતુ તેમણે સ્વીકારી લીધું હતું કે જીવન ટકાવી રાખવા માટે આ તો કરવું જ પડશે. આ કામને કારણે તેઓ આરામથી જિંદગી જીવી શકતાં હતાં.
આ જવાબદારીને કારણે તેઓ હંમેશાં તનાવમાં રહેતાં હતાં પરંતુ હવે આ તણાવ જાણે કે તેને ખાઇ રહ્યો હતો.
હવે આ વસ્તુઓ વેચવી જાણે કે અશક્ય બની ગયું છે.
એકવાર હતાશામાં તેમણે દવાઓની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પકડાઈ ગયાં અને હવે તેઓ સતત સત્તાવાળાઓની નજરમાં રહે છે.
આ સિવાય તેમણે ઉત્તર કોરિયાની જ દવાઓ વેચવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ આ દિવસોમાં મુશ્કેલ છે, જેનો અર્થ એ છે કે તેમની આવક હવે અડધી રહી ગઈ છે.

ચાન હો

બૉર્ડરની નજીકના એક નાનકડા શહેરમાં ચાન હો એક બિલ્ડર તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે, 'હું એવું ઇચ્છું છું કે દુનિયાને પણ ખબર પડે કે આ દેશમાં મારો જન્મ થયો તેનો મને અફસોસ છે.'
બાંધકામ સાઈટ પર કામ માટે જતા પહેલાં તેઓ પોતાનાં પત્નીને બજારમાં લઈ જવાના છે. પત્નીને મદદ કરવા માટે ચાન ફરીથી વહેલા ઊઠ્યા છે.
તે દિવસના ચાર હજાર વૉન કમાઈ લે છે- જે ચાર અમેરિકી ડૉલરની સમકક્ષ છે. આટલા પૈસાથી એક કિલો ચોખા પણ ખરીદી શકાતા નથી. છેલ્લે તેમને સરકાર તરફથી ક્યારે રાશન મળ્યું તે પણ તેમને યાદ નથી.
તેઓ કહે છે કે ઉત્તર કોરિયાના મોટાભાગના લોકો જ્યાંથી ખરીદી કરે છે તે બજારો ખાલી છે . ચોખા, મકાઈ તથા મસાલાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ઉત્તર કોરિયા મોટેભાગે આયાત પર નિર્ભર છે કારણ કે તે તેની વસ્તીને ખવડાવવા માટે પૂરતું અન્ન ઉત્પન્ન કરતું નથી.
સરહદ સીલ કરીને સરકારે ખાતર, ખેતી માટે જરૂરી મશીનરી, મહત્ત્વપૂર્ણ ખાદ્ય પુરવઠો કાપી નાખ્યો છે.
શરૂઆતમાં ચાન હોને કોવિડથી મૃત્યુનો ડર હતો. પરંતુ સમય જતાં તેને ભૂખે મરવા વિશે વધુ ચિંતા થવા લાગી.
ખાસ કરીને તેમની આસપાસના લોકો મૃત્યુ પામવા લાગ્યા એ પછી તેને વધુ ડર લાગે છે.
તેમના ગામમાં સૌથી પહેલાં જે પરિવારમાં ભૂખમરાથી મૃત્યુ થયાં તેમાં એક માતા અને તેનાં બાળકો મૃત્યુ પામ્યા હતા.
એ મહિલા ખૂબ બીમાર હતાં અને કામ કરવા માટે અસમર્થ હતાં.
તેમનાં બાળકોએ શેરીઓમાં પૈસાની ભીખ માગીને બને ત્યાં સુધી તેમનાં માતાને જીવાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે તેઓ ત્રણેય મૃત્યુ પામ્યાં.
બીજો એક કિસ્સો એવો હતો કે જેમાં એક માતાને ક્વૉરન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે ફરજિયાત મજૂરી કરવાની સજા આપવામાં આવી હતી. તેમનું અને તેમના પુત્રનું પણ ભૂખમરાને કારણે મૃત્યુ થયું છે.
ચાન હોના એક પરિચિતના પુત્રને કુપોષિત હોવાને કારણે સૈન્યમાંથી રજા આપી દેવામાં આવી હતી.
બિલ્ડર કહે છે કે તેમને યાદ છે કે તેમનો ચહેરો અચાનક કેવી રીતે ફૂલી ગયો. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં તેઓ મૃત્યુ પામ્યા.
તેઓ કહે છે કે, ‘જ્યારે હું મારાં બાળકો વિશે વિચારું છું ત્યારે હું ઊંઘી શકતો નથી, કારણ કે તેમણે આ નિરાશાજનક નરકમાં કાયમ જીવવું પડશે."

જી યેઓન

સેંકડો કિલોમિટર દૂર, જે રાજધાની પ્યોંગયાંગની સમૃદ્ધિનો જ ભાગ ગણાય છે તે વિસ્તારમાં જ રહેતાં જી યેઓન કામ પર જવા માટે સબ-વેમાં બેસે છે.
આખી રાત ઊંઘ ન થવાને કારણે તે ખૂબ થાકી ગયાં છે.
તેમને બે બાળકો અને પતિ છે. તેમના પતિ એક ખાદ્યચીજોના વિક્રેતાને ત્યાં કામ કરે છે અને તેમાંથી મળતા પૈસાથી તેમનું ઘર ચાલે છે.
તેઓ પહેલાં તે સ્ટોરમાંથી ફળો અને શાકભાજી લાવીને બજારમાં વેચતાં હતાં. તેમના પતિને લાંચ તરીકે મળતી સિગારેટ્સ પણ તેઓ વેચતાં હતાં.
એ પૈસાથી તે ચોખા ખરીદે છે. હવે જ્યારે તે સ્ટોરમાંથી બહાર નીકળે છે ત્યારે તેમની બૅગ કાળજીપૂર્વક તપાસવામાં આવે છે, અને હવે કોઈ તેમના પતિને લાંચ પણ આપતું નથી કારણ કે કોઈની પાસે કંઈ બચ્યું નથી.
તે કહે છે કે,‘તેઓએ વધારાની આવક મળે તે અશક્ય બનાવી દીધું છે".
હવે, જી યેઓન એવો ઢોંગ કરીને દિવસ વિતાવે છે કે તેમણે ત્રણ વખત ખાધું છે, જ્યારે હકીકતમાં તેઓ એકવાર જ ખાય છે. તેઓ ભૂખ્યાં રહી શકે છે. એ વધુ સારું છે કે લોકો એ વાત જાણે કે તેઓ ગરીબ છે.
તે હજુ એ અઠવાડિયું યાદ કરે છે જેમાં તેને પુલજુક ખાવું પડ્યું હતું. પુલજુક એ શાકભાજી, ઘાસ અને અને અન્ય છોડનું મિશ્રણ છે. જેમાં એ બધી વસ્તુઓને છૂંદીને તેની ગ્રેવી બનાવવામાં આવે છે.
આ ભોજન ઉત્તર કોરિયાના ટૂંકા ઈતિહાસની સૌથી અંધકારમય ક્ષણોમાંની એકનો પર્યાય છે. એ 1990ના દાયકામાં દેશને બરબાદ કરનાર દુકાળની યાદ અપાવે છે જેમાં 30 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.
જી યેઓન કહે છે, "આગામી 10 દિવસ વિશે વિચારીને અને ત્યારબાદ એ પછીના 10 દિવસનો વિચાર કરીને અમે જીવિત રહીએ છીએ. ઓછામાં ઓછું અમે અમારાં બાળકોને તો ખવડાવી શકીએ, ભલે હું અને મારા પતિ મરી જઈએ."
‘આ એક આપત્તિ છે. કોઇ પુરવઠા વગર લોકો કઇ રીતે જીવન ચલાવી શકે?’
તેઓ કહે છે કે તેમણે તાજેતરમાં સાંભળ્યું છે કે લોકો ઘરે આત્મહત્યા કરે છે, અને અન્ય લોકો મૃત્યુ માટે પર્વતોમાં ગાયબ થઈ જાય છે. ‘હું આ નિર્દય માનસિકતાની નિંદા કરું છું.’
"આ એવી પરિસ્થિતિ છે કે જેમાં લોકો પોતાનું જ વિચારી રહ્યા છે અને તેમની બાજુમાં રહેતી વ્યક્તિ મરી જાય છે તેનાથી કોઈ ફર્ક પડતો નથી. આ હૃદયદ્રાવક છે."

90 ના દાયકાનો દુકાળ

ઇમેજ સ્રોત, NK NEWS
છેલ્લા ઘણાં મહિનાઓથી લોકો ભૂખે મરતા હોવાની અફવાઓ ફેલાઇ રહી છે, જે ભય પેદા કરી રહી છે કે ઉત્તર કોરિયા નવા દુકાળની અણી પર હોવાની સંભાવના છે.
ઉત્તર કોરિયા વિષયોનાં નિષ્ણાત અને અર્થશાસ્ત્રી પીટર વાર્ટ આ સંજોગોને "ખૂબ ચિંતાજનક" તરીકે વર્ણવે છે.
તેઓ કહે છે કે, "જ્યારે તમારી આસપાસ લોકો ભૂખથી મરી રહ્યા હોય, ત્યારે તેનો અર્થ એ છે કે ભૂખમરાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે, આપણે વિચારી શકીએ તેના કરતાં પણ વધુ ગંભીર અને 90 ના દાયકાના દુષ્કાળ પછી જે પરિસ્થિતિ હતી તેના કરતાં પણ વધુ ખરાબ છે" .
આ દુષ્કાળ ઉત્તર કોરિયાના ટૂંકા ઇતિહાસમાં ટર્નિંગ પોઇન્ટ મનાય છે જે દેશની કઠોર સામાજિક વ્યવસ્થામાં ભંગાણ સર્જવામાં નિમિત્ત બન્યો.
રાજ્ય તેના લોકોને ખવડાવવામાં અસમર્થ હતું એટલે તેમને ટકી રહેવા માટે તેણે થોડી સ્વતંત્રતા આપી.
હજારો લોકોએ દેશ છોડીને દક્ષિણ કોરિયા, યુરોપ અથવા યુએસમાં આશ્રય મેળવ્યો.
તે દરમિયાન ખાનગી બજારો ખીલી ઊઠ્યાં કારણ કે મહિલાઓએ સોયાબીનથી માંડીને વપરાયેલા કપડાં અને ચાઈનીઝ ઈલેક્ટ્રૉનિક્સ સામાન વેચવાનું પણ શરૂ કર્યું.
ઉત્તર કોરિયાની એક આખી પેઢી કે જે સરકારની થોડી-ઘણી મદદ સાથે જીવતા શીખી.
એક શેડો ઇકોનૉમીનો જન્મ થયો. મૂડીવાદીઓ દમનકારી સામ્યવાદી દેશમાં ટકી રહ્યા છે તેવું ફલિત થયું.
દિવસના અંતે બજારો ખાલી થવા લાગે છે, મ્યોંગ સુક તેના નાજુક નફાની ગણતરી કરે છે અને ચિંતા કરે છે કે સત્તાવાળાઓ તેની અને આ આખી મૂડીવાદી પેઢીની પાછળ પડશે.
તેઓ માને છે કે રોગચાળાએ સત્તાવાળાઓને લોકોના જીવન પર ફરીથી નિયંત્રણ મેળવવાનું એક બહાનું આપ્યું છે.
તે કહે છે કે, "તેઓએ ખરેખર તો લોકોને ભાગી જતા અટકાવવાનો પ્રયાસ કર્યો છે"
"હવે, જો તે માત્ર ચીનની સરહદની નજીક જશે તો પણ, તેઓ તેમના પર ક્રૂર સજા લાદશે."
બિલ્ડર ચાન હો પણ તેની છેલ્લી લિમિટ સુધી પહોંચવાની નજીક છે. તેઓ કહે છે કે આ સૌથી મુશ્કેલ સમયગાળો છે જેમાં તેને જીવવું પડ્યું છે. કારણ કે દુકાળ મુશ્કેલ હોવા છતાં, ત્યારે કોઈ દમન અને સજા ન હતી.
"ત્યારે લોકો ભાગી જવા માગતા હોય, તો પણ તેઓ કંઈ કરી શકે તેમ ન હતા અને હવે તમે એક ખોટું પગલું ભરો અને તેઓ તમને ફાંસી આપવા તૈયાર બેઠા છે."
મારા પુત્રના મિત્રએ તાજેતરમાં રાજ્યના એજન્ટો દ્વારા આપવામાં આવતી અનેક ફાંસી જોઈ છે.
એ દરેક કિસ્સામાં ત્રણથી ચાર લોકો મૃત્યુ પામ્યાં હતાં. તેમનો ગુનો ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો એ હતો.
ચાન હોએ કહ્યું કે,"જો હું નિયમો અનુસાર જીવીશ, તો હું ચોક્કસ ભૂખે મરીશ, પરંતુ ટકી રહેવાના પ્રયાસ કરવા બદલ મારી ધરપકડ કરવામાં આવી શકે છે, મને દેશદ્રોહી ગણી શકે અને મારી પણ નાખવામાં આવે."
"અમે અહીં અટવાઈ ગયા છીએ અને મરવાની રાહ જોઈ રહ્યા છીએ."
2020 માં સરહદ બંધ થયા પહેલાં દર વર્ષે 1,000 થી વધુ ઉત્તર કોરિયાના શરણાર્થીઓ દક્ષિણ કોરિયામાં આવતા હતા. પરંતુ ત્યાર પછી જૂજ લોકો જ દક્ષિણ કોરિયામાં સુરક્ષિત રીતે પહોંચી શક્યા છે.
એનજીઓ હ્યુમન રાઇટ્સ વૉચ દ્વારા વિશ્લેષિત કરાયેલ સૅટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે સત્તાવાળાઓએ સરહદને કિલ્લેબંધ કરવા માટે છેલ્લાં ત્રણ વર્ષમાં ઘણી દીવાલો, વાડ અને રક્ષક ચોકીઓ બનાવવામાં ખર્ચ કર્યો છે. જેથી ભાગી છૂટવું લગભગ અશક્ય બન્યું છે.
દેશની અંદર પણ કોઈ વ્યક્તિનો સંપર્ક કરવો મુશ્કેલ બની રહ્યું છે.
અગાઉ, સરહદની નજીકના રહેવાસીઓ દાણચોરીવાળા ચાઇનીઝ ફોનથી ચાઇનીઝ મોબાઇલ નેટવર્ક્સ સાથે કનેક્ટ કરીને આંતરરાષ્ટ્રીય કૉલ્સ કરી શકતા હતા.
ચાન હો કહે છે કે હવે તમામ મીટિંગમાં ચાઇનીઝ ફોન ધરાવતી કોઈપણ વ્યક્તિને ફોન બંધ કરીને આવવા માટે કહેવાય છે.
મ્યોંગ સુકનો એક પરિચીત ચીનમાં કોઈની સાથે વાત કરતી વખતે પકડાઈ ગયો હતો અને તેને ઘણાં વર્ષો સુધી રી-એજ્યુકેશન કેમ્પમાં જવું પડ્યું હતું.
એક એનજીઓ નૉર્થ કોરિયન ડેટાબેઝ સેન્ટર ફૉર હ્યુમન રાઇટ્સ (NKDB) ના હેન્ના સોંગ કહે છે કે દાણચોરી અને બહારની દુનિયા સાથે લોકોના જોડાણો પર કડક કાર્યવાહી કરીને રાજ્ય નાગરિકોની ખુદની જ સંભાળ રાખવાની ક્ષમતાને પણ છીનવી રહ્યું છે.
નિષ્ણાંતો કહે છે, "એવા સમયે જ્યારે ખોરાક પહેલેથી જ મળી રહ્યો નથી ત્યારે સરકારને એ વાતનો અંદાજો હોવો જોઇએ કે આનાથી કેટલું નુકસાન થઈ શકે છે."

કોરોનાનું આગમન

ઇમેજ સ્રોત, NK NEWS
આ પ્રકારનાં કડક નિયંત્રણો હોવા છતાં પણ ઉત્તર કોરિયા પોતાને કોરોના વાઇરસથી બચાવી શક્યું ન હતું.
12 મે, 2022 ના રોજ રોગચાળાની શરૂઆતનાં બે વર્ષથી વધુ સમય પછી ઉત્તર કોરિયાએ દેશમાં કોરોના વાઇરસના પ્રથમ સત્તાવાર કેસની પુષ્ટિ કરી.
લોકોની તપાસ કરવાની કોઈ રીત ન હોવાથી, તાવવાળા લોકોએ 10 દિવસ સુધી ઘરે રહેવું પડ્યું.
દર્દીઓ અને તેમના પરિવારજનોને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી. જેમ જેમ વાયરસ ફેલાતો ગયો તેમતેમ આખા શહેરો બંધ થઈ ગયા હતા.
કેટલીકવાર બે અઠવાડિયા સુધી સતત આવી પરિસ્થિતિ રહી હતી.
પ્યોંગયાંગમાં, જી યોને જોયું હતું કે તેના કેટલાક પડોશીઓ કે જેમની પાસે લોકડાઉનમાં ટકી રહેવા માટે પૂરતો ખોરાક ન હતો તેમના દરવાજા પર દર બીજા દિવસે શાકભાજી પહોંચાડવામાં આવતા હતા. પરંતુ સરહદ નજીકનાં વિસ્તારોમાં આવી કોઈ મદદ મળી ન હતી.
જી યોનના જણાવ્યા અનુસાર ઘણા વૃદ્ધ લોકો અને બાળકો કોવિડ -19 થી મૃત્યુ પામ્યા હતા.
આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે જે દેશમાં યુનાઈટેડ નેશન્સનાં અંદાજ પ્રમાણે 40 ટકા વસ્તી કુપોષિત છે તે દેશમાં તો બાળકો આસાનીથી બીમાર પડશે જ.
શહેરના એક ડૉકટરે જી યેઓને કહ્યું કે આ કટોકટી દરમિયાન પ્યોંગયાંગના દરેક નજીકના વિસ્તારોમાં દર 550માંથી એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો.
જો આખા દેશના આંકડાઓ સાથે તેને જોડવામાં આવે તો 45,000 મૃત્યુ થયા હશે તેવું ફલિત થાય છે. જે સત્તાવાર મૃત્યુઆંક 74 કરતાં સેંકડો ગણો વધુ છે.
પરંતુ બાકીના લોકોને મૃત્યુનું અલગ કારણ આપવામાં આવ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમનું મૃત્યુ કાં તો ટ્યુબરક્યુલોસિસ અથવા તો સિરોસિસને કારણે થયું છે.
ઑગસ્ટ 2022 માં આ કેસોમાં વધારો થયાના ત્રણ મહિના પછી જ સરકારે વાયરસ પર વિજય જાહેર કર્યો અને એવી દલીલ કરી કે તે દેશમાંથી નાબૂદ થઈ ગયો છે.
જે રીતે કિમ-જૉંગ-ઊને આટલી કડક રીતે સરહદો સીલ કરી, તેના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આંચકો લાગ્યો છે.
પરમાણુ શસ્ત્રો વિકસાવવામાં તેના રસને જોતાં ઉત્તર કોરિયા વિશ્વના સૌથી વધુ પ્રતિબંધિત દેશોમાંનો એક છે. વિદેશમાં સંસાધનો વેચવા અને તેને કાર્ય કરવા માટે જરૂરી બળતણની આયાત કરવા પર પણ પ્રતિબંધ છે.
ઘણાને આશ્ચર્ય થાય છે કે આર્થિક રીતે બરબાદ થયેલો આ દેશ જાણીજોઈને પોતાને આટલું દર્દ કેમ આપી રહ્યો છે.
પીટરે કહ્યું કે, "મને લાગે છે કે નેતાઓએ નક્કી કર્યું કે કોવિડ -19 ઘણા લોકોને મારી શકે છે. એ નકામા લોકો કે જે મરવા માગતા ન હતા તે આનાથી મરી જશે".
તે માનવું વાજબી હતું કે ઘણા લોકો મૃત્યુ પામશે. કારણ કે ઉત્તર કોરિયા વિશ્વની સૌથી ખરાબ આરોગ્યસંભાળ પ્રણાલીઓમાંની એક છે અને તે વળી કુપોષિત અને રસીકરણ વિનાની ખૂબ વસ્તી ધરાવે છે.
પરંતુ NKDB ના હેન્ના સૉંગ અનુસાર, કોવિડે કિમ જોંગ -ઉનને લોકોના જીવન પર ફરીથી નિયંત્રણ મેળવવાની સંપૂર્ણ તક પૂરી પાડી હતી.
"આ તે જ થયું છે જે તે લાંબા સમયથી ગુપ્ત રીતે કરવા માંગતો હતો. તેની પ્રાથમિકતા હંમેશા લોકોને શક્ય તેટલું દુનિયાથી દૂર રાખવા અને નિયંત્રિત કરવાની જ રહી છે."

અન્ય પરિબળો
તેનું રાત્રિભોજન તૈયાર કર્યા પછી અને ખાધા પછી, જિન યેઓન બીજી વાનગીઓ બનાવે છે અને ભીના કપડાંથી તેનું ઘર સાફ કરે છે. તે સારી ઊંઘની આશામાં વહેલી સૂઈ જાય છે.
તેને કદાચ ચાન હો કરતાં સારી ઊંઘ મળશે, જેને કામને કારણે વ્યસ્ત હોવાને કારણે બાંધકામ સાઇટ પર આખી રાત વિતાવવી પડી છે.
પરંતુ સરખામણીમાં શાંત એવા તેના નાનકડા સરહદી શહેરમાં મ્યોંગ સુક આરામની પળો માણી રહી હોય છે. તેના પરિવાર સાથે તે ટીવી જોઇ રહી છે.
ખાસ કરીને તેને સાઉથ કોરિયન ટીવી ડ્રામા ગમે છે. જો કે તેના પર પ્રતિબંધ છે. ગુપ્ત રીતે વેચાતા માઈક્રો-એસડી કાર્ડ પર આ કાર્યક્રમો સરહદ પારથી સ્મગલ કરવામાં આવે છે.
તેમનું કહેવું છે કે જ્યારથી સરહદ બંધ કરવામાં આવી છે, ત્યારથી કોઈ નવા કાર્યક્રમો આવ્યા નથી. ઉપરાંત, દમન એટલું છે કે લોકો પણ વધુ સાવચેતી રાખી રહ્યા છે.
તે ડિસેમ્બર 2020માં પસાર થયેલા રિએક્શનરી આઈડિયાલૉજી એન્ડ કલ્ચર રિજેક્શન એક્ટનો ઉલ્લેખ કરે છે. આ કાયદા હેઠળ, જેઓ દેશમાં વિદેશી વીડિયો લાવશે અને તેનું વિતરણ કરશે તેમને ફાંસીની સજા થઈ શકે છે.
ચાન હો તેને "સૌથી ભયાનક કાયદો" કહે છે. માત્ર વીડિયો જોવા પર જ 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ડેઈલી એનકે સંસ્થા દ્વારા વિશ્લેષિત કરવામાં આવેલ કાયદાની નકલ અનુસાર કાયદાનો ઉદ્દેશ્ય "એક સડેલી વિચારધારા જે આપણા સમાજને ભ્રમિત કરે છે તેને ફેલાવતા અટકાવવાનો છે . "
એવું માનવામાં આવે છે કે કિમ-જોંગ-ઉનને સૌથી વધુ જેનો ડર છે તે એ છે કે તેના દેશના લોકો તેમની સરહદોની બહાર અસ્તિત્વમાં જે વિશ્વ છે તેવા મુક્ત અને સમૃદ્ધ વિશ્વ વિશે શીખશે, અને તેઓ તેનાથી તેમને વેચવામાં આવતા જૂઠાણાં પ્રત્યે જાગૃત થશે.
ચાન હો કહે છે કે જ્યારથી કાયદો પસાર થયો છે ત્યારથી વિદેશી વીડિયો ગાયબ થઈ ગયા છે. માત્ર યુવા પેઢી જ તેમને જોવાની હિંમત કરે છે. જેના કારણે તેમના માતા-પિતાને ભારે ચિંતા થાય છે.
જી યેઓન પ્યોંગયાંગમાં તાજેતરના જાહેર ટ્રાયલને યાદ કરે છે. જ્યારે દક્ષિણ કોરિયન ગીતો અને મૂવીઝ શેર કરી રહેલા 22 વર્ષીય યુવકની સજા નક્કી કરવા માટે સ્થાનિક નેતાઓ એકઠાં થયા હતાં.
તેને બળજબરીથી મજૂરી શિબિરમાં 10 વર્ષ અને ત્રણ મહિના માટે ધકેલી દેવામાં આવ્યો હતો.
"લોકો એ જોઈને આઘાતમાં હતા કે એ કેટલી સજા વધુ આકરી હતી. તેઓ જે રીતે યુવાનોને નિશાન બનાવી રહ્યા છે તે ખૂબ જ ડરામણું છે."
ર્યુ હ્યુન વૂ, ભૂતપૂર્વ રાજદ્વારી કે જેમણે 2019 માં સરકાર છોડી દીધી હતી તેઓ કહે છે કે આ કાયદો એવા યુવાનોની વફાદારીની ખાતરી કરવા માટે રજૂ કરવામાં આવ્યો હતો જેઓ તેમના માતાપિતાથી અલગ વલણ અને વિચારો સાથે મોટા થયા છે.
તેમણે કહ્યું કે, "અમે દેશ તરફથી ભેટ-સોગાદો મેળવીને મોટા થયા છીએ, પરંતુ કિમ જોંગ-ઉન હેઠળ સરકારે તેના લોકોને કંઈ આપ્યું નથી. યુવાનો હવે પ્રશ્ન કરી રહ્યા છે કે તેમના દેશે તેમના માટે શું કર્યું છે".

વિશ્વાસનું ધોવાણ

કાયદાનો અમલ કરવા માટે સરકારે એવા જૂથો બનાવ્યા છે જેઓ ફરતા હોય છે અને "નિર્દયતાથી" અને તેઓ સમાજવિરોધી ગણાતા હોય તેના પર કડક કાર્યવાહી કરે છે.
"લોકો કોઇ પર વિશ્વાસ કરતા નથી. સર્વત્ર ભય છે."
નવા કાયદા હેઠળ જી યેઓનની પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ પછી તે ક્યારેય અન્ય લોકોને જણાવતી નથી કે તે ખરેખર શું વિચારે છે. તે હવે લોકોથી વધુ ડરે છે.
વિશ્વાસનું આ ધોવાણથી પ્રોફેસર આન્દ્રે લેન્કોવને ચિંતા થાય છે. તેમણે 40 વર્ષથી ઉત્તર કોરિયાનો અભ્યાસ કર્યો છે.
"જો લોકો જ એકબીજા પર વિશ્વાસ કરતા નથી, તો પ્રતિકાર કરવાનો કોઈ અર્થ નથી."
જાન્યુઆરી 2023 માં, સરકારે બીજો કાયદો પસાર કર્યો જે લોકોને દક્ષિણ કોરિયન બોલી સાથે સંકળાયેલા શબ્દોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકે છે.
આ કાયદાનું ઉલ્લંઘન કરવાથી કઠોરમાં કઠોર સજા થઇ શકે છે.
જી યેઓન કહે છે કે અત્યારે ઘણા બધા કાયદાઓ છે. લોકોને તે જણાવ્યા વિના પણ લઈ જવામાં આવે છે કે તેઓએ કથિત રૂપે કયા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
જ્યારે પૂછપરછ કરવામાં આવે ત્યારે ફરિયાદીઓ ફક્ત એવો જવાબ આપે છે, "તમે જે કાયદો તોડ્યો છે તે તમારે જાણવું જરૂરી નથી."
ઉત્તર કોરિયાના શરણાર્થીઓને મદદ કરતી ઉત્તર કોરિયાની સંસ્થા સોકીલ પાર્ક ઑફ ફ્રીડમ કહે છે, "આ ત્રણ ઉત્તર કોરિયાના નાગરિકોએ જે વાતો રજૂ કરી છે તે આ વિચારને સમર્થન આપે છે કે ઉત્તર કોરિયા અત્યાર સુધીનો સૌથી વધુ દમનકારી દેશ છે."
તાજેતરમાં જ, એવા સંકેતો મળ્યા છે કે સત્તાવાળાઓ સરહદને ફરીથી ખોલવાની તૈયારી કરી શકે છે.
મ્યોંગ સુક અને ચાન હો - જેઓ સરહદ પર રહે છે - કહે છે કે આમાંની મોટાભાગની વસ્તીને પહેલેથી જ કોવિડ -19 સામે રસી આપવામાં આવી છે
વધુમાં, કસ્ટમ્સ વિભાગની માહિતી દર્શાવે છે કે દેશ ફરી એકવાર ચીનમાંથી કેટલાક અનાજ અને લોટની આયાતને મંજૂરી આપી રહ્યો છે. સંભવતઃ આ અછતને હળવી કરવા અને ખૂબ ભયજનક દુષ્કાળને ટાળવાના પ્રયાસ થઇ રહ્યા છે.
મોનિટરિંગ પ્લેટફોર્મ એનકે પ્રો ચલાવનાર ચાડ ઓ'કેરોલ કહે છે,
‘પરંતુ જ્યારે ઉત્તર કોરિયા આખરે ફરીથી સરહદ ખોલવાનું નક્કી કરે છે, ત્યારે સ્વતંત્રતાઓ પાછી ફરવાની અપેક્ષા રાખવી ન જોઇએ.’
"આ નિયંત્રણ પ્રણાલીઓ કે જે રોગચાળા સાથે ઉભરી આવી છે તે નવો રુટ લેવાની સંભાવના છે. આનાથી આપણા માટે આ દેશને સમજવો વધુ મુશ્કેલ બનશે. દુર્ભાગ્યે ઉત્તર કોરિયાના લોકો માટે જે કહેવામાં આવે છે તેનાથી આગળ નવું શું ચાલી રહ્યું છે તે સમજવું પણ વધુ મુશ્કેલ બનશે."
જો કે, એવા નાના સંકેતો છે કે સત્તા છેલ્લા ત્રણ વર્ષમાં તેના લોકો પર આવેલી મુશ્કેલીઓમાંથી છટકી શકશે નહીં.
ચાન હો કહે છે કે કામના અઠવાડિયા દરમિયાન, લોકો સિસ્ટમ બદલવાની ઇચ્છા વિશે વધુ વિચારતા નથી. તેઓ દિવસમાં એક ભોજન શોધવા પર એટલા કેન્દ્રિત છે કે તેઓ તેમના ટેબલ પર ખોરાક મેળવીને જ ખુશ છે.
પરંતુ જ્યારે રજાઓ આવે છે ત્યારે તેમની પાસે કંઇક વિચારવાનો સમય હોય છે.
તેઓએ સાપ્તાહિક સમીક્ષા સત્રોમાં હાજરી આપવી આવશ્યક છે, જે દરેક નાગરિક માટે ફરજિયાત છે. તેમાં તેઓ તેમની ભૂલો અને નિષ્ફળતાઓ સ્વીકારે છે અને તેમના પડોશીઓની નિષ્ફળતાની જાણ કરે છે.
આ સત્રો લોકોની સારી વર્તણૂકને પ્રોત્સાહન આપવા અને અસંમતિને શોધવા માટે રચાયેલ છે.
પરંતુ ચાન હો કહે છે કે લોકોએ ટીવી પરના પ્રચાર પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે.
"રાજ્ય અમને કહે છે કે અમે અમારી માતૃભૂમિની બાહોમાં સુરક્ષિત છીએ. પરંતુ કઇ માતા તેના પુત્રોને ભૂખે મરતા હોવાને કારણે ચીન ભાગી જવાની ઇચ્છા માટે ફાંસી આપશે?" તે આશ્ચર્ય કરે છે.
મ્યોંગ સુક કહે છે, "કોવિડ પહેલાં, લોકો કિમ જોંગ-ઉનને સકારાત્મક પ્રકાશમાં જોતા હતા," પરંતુ હવે, લગભગ દરેક જણ અસંતોષથી ભરેલા છે.’
જી યોન એ વાત યાદ કરે છે જ્યારે કિમ જોંગ-ઉન 2018 માં તત્કાલિન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના પરમાણુ શસ્ત્રો સોંપવાની વાટાઘાટો કરવા માટે મળ્યા હતા.
તેને યાદ છે કે તે કદાચ અન્ય દેશોની મુસાફરી કરી શકે તે વિચારીને આનંદિત થઇ ગયો,
પરંતુ વાટાઘાટો નિષ્ફળ ગઈ, અને ત્યારથી, કિમે તેના પરમાણુ શસ્ત્રાગારમાં જો ઓછા સંસાધનો છે તે પણ ખર્ચવાનું ચાલુ રાખ્યું, આંતરરાષ્ટ્રીય સમુદાયની મુત્સદ્દીગીરીની તમામ ઓફરોને નકારી કાઢી.
2022 માં તેણે રેકોર્ડ સંખ્યામાં બેલિસ્ટિક પરીક્ષણો કર્યા.
જી કહે છે. "તેઓએ અમને છેતર્યા. આ સરહદ બંધ થવાથી અમને 20 વર્ષ પાછળ લઈ ગયા છે . આ દગો છે."
"લોકો ક્યારેય શસ્ત્રોનો આવો વિકાસ ઇચ્છતા ન હતા, જે પેઢી દર પેઢી માત્ર મુશ્કેલીઓ જ લાવે છે," તે કહે છે.
ચાન હો આંતરરાષ્ટ્રીય સમુદાયને દોષી ઠેરવે છે.
"યુએસ અને યુનાઇટેડ નેશન્સ પાસે મને તર્કોની કમી લાગે છે." તે કહે છે કે તેઓ હજુ પણ કિમ જોંગ-ઉન સાથે વાટાઘાટોની ઓફર શા માટે કરી રહ્યા છે? જ્યારે તે એટલું સ્પષ્ટ છે કે તે તેના શસ્ત્રો કોઇને સોંપવા માંગતા નથી.
મ્યોંગ સુક સંમત છે. "જો યુદ્ધ થયું હોત, તો લોકો સરકાર તરફ પીઠ ફેરવીને ઊભા રહેશે, સાથે નહીં.," તે કહે છે કે આ વાસ્તવિકતા છે".
પરંતુ જી યોન કંઈક બીજું ઈચ્છે છે. તે એવા સમાજમાં રહેવા માંગે છે જ્યાં લોકો ભૂખ્યા ન રહે , જ્યાં તેના પડોશીઓ જીવંત હોય અને જ્યાં તેઓએ એકબીજાની જાસૂસી ન કરવાની હોય. અને તે દિવસમાં ત્રણ વખત ખાવા માંગે છે.
છેલ્લી વાર જ્યારે અમે તેની સાથે વાત કરી ત્યારે તેની પાસે તેના પુત્રને ખવડાવવા માટે પૂરતું ખાવાનું નહોતું.
અમને જે માહિતી મળી તેની અમે ઉત્તર કોરિયાની સરકારને જાણ કરી છે.
લંડનમાં તેના દૂતાવાસના પ્રતિનિધિએ કહ્યું: "તેમણે એકત્રિત કરેલી માહિતી સંપૂર્ણપણે તથ્યો દ્વારા સમર્થિત નથી, કારણ કે તે DPRK વિરોધી દળોની જુબાની પર આધારિત છે. DPRKએ હંમેશા લોકોના હિતોને પ્રાધાન્ય આપ્યું છે. મુશ્કેલ સમયમાં પણ તેના લોકોના ભલા માટે DPRK અતૂટ પ્રતિબદ્ધતા ધરાવે છે."
" મુશ્કેલીઓ અને પડકારો વચ્ચે પણ લોકોની સુખાકારી એ અમારી પ્રાથમિકતા છે ."














