પાકિસ્તાને કરેલું 'ફતહ-2'નું સફળ પરીક્ષણ ભારત માટે ચિંતાજનક છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉમર ફારુક અને નિયાઝ ફારુકી
- પદ, બીબીસી ઉર્દૂ
27 ડિસેમ્બર, 2023ના રોજ પાકિસ્તાને એકસાથે અનેક મિસાઇલ છોડી શકે તેવી ક્ષમતાના ‘ફતહ-2’ રૉકેટનું સફળ પરીક્ષણ કર્યું છે.
પાકિસ્તાનની સેનાના જનસંપર્ક વિભાગ ‘આઈએસપીઆર’ અનુસાર, 400 કિલોમીટરના અંતર સુધી સટીક નિશાન તાકવાની તેનામાં ક્ષમતા છે.
અગાઉ 24 ઑગસ્ટ, 2021ના રોજ સ્થાનિક બનાવટના જ ફતહ-1 રૉકેટ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
‘ફતહ-2’ મિસાઇલની ખાસ વાત શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
આઇએસપીઆર અનુસાર, 'ફતહ-2' મિસાઇલ સિસ્ટમ અદ્યતન ઉડાન ક્ષમતાઓ અને આધુનિક ટાર્ગેટ ઍન્ગેજમેન્ટ ટેક્નોલૉજીથી સજ્જ છે.
'ફતહ-2' એ અર્થમાં એક અલગ મિસાઇલ છે કે તેની પાસે ચોક્કસતાથી એટલે કે વધુ સારી રીતે લક્ષ્યને મારવાની ટેક્નોલૉજી છે. આ સેટેલાઇટ સાથે જોડાયેલી મિસાઇલની હવામાં ઊડવાની ક્ષમતાએ પણ તેને વધુ અસરકારક બનાવી છે.
આઇએસપીઆરનો દાવો છે કે તેના કારણે આ મિસાઇલ છોડ્યા બાદ તેના લક્ષ્યને ચૂકી નથી શકતી અને તે લક્ષ્યને સચોટ રીતે મારવાની ક્ષમતા ધરાવે છે.
લશ્કરી શસ્ત્રોના કેટલાક નિષ્ણાતો 'ફતહ-2'ને 'ફ્લૅટ ટ્રેજેક્ટરી વ્હીકલ' તરીકે વર્ણવે છે, જેનો અર્થ છે કે તે રડાર પર જોઈ શકાતું નથી.
સંરક્ષણ બાબતોના નિષ્ણાત બ્રિગેડિયર (નિવૃત્ત) સાદ મોહમ્મદે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, 'ફતહ-2' એક ફ્લૅટ ટ્રેજેક્ટરી વ્હીકલ છે, જેને રડાર પર પકડવી અને નષ્ટ કરવી એ વધુ મુશ્કેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, “બૅલેસ્ટિક મિસાઇલોનો પોતાનો રસ્તો હોય છે. તે હવામાં પ્રવેશ કરે છે અને ત્યાંથી ફરીથી જમીન પર પાછી આવે છે. આ સમયગાળા દરમિયાન દુશ્મનના રડાર તેને શોધી કાઢે છે અને જવાબી કાર્યવાહી કરે છે. જોકે તેની ટ્રેજેક્ટરી અલગ હોય છે."
ભારતની મિસાઇલ ડીફેન્સ સિસ્ટમ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેટલાક વિશેષજ્ઞો ‘ફતહ-2’ના સફળ પરીક્ષણ પછી તેને ભારતના મિસાઇલ ડીફેન્સ સિસ્ટમની સામે એક પ્રભાવશાળી હથિયાર ગણાવે છે.
ભારત પણ છેલ્લા ઘણા સમયથી તેની મિસાઇલ સિસ્ટમને વધુ સારી બનાવી રહ્યું છે.
લાંબા અંતરની S-400 ટ્રાયમ્ફ ઉપરાંત, ભારતે તેની સંરક્ષણ પ્રણાલીમાં ભારતમાં જ બનાવેલી ટૂંકા અંતરની ‘સમર’ અને ડીઆરડીઓ દ્વારા નિર્મિત વીશોરાડ્સ મિસાઇલનો પણ સમાવેશ કર્યો છે જે ખૂબ જ ટૂંકા અંતરનાં લક્ષ્યોને મારવાની ક્ષમતા ધરાવે છે.
આ મિસાઇલો દરિયાઈ મોરચે આવતાં જોખમોનો સામનો કરવા માટે પણ ઉપયોગી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, ભારત 'એલ આર સામ' નામથી ડીફેન્સ મિસાઈલ સિસ્ટમ પણ તૈયાર કરી રહ્યું છે. આ સિસ્ટમ રશિયાની S-400 ટ્રાયમ્ફ ડીફેન્સ સિસ્ટમ જેવી જ છે.
આ સિસ્ટમ લાંબા અંતર સુધી દેખરેખ રાખી શકાશે અને 150, 250 અને 350 કિલોમીટરના અંતરે મિસાઇલોને શોધવા અને અટકાવવાની ક્ષમતા પણ મળશે.
ભારત પોતાની ડીફેન્સ સિસ્ટમમાં મિસાઇલ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને પોતાની સેના, પરમાણુ પ્લાન્ટ અને મોટાં શહેરોની સુરક્ષા કરવાની જ મુખ્ય રણનીતિ પર કામ કરી રહ્યું છે.
ભારત લાંબા સમયથી ઇઝરાયલ પાસેથી 'આયર્ન ડૉમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ' હસ્તગત કરવામાં રસ ધરાવે છે. જુલાઈ 2013માં, ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલે અહેવાલ આપ્યો હતો કે ઇઝરાયલ આયર્ન ડોમ ખરીદવામાં ભારતના રસ અંગે ચર્ચા કરવા તૈયાર છે, કારણ કે ઇઝરાયલ ભારતને તે સિસ્ટમ અને અન્ય ટેક્નોલૉજી આપવા માટે સહમત છે.
ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને સંરક્ષણ વિશ્લેષક એચએસ પનાગ કહે છે કે દરેક દેશ આયર્ન ડૉમ ઇચ્છે છે પણ તેનો ઘણો ખરો આધાર પૈસા અને ટેક્નોલૉજી પર નિર્ભર છે.
તેઓ કહે છે કે એક વાર તમારી પાસે પૈસા અને ટેક્નોલૉજી હશે તો તમે તેને જાતે જ બનાવી શકશો.
તેમનું કહેવું છે કે રેકૉર્ડ દર્શાવે છે કે ભારતમાં (ડીફેન્સ સંબંધિત) ટેક્નોલૉજીનો અભાવ છે પણ દરરોજ અખબારોમાં ઘણી વાર્તાઓ પ્રકાશિત થાય છે જેમાં દાવો કરવામાં આવે છે કે આપણે આ બનાવી લીધું, આપણે તે બનાવી લીધું. પરંતુ જમીન પર સત્ય કંઈક અલગ જ છે.
સંરક્ષણ ક્ષેત્રના વિશેષજ્ઞ રાહુલ ભોંસલે અનુસાર, ભારતની રાજધાની દિલ્હી કે આર્થિક રાજધાની મુંબઈ જેવાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોની સુરક્ષા માટે આ પ્રકારની પ્રણાલીની જરૂર હોઈ શકે છે.
તેઓ કહે છે, "પરંતુ આપણે એટલા જોખમમાં નથી, કારણ કે આ સિસ્ટમ હાલમાં રૉકેટના બૅરેજ સામે સારી રીતે કામ કરે છે. ઉદાહરણ તરીકે, તે હમાસ દ્વારા ઉપયોગમાં લેવાય છે."
તેમનું કહેવું છે કે પાકિસ્તાન પાસે આમ કરવાની ક્ષમતા છે પણ તેનાથી તેમને શું ફાયદો થશે? કારણ કે દેખીતી રીતે તેની જવાબી પ્રતિક્રિયા પણ ખૂબ જ ભયંકર હશે.
રાહુલ ભોંસલે કહે છે કે, “તે ખૂબ જ ખર્ચાળ સિસ્ટમ છે. વધુમાં ભારત સામે રહેલાં જોખમો પણ ખૂબ જ વૈવિધ્યસભર છે. ભારત પાસે પહેલેથી જ એવી સિસ્ટમ છે જે સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને સુરક્ષિત કરી શકે છે.”

ઇમેજ સ્રોત, ISPR
પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો અને મિસાઇલ નિષ્ણાત સૈયદ મોહમ્મદ અલીએ બીબીસીને જણાવ્યું કે, ભારત ત્રણ કારણસર ઇઝરાયલની 'આયર્ન ડૉમ ટેક્નોલૉજી' હસ્તગત કરવા માગે છે.
આનું એક કારણ એ છે કે ભારતનો ભૂમિ વિસ્તાર ઘણો મોટો છે અને ઇઝરાયલ કરતાં તો ઘણો મોટો છે. આયર્ન ડૉમ ઇઝરાયલના વિસ્તાર માટે ખૂબ જ સારો છે પણ ભારત જેવા વિશાળ વિસ્તાર ધરાવતા દેશ માટે તે બહુ અસરકારક સાબિત નહીં થાય.
તેમણે કહ્યું કે, “હમાસના રૉકેટને રોકવા માટે ઇઝરાયલ આયર્ન ડૉમનો ઉપયોગ કરી રહ્યું છે. આ રૉકેટ જૂનાં છે જેનો જર્મનોએ બીજા વિશ્વયુદ્ધમાં ઉપયોગ કર્યો હતો.”
સૈયદ મોહમ્મદ અલી કહે છે, “ભારતને ચીન અને પાકિસ્તાન તરફથી વધુ મોટાં અને વધુ આધુનિક શસ્ત્રોનો સામનો કરવાનો છે. ભારત પાસે આધુનિક S-400 મિસાઇલ સિસ્ટમ પણ છે, પરંતુ તે પણ તેને પાકિસ્તાની મિસાઇલોથી સંપૂર્ણ સુરક્ષા આપી શકે તેમ નથી.”
“ફતહ-2થી પાકિસ્તાનને સરસાઈ મળી”

ઇમેજ સ્રોત, ISPR
કેટલાક ભારતીય સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે 'ફતહ-2' મિસાઇલના સફળ પરીક્ષણથી પાકિસ્તાનને લશ્કરી મોરચે, ખાસ કરીને લક્ષ્યને મારવા માટેના અંતરના સંદર્ભમાં થોડી સરસાઈ મળી છે.
ભારતની સંરક્ષણ બાબતો પર રિપોર્ટિંગ કરનાર પોર્ટલ ઇન્ડિયન ડીફેન્સ રિસર્ચ વિંગનું કહેવું છે કે પાકિસ્તાનની આ નવી મિસાઇલ તેને રેન્જના સંદર્ભમાં ભારત પર સરસાઈ આપે છે, જે પાકિસ્તાનની સેના માટે ફાયદાકારક છે.
બીબીસી સાથે વાત કરતા ભારતીય સેનાના ભૂતપૂર્વ બ્રિગેડિયર અને આર્ટિલરી નિષ્ણાત રાહુલ ભોંસલેએ કહ્યું કે ક્ષમતાની દૃષ્ટિએ આ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.
તેમણે ધ્યાન દોર્યું હતું કે 'ફતહ-2' એ ભારતના 'પિનાકા' નામના મલ્ટી-બેરલ રૉકેટ લૉન્ચર જેવું જ છે જે પાકિસ્તાનની આર્ટિલરી ક્ષમતામાં વધારો કરશે.
તેમનું કહેવું છે કે બંને દેશો માટે આ સામાન્ય છે, કારણ કે “ભારત સહિત વિશ્વની તમામ સેનાઓ મલ્ટી-બૅરલ રૉકેટ લૉન્ચર સિસ્ટમ બનાવી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં આ સિસ્ટમ ઘણી અસરકારક સાબિત થઈ છે.”
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને નિષ્ણાતો એકમત છે કે 'ફતહ-2' છેલ્લા બે મહિનામાં પાકિસ્તાનની શસ્ત્ર પ્રણાલીનું બીજું પરીક્ષણ છે, જેનો ઉદ્દેશ્ય ડીફેન્સ મિસાઇલ સિસ્ટમને સુધારવાની ક્ષમતા હાંસલ કરવાનો છે.
18 ઑક્ટોબર, 2023ના રોજ પાકિસ્તાને સરફેસ-ટુ-સરફેસ મધ્યમ શ્રેણીની અબાબીલ મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું હતું જે દક્ષિણ એશિયાની પ્રથમ મિસાઇલ છે જે બહુવિધ પરમાણુ શસ્ત્રો લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
પરમાણુ હથિયારો અને મિસાઇલ સંરક્ષણ પ્રણાલીના નિષ્ણાત સૈયદ મોહમ્મદ અલીના જણાવ્યા અનુસાર, ‘અબાબીલ’ અને 'ફતહ-2'નાં પરીક્ષણો પાકિસ્તાનનાં સશસ્ત્ર દળોની ઑપરેશનલ અને ટેકનિકલ જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
“તેઓ લાંબા સમયથી આ સિસ્ટમ પર કામ કરી રહ્યા હતા. હવે તેઓ તેની વિશ્વસનીયતા ચકાસવા માગતા હતા. ટેકનિકલ આવશ્યકતાઓ પૂર્ણ કર્યા પછી તેઓ હવે આ હથિયાર આર્મીને તેની વ્યાવહારિક જરૂરિયાતો પૂરી કરવા માટે સોંપવા માગે છે."
મોહમ્મદ અલી કહે છે, “આનું એક કારણ ભારતમાં આ વર્ષે યોજાનારી ચૂંટણીના વાતાવરણમાં ભાજપની યુદ્ધોન્માદવાળી માનસિકતા છે, જેનો અંદાજ સરહદ પારથી દરરોજ આવી રહેલાં નિવેદનો પરથી લગાવી શકાય છે. મારું અનુમાન છે કે પાકિસ્તાન ભારતને કહેવા માગે છે કે તેની પરંપરા મુજબ, જો તે ભારતમાં ચૂંટણી પહેલાં કોઈ ‘ફૉલ્સ ફ્લેગ ઑપરેશન’ કરવાની યોજના બનાવી રહ્યું છે, તો તેણે પાકિસ્તાનની આ નવી સૈન્યક્ષમતાને ધ્યાનમાં રાખવી જોઈએ.”
દક્ષિણ એશિયામાં હથિયારોની હોડ
બ્રિગેડિયર (નિવૃત્ત) સાદ મોહમ્મદે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે આ હથિયારોની રેસ નવી નથી, એ 1947થી ચાલી આવે છે.
સૈયદ મોહમ્મદ અલી એમ પણ કહે છે કે વિશ્વની સૈન્યશક્તિઓ વચ્ચે સરફેસ-ટુ-સરફેસ હુમલો કરવા માટેની મિસાઇલો અને તેને તોડી પાડવા માટે મિસાઇલ વિકસાવવાની સ્પર્ધા ઘણી જૂની છે.
દક્ષિણ એશિયામાં આ સ્પર્ધાનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
પાકિસ્તાન અને ભારત બંને એકબીજાની સૈન્યશક્તિ પ્રત્યે સંવેદનશીલ છે અને બંને દેશોએ તેમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારોની મદદથી સ્થાનિક ટેકનિકલ ક્ષમતા વધારવા માટે ખૂબ મૂડીરોકાણ કર્યું છે, જેથી પેદા થતી પરિસ્થિતિનો સામનો કરી શકાય.












