You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તણાવના કારણે વાળ સફેદ થવા લાગે?ઉંમર વધવાની સાથે વાળ ધોળા કેમ થઈ જાય છે?
- લેેખક, મિચેલ રૉબર્ટ્સ
- પદ, ડિજિટલ હેલ્થ ઍડિટર
અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે ઉંમર વધવાની સાથે વાળ ધોળા થવા પાછળનું કારણ શોધી લીધું છે.
આ વૈજ્ઞાનિકોનો દાવો છે કે વાળને કાળા રાખનારી કોશિકાઓ જ્યારે પરિપક્વ થવાની ક્ષમતા ગુમાવે છે તો વાળ ધોળા થવાનું શરૂ થઈ જાય છે.
જો આ કોશિકાઓ પરિપક્વ હોય તો મેલનોસાઇટ્સમાં ફેરવાઈ જાય છે, જેના કારણે વાળનો પ્રાકૃતિક રંગ બન્યો રહે છે.
ન્યૂયૉર્ક યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે ઉંદરો પર શોધ કરી હતી. ઉંદરોમાં પણ મનુષ્યો જેવી જ કોશિકાઓ હોય છે.
શોધ કરનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેનાથી ધોળા વાળને ફરીથી કાળા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં મદદ મળશે.
બ્રિટિશ ઍસોસિયેશન ઑફ ડર્મેટોલૉજિસ્ટ (બીએડી) પ્રમાણે મેલનોસાઇટ્સ પર શોધથી કેટલાક ખાસ પ્રકારના કેન્સર અને અન્ય સ્વાસ્થ્ય સ્થિતિઓ વિશે સમજ વિકસિત કરવામાં અને તેના નિદાન અંગે મદદ મળશે.
વાળ ધોળા કેવી રીતે થાય છે?
ઉંમર વધવાની સાથેસાથે વાળ ખરવા લાગે છે. આ આપણા જીવનની સામાન્ય પ્રક્રિયા છે જે નિરંતર ચાલ્યા કરે છે.
ત્વચામાં હાજર રોમછિદ્રોમાંથી વાળ નીકળે છે, ત્યાં જ વાળને કાળા રાખનારી કોશિકાઓ પણ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કોશિકાઓ નિયમિત રીતે બનતી રહે છે અને નષ્ટ પણ થતી રહે છે.
આ કોશિકાઓનું નિર્માણ સ્ટૅમ-સેલમાંથી થાય છે.
ન્યૂયૉર્ક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે સ્ટૅમ-સેલમાંથી આ કોશિકાઓનું નિર્માણ કોઈ પણ કારણોસર અટકી જાય છે તો લોકોના વાળ ધોળા થવા લાગે છે.
ન્યૂયૉર્ક યુનિવર્સિટીની લૅંગવન હેલ્થ ટીમે આ કોશિકાઓના બનવા અને વધવાની પ્રક્રિયા પર સ્પેશિયલ સ્કૅનિંગ અને લૅબ ટેકનૉલૉજીની મદદથી સંશોધન હાથ ધર્યું હતું.
જ્યારે વાળની ઉંમર વધે છે અને ખરવાના શરૂ થાય છે તો તે સતત ઉગતા રહે છે. પણ બાદમાં મેલનોસાઇટ્સ કોશિકાઓ સૂકાવા લાગે છે.
સ્ટૅમ કોશિકાઓ પોતાની જગ્યા પર સ્થિર થઈ જાય છે અને મેલનોસાઇટ્સ તરીકે વિકસિત થઈ શકતી નથી.
તેનાથી રંગ બનાવવાની પ્રક્રિયાને ખલેલ પહોંચે છે અને વાળ ધોળા થવા લાગે છે.
શું ધોળા વાળ ફરીથી થઈ શકે છે કાળા?
ન્યૂયૉર્ક યુનિવર્સિટી લૅંગવન હેલ્થના પીએચડી સ્કૉલર અને સંશોધકોની ટીમના પ્રમુખ ડૉ. સી સુને નેચરલ જર્નલને જણાવ્યું, "મેલનોસાઇટ્સ સ્ટૅમ-સેલ વાળને કાળા રાખવા માટે કઈ રીતે કામ કરે છે, એ સમજવામાં અમારું અધ્યયન મદદ કરે છે."
"અમને આશા છે કે તેનાથી મેલનોસાઇટ્સ સ્ટૅમ-સેલને ફિક્સ કરી શકાય છે. જેનાથી ધોળા વાળ ફરીથી કાળ થઈ શકે."
આ પ્રથમ વખત નથી જ્યારે વૈજ્ઞાનિકોએ ધોળા વાળને ફરીથી કાળા કરવાની સંભાવના વ્યક્ત કરી હોય.
જોકે, સમયથી પહેલાં વાળ ધોળા થવા પાછળનું અન્ય એક કારણ કુપોષણ હોવાનું પણ માનવામાં આવે છે.
અન્ય સંશોધકોનું માનવું છે કે તણાવના કારણે પણ વાળ સફેદ થાય છે.
આ વિશેષજ્ઞો મુજબ તણાવને દૂર કરીને પણ વાળોનું સફેદ થવું થોડાક સમય માટે રોકી શકાય છે.
જ્યારે કેટલાક સંશોધકો પ્રમાણે વાળ ધોળા થવા પાછળ આનુવાંશિક કારણો પણ જવાબદાર છે.
કેટલાક લોકો વાળને રંગ પણ લગાવે છે. જ્યારે કેટલાક લોકો સમયથી પહેલાં જ વાળને સફેદ અથવા તો ગ્રે કલર લગાવે છે.
હૅર સ્ટાઇલિસ્ટ લ્યૂક હર્શસને તાજેતરમાં જ બ્રિટિશ વોગને જણાવ્યું, "એક સમય એવો હતો જ્યારે લોકો સફેદ વાળ રાખવા ઇચ્છતા ન હતા, પણ હવે સફેદ વાળને 'વૃદ્ધત્વ' સાથે જોડીને જોવામાં આવતા નથી."
"લૉકડાઉન પછીથી ઘણા લોકો આમ કરાવી રહ્યા છે. ઘણા લોકોના વાળ સફેદ એટલા માટે પણ થઈ ગયા કારણ કે લૉકડાઉન દરમિયાન વાળ રંગવા માટે કોઈ હાજર ન હતું અને તેના કારણે થયેલા પરિવર્તનને ઘણા લોકો પસંદ કરવા લાગ્યા હતા."
સામાન્ય રીતે લોકો એકાદ વાળ સફેદ થવા પર તેને કાઢવાનો પ્રયત્ન કરે છે.
વિશેષજ્ઞો પ્રમાણે તેનાંથી કોશિકાઓમાંથી નીકળનારા અન્ય વાળ સફેદ થવાથી રોકી શકાય નહીં.
તેમના પ્રમાણે રોમછિદ્રો ક્ષતિગ્રસ્ત થવાથી નવા વાળ આવવા પણ બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં વાળ ઓછા થવા લાગે છે અથવા તો ટાલ પણ પડી શકે છે.
કેટલો મોટો છે વાળ રંગવાનો કારોબાર?
બ્રિટિશ ઍસોસિયેસન ઑફ ડર્મેટોલૉજિસ્ટ્સનાં ડૉ. લીલા અસફોરે બીબીસીને જણાવ્યું કે વાળ રંગવાનો કારોબાર ઘણો મોટો છે.
તેમણે કહ્યું, "હૅર કલરનું વૈશ્વિક બજાર 2030 સુધી 33.7 અબજ ડૉલર સુધી પહોંચી જશે. આ પરથી કહી શકાય કે ચોક્કસપણે બજારમાં તેની ભરપૂર માગ છે."
તેમણે જણાવ્યું, "આ સંશોધનના સ્પષ્ટ સંકેત છે. સામાન્ય લોકોના દૃષ્ટિકોણથી સમજી શકાય છે કે અમે ધોળા વાળને ફરીથી કાળા કરવાની દિશામાં એક ડગલું આગળ વધ્યા છીએ."
"જ્યારે તબીબી દૃષ્ટિકોણથી અમને અન્ય જટિલતાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે."
"દાખલા તરીકે મેલેનોમા કે ગંભીર ત્વચા કેન્સરની પ્રકૃતિ સમજવામાં મદદ મળશે."
ડૉ, લીલા પ્રમાણે, "આ એલોપેસિયા ઍરીટા નામક ચિકિત્સકીય સમસ્યાને સમજવામાં મદદ પણ કરી શકે છે."
"આ સ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જ વાળ પર હુમલો કરે છે અને તેના કારણે વાળ ખરવા લાગે છે. ક્યારેક આ રોગીઓમાં સફેદ વાળ પાછા આવી જાય છે."
તેઓ આગળ કહે છે, "આ શોદ વિટિલિગો એટલે કે ત્વચાના કોઈ પણ ભાગમાં સફેદ ડાઘ આવવા વિશે અધિક જાણકારી આપી શકે છે."
"ત્વચાના રંગને પ્રાકૃતિક રાખવા માટે પ્રભાવિત વિસ્તારમાં વૈજ્ઞાનિકો રોમછિદ્ર પ્રત્યારોપ કરવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, તેને લઈને હજુ વધુ સંશોધન કરવાની જરૂર છે."
ડૉ. લીલાએ અંતે કહ્યું, "ઉંદરો પર થયેલા સંશોધન પરથી વાળના રોમછિદ્રો અને વાળને કાળા રાખવાની કોશિકાઓ વિશેની માહિતી વધી છે."
"વાળ ખરવા અને અન્ય સ્થિતિઓ માટે સ્ટૅમ-સેલ ઉપચારની ક્ષમતા વિશે વધુ જાણકારી એકઠી કરી રહ્યા છે."
"એવામાં રંગ-ઉત્પાદક કોશિકાઓને લઈને નવું સંશોધન દર્દીઓ માટે ભવિષ્યના ઉપચાર વિકલ્પોનું કારણ બની શકે છે."