તેજ વાવાઝોડા બાદ સર્જાયું નવું વાવાઝોડું, હામૂન વાવાઝોડું ક્યાં અસર કરશે? શું ગુજરાતમાં બદલાશે હવામાન?

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતના દરિયામાં તેજ વાવાઝોડા બાદ ફરી એક નવું વાવાઝોડું બની ગયું છે અને એ પણ વધારે ખતરનાક બને તેવી શક્યતા દેખાઈ રહી છે.

અરબી સમુદ્રમાં બનેલું અતિ ભીષણ તેજ વાવાઝોડું યમન પર ત્રાટક્યું છે. જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયું ત્યારે પવનની ગતિ 135 કિમીથી 150 કિમી પ્રતિકલાક જેટલી હતી.

યમનની ધરતી પર પહોંચ્યા બાદ આ વાવાઝોડું હવે નબળું પડશે અને આજ સાંજ સુધીમાં તે ડીપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે. આ વાવાઝોડાને કારણે સૌથી વધારે નુકસાન યમનને થયું છે જ્યારે પાડોશી દેશ ઓમાનમાં પણ તેની અસર થઈ છે.

તેજ વાવાઝોડું વિખેરાઈ જાય એ પહેલાં જ બીજું વાવાઝોડું સર્જાઈ ગયું છે અને હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું પણ ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી પૂરી સંભાવના છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાનું નામ હામૂન રાખવામાં આવ્યું છે અને હામૂન નામનું આ વાવાઝોડું ભારતના દરિયાકિનારા પર ત્રાટકે તેવી સંભાવના ઓછી છે.

જોકે, તે દેશના કેટલાંક રાજ્યોને અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઓડિશા તથા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પણ તેની અસર જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં તેના કારણે ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે.

આ હામૂન વાવાઝોડું બંગાળની ખાડીમાં આગળ વધતાની સાથે હજુ પણ મજબૂત બનશે અને તે ‘વેરી સિવિયર સાયક્લૉન’ બનશે એટલે કે તે અતિ ભીષણ ચક્રવાત બની જશે.

હાલની સ્થિતિ પ્રમાણે તે વધારે તાકાતવાળું બનશે ત્યારે પવનની ગતિ પ્રતિકલાકના 135 કિમી સુધી પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે, આ વાવાઝોડું બાંગ્લાદેશના દરિયાકિનારા પર ત્રાટકે તેવી સંભાવના છે.

ગુજરાતમાં હવે હવામાન પલટાશે?

તેજ વાવાઝોડું હામૂન વાવાઝોડું

ઇમેજ સ્રોત, MAUSAM.IMD.GOV.IN

તેજ વાવાઝોડું યમન સુધી પહોંચી ગયું છે અને બંગાળની ખાડીમાં બીજું વાવાઝોડું બની ગયું છે પરંતુ આ બંનેમાંથી એકપણ વાવાઝોડાની ગુજરાતને સીધી અસર થવાની નથી.

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હાલ હવામાન શુષ્ક રહેશે અને આવનારા પાંચ દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહે તેવી સંભાવના છે.

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં પણ દિવસ દરમિયાન ગરમી રહેશે અને રાત્રી દરમિયાન થોડું તાપમાન નીચું જાય તેવી સંભાવના છે.

હાલ રાજ્યમાં હજુ ઉત્તરમાંથી આવતા ઠંડા પવનોની શરૂઆત થાય તેવી શક્યતા ઓછી છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ અરબી સમુદ્ર પરથી પવનો ફૂંકાશે એટલે કે હજુ રાજ્યમાં ઠંડીની શરૂઆત થવાની શક્યતા પણ ઓછી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું હામૂન વાવાઝોડું પવનો તેની તરફ ખેંચી રહ્યું હોવાથી ઉત્તર ભારતમાં ઉત્તર તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. એકવાર વાવાઝોડું બાંગ્લાદેશ પર પહોંચી જાય ત્યારબાદ આ પવનો ફરી બદલાશે.

ચોમાસા બાદ વાવાઝોડાં કેમ સર્જાય છે?

તેજ વાવાઝોડું હામૂન વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાં સર્જાય છે. આ એક સામાન્ય પેટર્ન છે અને દર વર્ષે બંને દરિયામાં લગભગ સરેરાશ 4થી 5 વાવાઝોડાં સર્જાતાં હોય છે.

ચોમાસા પહેલાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં વાવાઝોડાં સર્જાય છે અને ચોમાસા બાદ ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન વાવાઝોડાં સર્જાય છે.

બંને દરિયામાં વાવાઝોડાં સર્જાવા પાછળ દરિયાની જળસપાટીનું ઊંચું તાપમાન અને પવનોની પેટર્ન જવાબદાર છે.

ચોમાસા દરમિયાન દક્ષિણ-પશ્ચિમના મજબૂત પવનો ભારતના દરિયા પર આવે છે અને તે વાવાઝોડાં સર્જાવા દેતા નથી. જોકે, ચોમાસું પૂરું થયા બાદ પવનની પેટર્ન પણ બદલાય છે અને તે વાવાઝોડું સર્જાય તેના માટે અનુકૂળ સ્થિતિ પેદા કરે છે.

ઉપરાંત દરિયાની જળસપાટીનું સરેરાશ તાપમાન પણ વધવા લાગે છે અને તે વાવાઝોડાને ઇંધણ પૂરું પાડવાનું કામ કરે છે. જેના કારણે દર વર્ષે ચોમાસા બાદ પણ વાવાઝોડાં સર્જાય છે.

અરબી સમુદ્રમાં ચોમાસા બાદ કેટલાં વાવાઝોડાં?

તેજ વાવાઝોડું હામૂન વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય રીતે અત્યાર સુધી ચોમાસા બાદ સૌથી પહેલાં બંગાળની ખાડીમાં વાવાઝોડાં સર્જાતાં હતાં પરંતુ આ વર્ષે એ પેટર્ન તૂટી છે અને અરબી સમુદ્રમાં તેજ નામનું વાવાઝોડું પહેલાં સર્જાયું છે.

ગત વર્ષ એટલે કે 2022માં અરબી સમુદ્રમાં ચોમાસા બાદ એક પણ વાવાઝોડું સર્જાયું ન હતું જ્યારે બંગાળની ખાડીમાં બે વાવાઝોડાં સિતરંગ અને મંદૌસ સર્જાયાં હતાં.

હવામાન નિષ્ણાતોના મતે વિશ્વભરમાં વધી રહેલા તાપમાનને કારણે હવે આવી અસામાન્ય ગતિવિધિઓ જોવા મળી રહી છે. 2019માં અરબી સમુદ્રમાં ચોમાસા બાદ ચાર વાવાઝોડાં સર્જાયાં હતાં.

ચોમાસા બાદ સર્જાતાં વાવાઝોડાં સામાન્ય રીતે ખાડીના દેશો પર જાય છે પરંતુ હંમેશા એવું નથી હોતું કે તે ખાડીના દેશો પર જ તે જશે. ઘણી વખત તે ટ્રેક ચેન્જ કરીને ગુજરાતને પણ અસર કરી શકે છે.

હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલાં વાવાઝોડાની આગાહી કરવી વધારે મુશ્કેલ બનતી જાય છે.