You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનની સુરક્ષા માટે ભારતમાં ઊતરેલાં વિમાનો કેટલાં શક્તિશાળી છે?
- લેેખક, બીબીસી ન્યૂઝ
- પદ, .
ભારતમાં જી20 શિખરસંમેલન માટે દુનિયાભરના ટોચના નેતાઓ આવી રહ્યા છે જેને કારણે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડન જી20 શિખર મંત્રણામાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે અને સાથે તેમની સુરક્ષાવ્યવસ્થાનો મોટો કાફલો પણ આવી રહ્યો છે.
ભૂતકાળમાં ચાલુ કાર્યકાળ દરમિયાન જ અમેરિકાના 4 રાષ્ટ્રપતિઓની હત્યાને કારણે હવે આ દેશ સ્વાભાવિક રીતે જ તેના રાષ્ટ્રપતિની સુરક્ષાને મામલે કોઈ બાંધછોડ નથી કરતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ દેશ-વિદેશમાં ક્યાંય પણ પ્રવાસ કરતા હોય ત્યારે તેમની સુરક્ષા માટેના તેમના કાફલામાં કેવાં અત્યાધુનિક વાહનો હોય છે તેનો વિસ્તારથી ચિતાર મેળવીએ.
ઍરફોર્સ વન: હવામાં તરતું વ્હાઈટ હાઉસ
વાઇટહાઉસની વેબસાઈટ અનુસાર, ઍરફોર્સ વન એ હકીકતમાં ઍરફોર્સના કોઈપણ ઍરક્રાફ્ટ માટે ઍર ટ્રાફિક કંટ્રોલની નિશાની છે, કારણ કે તેમાં અમેરિકી પ્રમુખ હોય છે.
પરંતુ મોટાભાગે આ શબ્દનો ઉપયોગ એ બે પ્રખ્યાત સફેદ અને વાદળી વિમાનોના સંદર્ભમાં થાય છે- જે ખાસ અનુકૂલિત બોઇંગ 747-200B શ્રેણીના ઍરક્રાફ્ટ છે. તેઓ 28000 અને 29000 ટેલ કૉડ ધરાવે છે.
આ વિમાનો અદ્યતન કમ્યૂનિકેશન, ઍવિઓનિક્સ અને સિક્યુરિટી ધરાવે છે. તે ઇલેક્ટ્રોમૅગ્નેટિક પલ્સ અને જ્વાળાઓની ગરમી ધરાવતાં નિશાનો અચૂક ભેદી દેતી મિસાઇલો સામે રક્ષણ પણ આપે છે. તેનો અર્થ એવો થાય છે કે આ વિમાન અમેરિકા પર હુમલાના કિસ્સામાં ઍરબૉર્ન મોબાઇલ કમાન્ડ સેન્ટર તરીકે કાર્ય કરી શકે છે.
તેઓ હવામાં જ ઇંધણ ભરવામાં પણ સક્ષમ છે. એટલે કે આ વિમાનો અમર્યાદિત રેન્જ ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિમાનની અંદર ત્રણ સ્તરોમાં ફેલાયેલી 4,000 ચોરસ ફૂટ (372 ચોરસ મીટર)ની ફ્લોર સ્પેસ છે. પ્રૅસિડેન્શિયલ સ્યુટ સહિત ત્યાં તબીબી સુવિધાઓ, ફૂડ ગૅલી, સલાહકારો માટેની જગ્યા, સિક્રેટ સુરક્ષા અધિકારીઓ અને પત્રકારો માટે પણ જગ્યા હોય છે.
મરીન વન: રાષ્ટ્રપતિનું હેલિકૉપ્ટર
હવામાં ટૂંકી સફર માટે રાષ્ટ્રપતિ હેલિકૉપ્ટરનો ઉપયોગ કરે છે, જેને મુખ્યત્વે તેના લીલા રંગ દ્વારા ઓળખી શકાય છે.
મરીન વન એ માત્ર એક હેલિકૉપ્ટરનું નામ નથી. પરંતુ યુએસ પ્રમુખને લઈ જતા કોઈપણ મરીન કોર્પ્સ ઍરક્રાફ્ટનું નામ સામાન્ય રીતે VH-3D સી કિંગ અથવા VH-60N વ્હાઇટ હૉક હોય છે.
ધી ઑસ્પ્રેય એમવી-22: ઍસ્કોર્ટ ઍરક્રાફ્ટ
મરીન વનના ડીકોય વર્ઝન ઘણીવાર રાષ્ટ્રપતિનાં હેલિકૉપ્ટરની સાથે ઊડે છે. તે સામાન્ય રીતે ઍસ્કોર્ટ ઍરક્રાફ્ટ સાથે હવામાં ઊડે છે. આ કાફલામાં ઑસ્પ્રે એમવી-22નો સમાવેશ પણ થાય છે જેને "ગ્રીન ટૉપ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
‘ધી બીસ્ટ’- રાષ્ટ્રપતિની લિમોઝિન
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જમીન પર હોય છે, ત્યારે તેમનો સાથ કેડિલાક વન આપે છે. જેનું હુલામણું નામ ‘ધી બીસ્ટ’ છે.
5.5 મીટર લાંબી આ બીસ્ટમાં સાત લોકો સવાર થઈ શકે છે અને તેમાં અનેક પ્રકારના આધુનિક ચિકિત્સીય ઉપકરણો હોય છે. તેમાં એક ફ્રીજ પણ હોય છે. આ સિવાય રાષ્ટ્રપતિના બ્લડ-ગ્રૂપનું બ્લડ પણ રાખવામાં આવે છે.
બીસ્ટનું નવું વર્ઝન 2018માં બનીને તૈયાર થયું હતું જેમાં તેની ઉત્પાદક કંપની જનરલ મોટર્સ અને અમેરિકી સિક્રેટ સર્વિસે આ કારના ચોક્કસ સિક્યોરિટી ફીચર્સને જાળવી રાખ્યાં હતાં. પરંતુ રિપોર્ટ્સ કહે છે કે તેનું વજન નવ ટન જેટલું છે અને બુલેટપ્રૂફ બારીઓ છે.
તેમાં ટીયર ગેસ, ગ્રૅનેડ લૉન્ચર, નાઇટ વિઝન કૅમેરા અને બિલ્ટ-ઇન સેટેલાઇટ ફોન છે. પેસેન્જર કૅબિનને સીલ કરવામાં આવી હોવાનું કહેવાય છે. ટાયરને ખૂબ મજબૂત બનાવવામાં આવે છે જેથી કાર ફ્લેટ ટાયર સાથે પણ આગળ વધી શકે.
ત્રણ સ્તરમાં હોય છે સુરક્ષા વ્યવસ્થા
રાષ્ટ્રપતિના ત્રણ સુરક્ષા સ્તર હોય છે. સૌથી અંદર રાષ્ટ્રપતિના પ્રૉટેક્ટિવ ડિવિઝન ઍજન્ટ, પછી સિક્રેટ સર્વિસ ઍજન્ટ અને તેના પછી પોલીસ હોય છે.
હવે એ દિલ્હી આવી રહ્યા છે એટલે એમના માટે દિલ્હી પોલીસ, સીઆરપીએફના સુરક્ષા જવાનોનું પણ એક સિક્યોરિટી લેયર હશે. જે સૌથી બહારનું ચોથું સુરક્ષા સ્તર હશે.
આ સિવાય પણ બીજી ઘણી વ્યવસ્થાઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ઍરપૉર્ટ પર ઍરસ્પેસની જરૂર રહે છે. કારણ કે માત્ર તેમનું ‘ઍરફોર્સ વન’ પ્લેન જ નથી આવતું, પરંતુ છ બૉઇંગ C17 પ્લેન તેની સાથે ઉડે છે. તેમની વચ્ચે એક હેલિકૉપ્ટર પણ હોય છે.
તેમની પાસે લિમોઝીન કાર, કૉમ્યુનિકેશનનાં સાધનો, અન્ય ઘણા એજન્ટો અને સ્ટાફના સભ્યો હોય છે.
સિક્રેટ સર્વિસ અને સ્થાનિક એજન્સી રાષ્ટ્રપતિના કાફલાનો રૂટ નક્કી કરે છે, તે જોવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ઇમર્જન્સીની સ્થિતિમાં ક્યાંથી અને કેવી રીતે બચવું. બધો જ કમાન્ડ એમના હાથમાં રહે છે.