Donald Trump India : ભારતમાં છે એક અમેરિકન પ્રમુખના નામનું ગામ, અમેરિકાના પ્રમુખોની ભારત મુલાકાતનો રસપ્રદ ઇતિહાસ

    • લેેખક, રજીની વૈદ્યનાથન
    • પદ, દક્ષિણ એશિયા સંવાદદાતા, દિલ્હી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પ્રથમ ભારત મુલાકાતે આવે ત્યારે તેમનું સ્વાગત ધૂમધામ સાથે થવાનું છે.

અમેરિકાના ઘણા પ્રમુખો ભારતની મુલાકાતે આવી ગયા છે, તે યાદીમાં તેમનું નામ જોડાઈ રહ્યું છે.

તેમાંના કેટલાક પ્રમુખોનું પણ ઉમળકાથી સ્વાગત થયું હતું, કેટલાક પ્રમુખોએ રાજદ્વારી વિમાસણ પણ ઊભી કરી હતી, અને એક પ્રમુખ એવા પણ હતા, જેમના નામે ભારતમાં હવે એક ગામ ઓળખાય છે.

આ વખતની યાત્રા કેવી રહેશે તે માટે આ ઇતિહાસ માર્ગદર્શક બની રહેશે ખરો?

આપણે એક નજર કરીએ કે અત્યાર સુધીના અમેરિકાના પ્રમુખોની ભારત મુલાકાતો કેવી રહી. સફળ મુલાકાતથી શરૂ કરીને ખરાબ મુલાકાત છેલ્લે એ ક્રમમાં જોઈએ...

સફળ મુલાકાત...

શરૂઆત સારી મુલાકાતથી જ કરીએ.

ભારતની મુલાકાત લેનારા અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા ડ્વાઇટ આઇઝનહોવર. દિલ્હીમાં ડિસેમ્બર 1959માં તેમનું સ્વાગત 21 તોપોની સલામી સાથે કરવામાં આવ્યું હતું.

બીજા વિશ્વ યુદ્ધના હીરો તરીકે પ્રસિદ્ધ થયેલા આઇઝનહોવર દિલ્હીના રસ્તા પર ખુલ્લી જીપમાં નીકળ્યા હતા અને તેમને જોવા માટે માર્ગ પર બંને બાજુ મેદની એકઠી થઈ હતી.

ટ્રમ્પ માટે પણ એવો જ નજારો અમદાવાદમાં રોડ શૉમાં હશે.

ભારત અને અમેરિકાના સંબંધોની મુશ્કેલ સંબંધોની એ શરૂઆત હતી, પરંતુ ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને આઇઝનહોવર વચ્ચે ઉષ્માપૂર્ણ સંબંધોને કારણે સ્થિતિ સંભાળી શકાય હતી.

તે વખતે હજી શીત યુદ્ધની શરૂઆત થઈ હતી અને અમેરિકા તથા પાકિસ્તાન વચ્ચે દોસ્તી જામી હતી.

બીજી બાજુ ભારત બિનજોડાણવાદની નીતિને વળગી રહેવા માગતું હતું. આજની જેમ તે વખતે પણ બંને દેશોના સંબંધોના કેન્દ્રમાં ચીન હતું, કેમ કે અમેરિકાની ઇચ્છા હતી કે ભારત તિબેટના મામલે ચીન સામે આકરું વલણ લે.

જોકે સંપૂર્ણતયા જોતા આઇઝનહોવરની ચાર દિવસની મુલાકાત સફળ ગણવામાં આવી હતી.

તેમની યાત્રા દરમિયાન જે રીતે કાર્યક્રમો ગોઠવાયા હતા તે રીતે જ આજ સુધી અમેરિકન પ્રમુખોનો કાર્યક્રમો ગોઠવાતા રહ્યા છે.

મહાત્મા ગાંધીની પુષ્પાંજલિ માટે રાજઘાટની મુલાકાત, તાજમહેલની સુંદરતાના દર્શન, સંસદગૃહમાં સંબોધન ઉપરાંત આઇઝનહોવરે રામલીલા મેદાનમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું.

તે વખતે સભામાં 10 લાખ લોકો ઉમટી પડ્યાં હોવાના અહેવાલો અપાયા હતા.

આઇઝનહોવરે વિદાય લીધી ત્યારે નહેરુએ કહ્યું હતું કે તેઓ "આપણા દિલનો એક ટુકડો" લઈને ગયા છે.

જોકે પરિવર્તન લાવનારી મુલાકાત તરીકે માર્ચ 2000માં બિલ ક્લિન્ટનની વડા પ્રધાન અટલ બિહારી વાજયેપી સાથેની મુલાકાતને ગણાવવામાં આવે છે.

બે દાયકા સુધી અમેરિકાના કોઈ પ્રમુખ ભારત આવ્યા નહોતા તે પછી ક્લિન્ટનની મુલાકાત યોજાઈ હતી.

રોનાલ્ડ રેગન કે જ્યોર્જ બુશ સિનિયર ભારત આવ્યા નહોતા. ભારતે અણુપરિક્ષણ કર્યું તે પછી 1999માં અમેરિકાએ પ્રતિબંધો મુક્યા હતા અને તેવી પરિસ્થિતિમાં ક્લિન્ટનનો પ્રવાસ યોજાયો હતો.

અમેરિકામાં રાજદૂત તરીકે રહી ચૂકેલા નવતેજ સરનાના જણાવ્યા અનુસાર ક્લિન્ટનની પાંચ દિવસની મુલાકાત "આનંદમયી મુલાકાત" બની રહી હતી.

પ્રવાસ દરમિયાન આઈટી હબ તરીકે વિકસી રહેલા હૈદરાબાદની અને ભારતની આર્થિક રાજધાની મુંબઈની પણ મુલાકાત યોજાઈ હતી.

"તેમણે પ્રવાસ દરમિયાન ભારતમાં રહેલી આર્થિક ક્ષમતાઓ અને સાયબરના ક્ષેત્રના વિકાસની તકો જોઈ હતી, અને સાથે જ ધબકતી લોકશાહી જોઈ હતી," એમ સરના કહે છે.

ક્લિન્ટને ગ્રામજનો સાથે લોકનૃત્યમાં ભાગ લીધો, ટાઇગર સફારી માણી અને દિલ્હીની ફાઇવસ્ટાર હોટેલમાં મસૂરની દાળનો સ્વાદ ચાખ્યો હતો. એ જ હોટેલમાં આજ સુધી અમેરિકન પ્રમુખો ઉતારો લેતા આવ્યા છે.

તે વખતે ભારતનો મૂડ કેવો હતો તેનો અંદાજ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પ્રગટ થયેલી હેડલાઇન પરથી આવી શકશે: "ક્લિન્ટન ફિવર - ખુશખુશાલ ભારતમાં ફિવરના લક્ષણો."

ફોર્બ્સ મેગેઝીને એક વાર લખ્યું હતું કે ભારત માટે જ્યોર્જ ડબ્લ્યૂ બુશ "સૌથી સારા અમેરિકન પ્રમુખ" બની રહ્યા છે. માર્ચ 2006માં તેઓ ત્રણ દિવસ માટેની ભારતની મુલાકાત આવ્યા હતા.

બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોની બાબતમાં તે સૌથી અગત્યની મુલાકાત સાબિત થઈ હતી, કેમ કે વેપાર અને અણુ ટેક્નોલૉજી જેવી લાંબા સમયથી નડતરરૂપ બાબતોમાં પ્રગતિ થઈ શકી હતી.

ભારતના વડા પ્રધાન મનમોહન સિંહ સાથે તેમના અંગત ઉષ્માપૂર્ણ સંબંધો પણ અછતા રહ્યા નહોતા. બહુ સારા ચિત્રકાર એવા બુશે મનમોહનનું એક પૉર્ટ્રેટ પણ દોર્યું હતું.

ભારત અને અમેરિકા વચ્ચેનો ઐતિહાસિક પણ વિવાદાસ્પદ અણુકરાર આ બંને નેતાઓને કારણે શક્ય બન્યો હતો. બુશની ભારત મુલાકાત વખતે તેના પર સહિસિક્કા થયા હતા.

ભારતે દાયકાઓ સુધી ન્યુક્લિયન નોન-પ્રૉલિફરેશન ટ્રીટી (અણુ બિનપ્રસરણ સંધિ) પર સહિ કરવા ઇનકાર કર્યો હતો અને તેના કારણે અણુ ટેક્નોલૉજીની બાબતમાં ભારત એકલું પડી ગયું હતું.

આખરે અણુકરાર થયો અને ભારતને વીજઉત્પાદન માટે અમેરિકાની નાગરિક અણુ ટેક્નોલૉજીનો ફાયદો મળવાનો શરૂ થયો હતો. તેના બદલામાં ભારતના અણુમથકોની અમેરિકા દ્વારા ચકાસણી માટેની સંમતિ અપાઈ હતી.

તે વખતની મુલાકાત નક્કર પાયા પરની હતી, પણ બીજી મુલાકાતની જેમ તે બહુ ભવ્ય કે ધામધૂમ સાથેની નહોતી. તાજમહેલનો પ્રવાસ યોજાયો નહોતો કે સંસદને સંબોધન પણ થયું નહોતું.

જોકે તે વખતની મુલાકાત બહુ કપરા સમયે થઈ હતી. ઈરાક પર હુમલાને કારણે અમેરિકા વિરોધી લાગણી બહુ પ્રબળ બની હતી. ભારતના ડાબેરી સાંસદોએ બુશની મુલાકાતનો વિરોધ કર્યો હતો અને ભારતના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શનો પણ થયા હતા.

બરાક ઓબામા એકમાત્ર એવા અમેરિકન પ્રમુખ છે, જેમણે બેવાર ભારતની મુલાકાત લીધી. 2010માં તેઓ વડા પ્રધાન મનમોહન સિંહની મુલાકાતે આવ્યા હતા અને બાદમાં 2015માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછી બીજીવારની મુલાકાતે આવ્યા હતા.

તેઓ પ્રથમવાર મુલાકાતે આવ્યા ત્યારે પરંપરા તોડીને સીધા દિલ્હી પહોંચવાના બદલે વેપારી પ્રતિનિધિમંડળ સાથે પ્રથમ મુંબઈ પહોંચ્યા હતા.

ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત કરવાના પ્રયાસો ઉપરાંત મુંબઈમાં 2008માં 116નો ભોગ લેનારા આતંકવાદી હુમલો થયો હતો તે સંદર્ભમાં સાથ આપવાનો પણ સંદેશ હતો.

મુંબઈ પરના ત્રાસવાદી હુમલા વખતે મુખ્ય ટાર્ગેટ તાજમહેલ હોટેલ હતી. ઓબામા દંપતિ ફરીથી ધમધમતી થઈ ગયેલી તાજમહેલ હોટેલમાં જ રોકાયું હતું.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિને વિસ્તારવામાં આવે અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય તે માટે ઓબામાએ સમર્થન જાહેર કર્યું હતું તે પણ બહુ અગત્યનું હતું, તેમ અમેરિકાના ભૂતપૂર્વ મદદનીશ વિદેશ પ્રધાન એલિસા એયર્સ કહે છે.

દક્ષિણ એશિયાની બાબતો સંભાળનારા એયર્સ કહે છે, "આટલા વર્ષો દરમિયાન યુએનમાં ખાસ કોઈ ફેરફાર થયો નથી તે જુદી વાત છે, પણ તે સમર્થન અમેરિકાની નીતિમાં બહુ મોટું પરિવર્તન હતું."

2015માં ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે આવવા બરાક ઓબામાને વડા પ્રધાન મોદીએ આમંત્રણ આપ્યું હતું. તે વખતે યોજાયેલી વાટાઘાટોમાં વેપાર, સંરક્ષણ અને ક્લાયમેટ ચેન્જની બાબતો કેન્દ્રસ્થાને રહી હતી.

તે મુલાકાત દરમિયાન ઇન્ડો-પેસિફિક નીતિ વિષે પણ ચર્ચા થઈ હતી. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના વધતા પ્રભાવ સામે બંને નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી.

ઠીક ઠીક મુલાકાત...

1978માં જીમી કાર્ટર બે દિવસની મુલાકાતે આવ્યા તેને ભારત અને અમેરિકાના સંબંધોમાં સુધારા તરીકે જોવામાં આવી હતી, પણ તેમાં નાની મોટી અડચણો ઊભી થઈ હતી.

કાર્ટર 500 જેટલા પત્રકારોના કાફલાને લઈને ફરતા રહ્યા હતા. તેમનો કાર્યક્રમ બહુ ભરચક હતો - વડા પ્રધાન મોરારજી દેસાઈ સાથે વાતચીત પછી સંસદના સંયુક્ત સત્રને સંબોધન હતું, તાજમહેલ જોવા ગયા હતા અને દિલ્હીની નજીકના એક ગામની પણ મુલાકાત લીધી હતી.

આ ગામ હતું ચુમા ખેરાગાંવ, જેની સાથે કાર્ટર કુટુંબનો નાતો જોડાયો હતો. કાર્ટરનાં માતા લિલિયન 1960ના દાયકામાં પીસ કોર્સના સભ્ય તરીકે ભારત આવેલા ત્યારે ચુમા ખેરગાંવમાં ગયા હતા.

તે જ ગામમાં કાર્ટર અને તેમાં પત્ની રોઝાલિન પહોંચ્યા હતા અને ગામના લોકોને તેમણે દાન આપ્યું હતું. સાથે જ નવીનતા સમાન ટીવી સેટ પણ ભેંટમાં આપ્યો હતો.

ખુશ થયેલા ગામના લોકોએ ગામનું નામ બદલીને કાર્ટરપુરી કરી દીધું હતું, જે નામ આજેય ચાલે છે.

આવા કાર્યક્રમો અને સરસ મજાની તસવીરો સિવાય સમગ્ર રીતે મુલાકાતનો કોઈ અર્થ ના સર્યો, કેમ કે બંને દેશો વચ્ચે ખટરાગ હતો. ભારતે 1974માં પ્રથમ અણુ પરીક્ષણ કર્યું હતું અને અણુ કાર્યક્રમમાં આગળ વધી રહ્યું હતું.

અમેરિકાની માગણી હતી કે અણુશસ્ત્રોના ઉત્પાદન પર મનાઈ ફરમાવતી અણુ બિનપ્રસરણ સંધિ પર ભારતે સહી કરવી જોઈએ. આવી નીતિ વિકાસશીલ દેશો સામે ભેદભાવભરી છે એમ જણાવીને ભારતે ઇનકાર કર્યો હતો.

આ મુલાકાત પહેલાં પ્રમુખ કાર્ટર અને તેમના વિદેશ પ્રધાન સાયરસ વેન્સ વચ્ચેની વાતચીત લીક થઈ હતી અને મોટો વિવાદ થયો હતો.

અખબારમાં બહુ ચગેલી આ વિવાદાસ્પદ વાતચીતમાં કાર્ટરે પોતાના વિદેશ પ્રધાનને જણાવ્યું હતું કે પોતે મોરારજી દેસાઈને "બહુ કોલ્ડ અને કડક ભાષા"માં પત્ર લખવાના છે.

મુલાકાત બાદ બંને નેતાઓએ વૈશ્વિક સહકાર માટે સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું ખરું, પણ કાર્ટરે પોતાની અધૂરી ઇચ્છાઓ સાથે જ ભારત છોડવું પડ્યું હતું.

નિષ્ફળ મુલાકાત...

રિચાર્ડ નિક્સન ઑગસ્ટ 1969માં ભારતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા.

ભારત માટે તેઓ અજાણ્યા નહોતા, કેમ કે અમેરિકાના ઉપપ્રમુખ તરીકે 1953માં તેઓ ભારત આવ્યા હતા અને તે અગાઉ અંગત મુલાકાત પણ લઈ ચૂક્યા હતા. આમ છતાં તેમને ભારત માટે ખાસ કંઈ લાગણી નહોતી.

"નિક્સનને ભારતીયો ગમતા નહોતા અને ખાસ કરીને [વડાં પ્રધાન] ઇન્દિરા ગાંધીને ધિક્કારતા હતા," એમ લેખક ગેરી બાસ કહે છે. 'Blood Telegram: Nixon, Kissinger and a Forgotten Genocide' પુસ્તકના લેખક ગેરી બાસ ઉમેરે છે સામે પક્ષે ઇન્દિરા પણ નિક્સનને ધિક્કારતા હતા.

તે વખતી શીત યુદ્ધ તેની ચરમસીમાએ હતું અને ભારત બિનજોડાણવાદની નીતિને વળગી રહ્યું હતું તેનાથી અમેરિકાના પ્રમુખો ભારે અકળાયેલા રહેતા હતા.

બાસ કહે છે કે સ્થિતિ વધારે વણસી હતી, કેમ કે ઇન્દિરા ગાંધીના વડપણ હેઠળ ભારત હવે "સ્પષ્ટપણે સોવિયેત તરફી વિદેશ નીતિ" અપનાવી રહ્યું હતું.

પાકિસ્તાન અમેરિકાનું દોસ્ત હતું, પણ પૂર્વ પાકિસ્તાનમાં સ્વતંત્ર બાંગ્લાદેશની માગણી જાગી ત્યારે ભારતે તેમાં મદદ કરી હતી. તેના કારણે બંને દેશોના સંબંધો વધારે વણસ્યા હતા.

સંબંધોમાં આવેલી ખટાશ 1971માં ઇન્દિરા ગાંધીએ વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી ત્યારે દેખાઈ આવી હતી.

વિદેશ મંત્રાલયના ગુપ્ત દસ્તાવેજો દાયકા બાદ ખુલ્લા મૂકાયા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે નિક્સન તેમને "ઑલ્ડ વીચ" કહીને બોલાવતા હતા.

... અને આગામી મુલાકાત

ભારત અને અમેરિકાના સંબંધોમાં ઉતાર ચઢાવ આવતો રહ્યો છે, 2015માં યોજાયેલી છેલ્લા સત્તાવાર મુલાકાત વખતે મોદી અને ઓબામા વચ્ચે મિત્રતા અંગેના કરાર થયા હતા.

તે કરારની શરૂઆતમાં જ જણાવાયું હતું "ચલેં સાથ સાથ..." અર્થાત એક સાથે જ ચાલીશું.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દોસ્તીની તે દિશામાં વધુ કદમ હશે, પણ કેવી રીતે તે અત્યારે સ્પષ્ટ નથી.

ટ્રમ્પ સીધા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતનના રાજ્ય ગુજરાતના અમદાવાદ શહેરમાં પહોંચવાના છે.

તેમના માટે ભવ્ય રોડ શૉનું આયોજન થયું છે. વર્ષો પહેલાં દિલ્હીમાં આઇઝનહોવરને જોવા માટે મેદની એકઠી થઈ હતી, તે રીતે ટ્રમ્પ માટે મેદની એકઠી કરાશે. સાથે જ બંને નેતાઓ વચ્ચેની દોસ્તી પણ દેખાઈ આવશે.

ટ્રમ્પની મુલાકાતમાં ધામધૂમ બહુ દેખાઈ રહી છે, પણ તેના કોઈ નક્કર નીતિ વિષયક પરિણામો દેખાઈ રહ્યા નથી.

ભૂતકાળમાં પ્રમુખોની મુલાકાત દરમિયાન થયેલા કરારોની જેમ કોઈ મહત્ત્વનો કરાર આ વખતે થાય તેમ લાગતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની શરતો પ્રમાણે વેપાર કરાર કરવા માગે છે, પણ તે થઈ શકે તેમ લાગતું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો