'નમસ્તે ટ્રમ્પ' પાછળના ખર્ચ અંગે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘમસાણ

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન થનાર ખર્ચ ઉપર સવાલ ઉઠાવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ સંદર્ભે એક અખબારનું કટિંગ ટ્વીટ કરીને પ્રિયંકાએ લખ્યું કે સમિતિના સભ્યોને જ ખબર નથી કે તેઓ સભ્ય છે અને પૈસા ક્યાંથી આવશે.

સમિતિનાં વડાં બિજલ પટેલે કહ્યું હતું કે માત્ર વિવાદ ઊભો કરવા માટે ખર્ચનો મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે.

ટ્રમ્પ સોમવારે વૉશિંગ્ટનથી સીધા જ અમદાવાદ પહોંચશે અને નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ આગ્રામાં વિશ્વપ્રસિદ્ધ તાજમહેલ અને દિલ્હીની મુલાકાત લેશે.

પૈસા ક્યાંથી આવ્યાં?

કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક અખબારનું કટિંગ ટ્વીટ કર્યું, તેની સાથે લખ્યું :

"રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમન પાછળ રૂ. 100 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. એક સમિતિ આ ખર્ચ કરી રહી છે. સમિતના સભ્યોને પણ ખબર નથી કે તેઓ આ સમિતિના સભ્ય છે."

"શું દેશને એ માહિતી મેળવવાનો અધિકાર નથી કે કયા મંત્રાલયે સમિતિને કેટલી રકમ આપી? સમિતિની આડમાં સરકાર શું છૂપાવી રહી છે."

ગુજરાત કૉંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું કે 'બે કરોડ લોકોને રોજગાર આપવાનું વચન પૂર્ણ કરવા માટે મોદીજી 70 લાખ લોકોને એક દિવસ માટે રોજગાર આપશે.' આ સિવાય 70 લાખ લોકોને એકઠાં કરવાની ઉપર કટાક્ષ કરતું પણ ટ્વીટ મૂક્યું હતું.

વિવાદ ઊભો કરવાનો પ્રયાસ

અમદાવાદનાં મેયર બિજલ પટેલે એ.બી.પી. ચેનલ સાથે વાત કરતા કહ્યું કે આવનાર મહેમાનનું અદકેરું સ્વાગત કરવું એ ગુજરાત તથા અમદાવાદના નાગરિકોની તાસિર રહી છે, એટલે ટ્રમ્પનો પણ ભવ્ય સત્કાર કરવામાં આવશે.

'ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ'નાં વડાં બિજલ પટેલે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે વિવાદ ઊભો કરવા માટે ખર્ચની વાતો ઉઠાવવામાં આવી રહી છે. જોકે, કેટલો ખર્ચ થશે અને કોણ ખર્ચ કરશે, વગેરે જેવી બાબતો ઉપર વિસ્તૃત માહિતી આપવાનું તેમણે ટાળ્યું હતું.

બીજી બાજુ, અભિવાદન સમિતિના સભ્યોની એક બેઠક સર્કિટ-હાઉસ ખાતે મળી હતી. જેમાં અન્ય સભ્ય કિરીટ સોલંકી (સંસદસભ્ય), હસમુખ પટેલ (સંસદસભ્ય), હિમાંશુ પંડ્યા (વાઇસ-ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી), દુર્ગેશ બૂચ (અધ્યક્ષ, ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ) અને બી. વી. દોશી (વિખ્યાત આર્કિટેક્ટ) સામેલ થયા તા.

પટેલનાં કહેવા પ્રમાણે, જે દિવસે કમિટી ગઠિત થઈ, તે દિવસે જ તેમને જાણ કરી દેવામાં આવી હતી, પરંતુ સમિતિ ક્યારે ગઠિત થઈ તે અંગે પણ તેમણે કશું કહ્યું ન હતું. આ સમિતિ કોણે ગઠિત કરી અને સભ્યોને કઈ રીતે પસંદ કરવામાં આવ્યા વગેરે જેવા અમુક સવાલ વણ ઉત્તર જ છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ઠેર-ઠેર 'નમસ્તે ટ્રમ્પ'ના હોર્ડિંગ્સ લાગ્યા છે, પરંતુ તેની ઉપર કોઈ સમિતિના નામનો ઉલ્લેખ છે.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ બી.બી.સી. ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે રાઇટ-ટુ-ઇન્ફર્મેશન હેઠળ પૂછવામાં આવેલાં સવાલો કે ખર્ચની વિગતોને છૂપાવવા માટે આ પ્રકારની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો