અમૂલ-નંદિની વિવાદ અંગે અમૂલના મૅનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ શું કહ્યું?

અમૂલ નંદિની
ઇમેજ કૅપ્શન, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, આણંદથી

'કર્ણાટક મિલ્ક ફેડરેશન'ની બ્રાન્ડ નંદિની અને 'આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ' એટલે કે 'અમૂલ'ને લઈને હાલ કર્ણાટકની રાજનીતિએ જોર પકડ્યું છે.

અમૂલે પાંચમી ઍપ્રિલે ટ્વીટરના માધ્યમથી જાહેરાત કરી હતી કે હવેથી તે કર્ણાટકના બૅંગ્લુરુમાં દૂધનું ઓનલાઇન વેચાણ કરશે. આગામી દિવસોમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આવનારી હોવાથી આ મુદ્દે રાજકારણ ગરમાયું હતું અને મુખ્યત્વે કૉંગ્રેસે ભાજપની ટીકા કરવાની શરૂ કરી છે. ત્યારે બીબીસી ગુજરાતીએ અમૂલના મૅનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા સાથે વાત કરી હતી. તેમણે અમૂલ-નંદિની વચ્ચેના સંબંધો, હાલમાં ચાલી રહેલા વિવાદો અને ભવિષ્યની સંભાવનાઓ વિશે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

બીબીસીએ પૂછેલા પ્રશ્નોના જયેન મહેતાએ આપેલા જવાબ વિશે જાણતા પહેલાં એ જાણીએ કે કર્ણાટકમાં નંદિની કેટલી મોટી બ્રાન્ડ છે અને અમૂલ સાથેના વિવાદ શરૂઆત કેવી રીતે થઈ?

ગ્રે લાઇન

નંદિની બ્રાન્ડ કેટલી મોટી છે?

નંદિની અમૂલ વિવાદ

ઇમેજ સ્રોત, KMFNANDINI.COOP

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ કર્ણાટક મિલ્ક ફેડરેશનના 24 લાખ સભ્યો છે. રાજ્યનાં 22 હજાર ગામોની 14 હજાર દૂધઉત્પાદક અને સહકારી સંસ્થાઓ તેની સાથે સંકળાયેલી છે. તેની પાસેથી દરરોજ 84 લાખ લિટર દૂધ એકત્ર કરવામાં આવે છે.

કર્ણાટક મિલ્ક ફેડરેશન માત્ર કર્ણાટકમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ દૂધ સપ્લાય કરે છે. આ ઉપરાંત, તે સેનાને પણ તેમનાં ઉત્પાદનો વેચે છે અને મધ્ય-પૂર્વ સહિત ઘણા દેશોમાં દૂધ અને તેનાં ઉત્પાદનો સપ્લાય કરે છે.

કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ શનિવારે કહ્યું હતું કે અમિત શાહે આ નિવેદન આપીને સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતના કૉર્પોરેટ્સની નજર કર્ણાટક મિલ્ક ડેરી પર છે.

તેમણે કહ્યું, "કર્ણાટકના ખેડૂતો 20,000 કરોડ રૂપિયાના દૂધનું ઉત્પાદન કરે છે. જેનો લાભ લાખો ખેડૂત પરિવારોને મળ્યો છે. હવે આના પર કૉર્પોરેટ કંપનીઓની નજર પર પડી ગઈ છે અને અમિત શાહ લોકો સામે ખોટનું પોટલું તૈયાર કરીને સપ્લાય કરી રહ્યા છે.”

ગ્રે લાઇન

વિવાદ કેવી રીતે શરૂ થયો?

અમૂલ નંદિની વિવાદ

ઇમેજ સ્રોત, HTTPS://AMUL.COM/

ઇમેજ કૅપ્શન, અમૂલની આ જાહેરાત બાદ વિવાદ ઉભો થયો હતો

કર્ણાટક મિલ્ક ફેડરેશનની બ્રાન્ડ 'નંદિની મિલ્ક' અને ગુજરાતની 'અમૂલ' વચ્ચે સહયોગ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલી અપીલની ઘણી ટીકા થઈ રહી છે.

કર્ણાટકમાં કેટલાક લોકોનું કહેવું છે કે અમિત શાહ ગુજરાતના 'આણંદ દૂધ સંઘ'ની બ્રાન્ડ ‘અમૂલ’ના માધ્યમથી 'નંદિની' બ્રાન્ડને હડપ કરી લેવા માગે છે.

લોકો સોશિયલ મીડિયા પર 'બ્રાન્ડ નંદિની મિલ્ક' હૅશટૅગ દ્વારા શાહની અપીલનો વિરોધ કરી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર, અમિત શાહે શુક્રવારે કર્ણાટકના માંડ્યા જિલ્લામાં 260 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી મેગા ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો અમૂલ અને નંદિની સાથે મળીને કામ કરે તો ત્રણ વર્ષમાં દરેક ગામમાં પ્રાથમિક ડેરીઓ બની જાય.

અમિત શાહે કહ્યું હતું કે આ કામ માટે કર્ણાટક મિલ્ક ફેડરેશનને અમૂલ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. જો નંદિની અને અમૂલ સાથે મળીને કામ કરશે તો સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે.પરંતુ શાહના આ નિવેદન બાદ કર્ણાટકમાં લોકોએ ટ્વિટર પર તેમના વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું હતું.

અમૂલ નંદિની વિવાદ

વિવાદ અંગે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ શું કહ્યું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રશ્ન - કર્ણાટકની ચૂંટણીમાં અમૂલની ચર્ચા કેમ?

જવાબ - સૌથી પહેલાં હું કહી દઉં કે ગુજરાતમાં અમૂલ એ સરદાર પટેલ દ્વારા ખેડૂતો સાથે મળીને સ્થાપેલી સંસ્થા છે એટલે તેમાં ખેડૂતો સિવાય બીજું કોઈ માલિક નથી. અમે સૌ તેમના માટે જ કામ કરીએ છીએ. કર્ણાટકની વાત કરીએ તો અમે ત્યાં હુબલી જેવા વિસ્તારોમાં પહેલાંથી હાજર છીએ અને અત્યારે અમે બૅંગ્લુરૂમાં જવાનું નક્કી કર્યું છે. નંદિની અને અમૂલ વર્ષોથી એકબીજાને મદદ કરતાં આવ્યાં છે. અમે કર્ણાટક મિલ્ક ફેડરેશનને જરૂર પડે ત્યારે ટેકનૉલૉજીકલ સપોર્ટ ઉપરાંત બીજી શક્ય તમામ મદદ કરતા આવ્યા છીએ. નંદિની અને અમૂલ એકબીજાનાં પ્રતિસ્પર્ધી નથી, બંને સાથે મળીને આગળ વધનારી સંસ્થાઓ છે. જે લોકોને સારું દૂધ અને ખેડૂતોને સારો નફો આપવામાં માને છે.

પ્રશ્ન - જો બંને એકબીજાને મદદ કરતાં હોય તો શું બૅંગ્લુરુમાં પ્રવેશ પહેલાં નંદિનીના સત્તાધીશો સાથે કોઈ વાત થઈ હતી?

જવાબ - હું જણાવી દઉં કે બૅંગ્લુરૂમાં આ અમૂલનું કોઈ 'ફૂલ ફ્લૅજેડ' લૉન્ચ નહોતું. નંદિની ત્યાં પહેલાંથી હાજર છે પરંતુ ત્યાં અમૂલના દૂધની માગ હોવાનું જાણવા મળ્યું. અમે માત્ર ઓનલાઈન માર્કેટ મારફતે આવા લોકો સુધી પહોંચવા માગીએ છીએ. બૅંગ્લુરુ ભારતના સિલિકૉન વૅલી તરીકે ઓળખાય છે અને લોકો ઓનલાઇન શૉપિંગ વધુ કરતા હોય છે. માટે અમૂલ આ પ્રકારના માર્કેટમાં પ્રવેશે તો નંદિની માટે કોઈ પણ પ્રકારનો ખતરો ઊભો થાય, તેવી કોઈ શક્યતા નથી. જેથી અમારે તેમની સાથે વાત કરવાની જરૂર નથી. જો નંદિની અહીં ગુજરાતમાં વેપાર કરવામાં આવે તો તેમને પણ અમારી સાથે કોઈ વાત કરવાની જરૂર નથી.

પ્રશ્ન - તો પછી બૅંગ્લુરુ હોટલ ઍસોસિયેશને અમૂલનો વિરોધ કેમ કર્યો?

જવાબ - મેં પહેલાં કહ્યું તેમ અમે માત્ર ઓનલાઇન ઍપ્લિકેશન મારફતે જ દૂધ અને દહીં વેચવાનું નક્કી કર્યું છે. અમે તો હોટલોને દૂધ કે દહીં વેચવાના જ નથી. તો પછી તેમનો અમારાં ઉત્પાદનોનો ઉપયોગ ન કરવાનું કે તેનો વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. કારણ કે અમે તો તેને વેચી જ નથી રહ્યા. જોકે, આ હોટલો અમૂલનાં ઉત્પાદનો જેવાં કે પનીર, ચીઝ વગેરે વાપરી જ રહી છે અને અમે તેમને એ આપતા જ રહીશું.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

YouTube કન્ટેન્ટ પૂર્ણ

પ્રશ્ન - ખેડૂતોની માનવામાં આવતી સંસ્થા 'અમૂલ'ની આસપાસ રાજકારણ રમાતું હોય એવું કેમ જોવા મળી રહ્યું છે?

જવાબ - આ પ્રશ્નનો જવાબ તો જે લોકો આવું કરી રહ્યા છે, તે જ આપી શકશે. અમે તો કોઈ વિવાદ કર્યો નથી. મીડિયામાં આવવા માટે અમુક લોકોએ વિવિધ નિવેદનો આપ્યાં છે. જેના લીધે આ ચર્ચા ઊભી થઈ છે પરંતુ એ વાતોમાં કોઈ તથ્ય નથી.

પ્રશ્ન - આરોપો છે કે વિજયા અને બૅન્ક ઑફ બરોડાના મર્જરની જેમ KMF પણ આવનારા દિવસોમાં અમૂલ સાથે મર્જ થઈ જશે?

જવાબ - આવું ક્યારેય શક્ય નહીં બને. બૅન્કનું મર્જર એક અલગ પ્રક્રિયા છે. તેને દૂધમંડળીઓ સાથે સાંકળી ન શકાય. રહી વાત કર્ણાટક મિલ્ક ફૅડરેશન (KMF)ને અમૂલ સાથે મર્જ કરવાના આરોપોની, તો એ વાતમાં કોઈ તથ્ય નથી. અમે સાથે મળીને કામ કરતા રહીશું. પણ બંનેના મર્જરની કોઈ શક્યતા જ નથી. બંને પોતપોતાની રીતે પોતાના સભ્યો માટે સારું કામ કરી રહ્યાં છે અને એકબીજાને શક્ય હોય એટલી તમામ મદદ કરતા આવ્યાં છે અને કરતાં રહેશે.

પ્રશ્ન - આજકાલ અમૂલ અને કેએમએફના સંબંધો કેવા છે?

જવાબ - અમારા સંબંધો વર્ષોથી ઘણા સારા છે. કોરોના સમયે અમે તેમના જ સભ્યો પાસેથી દૂધ ખરીદીને ત્યાં જ આઇસ્ક્રીમ બનાવીને વેચ્યો હતો. ખુદ કેએમએફે પણ કહ્યું હતું કે અમૂલની હાજરીથી તેમને કોઈ જ ખતરો નથી.

પ્રશ્ન - કર્ણાટકમાં દૂધની કિંમત ગુજરાત કરતાં ઓછી છે, તો બૅંગ્લુરુમાં સ્પર્ધામાં કેવી રીતે ટકશો?

જવાબ - હું ફરીથી કહું છું કે અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી. અમૂલના દૂધ અને દહીં બંનેના ભાવ નંદિની કરતાં વધારે છે. બૅંગ્લુરુમાં અમારા પ્રોડક્ટની માગ હતી અને જે લોકોને તે જોઈએ છે અમે તેમના માટે જ ત્યાં ગયા છીએ. કર્ણાટક સરકાર ત્યાંના ખેડૂતોને સબસિડી આપે છે, જેના લીધે ત્યાંના દૂધ અને દહીંની કિંમત અન્ય રાજ્યો કરતાં ઓછી જ રહેવાની છે.

રેડ લાઇન
રેડ લાઇન