સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં દસ દોષિતોને 19 વર્ષે મળી સજા, આખો મામલો શું હતો?

સ્વાધ્યાય પરિવાર, જય શ્રી દીદી, પાંડુરંગ અઠાવલે, પંકજ ત્રિવેદી હત્યા કેસ ચુકાદો, ભૂકંપ સહાય પૈસા ગેરરીતિ, અમદાવાદ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, દિવંગત પંકજ ત્રિવેદીની તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદની સેશન્સ કોર્ટમાં ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસે ગુજરાતના એક બહુચર્ચિત હત્યાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.

સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ભારત જાદવે હત્યારા દસ લોકોને આજીવન કેદની સજા સંભળાવતા કહ્યું હતું કે, "સ્વાધ્યાય પરિવાર જેવી સંસ્થાના અનુયાયીઓ ન્યાયિક પ્રક્રિયામાં અસત્ય આચરે એ દુ:ખદ છે."

આ ચુકાદો સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા પંકજ ત્રિવેદીની હત્યાના કેસનો હતો.

2006ની પંદરમી જૂને ઍલિસબ્રિજ જીમખાના પાસે થયેલી પંકજ ત્રિવેદીની હત્યાના કેસમાં 19 વર્ષ પછી ચુકાદો આવ્યો છે.

પંકજ ત્રિવેદી એન.આર.આઈ. હતા અને તેઓ સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા હોવાથી તેમની હત્યાનો મામલો ગુજરાતભરમાં ચર્ચાયો હતો.

સ્વાધ્યાય પરિવાર ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ફેલાયેલો છે અને અહીં તેમના અનુયાયીઓની સંખ્યા નોંધપાત્ર છે.

હવે જોઈએ કે પંકજ ત્રિવેદીની હત્યા કોણે કરી હતી,શા માટે કરવામાં આવી હતી અને શું હતો આખો મામલો અને કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું?

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના ભારતના આંતરરાષ્ટ્રીય સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાતના હવામાન સમાચાર, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારમાં અપાયેલા દાનનો હિસાબ માગ્યો હતો

સ્વાધ્યાય પરિવાર, જય શ્રી દીદી, પાંડુરંગ અઠાવલે, પંકજ ત્રિવેદી હત્યા કેસ ચુકાદો, ભૂકંપ સહાય પૈસા ગેરરીતિ, અમદાવાદ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી જયશ્રી તળવલકર, જયશ્રી દીદી, ધનશ્રી તળવલકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનુયાયીઓમાં 'દીદી' તરીકે ઓળખાતાં જયશ્રી તળવલકર (ફાઇલ તસવીર)

પોલીસની ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર અમેરિકામાં રહેતા એન.આર.આઈ. (નૉન રેસિડન્ટ ઇન્ડિયન) પંકજ ત્રિવેદી લગભગ 30 વર્ષથી સ્વાધ્યાય પરિવાર અને તેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો ત્યારે ભૂકંપમાં ગુજરાતમાં સર્જાયેલી તબાહી જોઈ એમનું દિલ દ્રવી ઉઠ્યું હતું. તેઓ પહેલેથી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા અને પાંડુરંગ શાસ્ત્રીના અનુયાયી હોવાથી અમેરિકાના ગુજરાતીઓમાં એમની શાખ ઘણી હતી.

તેમણે અમેરિકામાં રહેતા ભારતીયોને મદદ માટે અપીલ કરી અને કરોડો રૂપિયા એકઠા થઈ ગયા. તેમણે અમેરિકાથી એ પૈસા અમદાવાદ સ્વાધ્યાય પરિવારમાં ભૂકંપપીડિતોની મદદ માટે મોકલાવ્યા.

થોડા સમય પછી તેઓ અમેરિકાથી ગુજરાત આવ્યા અને તેમને કહેવામાં આવ્યું હતું કે અમેરિકાથી જે દાન આવ્યું છે એનો ઉપયોગ ભૂકંપપીડિતોના પુનઃવસવાટ માટે થયો છે.

ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે પંકજ ત્રિવેદીને દાનના પૈસામાં ગોટાળા થયા હોય એમ લાગ્યું, આથી તેમણે અમેરિકાથી એ સમયે મોકલાવેલા કરોડો રૂપિયાનો હિસાબ માંગ્યો હતો, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં.

આથી, પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારનાં 'દીદી' જયશ્રી તળવલકર સહિત બીજા ઉચ્ચ હોદ્દેદારોને મળવા માટે પત્ર લખીને સમય માંગ્યો હતો, પરંતુ તેમને કોઈને મળવા દેવાયા ન હતા.

સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિ અંગે એમને 'શંકા'ઓ હોવાથી તેમણે જવાબો માંગ્યા તો એમનો સ્વાધ્યાય પરિવારમાંથી 'બહિષ્કાર' થયો.

આથી, તેમણે ભૂકંપસહાયમાં અપાયેલા રૂપિયા અને અન્ય બાબતોને ઉજાગર કરતી એક પત્રિકા 'અશુભ' છાપી અને સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓમાં વહેંચી હતી. અહીંથી પંકજ ત્રિવેદીના જીવનમાં મોટો 'ભૂકંપ' આવ્યો.

પંકજ ત્રિવેદીની હત્યા કરવામાં આવી

સ્વાધ્યાય પરિવાર, જય શ્રી દીદી, પાંડુરંગ અઠાવલે, પંકજ ત્રિવેદી હત્યા કેસ ચુકાદો, ભૂકંપ સહાય પૈસા ગેરરીતિ, અમદાવાદ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, પંકજ ત્રિવેદીની અંતિમયાત્રા સમયની ફાઇલ તસવીર

કોર્ટમાં રજૂ થયેલી ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે "ત્યારબાદ એમના પર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી કોર્ટમાં કેસ થયા અને એકવાર એમને રાજકોટ જેલમાં પણ જવું પડ્યું હતું."

પોતે નિર્દોષ હોવાના દાવા સાથે આ તમામ કેસ સામે પંકજ ત્રિવેદીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને ગુજરાત હાઇકોર્ટે પંકજ ત્રિવેદી સામે થયેલા તમામ કેસ રદ કરવાનો 9 માર્ચ, 2006ના રોજ આદેશ આપ્યો હતો.

આ પહેલાં પણ પંકજ ત્રિવેદીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં એમને ઑક્ટોબર, 2004માં મુખ્ય મંત્રી અને રાજ્યપાલને કાગળ લખી રક્ષણ માંગ્યું હતું.

નવેમ્બર, 2005માં રાષ્ટ્રપતિને પણ કાગળ લખી રક્ષણ માંગ્યું હતું, તેમણે લખ્યું હતું કે પોતાને સ્વાધ્યાય પરિવારના 'ભરત ભટ્ટ સહિત કેટલાક લોકો'થી જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે.

તેમને ધમકીઓ મળતી હોવાથી પોલીસ રક્ષણ આપવા માટે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજીઓ પણ કરી હતી.

પરંતુ ગુજરાત હાઇકોર્ટમાંથી 'ક્લીનચિટ' મળ્યાના ત્રણ મહિનામાં જ તેમની હત્યા થઈ હતી.

પંકજ ત્રિવેદી નિયમિત રીતે પોતાના નિવાસસ્થાનેથી અમદાવાદ જીમખાનામાં જતા હતા.

કોર્ટમાં પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું, "ચન્દ્રસિંહ નામની વ્યક્તિને રાજકોટથી અમદાવાદ બોલાવવામાં આવી હતી અને સાબરમતીના રોશની ગેસ્ટહાઉસમાં રાખવામાં આવી હતી."

"અહીં એક ડબલ બેડવાળા રૂમમાં બે ઍક્સટ્રા બેડ રાખીને ચાર જણા રહેતા હતા. આ દરમિયાન આ ચાર લોકોએ પંકજ ત્રિવેદીની 11 જૂનથી 13 જૂન સુધી રેકી કરી હતી."

"પંકજ ત્રિવેદી રોજ અમદાવાદ જીમખાનામાં પોતાની કારમાં જતા હતા. આ સમયે અમદાવાદ જીમખાનાના પાર્કિંગમાં રિપેરિંગનું કામ ચાલતું હતું એટલે કાર અમદાવાદ જીમખાનાના પાછળના ભાગમાં પાર્ક થતી હતી અને આ ગલી અંધારી ગલી હતી."

"રેકી થયા પછી રાજકોટથી બેઝ-બૉલના બૅટ, લાકડી અને પાઇપ મંગાવવામાં આવી અને સાથે જ કુલ છ લોકો રાજકોટથી આવ્યા અને ચાર લોકો અમદાવાદના હતા, પરંતુ ભરત ભટ્ટ ત્યાં હાજર ન હતા."

પોલીસના જણાવ્યા પ્રમાણે સ્વાધ્યાય પરિવારના ભરત ભટ્ટે જ તેમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.

પોલીસ ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે, "આ લોકો 15 જૂને રાજકોટથી કારમાં બેઝ-બૉલના બૅટ, લાકડી અને લોખંડની પાઇપો સાથે અમદાવાદ આવ્યા હતા. અહીં એમને એક વૅન અને બે મોટરસાઇકલ આપવામાં આવી હતી. પંકજ ત્રિવેદી રોજના નિયમ પ્રમાણે રાત્રે સવા આઠ વાગ્યે જીમખાનામાંથી બહાર નીકળ્યા ત્યારે એમના પર બેઝ-બૉલના બૅટ, લાકડી અને પાઇપથી હુમલો કર્યો."

"ચોકીદાર વિશ્વકર્માએ બૂમો સાંભળી મુખ્ય સિક્યૉરિટી ગાર્ડને બોલાવ્યા ત્યાં સુધીમાં બે જણા મોટરસાઇકલ અને ચાર જણા મારુતિ વૅનમાં ભાગી ગયા હતા."

પોલીસ આવે તે પહેલાં જ પંકજ ત્રિવેદીનું મૃત્યુ થયું હતું.

આરોપીઓની થિયરી કોર્ટમાં કેવી રીતે ખુલ્લી પડી?

સ્વાધ્યાય પરિવાર, જય શ્રી દીદી, પાંડુરંગ અઠાવલે, પંકજ ત્રિવેદી હત્યા કેસ ચુકાદો, ભૂકંપ સહાય પૈસા ગેરરીતિ, અમદાવાદ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Movie Poster

ઇમેજ કૅપ્શન, શ્યામ બેનેગર દ્વારા નિર્દેશિત ફિલ્મ અંતર્નાદના કેન્દ્રમાં સ્વાધ્યાય ચળવળ હતી

સિક્યૉરિટી ગાર્ડે એમના ચહેરા જોયા હતા અને ઉતાવળમાં એ લોકો બેઝ-બૉલનું બૅટ ત્યાં છોડીને નાસી છૂટ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આવા કેટલાક અન્ય પુરાવા પણ હતા.

પોલીસ તપાસ વી. ડી. ગોહિલ અને બી. ટી. કામરિયા નામના અધિકારીને સોંપવામાં આવી હતી. આરોપીઓ વાનમાં બેસીને સૌરાષ્ટ્ર જતા રહ્યા હતા.

બેઝ-બૉલનું બૅટ ક્યાંથી ખરીદાયું હતું એના મૂળ સુધી પહોંચતા પોલીસને 19 દિવસ લાગ્યા હતા.

સૌપ્રથમ અમદાવાદનો એક આરોપી ભૂપતસિંહ જાડેજા પકડાયો અને તેના ફોનના સી.ડી.આર. (કૉલ ડિટેઇલ રેકૉર્ડ્સ) પરથી બીજા આરોપી પકડાયા. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે એમની ઓળખ પરેડ થઈ ત્યારે ચોકીદારે જ એમને ઓળખી બતાવ્યા હતા.

સાબરમતીના રોશની ગેસ્ટ હાઉસમાં આ લોકો રેકી માટે રોકાયા હોવાનું બહાર આવ્યું જેમાં જાણવા મળ્યું હતું કે ચાર દિવસ સુધી આ લોકો બનાવટી નામ અને ઍડ્રેસ પર રોકાયા હતા.

પોલીસતપાસમાં બહાર આવ્યું હતું કે, "ગેસ્ટહાઉસનું ટીવી બરાબર ચાલતું ન હતું એટલે આ લોકોએ ગેસ્ટહાઉસમાં ઝઘડો કર્યો હતો. આથી, ગેસ્ટ હાઉસના મૅનેજરને પણ તેમના ચહેરા બરાબર યાદ હતા અને તેમની ઓળખ કરી હતી."

બીજી તરફ મોબાઇલ ફોનના સીડીઆર અને ટાવરના લૉકેશન મુજબ આ લોકો હત્યા થઈ ત્યાં હાજર હતા એ સાબિત થયું. કાનૂની છટકબારીમાંથી બચવાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા હતા. આમ, એક પછી એક કડીઓ જોડાતી ગઈ અને કેસ ઉકેલાતો ગયો.

સરકારી વકીલનું શું કહેવું છે?

આ કેસમાં સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ કેસમાં કેટલાક સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ ગયા હતા, પરંતુ અમારી પાસે પુરાવા મજબૂત હતા. ફોનના સીડીઆર રેકૉર્ડ, ઉપરાંત આરોપી પાસેથી મળી આવેલાં કપડાં પરનું લોહી મૃતકનું હતું."

"હત્યાના સ્થળેથી મળી આવેલ બેઝ-બૉલના બૅટની ફિંગરપ્રિન્ટ પણ મૅચ થતી હતી, અને મુખ્ય બાબત એ હતી કે પંકજ ત્રિવેદીને મળેલી ધમકી અંગે એમણે લખેલા પત્રો, કોર્ટે ડાઇંગ ડિક્લેરેશનમાં ગણ્યા, જેથી કેસ વધુ મજબૂત થયો અને અમે 84 સાક્ષી અને સજ્જડ પુરાવાના આધારે કેસ સાબિત કર્યો."

"હત્યાના 19 વર્ષ બાદ આ ચંદ્રસિંહ જાડેજા, હિતેશસિંહ ચુડાસમા, દક્ષેશ શાહ, ભૂપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ ચુડાસમા, ભરત ભટ્ટ, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાન્ત ડાકી અને જશુભા જાડેજા સહિત 10 જણાને આજીવનકેદની સજા થઈ છે."

પંકજ ત્રિવેદીના કુટુંબીઓએ શું કહ્યું?

સ્વાધ્યાય પરિવાર, જય શ્રી દીદી, પાંડુરંગ અઠાવલે, પંકજ ત્રિવેદી હત્યા કેસ ચુકાદો, ભૂકંપ સહાય પૈસા ગેરરીતિ, અમદાવાદ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પંકજ ત્રિવેદીના મોટાભાગના સંબંધીઓ અમેરિકામાં રહે છે.

એમના કૌટુંબિક સગાં કે. ડી. રાવલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "પંકજ ભાઈને ન્યાય મળ્યો એનાથી અમને સંતોષ છે. તેમણે 2001થી 2006 સુધીમાં આ કૌભાંડ ખોલવામાં ખૂબ તકલીફો વેઠી હતી."

"તેમની ઉપર અલગ અલગ કોર્ટમાં કેસ થયા હતા જેના કારણે તેઓ અમેરિકા પરત જઈ શકતા નહતા. આથી, તેમને ધંધામાં પણ ઘણું નુકસાન થયું હતું."

"ગુજરાત હાઇકોર્ટે એમની સામેના તમામ કેસને રદ્દ કર્યા એ પછી તેઓ અમેરિકા જવાનો પ્લાન કરતા હતા. પરંતુ એ પહેલાં જ તેમની હત્યા થઈ ગઈ."

એમનાં પત્ની શ્રુતિ ત્રિવેદીનો સંપર્ક સાધવાનો બીબીસીએ પ્રયાસ કર્યો પણ એમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

સ્વાધ્યાય પરિવાર પર લાગેલા આરોપો વિશે બીબીસીએ જયશ્રી તળવલકર અને સ્વાધ્યાય પરિવારનો પણ સંપર્ક સાધવાની કોશિશ કરી હતી, પણ સંપર્ક થઈ શક્યો નહોતો. તેમનો જવાબ આવ્યા બાદ અહીં અપડેટ કરવામાં આવશે.

પંકજ ત્રિવેદી કોણ હતા?

અમદાવાદમાં સત્યાગ્રહ છાવણીમાં રહેતા પંકજ ત્રિવેદીના અંગત મિત્ર અને એમની લડાઈમાં સાથ આપનાર સતીશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પંકજ ત્રિવેદીના પિતા ગુજરાત પોલીસમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા હતા.

"પંકજ ત્રિવેદી ભારતીય સેનામાં કામ કરતા હતા એ સમયે ભાવનિર્ઝરમાં રહેતા અને ગુજરાતની સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડાયા. એક સમયના મોભી સ્વ. પરમાનંદ ગાંધીના સંપર્કમાં આવ્યા અને સ્વાધ્યાય પ્રવૃત્તિમાં રસ લેતા થયા હતા.

"સેનામાંથી નિવૃત્ત થયા બાદ એ સ્વાધ્યાય પ્રવૃત્તિમાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા હતા. આ સમયમાં એ સગા સાથે અમેરિકા ગયા હતા. ત્યાં સ્ટોર કર્યો હતો અને અમેરિકામાં એ ભારતીયો વચ્ચે સ્વાધ્યાય પ્રવૃત્તિ પણ ચલાવતા. એમનું એક સાત્ત્વિક વ્યક્તિ તરીકે, અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં સારું નામ હતું. તેઓ અમેરિકામાં સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જે દાન આવે એનો પાઈપાઈનો હિસાબ ત્યાંના ગુજરાતીઓને આપતા હતા અને એના કારણે એમની છાપ અમેરિકા જ નહીં, ભારતમાં વસતા લોકોમાં પણ સારી હતી. એટલે જ ભૂકંપ વખતે ગુજરાતમાં થયેલી તબાહી સમયે અમેરિકામાં વસતા ભારતીયોએ એમને ખોબલે ખોબલે પૈસા આપ્યા હતા."

સતીશ પટેલ કહે છે કે "હું પણ સ્વાધ્યાય પ્રવૃત્તિમાં પંકજભાઈના હિસાબે જોડાયો હતો. એમણે જ્યારે ગુજરાતમાં ભૂકંપ વખતે પૈસા ભેગા કર્યા ત્યારે અમેરિકામાં વસતા લોકોએ પૈસા આપ્યા અને એને હિસાબ ન મળ્યો ત્યારે પંકજભાઈએ લડાઈ શરૂ કરી. મારી જેમ બીજા લોકો એ લડાઈમાં જોડાયા. અમે પંકજભાઈએ સાથે વડોદરામાં પત્રકારપરિષદ યોજી એ સમયે મારી ઑફિસમાં મારી પર હુમલો થયો હતો. અમારા સાથીદાર સચાણિયા પર સૌરાષ્ટ્રમાં હુમલા થયા હતા."

તેમનું કહેવું છે કે પછી ધીમેધીમે સ્વાધ્યાય પરિવારના અનુયાગીઓ ઘટતા ગયા.

સ્વાધ્યાય પરિવારની અધિકૃત વેબસાઇટ પર એમના અનુયાયીઓનો કોઈ આંકડો મુકાયો નથી, પણ સતીશ પટેલના કહેવા મુજબ "ગુજરાતના એ સમયના સાડા ત્રણ લાખ અનુયાયીઓ નિષ્ક્રિય થઈ ગયા હતા."

સ્વાધ્યાય પરિવાર શું છે?

સ્વાધ્યાય પરિવાર, જય શ્રી દીદી, પાંડુરંગ અઠાવલે, પંકજ ત્રિવેદી હત્યા કેસ ચુકાદો, ભૂકંપ સહાય પૈસા ગેરરીતિ, અમદાવાદ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2006માં અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન સ્વાધ્યાય પરિવારનાં તત્કાલીન સર્વેસર્વા જયશ્રી 'દીદી' (ફાઇલ તસવીર)

મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્રમાં લાખોની સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા સ્વાધ્યાય પરિવારની સ્થાપના 1954માં પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા કરવામાં આવી હતી.

સ્વાધ્યાય પરિવાર નિષ્કામ ભક્તિ અને ઉપનિષદો તથા ભગવદ્ ગીતા જેવા ગ્રંથોના ઉપદેશોને 'આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે ઉપયોગમાં લેવાની દિશામાં' કાર્ય કરે છે.

પાંડુરંગ આઠવલેને સ્વાધ્યાય પરિવારના અનુયાયીઓ 'દાદા' (એટલે મરાઠી ભાષામાં મોટાભાઈ) તરીકે સંબોધતા હતા. જેમણે એક સમાજમાં 'જ્ઞાતિઓ વચ્ચેના ભેદભાવોને દૂર કરીને સહુને એક મનુષ્ય તરીકે આધ્યાત્મિક અને સામાજિક વિકાસ માટેનું માર્ગદર્શન' તેમના અનુયાયીઓને આપ્યું હતું.

સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતના સામાજિક વિજ્ઞાન વિભાગનાં પીએચ.ડી. સ્કૉલર વંદના પરમારે લખેલા શોધપત્ર 'Swadhyay Movement in Gujarat'માં જણાવ્યા અનુસાર "સ્વાધ્યાય પરિવાર દ્વારા ચાલતાં સ્વાધ્યાય કેન્દ્રો સ્વ-અભ્યાસ માટે મહત્ત્વનાં હતાં. જેમાં બાલ સંસ્કાર કેન્દ્ર, મહિલા કેન્દ્ર, યુવતી કેન્દ્ર, યુવક કેન્દ્ર, વીડિયો કેન્દ્ર, સંપર્ક કેન્દ્ર વગેરેનો સમાવેશ થતો હતો."

પરમાર તેમના સંશોધનપત્રમાં લખે છે, "કેન્દ્રો ઉપરાંત સ્વાધ્યાયનાં સામાજિક-આર્થિક પ્રયોગો મહત્ત્વપૂર્ણ છે. તેમાં યોગેશ્વર કૃષિ (સરકારી ભંડોળ કે મદદ વિના થતી સામુદાયિક ખેતી), મત્સ્યગંધા (ઇશ્વરની ભક્તિ માટે માછીમારીના કૌશલ્યથી સહકારી ધોરણે માછીમારી કરવી), વૃક્ષ મંદિર, અમૃતાલયમ, ઘર મંદિર વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રયોગોના મૂળમાં સમુદાય રહેલા છે અને આ પ્રયોગો બિનવ્યક્તિગત આર્થિક ઉપાર્જનમાં યોગદાન આપતાં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.