You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિપરજોય વાવાઝોડું સીધું જ ગુજરાત પર કચ્છમાં ત્રાટકશે? કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે?
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય નામના વાવાઝોડાએ હવે પોતાનો થોડો રસ્તો બદલ્યો છે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે.
હાલ આ વાવાઝોડું અતી પ્રચંડ બની ચૂક્યું છે અને દરિયામાં આગળ વધી રહ્યું છે. તે ગુજરાતના કચ્છ માંડવી તરફ કે ગુજરાતની પાસેથી પસાર થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
દરિયાની અંદર રહેલું આ વાવાઝોડું હજી પણ વધારે તાકતવર બને તેવી સંભાવના છે અને આવનારા એકાદ દિવસમાં તેના પવનની ગતિ કલાકના 155 થી 165 કિમી પહોંચી શકે છે અને મહત્તમ ઝડપ 190 કિલોમિટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું હાલ દરિયામાં લગભગ 5થી 6 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.
પોરબંદરથી આ વાવાઝોડું હાલ લગભગ 530 કિલોમિટર દૂર છે અને તેની અસર ગુજરાત પર વર્તાવની શરૂ થઈ ગઈ છે.
વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજી વાવાઝોડું ખરેખર ક્યાં ત્રાટકશે તે નક્કી થઈ શક્યું નથી કેમ કે સતત તેનો રસ્તો બદલાઈ રહ્યો છે.
જોકે, હવામાન વિભાગનું મૉડલ એવું બતાવી રહ્યું છે કે ગુજરાતની એકદમ પાસેથી પસાર થઈને આ વાવાઝોડું પાકિસ્તાન પર જઈ રહ્યું છે.
જ્યારે GFS મૉડલ પ્રમાણે જોઈએ તો આ મૉડલ ગુજરાતના દરિયાકિનારા પર વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના દર્શાવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાની આસપાસ આ વાવાઝોડું ટકરાય તેવી શક્યતા બતાવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, અત્યાર સુધી એ આ વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે જમીન સાથે ટકરાશે અને ગુજરાત પર તેની અસર થવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે.
દેવભૂમિ દ્વારકા, કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટના કેટલાક વિસ્તારોમાં તેની અસર થવાની શક્યતા છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સાવચેતીના પગલાં લઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો પર ભારે જોખમ?
હાલની સ્થિતિ પ્રમાણે, જો વાવાઝોડું ફરીથી પોતાનો રસ્તોના બદલે તો, તેનું સૌથી વધારે જોખમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર છે. આ વિસ્તારો પર તેની વધારે અસર થવાની સંભાવના દેખાઈ રહી છે.
હવામાન વિભાગની હાલની માહિતી પ્રમાણે 10 જૂનથી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 55 કિમી સુધી પહોંચે તેવી પણ શક્યતા છે.
11 જૂનના રોજ પવનની ગતિ 40થી 50 કિમી અને વધીને 60 કિમી સુધી પહોંતે તેવી શક્યતા દેખાઈ રહી છે. 12 જૂનના રોજ પવનની ગતિ ફરી વધશે અને દરિયાકિનારાના વિસ્તારોમાં તે 65 કિમી પ્રતી કલાક સુધી પહોંચે તેવી સંભાવના છે.
સૌથી વધારે અસર 13થી 15 જૂન દરમિયાન થવાની શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ પણ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
વાવાઝોડું ક્યારે ત્રાટકે તેવી સંભાવના છે?
વાવાઝોડું બિપરજોય હાલ આ લખાય છે ત્યારે પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં છે અને કલાકના લગભગ 3થી 9 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગનું કહેવું છે કે તે હજી વધારે મજબૂત બનશે અને ત્રણથી ચાર દિવસ સુધી દરિયામાં જ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.
વાવાઝોડાના ટ્રેક મુજબ જોઈએ તો લગભગ 14 કે 15 જૂનની આસપાસ તે કાંઠે પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. પરંતુ તેની અસર એકાદ બે દિવસ પહેલાં જ શરૂ થઈ જશે. જોકે, આ હાલની સ્થિતિ પ્રમાણેનો અંદાજ છે. આમાં ફેરફાર થઈ શકે છે.
ગુજરાતમાં જે વિસ્તારોમાં અસરની સંભાવના છે તે તમામ વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે. કેટલાક વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પણ મોકલી દેવામાં આવી છે.
હવામાન વિભાગ પણ સતત આ વાવાઝોડા પર નજર રાખી રહ્યું છે. રાજ્યમાં કેટલાક બીચને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.