અનિલ અંબાણીની વધુ એક કંપનીએ દેવાળું ફૂંક્યું, હવે રફાલનું શું થશે?

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13-14 જુલાઈએ ફ્રાંસની બે દિવસના સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. તેમને ફ્રાંસની રાષ્ટ્રીય પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

પીટીઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી વધુ એક મોટો સંરક્ષણ સોદો કરી શકે છે. તેમાં નૌકાદળ માટે રફાલ-એમની ખરીદીનો પણ સમાવેશ થાય છે. આ એ જ કંપની છે, જેની પાસેથી ભારતીય વાયુ દળે 36 રફાલ ખરીદ્યાં હતાં.

વાસ્તવમાં રફાલ બનાવતી કંપની ડસો એવિયેશને 2017માં અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડને પોતાની ઑફસેટ ભાગીદાર બનાવી હતી.

અલબત્ત, એ બાબતે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. વિરોધ પક્ષે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે અનિલ અંબાણી જૂથની મોટા ભાગની કંપનીઓ બરબાદી તરફ આગળ વધી રહી છે અને તેમને ડિફેન્સ બિઝનેસના અનુભવી પણ ગણી શકાય તેમ નથી ત્યારે સરકાર તેમની સાથે રૂ. 30,000 કરોડનો કરાર શા માટે કરી રહી છે?

અનિલ અંબાણીનો સમાવેશ ક્યારેક દુનિયાના ટોચના 10 અબજોપતિઓમાં થતો હતો, પણ હાલ તેમનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે.

કૉમ્યુનિકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજ ઉત્પાદન તથા સપ્લાય, જહાજ નિર્માણ અને હોમ ફાઇનાન્સ જેવા તમામ બિઝનેસમાં સફળ થયેલા અનિલ અંબાણી હવે દેવાની જાળમાં એવા ફસાયા છે કે તેમને અનેક કંપની કંગાળ થઈ ગઈ છે અને કેટલીક મામૂલી કિંમતે વેચાઈ ગઈ છે.

રિલાયન્સ કેપિટલ પછી તેમની વધુ એક કંપની બરબાદીના માર્ગ પર છે. તેનું નામ રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ (આરએનઈએલ). અનિલ અંબાણીએ આ જ કંપની મારફત ડિફેન્સ સેક્ટરમાં પગરણ કર્યાં હતાં.

વિવાદોનું સંયુક્ત સાહસ

આરએનઈએલની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. વાસ્તવમાં અનિલ અંબાણી જૂથે 2015માં પીપાવાવ ડિફેન્સ ઍન્ડ ઑફશોર એન્જિનિયરિંગ લિમિટેડ કંપની ખરીદી હતી. બાદમાં એ કંપનીનું નામ બદલીને રિલાયન્સ ડિફેન્સ ઍન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ લિમિટેડ રાખવામાં આવ્યું હતું. રફાલ સોદો આ ગ્રૂપનો પહેલો મોટો સોદો હતો.

ફ્રેન્ચ કંપની ડસોએ રિલાયન્સ સાથે એક સંયુક્ત સાહસ શરૂ કર્યું હતું. તે કંપનીનું નામ હતું ડસો રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ. તેમાં રિલાયન્સની હિસ્સેદારી 51 ટકા અને ડસોની હિસ્સેદારી 49 ટકા હતી.

આ કંપનીએ નાગપુરના મિહાનસ્થિત સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનમાં ફેક્ટરીનું નિર્માણ પણ કર્યું હતું અને ત્યાં યુદ્ધવિમાનોના પૂર્જા તબક્કાવાર બનાવવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ અનિલ અંબાણીની રિલાયન્સ નેવલ ડિફેન્સ ઍન્ડ એન્જિનિયરિંગ પણ કરજના કળણમાં ફસાયેલી છે.

કરજ નહીં ચૂકવવાને કારણે કેટલાક લેણદાર કંપનીને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટીમાં ઢસડી ગયા છે. એનસીએલટીની અમદાવાદ સ્પેશિયલ ખંડપીઠે લિલામની પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે.

સ્વાન ઍનર્જીના નેતૃત્વ હેઠળનું હેઝલ મર્કેન્ટાઈલ કોન્સોર્શિયમ અનિલ અંબાણીની આ કંપનીને ખરીદવાની સ્પર્ધામાં સૌથી આગળ છે. તેણે રૂ. 2,700 કરોડની ઑફર રજૂ કરી છે.

આરએનઈએલની કંગાળ હાલત

બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જ પર કંપનીની શૅરહોલ્ડિંગ મુજબ, માર્ચ-2023 સુધી આરએનઈએલમાં પ્રમોટર્સ (અનિલ અંબાણી)ની કોઈ હિસ્સેદારી ન હતી, જ્યારે સરકારી વીમા કંપની એલઆઈસીનો તેમાં 7.93 ટકા હિસ્સો હતો. તેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો લગભગ અડધો ટકો હતો. બાકીના શૅર સામાન્ય રોકાણકારો પાસે હતા.

આનો અર્થ સ્પષ્ટ છે કે કંપની ડૂબવાથી સૌથી વધુ નુકસાન સામાન્ય રોકાણકારો તથા એલઆઈસીને થશે.

આરએનઈએલે 2022ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના જે આંકડા બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જને ઉપલબ્ધ કરાવ્યા છે તે મુજબ, કંપનીની આવક માત્ર રૂ. 68 લાખ હતી. એ દરમિયાન કંપનીએ કુલ રૂ. 527 કરોડથી વધુની ખોટ દર્શાવી હતી.

2023ની 19 એપ્રિલે કરેલા ઍક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ 2021-22નું પરિણામ જણાવ્યું હતું. તે મુજબ, વર્ષ દરમિયાન કંપનીની આવક રૂ. 6 કરોડ, 32 લાખ રૂપિયા હતી, જ્યારે કુલ ખોટ રૂ. 2086 કરોડની હતી.

સંયુક્ત સાહસનું શું થશે?

અનિલ અંબાણી જૂથની કંપનીઓ પર ઝીણવટભરી નજર રાખતા અને શૅરમાર્કેટના વિશ્લેષક અવિનાશ ગોરક્ષકરના જણાવ્યા મુજબ, આરએનઈએલની નાદારીની અસર ભારત-ફ્રાંસના સંયુક્ત સાહસ ડસો રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ પર પણ નિશ્ચિત રીતે જ થશે.

અવિનાશ કહે છે, “સંયુક્ત સાહસમાં લગભગ સમાન હિસ્સેદારી છે. બન્ને કંપનીએ સમાન પ્રમાણમાં રોકાણ કરવાનું જ છે. ડસો તો રોકાણ કરશે, પરંતુ અનિલ અંબાણીના હિસ્સાનું શું થશે?”

ચીનમાં બૅન્કોના કરજ સંબંધી વિવાદ વિશે ઇંગ્લૅન્ડની હાઈકોર્ટમાં 2020ની સુનાવણી દરમિયાન અનિલ અંબાણીએ સ્વીકાર્યું હતું કે તેઓ નાદાર થઈ ગયા છે અને કરજ ચૂકવી શકે તેમ નથી.

અનિલ અંબાણીના વકીલે એવી દલીલ કરી હતી કે “અનિલ અંબાણીની નેટવર્થ ઝીરો છે. તેઓ નાદાર છે. તેઓ દેવું ચૂકવી શકે તેમ નથી. પરિવારના લોકો પણ તેમને મદદ કરી શકે તેમ નથી.”

પૈસાની તંગીને કારણે હાલ અનિલ અંબાણીએ તેમની સુસ્થાપિત કંપનીઓ એક પછી એક ગુમાવી રહ્યા છે ત્યારે તેઓ રફાલ માટે રચવામાં આવેલા સંયુક્ત સાહસને કેવી રીતે ચલાવી શકશે?

રફાલનું શું થશે?

રિસર્ચ એનલિસ્ટ આસિફ ઇકબાલ માને છે કે ડસો રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ અનિલ અંબાણી જૂથની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની હોવાથી સંયુક્ત સાહસની કેટલીક શરતો અલગ હોય અને આ સંયુક્ત સાહસ ચાલતું રહે તે શક્ય છે.

અલબત્ત, અનિલ અંબાણી ગ્રૂપની કંગાળ નાણાકીય હાલતને ધ્યાનમાં લેતાં આ ઉપક્રમ ‘મેક ઇન ઇન્ડિયા’ના જે લક્ષ્યાંક તેને શરૂ કરવામાં આવ્યો હતો, તેને હાંસલ કરે તેવી શક્યતા જણાતી નથી, એવું પણ તેઓ માને છે.

આસિફ કહે છે, “રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સત્તાવાર વેબસાઇટ પર પણ આ સંયુક્ત સાહસનું અપડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમૅન્ટ જોવા મળતું નથી. છેલ્લે 2019માં ફાઇનાન્શિયલ સ્ટેટમૅન્ટ બહાર પાડવામાં આવ્યું હતું.”

તે સ્ટેટમૅન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 31 માર્ચ, 2019 સુધીમાં ડસો રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડની કુલ નાણાકીય જવાબદારી રૂ. 142 કરોડથી વધુની હતી, જ્યારે બરાબર એક વર્ષ પહેલાં 31 માર્ચ, 2018ના રોજ તે આંકડો રૂ. 38 કરોડ, 81 લાખ હતો.

અનિલનું વ્યક્તિત્વ મોટાભાઈ કરતાં અલગ

ભારતમાં અંબાણી પરિવાર સૌથી સમૃદ્ધ છે, પરંતુ ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણી કરતાં તેમના નાના ભાઈની કહાણી ઘણી અલગ છે.

મુકેશ વિવાદોને પોતાની પાસે ફરકવા સુધ્ધાં દેતા નથી, જ્યારે અનિલ અનેક વાર વિવાદમાં ફસાઈ ચૂક્યા છે.

અનિલ અંબાણીને સારી રીતે ઓળખતા આર્થિક વિશ્લેષક માને છે કે તેમની વર્તમાન હાલતનું કારણ નાણાકીય ગેરવહીવટ છે. રિલાયન્સ જૂથના ભાગ પડ્યા પછી અનિલને જે કંપનીઓ મળી હતી તેની પ્રગતિ પર ધ્યાન આપવાને બદલે તેઓ નવા-નવા ધંધામાં નાણાં ઠાલવતા રહ્યા હતા, જે તેમના માટે ખોટનો સોદો સાબિત થયો.

નવી કંપનીઓ રોકાણકારોનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકી નહીં અને સુસ્થાપિત કંપનીઓની ગાડી પાટા પરથી ઊતરવા લાગી. તેનું પરિણામ એ આવ્યું કે નાના અંબાણી કરજની જાળમાં વધુને વધુ ફસાતા ગયા.

એક સમયે મોટી ડાંફો ભરતા હતા અનિલ

2007ની વાત છે. અંબાણીબંધુ એટલે મુકેશ તથા અનિલ વચ્ચેના ભાગલાને બે વર્ષ થઈ ગયાં હતાં. એ સમયે ફૉર્બ્સ સામયિકની વિશ્વના શ્રીમંતોની યાદીમાં મોખરે હતા. મોટાભાઈ મુકેશ નાના અનિલથી થોડા વધારે શ્રીમંત હતા. અનિલ અંબાણી 45 અબજ ડૉલરની સંપત્તિના માલિક હતા, જ્યારે મુકેશ અંબાણી 49 અબજ ડૉલરની સંપત્તિના માલિક હતા.

2007-08ની મંદીએ તમામ ઉદ્યોગપતિઓને આંચકો આપ્યો હતો. તેમાં મુકેશ અંબાણી પણ સામેલ હતા. તેમની સંપત્તિમાં લગભગ 60 ટકા ઘટાડો થયો હતો, પરંતુ તેઓ એ મુશ્કેલ સમયમાંથી બહાર આવી ગયા હતા અને પોતાની જૂની સ્થિતિ નજીક પહોંચી ગયા હતા. એ પછી તેઓ સતત પ્રગતિ કરી રહ્યા છે.

તેનાથી વિપરીત, 2008માં ખાસ કરીને રિલાયન્સ પાવરનો પબ્લિક ઇસ્યૂ આવ્યો તે પહેલાં, ઘણા લોકો માનતા હતા કે નાના ભાઈ તેમના મોટાભાઈથી આગળ નીકળી જશે. રિલાયન્સ પાવરનો તે ઇસ્યૂ અનેક અર્થમાં ઐતિહાસિક હતો અને એક મિનિટથી પણ ઓછા સમયમાં તેનું જાહેર ભરણું છલકાઈ ગયું હતું.

તેમની મહત્ત્વાકાંક્ષી યોજનાને લીધે તેમના એક શૅરની કિંમત રૂ. 1,000 થશે, તેવું માનવામાં આવતું હતું. એવું વાસ્તવમાં થયું હોત તો અનિલ ખરેખર મુકેશની આગળ નીકળી ગયા હોત, પણ એવું થયું નહીં.

અનિલ અંબાણીનો એકેય બિઝનેસ વિકસી શક્યો નહીં. તેમના પર મોટું કરજ છે. હવે તેઓ કશું નવું શરૂ કરી શકે તેવી સ્થિતિમાં નથી તેઓ તેમના મોટા ભાગના બિઝનેસ કાં તો વેચી રહ્યા છે અથવા તો સમેટી રહ્યા છે.