You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દીકરીના જન્મદિવસે જ પિતાનું અંગદાન થયું', સુરતમાં પિતાના આંતરડા, લિવર અને કિડનીના દાનની હૃદયસ્પર્શી કહાણી
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
“મારા જીવનમાં હું અંગદાનની 300 ઘટનાનો સાક્ષી બન્યો છું, પણ આ ઘટના મને વધુ સ્પર્શી ગઈ. મૃત પતિના અંગદાન માટે પત્નીએ હિંમતભેર કહ્યું, ‘હું તૈયાર છું, મારા પતિનાં અંગો દાન કરી દો’.”
ગુજરાતમાં અંગદાન મામલે સતત સક્રિય રહેતી તબીબી ટીમ સાથે સંકળાયેલા ડૉ. નિલેશ કાછડિયાના આ શબ્દો છે.
ડૉ નિલેશ કાછડિયાએ જણાવ્યું કે, "દીકરીના જન્મદિવસે જ પિતાનું અંગદાન થયું હતું."
“મૃતકના સ્વજનનો સહકાર ઉપરાંત ડૉક્ટરો અને પોલીસની ટીમની 48 કલાકની મહેનત રંગ લાવે, ત્યારે ડૉનરે આપેલું અંગ જરૂરિયાતવાળી વ્યક્તિ સુધી સુરક્ષિત પહોંચતું હોય છે. આ કામગીરી યુદ્ધસ્તરે ચાલતી હોય છે.”
સુરત સિવિલ હૉસ્પિટલના ડૉ. નિલેશ કાછડિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સુરતમાં થયેલા આંતરડાના પ્રથમ અંગદાન વિશે જણાવે છે.
તાજેતરમાં સુરતમાં એક વ્યક્તિ બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમનાં આંતરડા, લિવર અને કિડનીનું દાન કરાયું હતું. ગુજરાતમાં આંતરડાનું આ લગભગ ત્રીજું કે ચોથું અંગદાન છે.
અંગદાન શું છે, કોણ કરી શકે?
વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારની સંમતિ બાદ મૃતકના શરીરના બાહ્ય કે આંતરિક અંગો જે સ્વસ્થ હોય તેને કાઢી લઈ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની મદદથી જરૂરિયાતવાળી વ્યક્તિ (દર્દી)ના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે.
વ્યક્તિ જીવિત હોય ત્યારે પણ અંગદાન માટે સ્વૈચ્છિક રીતે અંગદાન માટે નામ નોંધણી કરાવતી હોય છે. એના મૃત્યુ પછી તેનાં અંગોનું દાન થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ, આ રીતે મૃત્યુ પછી અન્ય જરૂરિયાતમંદને અંગ મળે એ માટે કરવામાં આવતાં અંગોના દાનને અંગદાન કહેવામાં આવે છે.
ડૉ. નિલેશ કાછડિયા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “બ્રેઇન ડેડ એટલે કે એવી વ્યક્તિ જે માત્ર વેન્ટિલેટર જેવા પર જ ટકી રહી હોય અને માત્ર મશીનોથી જ જીવિત હોય. ”
“ભલે વ્યક્તિએ જીવિત હોય ત્યારે નોંધણી કરાવી હોય, છતાં મૃત્યુ પછી એના પરિવારની સંમતિ જરૂરી છે.”
“બ્રેઇન ડેડ જાહેર થયા બાદ શક્ય તેટલા જલદી અંગદાન થઈ જાય તે સારું રહે છે. વ્યક્તિ આંતરિક અને બાહ્ય અંગોનું દાન કરી શકે છે.”
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ : ‘માત્ર ચાર કલાકનો સમય’
ડૉ. કાછડિયા અનુસાર શરીરનાં બાહ્ય અંગો જેવા કે હાથ, આંખો, ત્વચાને કેટલાક સમય સ્ટોર કરી શકાય છે. પરંતુ આંતરિક અંગો માટે સમયની મર્યાદાઓ છે. એટલે ડૉનર (દાતા)માંથી અંગ કાઢ્યા બાદ એને કેટલાક નિશ્ચિત સમયમાં જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરી દેવું પડે છે. નહીં તો પછી એ અંગ કામમાં નથી આવી શકતું.
ડૉનરનું અંગ કોને મળશે એ કઈ રીતે નક્કી થાય છે?
ડૉ. કાછડિયા જણાવે છે કે "પ્રાઇવસીના પ્રોટોકોલ મુજબ આ જાણકારી જાહેર નથી કરાતી. એટલે ડૉનર કોણ છે અને અંગ મેળવનાર કોણ છે એ વિગતો બંને પરિવારો સાથે વહેંચવામાં નથી આવતી."
તેઓ ઉમેરે છે,“રાજ્ય સરકાર દ્વારા એક વેઇટિંગ લિસ્ટ બનતું હોય છે, એમાં પુરુષ, મહિલા, બાળક અને તેમને જોઈતા અંગની કેટલી ગંભીર જરૂર છે એ વિશેનો સ્કોર બને છે. એના આધારે વેઇટિંગ લિસ્ટમાં નંબર આવે અને ડૉનર મળી જાય તો જાણ કરવામાં આવે છે. તાજો જ દાખલો છે જેમાં આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવને ડૉનર ન મળતા તેમની દીકરીએ અંગ ડૉનેટ કર્યું હતું.”
“ભાજપના પૂર્વમંત્રી અરુણ જેટલી, સુષ્મા સ્વરાજે પણ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાં હતાં. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખને ડૉનર નહોતું મળી શક્યું. બાદમાં તેમનું મૃત્યું થયું હતું.”
“આમ આ પ્રક્રિયા પારદર્શી છે અને એમાં જેનો નંબર હોય એને જ અંગ મળે છે.”
“બ્લડ ગ્રૂપ મૅચ કરવા, અંગ મેળવનાર ઑપરેશન કરાવાવની સ્થિતિમાં છે કે નહીં, અન્ય ટેસ્ટ કર્યાં બાદ નક્કી થાય છે કે આખરે અંગ કોને મળશે.”
ડૉનરનું અંગ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચે છે?
અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સુધીની સફર ઘણી પડકારજનક હોય છે. તબીબોની બે ટીમ બનાવાય છે. એક ટીમ જ્યાં દર્દીને અંગ મળવાનું છે, ત્યાંથી ડૉનર જે હૉસ્પિટલમાં હોય ત્યાં આવે છે. બીજી ટીમ ડૉનર જે હૉસ્પિટલમાં હોય ત્યાંની હોય છે.
આ બંને ટીમો સતત એકબીજાના સંપર્કમાં હોય છે. મેડિકલ રિપોર્ટ્સ શૅર કરવા, સંકલન કરવું, લૉજિસ્ટિકની તૈયારીઓ કરવા સહિતની તમામ બાબતોનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે.
એમાં પોલીસની મદદ પણ લેવી પડે છે. કારણ કે રસ્તામાં ટ્રાફિકના લીધે જો સમય વેડફાય જાય તો, બધી મહેનત પર પાણી ફરી વળે છે.
તેમાં ડોમેસ્ટિક ફ્લાઇટ, ચાર્ટડ પ્લૅન, પોલીસે તૈયાર કરેલો ગ્રીન કૉરિડોર તમામ બાબતો મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
"વળી ગુજરાત સરકારે જે ઍર ઍમ્બ્યૂલન્સ સેવા ચાલુ કરી છે એમાં જો ડૉનર ગુજરાતનો હોય, તો 50 હજારમાં ઍર ઍમ્બ્યુલન્સ મળી શકે છે. ડોમેસ્ટિક ફ્લાઇટ હોય, તો એમાં ટિકિટ બુક કરાવી ડૉનર બૉક્સ મોકલવામાં આવે છે. પરંતુ જો ફ્લાઇટ ન હોય તો પછી ચાર્ટડ ફ્લાઇટ પણ કરવી પડે છે.”"
ડૉનર બૉક્સ : એ બૉક્સ જેમાં અંગ લઈ જવાય છે
જે બૉક્સમાં ડૉનરના અંગને લઈ જવાય છે એને ડૉનર બૉક્સ કહેવાય છે. એમાં શું હોય છે એ વિશે પૂછતાં ડૉ. કાછડિયા કહે છે, "ડૉનરના શરીરમાં જે અંગ કાઢવાનું હોય એમાં દવા નાખીને એમાંથી લોહી કાઢી નાખવામાં આવે છે. પછી તેને સાફ કરીને પ્લાસ્ટિકની ત્રણ લેયરની બૅગમાં મૂકવામાં આવે છે. એ બૅગને બૉક્સમાં બરફ વચ્ચે રાખવામાં આવે છે."
"પછી જરૂરિયાતમંદ વ્યક્તિની ઑપરેશનની તૈયારીઓ ચાલુ હોય છે, ત્યાં અંગ પહોંચે એટલે એને ફરી સાફ કરીને સર્જરી કરી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. ત્યાં ટીમ અંગ સ્વસ્થ છે કે નહીં એ તપાસે છે."
ખર્ચ અને વળતર
ખર્ચ અને વળતર વિશે જણાવતા ડૉ. કાછડિયા કહે છે, "અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મફતમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. જ્યારે ખાનગી હૉસ્પિટલમાં ખર્ચો લાખોમાં થઈ શકે છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પાછળ 50-60 લાખ રૂપિયાનો ખર્ચો થઈ શકે છે."
જ્યાં સુધી ડૉનરને મળતા વળતરની વાત છે તો, "ડૉનરના પરિવારને મૃતદેહ લઈ જવા અને અંતિમક્રિયા માટે 10 હજારની સરકારી સહાય મળી શકે છે. પરંતુ સામાન્યપણે પરિવારો એ નથી લેતા. વળી પત્નીને વિધવા સહાયની યોજનાનો લાભ અને બાળકોના સ્કૂલ શિક્ષણ માટે કેટલાક એનજીઓ મદદ કરતા હોય છે."
"ડૉનરના પરિવારે એક સર્ટિફિકેટ પણ મળે છે. જેમાં જો પરિવારના સભ્યને ભવિષ્યમાં અંગદાનની જરૂર પડે, તો તેમનું નામ વેઇટિંગ લિસ્ટ નહીં પણ પ્રાયોરિટી લિસ્ટમાં મૂકવામાં આવે છે."
"પહેલાં રાજ્ય સ્તરે વેઇટિંગ લિસ્ટ હોય છે, પછી 3-4 રાજ્યોનું ઝોનલ લિસ્ટ અને છેલ્લે રાષ્ટ્રીય સ્તરનું લિસ્ટ."
"આમ જો રાજ્યમાં કોઈને અંગની જરૂર ન હોય, તો એને આસપાસના રાજ્યની યાદીમાં જેનું નામ હોય એને એ મળી શકે છે. ફેફસાનાં ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં નથી થતા એટલે રાજ્ય બહાર જવું પડે છે. એનો ખર્ચો એ પ્રમાણે થાય છે."
અંગદાનમાં સુરત અગ્રેસર, 5 મહિનામાં 75 અંગોનું દાન
ડૉ. નિલેશ કાછડિયા કહે છે કે, સુરતમાં છેલ્લા 4-5 મહિનામાં 21 અંગદાન થયા છે. એટલે કે 42 કિડની, 21 લિવર અને આંખો, સ્વાદુપિંડ સહિત કુલ 75 અંગોનું દાન થયું છે.
અત્યાર સુધી 300થી વધુ અંગોના દાનની કામગીરીના સાક્ષી અને પ્રક્રિયાનું કૉ-ઑર્ડિનેશન કરી ચૂકેલા ડૉ. કાછડિયાનું માનવું છે કે અંગદાન વિશે અને દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવા મામલે વધુ સક્રિયતા દાખવવાની જરૂર છે.
અંગદાન મામલેના પડકારો વિશે વાત કરતા તેઓ કહે છે,“રાજ્યમાં 800ના વેઇટિંગ લિસ્ટ સામે વર્ષે 300 અંગદાન થાય છે. જે પૂરતું નથી. તબીબોએ પરિવાર સાથે યોગ્ય રીતે વાત કરી એમને પણ સમજાવાની જરૂર છે કે બ્રેઇન ડેડ શું છે. 60થી 70 ટકા પરિવારો તૈયાર થઈ જતા હોય છે.”
“ગુજરાતમાં મોટાભાગના ડૉનેશન સિવિલ હૉસ્પિટલના હોય છે. કિડનીનું વેઇટિંગ લિસ્ટ 1200-1800નું હોય છે. તેલંગણા નાનું રાજ્ય છે છતાં ત્યાં વર્ષે 500 ડોનેશન થાય છે. જનતા અને તબીબો બધામાં જ સારી જાગૃતિ છે.”
“સરકારે બ્રેઇન ડેડ જાહેર કરવું ફરજિયાત કર્યું છે. પણ પાલન નથી થતું. કોઈ ખાસ અભિયાન ચાલુ કરીને આ પડકારને દૂર કરી શકાય છે.”