ગુજરાતમાં આટલો વરસાદ પડ્યો છતાં ગરમી ઓછી કેમ થતી નથી, શું છે તેની પાછળનું કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં હવે ધીરેધીરે ચોમાસાનો માહોલ જામતો જાય છે અને સતત વરસાદ પડી રહ્યો છે.
વરસાદ હોવા છતાં ઘણા વિસ્તારોમાં હવામાનમાં ભારે ભેજ જોવા મળી રહ્યો છે જેના કારણે ગરમીનો અહેસાસ વધારે થાય રહ્યો છે.
બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાના જણાવ્યા પ્રમાણે કચ્છમાં છેલ્લા એક સપ્તાહમાં અતિશય બફારા અને ગરમીના કારણે બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. આ સિવાય મુન્દ્રાની સીકેએમ કન્યા વિદ્યાલયમાં 13 વિધાર્થીઓને ડિહાઇડ્રેશન થઇ ગયું હતું અને તેમને હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.
પ્રશાંત કહે છે કે કચ્છમાં વરસાદની રાહ વચ્ચે અસહ્ય ગરમીથી લોકો અકળાઈ રહ્યા છે.
સિરીબેન અમદાવાદમાં જ રહે છે અને તેઓ કહે છે કે, "અમદાવાદમાં એક-બે વાર જ વરસાદ આવી ગયો છે, પરંતુ હજી એટલો બધો બફારો છે કે એવું લાગે કે તાપમાન 45 ડિગ્રી હોય, જયારે અસલમાં અહીં તાપમાન 40 ડિગ્રીથી પણ ઓછું બતાવવામાં આવે છે."
તો જયારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તેમ છતાં પણ કેમ આટલો બફારો રહે છે, જેના કારણે લોકોને ગરમીનો ઉકળાટ અનુભવાય છે?

ગુજરાતમાં આટલો બફારો કેમ છે?

ઇમેજ સ્રોત, Prashant Gupta
ગુજરાતમાં હમણા ભેજનું પ્રમાણ વધુ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભેજ 75થી 90 ટકા સુધી છે.
ગુજરાતમાં વરસાદ થયો હોવા છતાં તાપમાન નીચે નથી આવ્યું. આવું કેમ છે તે સમજવા બીબીસીએ આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડૉક્ટર મનોજ લુણાગરિયા સાથે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. લુણાગરિયા જણાવે છે, "હા, એ સાચું છે કે વરસાદ પછી કોઈ પણ વિસ્તારનું તાપમાન ઘટે છે. પરંતુ ગુજરાતમાં હજુ આવી સ્થિતિ જોવા નથી મળી. તેની પાછળ કોઈ એક ચોક્કસ કારણ નથી. હવામાન હંમેશાં થતી ઘટનાઓના મિશ્રણનું પરિણામ છે."
"પ્રથમ, આજકાલ વરસાદ સતત નથી પડી રહ્યો. એક-બે કલાક વરસાદ પડે છે અને ત્યારબાદ બે થી ત્રણ દિવસ વરસાદ પડતો જ નથી. વરસાદના થોડા કલાકો પછી સૂર્યકિરણો ફરીથી પૃથ્વીને સ્પર્શે છે. જેથી ગરમીથી રાહત મળતી નથી."
"ગરમીમાં ઘટાડો થવા સાર્વત્રિક વરસાદની જરૂર હોય છે. આવું વિશાળ વિસ્તારમાં થવું જોઈએ. આ ઉપરાંત, જો વરસાદ બે દિવસ સુધી સતત ચાલુ રહે તો સૂર્યનાં કિરણો પૃથ્વી સુધી ના પહોંચે અને તાપમાનમાં ઘટાડો થાય."
"સતત વરસાદથી આકાશમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે જે પૃથ્વીને સ્પર્શતા સૂર્યનાં કિરણોની સરેરાશ ગરમીને ઘટાડી શકે છે. આમ થાય તો તાપમાન ઘટે છે. જો વાદળનું આવરણ ગેરહાજર હોય કે પાતળું હોય તો સૂર્યનાં કિરણો પૃથ્વી પર પહોંચશે અને તાપમાનમાં વધારો કરે."
"બીજું કારણ એ છે કે જયારે કોઈ વિસ્તારમાં પવનની ગતિ વધુ રહે ત્યારે તે વિસ્તારનું તાપમાન ઘટે અને ઠંડુ થાય. પરંતુ ગુજરાતમાં વરસાદની મોસમ દરમિયાન પવનની ગતિ પ્રમાણમાં ઓછી અથવા સ્થિર હોય છે. તેથી મૂળભૂત રીતે સ્થિર પવનની ગતિ અને વાદળો ન હોવાને કારણે પૃથ્વી પર તાપમાન ગરમ રહે છે."
"ત્રીજું કારણ એ છે કે વાદળો પાણીની વરાળથી બનેલાં હોય છે અને તેથી ચોમાસાના પવનો આ ભેજવાળાં વાદળોને જમીન પર લાવે છે. તેથી જ્યારે પણ વાદળો હોય ત્યારે ભેજનું પ્રમાણ વધી જાય. તેથી ચોમાસામાં 80થી 100 ટકા ભેજ હોવું સામાન્ય છે અને ભેજ અગવડતા વધારે છે. તેથી જ્યારે પણ વધારે ભેજ હોય ત્યારે વ્યક્તિ ખરેખર તાપમાન હોય એના કરતાં વધુ ગરમી અનુભવે છે."
બફારો ક્યારે ઘટશે?

ઇમેજ સ્રોત, ANI
રામાશ્રય યાદવ આઇએમડીમાં વૈજ્ઞાનિક છે. તેઓ બીબીસીને જણાવે છે, "ગુજરાતમાં પવનો સામાન્ય રીતે અરબી સમુદ્રમાંથી આવતા પશ્ચિમી અને દક્ષિણ-પશ્ચિમી પવનો હોય છે. દરિયામાંથી આવતા પવનો બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા તેની સાથે ઘણો ભેજ વહન કરે છે. તેથી જ્યારે આ ભેજ ભરેલા પવનો જમીન સુધી પહોંચે ત્યારે ખૂબ ભેજયુક્ત વાતાવરણ ઉત્પન્ન કરે છે."
રામાશ્રય વધુમાં જમાવે છે કે, "આ ઉપરાંત, કચ્છમાં રણ છે, તેથી કચ્છમાં ગરમી વધવાનું વધુ એક કારણ પણ છે. તે 'સ્પેસિફિક હીટ કૅપેસિટી'ના નિયમ પર કામ કરે છે. માટી એવી વસ્તુ છે કે, તે ઝડપથી ગરમીમાં ગરમ થઇ જાય છે અને ઠંડકમાં જલદી ઠંડી થઈ જાય છે. તેથી જ્યારે કચ્છમાં સૂર્ય તપતો હોય ત્યારે તે વધુ ગરમ થાય અને વાતાવરણમાં ગરમી અનુભવાય."
આમ તેમના જણાવ્યા પ્રમાણે હવામાન એક સંકલિત અસર છે.
આ બધા વચ્ચે બફારો ક્યારે ઘટશે તે વિશે વાત કરતાં ડૉ. લુણાગરિયા કહે છે, "જેવો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે અને બે ત્રણ દિવસ સુધી સતત વરસાદ રહેશે કે તરત જ તાપમાનમાં ઘટાડો થશે અને બફારો પણ ઘટશે. એટલે એવું પણ નથી આવું પહેલી વાર બની રહ્યું છે."
"દર વખતે જયારે પણ ચોમાસાની શરૂઆત થાય પરંતુ વરસાદ સાર્વત્રિક ન હોય ત્યારે આવો બફારો થાય જ છે. ઘણી વખત જયારે જૂન-જુલાઈ-ઑગષ્ટમાં વરસાદ ખેંચાય અને એ દરમિયાન તડકો પડે અને વાદળો ન હોય ત્યારે પણ આવો બફારો અનુભવાય છે. તેથી આ પ્રસંગ આ વર્ષ માટે નવો નથી."
આ સિવાય, જ્યારે ઉપરોક્ત ઘટનાઓ એક સાથે કામ કરે છે ત્યારે તાપમાન ઘટતું હોય છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાત અને તેની આસપાસના પ્રદેશોમાં જે ચોમાસાની ગતિવિધિ સર્જાઈ છે, જે વરસાદ માટે અનુકૂળ જણાઈ રહી છે.
ગુજરાતમાં હાલના સમયમાં કેટલીક જગ્યાએ ઓછા વરસાદને લીધે ખેડૂતો વાવણી કરી શક્યા નથી, એવામાં આ સ્થિતિ તેમના માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં મધ્ય ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જે સાગરતટથી 5.8 કિમી ઉપર સુધી ફેલાયેલું છે. તેમજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાગરતટથી 3.1 કિમી ઉપર બનેલું છે.
હવામાન વિભાગે કરેલા અનુમાન પ્રમાણે જો આવનારા દિવસોમાં આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે.












