અમદાવાદ ઇસરોએ ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ક્યાં ઊતરશે એ કેવી રીતે નક્કી કર્યું હતું?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

23 ઑગષ્ટ, 2023ના રોજ સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 ઉતારીને ભારતે ઇતિહાસ રચી દીધો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન ઉતારનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

હજી સુધી અમેરિકા, સોવિયેત સંઘ અને ચીને ચંદ્ર પર યાન તો ઉતાર્યાં છે, પણ દક્ષિણ ધ્રુવ સુધી નથી પહોંચી શક્યા.

દક્ષિણ ધ્રુવનો વિસ્તાર ઊબડખાબડ અને ખડકાળ છે. ત્યાં યાન ઉતરાણ કઠિન માનવામાં છે.

રસપ્રદ બાબત એ છે કે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 કઈ જગ્યાએ ઊતરશે એ સ્થળ અમદાવાદસ્થિત ઇસરો–સૅક (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન - સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટર)એ નક્કી કર્યું હતું.

એટલે કે ચંદ્રયાન-3નું જે સૉફ્ટ લૅન્ડિંગ થયું તે અમદાવાદ ઇસરો-સૅકના પ્રોગ્રામિંગ અને પ્લાનિંગને આભારી છે.

અમદાવાદ ઇસરો- સૅકના ડિરેક્ટર નીલેશ દેસાઈએ ગુરુવારે જણાવ્યું હતું કે, "મને આનંદ છે કે આપણે જે ચોક્કસ જગ્યા પર લૅન્ડિંગ કરવાનું હતું ત્યાં જ કર્યું છે. દક્ષિણ ધ્રુવ પર 4 X 2.4 કિમીનો એક વિસ્તાર આપણે પસંદ કર્યો હતો. પસંદ કરેલો વિસ્તાર પ્રમાણમાં ઓછો ઊબડખાબડ છે. એને 3900 ભાગમાં વિભાજિત કરીને 24 X 24 મીટરનાં સૅક્શન્સ બનાવ્યાં હતાં. એની વચ્ચોવચ લૅન્ડર ઉતારવાનું હતું. એ ચોક્કસ જગ્યા પર જ ઊતર્યું છે. એનું પ્રોગ્રામિંગ અમદાવાદ સેન્ટરે કર્યું હતું."

તેમણે કહ્યું કે "દક્ષિણ ધ્રુવ પર સેન્ટરથી ઍક્સ ડિરેક્શનમાં 350 મીટર દૂર અને વાય ડિરેક્શનમાં 170 મીટર એટલે ચોક્કસ જગ્યા પર લૅન્ડર ઊતર્યું હતું. આ સૉફ્ટ લૅન્ડિંગ તો હતું જ પણ સ્મૂધ લૅન્ડિંગ પણ હતું. જેમાં અમદાવાદની ટીમનું મોટું યોગદાન છે. એનો અમને વિશેષ આનંદ છે."

અમદાવાદ ઇસરોના કૅમેરાથી મિશન કન્ટ્રોલ થતું

અમદાવાદ ઇસરોએ ચંદ્રયાન-3 માટે 11 પ્રણાલી એટલે કે સિસ્ટમ તૈયાર કરી હતી. એ તમામ સિસ્ટમે પૂરેપૂરું કામ આપ્યું છે.

નીલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, "લૅન્ડર કૉન્ફિગરેશનની જે 11 સિસ્ટમ કહેવાય છે તે સૉફ્ટ લૅન્ડિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ તમામ સિસ્ટમ્સ અમદાવાદમાં તૈયાર થઈ છે. એમાં આઠ કૅમેરા સિસ્ટમ્સ છે, જે લૅન્ડર પર ચાર દિશામાં છે. જે તસવીરો આપ જોઈ રહ્યા છો એ બધી લૅન્ડર ઇમેજર દ્વારા લેવામાં આવી છે. એક કૅમેરો રોવરમાં પણ મૂકેલો છે."

"રોવરનાં બીજાં પૈડાં પર એ કૅમેરો મૂકવામાં આવ્યો છે. ઇસરોનો લોગો તેમજ અશોકસ્તંભની મુદ્રા ચંદ્રની જમીન પર અંકિત થઈને કેવી દેખાય છે એની ઇમેજ જ્યારે રોવરથી આવશે ત્યારે વધારે માહિતી મળશે. અત્યારે જે તસવીર છે તે લૅન્ડર ઇમેજની છે જે આટલી સ્પષ્ટ નથી."

"સાથે સાથે બીજા ત્રણ કૅમેરા કે જેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેમાં એક એક્સ્ટ્રા કૅમેરા તરીકે રીડન્મૅન્ટ કૅમેરા છે. કોઈ સિસ્ટમમાં ખામી સર્જાય તો એ કાર્યભાર સંભાળી લે એના માટે મૂકવામાં આવ્યો છે. બે મહત્ત્વના કૅમેરામાં એક લૅન્ડર પૉઝિશન ડિટર્મિનેશન કૅમેરા (એલપીડીસી) અને બીજો લૅન્ડર હેઝાર્ડ ડિટેક્શન ઍન્ડ એવોઈડન્સ કૅમેરા (એલએચડૅક કૅમેરા) આ બંને કૅમેરાની મુખ્ય ફરજ લૅન્ડરની પૉઝિશન દર્શાવાની છે. જ્યારે લૅન્ડર ચંદ્રની સપાટી પર નીચે ઊતરતું હતું તે આ કૅમેરા દર્શાવતા હતા."

"એલએચડેક કૅમેરા દ્વારા જ લૅન્ડિંગ મિશન કન્ટ્રોલ થતું હતું. આપણે ચંદ્ર પર જ્યાં ઊતરી રહ્યા છીએ એ ભાગનું ઇમેજિંગ કરીને ફોટોગ્રાફ તે લેતું હતું. લૅન્ડરની અંદર સ્ટોર કરીને રાખેલી ઇમેજ સાથે એ ફોટોગ્રાફને સરખાવીને જ અપણે જાણી શકીએ કે આપણે જ્યાં જવા માગતા હતા ત્યાં જ ગયા છીએ કે નહીં? અને લૅન્ડર આપણે નક્કી કરેલા ચોક્કસ સ્થળ પર ઊતર્યું હતું."

'અમદાવાદ ઇસરોની તમામ સિસ્ટમે 100 ટકા રીઝલ્ટ આપ્યું'

સ્પેસ ટૂરિઝમ અને અંતરિક્ષમાં માનવ વસાહત એટલે કે સ્પેસ કૉલોની બનાવવાની લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે. એ દિશામાં આગળ વધવામાં ભારતનું ચંદ્રયાન-3 મિશન મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડશે એવું મનાઈ રહ્યું છે.

આ મિશનનું કમ્પ્યુટિંગ, અલ્ગોરિધમ અને પ્રોસેસિંગ અમદાવાદ ઇસરોમાં જ તૈયાર થયું હતું. એ પરફૅક્ટ કામ કરે તો જ લૅન્ડિંગ શક્ય બની શકે એમ હતું.

અન્ય બે ઉપકરણોમાં અમદાવાદ ઇસરોનું યોગદાન હતું એ રડાર અલ્ટિમીટર અને લેઝર અલ્ટિમીટર.

નીલેશ દેસાઈએ જણાવ્યું, "લૅન્ડર નીચે ઊતરતું હતું ત્યારે સ્ક્રીન પર એની જે હાઇટ ઇન્ફર્મેશન દેખાતી હતી, તે આ બંને અલ્ટિમીટર દ્વારા દેખાતી હતી. એ બંને સંસાધનોએ સરસ કામ કર્યું હતું. સ્પીડની માહિતી લેવી ખૂબ અગત્યની હોય છે. કઈ રીતે તે વધતી ઘટતી હોય છે, તે મુજબ એંજિનનું સંચાલન કરવાનું હોય છે. એક સેન્સરમાંથી એની વિગતો બરાબર આવતી નહોતી તો એનું કામ પણ રડાર અલ્ટિમીટરે સુપેરે સંભાળી લીધું હતું."

દક્ષિણ ધ્રુવનું સ્થળ કઈ રીતે પસંદ થયું હતું?

14 જુલાઈ, 2023ના રોજ બપોરે 2.35 વાગ્યે શ્રીહરિકોટા મથક પરથી ચંદ્રયાન-3એ પોતાની સફર શરૂ કરી હતી.

40 દિવસની યાત્રા કરીને 23 ઑગષ્ટે સાંજે 5.45 વાગ્યે તેણે ચંદ્ર પર સૉફ્ટ લૅન્ડિંગ કર્યું હતું.

ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઊતરવાનું દક્ષિણ ધ્રુવનું સ્થળ જે પસંદ કરામાં આવ્યું હતું એના વિશે વધુ વિગતો આપતાં નીલેશ દેસાઈએ કહ્યું હતું કે, "ચંદ્ર પરના વિવિધ દેશનાં અલગઅલગ મિશનો દ્વારા જે તસવીરો મળી છે, અમે તેનું ચાર પાંચ વર્ષથી વિશ્લેષણ કરતા હતા. ચંદ્રની આસપાસ આપણા તેમજ અન્ય દેશના ઉપગ્રહો ફરે છે, એમના દ્વારા જે ઇમેજ મળે એનું વિશ્લેષણ કરીને આપણે એ સ્થળ નક્કી કર્યું હતું. એમાંથી એનું ડિજિટલ એલિવેશન મૉડલ તૈયાર કરીને ત્યાંની જમીનની હાઇટ કેટલી છે વગેરે બાબતોની જાણકારી મેળવી હતી."

"ચંદ્ર પાસે 14 દિવસ સૂર્ય રહે છે, પછી રાત પડી જાય છે. અમે નક્કી કર્યું હતું કે ચંદ્ર પર સૂર્ય ઊગશે ત્યારે જ લૅન્ડરને ઉતારીશું. 23 ઑગષ્ટની તારીખે સાંજનો સમય પસંદ કરવાનું કારણ એ જ હતું કે ચંદ્ર પર એક દિવસ પહેલાં ઓલરેડી સૂર્યોદય થઈ ચૂક્યો હતો. જરૂરી સૂર્યપ્રકાશ ત્યાં હતો. તેથી ઉતરાણ કરીએ તો ઇમેજિસ સરસ આવે."

"વિક્રમ લૅન્ડરમાંથી ચંદ્રની સપાટી પર બહાર આવેલા પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર મહત્તમ પ્રયોગો કરવાનો સમય મળી રહે, કારણ કે 14 દિવસ પછી તો ત્યાં રાત આવશે એટલે શું થશે એ અનુમાનનો વિષય છે. રોવરને પ્રયોગ કરવામાં બાર-સાડા બાર દિવસ મળશે."

ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3નું સૉફ્ટ લૅન્ડિંગ થયા બાદ ઇસરોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (ટ્વિટર) પર લખ્યું- “ચંદ્રયાન-3નું ભારતમાં બનેલું રૉવર હવે ચંદ્ર પર પહોંચી ગયું છે. રૉવર લૅન્ડરથી અલગ થઈ ગયું છે, અને ચંદ્ર પર ફરવાનું શરૂ કરી દીધું છે.”

ઇસરો પ્રમાણે ચંદ્રયાન-3 માટે મુખ્ય ઉદ્દેશ ચંદ્રની રોઝેલિશ કહેવાતી સપાટી લૅન્ડરનું ઉતારવું અને ફરવું અને લૅન્ડર તથા રૉવરથી ચંદ્રની સપાટી પર શોધ કરવાનું છે.