You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠા : અંબાજીના પાડલિયા ગામ ખાતે પોલીસકર્મી અને વનકર્મીઓ પર હુમલો, 47 ઈજાગ્રસ્ત
બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે પાડલિયા ગામમાં પોલીસકર્મી અને વનવિભાગના કર્મચારીઓ પર હુમલા થયો છે, જેમાં 47 કર્મચારીઓ ઘાયલ થયા છે.
દાંતા તાલુકામાં ગબ્બર પાછળ આવેલા ગામમાં જમીન બાબતે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો હતો, જે બાબત હિંસક હુમલામાં પરિણમી હતી. આ પહેલાં પાડલિયા ગામ ખાતે વનવિભાગની જમીન પર વૃક્ષારોપણનો આસપાસના ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો.
વનવિભાગ અને પોલીસ વિભાગના અધિકારી અને કર્મીઓ દ્વારા જ્યારે ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હતો ત્યારે મામલો વધુ વણસ્યો હતો અને આ ઘટના ઘટી હતી.
પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા ટિયરગેસ છોડતાં અચાનક પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનામાં કુલ વનવિભાગ, પોલીસ અને રેવન્યૂના 47 જેટલા કર્મચારી અને અધિકારીઓને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડાયા હતા.
ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર સહિત તાલુકાનું આખું વહીવટી તંત્ર અંબાજી પહોંચ્યાં હતાં. અને બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે પોલીસકર્મીઓ અને વનવિભાગના કર્મીઓ પરના આ હુમલાને 'પૂર્વાયોજિત' ગણાવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
છેલ્લા ઘણા દિવસોથી ગબ્બર પાછળ આવેલ ગામમાં જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. અને આ પહેલા ગત રવિવારે વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે પાડલિયા પહોંચ્યા ત્યારે પણ હંગામો થયો હતો.
શનિવારે સવારે વનવિભાગના કર્મચારીઓ, પોલીસ અને રેવન્યૂ વિભાગના અધિકારીઓ સહિત ગામમાં 'વનવિભાગની જગ્યા'માં જ્યારે વૃક્ષારોપણ અને નર્સરીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક 500 કરતાં વધુ લોકોના ટોળાએ 'પૂર્વાયોજિત' પ્રકારે હુમલો કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
મોટા ટોળા દ્વારા હુમલો કરાતાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા હતા. જ્યારે એક પોલીસ અધિકારીને તીર વાગ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તંત્રના જણાવ્યા અનુસાર આ હુમલા દરમિયાન વનવિભાગની ગાડીઓ સળગાવી દેવાઈ અને સરકારી ગાડીઓના ટાયરો ફોડી નાખવામાં આવ્યાં. પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ અને 20 જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા.
ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને અંબાજી સિવિલ અને ગંભીર કેસોમાં પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા.
કલેક્ટરે ઘટના અંગે શું જણાવ્યું?
મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટર મિહિર પટેલે ઘટના અંગેની પ્રાથમિક વિગતો આપતાં કહ્યું હતું કે આ ઘટના દાંતા તાલુકાનું પાડલિયા ગામ જે અંબાજીથી આશરે 12 કિમી દૂર આવેલા ગામ ખાતે આ ઘટના બની હતી.
"આ ગામમાં વનવિભાગની જગ્યામાં સર્વે નંબર નવ ખાતે શનિવારે સવારે લગભગ સાડા આઠ વાગ્યે નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન વનવિભાગના કર્મીઓની સાથે પોલીસકર્મી અને રેવન્યૂ વિભાગના કર્મીઓ પણ હતા."
તેઓ આગળ જણાવતા કહે છે કે, "આ દરમિયાન 500 લોકો કરતાં વધુના ટોળાએ પૂર્વાયોજિત કહી શકાય એ પ્રકારે પથ્થર, ગોફણ અને તીર-કામઠા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વનવિભાગ, પોલીસ અને રેવન્યૂના 47 જેટલા કર્મચારી અને અધિકારીઓને ઈજા થઈ છે. જે પૈકી 45 ઈજાગ્રસ્તોને અંબાજી સિવિલ હૉસ્પિટલ લવાયા હતા. જે પૈકી વધુ સારવાર માટે હાલ નવ જણને પાલનપુર ખાતે રિફર કર્યા છે."
"જ્યારે બે અધિકારીઓ હાલ પાલનપુર ખાતે સારવાર લઈ રહ્યા છે. ઈજાગ્રસ્ત થયેલા તમામ અધિકારી-કર્મચારી હાલ સારવાર હેઠળ છે, બધા ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર છે."
મિહિર પટેલે આગળ જણાવ્યું હતું કે પોલીસ વિભાગે આ મામલે એફઆઇઆર નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મામલે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
બનાસ મેડિકલ કૉલેજના સિવિલ સુપરિટેન્ડન્ટ સુનિલ જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં બે ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા હતા, જેમની હાલત સુધાર પર છે.
તેમણે કહ્યું, "અંબાજી ખાતે પાડલિયા ગામ આગળ પોલીસ અને વનકર્મીઓ પર હુમલો થયો હતો. એમાંથી અમુકને ત્યાં જ સારવાર અપાઈ હતી, જ્યારે વધારે ઇજાગ્રસ્ત એવા બે કર્મચારીને અહીં બનાસ મેડિકલ કૉલેજ ખાતે લાવવામાં આવ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન