રોહિત શર્માએ ન્યૂઝીલૅન્ડ સામે જીત્યા બાદ કહ્યું, 'એ ખેલાડી અમારા માટે જાદુગર છે'

ભારતે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી વનડેમાં ન્યૂઝીલૅન્ડને 90 રનથી હરાવી દીધું છે. આ સાથે જ ભારતે આ વનડે સિરીઝ પર 3-0થી કબજો કરી લીધો છે.

તો આઈસીસીની વનડે ક્રિકેટ રૅન્કિંગમાં 114 આંક સાથે ભારતે સ્થાન મેળવી લીધું છે.

આ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માએ શાર્દૂલ ઠાકુરનાં વખાણ કર્યાં હતાં.

ભારત તરફથી શાર્દૂલ ઠાકુર અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. તો યુજવેન્દ્ર ચહલે બે વિકેટ લીધી હતી.

'જાદુગર' શાર્દૂલ ઠાકર

ભારતીય ટીમમાં શાર્દૂલ ઠાકુર એક ઑલરાઉન્ડરના રૂપમાં જોવાઈ રહ્યા છે.

ઈન્દોરમાં રમાયેલી અંતિમ મૅચમાં તેમણે હાર્દિક પંડ્યા સાથે સારી ભાગીદારી કરીને ટીમને સહયોગ આપ્યો હતો. તેમણે 17 બૉલમાં 25 રન કર્યા હતા.

ત્યાર બાદ તેમણે કિવી ટીમની ત્રણ વિકેટ ખેરવી અને ભારતીય ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

મૅચ બાદ રોહિત શર્માએ ઠાકુરનાં વખાણ કર્યાં અને કહ્યું કે ટીમમાં લોકો શાર્દૂલ ઠાકરને 'મૅજિશિયન કે જાદુગર'ના નામનથી ઓળખે છે.

રોહિત શર્માએ કહ્યું, "અમે ખૂબ સારી બૉલિંગ કરી. અમારી યોજના પ્રમાણે અડગ રહીને. શાર્દૂલ કેટલાક સમયથી એમ જ કરી રહ્યો છે. આથી ટીમના સાથીદારો તેને જાદુગર કરે છે.

તેમણે કહ્યું કે શાર્દૂલ ઘણી વાર આવે છે અને યોગ્ય સમયે વિકેટ લે છે. માત્ર તેને વધુમાં વધુ તક આપવાની જરૂર છે.

શાર્દૂલ ઠાકુરની ખાસિયત એ છે કે તેઓ હંમેશાં વિકેટ લેય છે. તેમની કરિયર ઇકૉનૉમી છ છે, જે ઘણી વધારે છે. પરંતુ તેઓ ટીમને સતત બ્રેકથ્રૂ પણ અપાવે છે. આ સિરીઝમાં ત્રણ ઇનિંગમાં તેમણે છ વિકેટ લીધી છે, જે કુલદીપ સાથે સૌથી વધુ પ્રભાવક સાબિત થઈ છે.

રોહિત અને ગીલની સદી

ભારતે ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા નવ વિકેટ પર 385 રન ફટકાર્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલૅન્ડની આખી ટીમ 41.5 ઓવરમાં 295 રન પર આઉટ થઈ ગઈ હતી.

ન્યૂઝીલૅન્ડ તરફથી ઓપનર ડેવોન કૉન્વેએ સૌથી વધુ 138 રન ફટકાર્યા હતા.

ભારતીય ટીમમાં કૅપ્ટન રોહિત શર્માએ 85 બૉલમાં 101 રન કર્યા હતા, તો શુભમન ગીલે પણ સદી ફટકારી હતી. તેમજ હાર્દિક પંડ્યાએ પણ અડધી સદી ફટકારી હતી.