અમદાવાદ : 'ઘર જ નથી રહ્યું, રમજાનમાં હવે રોજા કેમ રાખીશું?' ગોમતીપુરમાં જેમનાં ઘર તોડાયાં એ લોકોની વ્યથા

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારે તો મરવાનું જ બાકી રહી ગયું. તોડફોડ શરૂ થઈ ત્યારે બાળકો રડતાં હતાં. મારી પંચોતેર વર્ષની ઉંમર છે. માણસ જીવનમાં એક મકાનેય માંડ બનાવી શકતો હોય છે. મારું તો મકાન અને દુકાન બંને ગયાં. હું ચાલીસેક વર્ષથી અહીં રહું છું. અમે પણ અહીંના નાગરિક જ છીએ ને?"

આટલું બોલીને રમઝાન કુરેશી ભાવુક થઈ જાય છે. તેઓ પોતાના મકાનના કાટમાળની વચ્ચે ખુરશી રાખીને બેઠા છે. તેમની આજુબાજુ પરિવારના કેટલાક લોકો છે.

ગળગળા થઈને તેઓ કહે છે કે, "આ ઉંમરે હું ઘર માટે ક્યાં જાઉં?"

અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં ચારતોડા કબ્રસ્તાન પાસે બુલડોઝર ફરી રહ્યાં છે. ત્યાં રસ્તો પહોળો કરવાનો હોવાથી અત્યાર સુધીમાં 45 રહેણાક મકાન, 115 વ્યાવસાયિક એકમો તોડી પડાયાં છે.

અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ અધિકારીએ 22 ફેબ્રુઆરીએ પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે, "ગોમતીપુર વોર્ડમાં આવેલો ચારતોડા કબ્રસ્તાનવાળો 15.25 મીટરનો ટી.પી.રોડ, આર.ડી.પી. મુજબ 30.50 મીટર પહોળો કરવા માટે નોટિસોની કાર્યવાહી પૂર્ણ કરેલી હતી. નામદાર હાઈકોર્ટમાં થયેલી વિવિધ મેટરનો નિકાલ થતાં અમલવારી કરીને રોડ પહોળો કરેલો છે. આ ઝુંબેશ આગામી સમયમાં પણ ચાલુ રહેશે."

જોકે, આ અમલવારીથી અહીં રહેઠાણ-દુકાનો ધરાવતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમનાં ઘર પાડી દેવાયાં એ લોકોએ શું કહ્યું?

'વિકાસ થવો જ જોઈએ, પણ તેના નામે વિનાશ ન હોવો જોઈએ'

ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાન પાસે મોટા ભાગની વસતી મુસલમાનોની છે. મોહમ્મદ હુસૈનની બકરાના માંસની દુકાન હતી, જે કાટમાળમાં ફેરવાઈ ગઈ છે.

તેઓ કાટમાળમાંથી દુકાનની કેટલીક વસ્તુઓ શોધીને બાજુ પર મૂકી રહ્યા છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "મારી અને મારા ભાઈની બંનેની દુકાન જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. આ મારું શહેર છે. તેનો વિકાસ થવો જ જોઈએ, પણ વિકાસના નામે વિનાશ ન હોવો જોઈએ. આ જગ્યા વકફની હતી. અમારી પાસે 1979ની ભાડા પહોંચ પણ છે."

ઘરના કાટમાળ પર બેસીને આંસુ લૂછતાં લૂછતાં ફઝમુન્નીસા અન્સારી કહે છે કે, "રમજાન શરૂ થઈ રહ્યો છે. અમે કેવી રીતે રોજા રાખીશું? પવિત્ર મહિનો અમે કેમ પસાર કરીશું? અમને તો કોઈ નોટિસ મળી જ નહોતી. અમે તો રસ્તા પર આવી ગયા છીએ. ક્યાં જવું એ જ ખબર નથી. ઘર તૂટ્યાં પછી કબ્રસ્તાન પાસેની જે ખુલ્લી જગ્યા છે ત્યાં અમે બે દિવસ અને રાત કાઢ્યાં છે. આસપાસના લોકો કંઈ આપે તો ખાવાનું ખાઈએ છીએ."

જે મકાનો તૂટ્યાં છે એમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ રહેતા હતા, જેમની બોર્ડની પરીક્ષા છે.

રમઝાન કુરેશી કહે છે કે, "અમારા પરિવારમાં કેટલાંક બાળકો દસમા ધોરણમાં ભણે છે. પરીક્ષા માથે છે અને માથા પરથી છત જતી રહી છે. અમારાં બાળકો ત્રણ દિવસથી તો વાંચતાં જ નથી."

'ઘર જ નથી રહ્યું, તો રમજાનમાં રોજા કેમ રાખીશું?'

નિયાઝ અહમદનું ઘર કાટમાળ બની ગયું છે. ત્યાં ખાટલા પર તેમની સાથે તેમનાં બા બેઠાં છે. બાજુની ઇમારત પર બુલડોઝર ફરી રહ્યું છે તે નિહાળી રહ્યા છે.

'તમને નોટીસ મળી હતી?'

આ સવાલના જવાબમાં નિયાઝ અહમદ કહે છે કે, "નોટિસ આપી હતી એની ના નહીં, અમને કહેવામાં આવ્યું હતું કે તમને એક મહિનાનો સમય મળશે, પણ પંદર દિવસની જ નોટિસ મળી. મારું મકાન જતું રહ્યું. હું મજૂર છું. મારો આ પરિવાર લઈને હું ક્યાં જાઉં?"

આટલું કહીને તેઓ રડવા માંડે છે. તેમનાં બા તેમને સાંત્વના આપે છે.

થોડા સ્વસ્થ થઈને નિયાઝ અહમદ કહે છે કે, "મારું બાળપણ અહીં જ વીત્યું છે. મારી પાસે મકાનના દસ્તાવેજ પણ છે. મહાનગરપાલિકાને મારી એટલી અરજ છે કે અમને કોઈ રહેઠાણ કે વળતર આપવામાં આવે."

રમજાન મહિનો શરૂ થઈ રહ્યો છે. જેમનાં ઘર તૂટ્યાં છે તેમને ચિંતા સતાવી રહી છે.

તઝવ્વુલ અન્સારી કહે છે કે, "અમારા ઈલાકાના લોકોએ મહાનગરપાલિકાના અધિકારીને કહ્યું હતું કે અમારો ઉપવાસનો રમજાન મહિનો પૂરો થઈ જવા દો. એ વખતે પાલિકાએ આશ્વાસન પણ આપ્યું હતું. અમને થયું કે દોઢ મહિનાનો સમય મળી ગયો છે. પણ આ તો ત્રણ દિવસમાં આવ્યા અને મકાનને કાટમાળમાં ફેરવી નાખ્યાં હતાં."

'અમને 15 દિવસ પહેલાં પાલિકાની નોટિસ મળી હતી'

તઝવ્વુલ અન્સારી પોતે વયોવૃદ્ધ છે. બુલડોઝર ફરી વળ્યું એમાં તેમનાં કપડાં-લત્તાં અને ખોરાકનો સામાન પણ હતો.

તેઓ કહે છે કે, "સામાન કાઢવાનો મોકોય ન મળ્યો. 2006-07માં અમને એક નોટિસ મળી હતી જેમાં મકાન ખાલી કરવા જણાવાયું હતું. એ પછી કોઈ નોટિસ મળી નથી. હાલમાં અમારી સામેની ચાલીમાં નોટિસ મળી હતી, અમને નહોતી મળી. અમારી પાલિકાને એટલી અરજ છે કે કાં જગ્યા આપે કાં વળતર આપે."

જે વ્યાવસાયિક એકમ તોડી પડાયા તેમાં એક મિલકત પૃથ્વીરાજસિંહ ઠાકુરની પણ હતી.

તેમણે જણાવ્યું કે, "અમારી મિલકત દસ્તાવેજવાળી છે. અમે ટૅક્સ પણ ભરીએ છીએ. અમને પંદર દિવસ પહેલાં પાલિકાની નોટિસ મળી હતી. અમારું એ કહેવું છે કે જેટલી દસ્તાવેજવાળી મિલકત છે તેને તો વળતર મળવું જોઈએ. અહીં જે કોઈનાં મકાન કે દુકાન ગયાં છે તેમને નાનુંમોટું વળતર મળવું જોઈએ. હું એમ પણ કહીશ કે મને ના આપે તો ચાલશે, પણ બીજા જે છે તેમને મળે એટલી વિનંતી."

અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ વિભાગના એસ્ટેટ વિભાગના અધિકારી ખોડીદાસ ચૌહાણે બીબીસીને જણાવ્યું હતું કે, "જીપીએમસી ઍક્ટ 2012 – 2 મુજબ 2007માં નોટિસ આપવામાં આવી હતી. જેની અમલવારી ચાલી રહી છે. અમદાવાદમાં કાલુપુર ખાતે જે રેલવેસ્ટેશનની રિડેવલપમેન્ટ કામગીરી ચાલુ છે. સ્ટેશનની નજીક આવેલો સારંગપુર બ્રિજ બંધ કર્યો છે. ટ્રાફિકની સમસ્યા છે. તેથી જૂની રોડલાઇન જે મૂકી હતી તે અમે ખોલી રહ્યા છીએ."

ગુજરાતમાં અગાઉ દ્વારકા, સોમનાથમાં પણ મેગા ડિમોલિશન ડ્રાઇવ થઈ હતી

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આ અગાઉ જુહાપુરા તેમજ ઓઢવની રબારી વસાહતમાં પણ બુલડોઝર ફરી વળ્યાં હતાં. ગયા મહિને બેટદ્વારકા, દ્વારકા તેમજ સોમનાથમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદના ઓઢવમાં જાન્યુઆરીમાં ચાલીસ જેટલાં રહેણાક મકાન તોડી પડાયાં હતાં. એ વખતે પાલિકાએ એકથી વધુ પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું હતું કે ઓઢવમાં પાલિકાની માલિકીના કૉમન પ્લૉટમાં વર્ષો જૂનાં દબાણ દૂર કરાયાં હતાં. એ વખતે રાજકારણ પણ ગરમાયું હતું.

કૉંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખે તે વખતે રબારી વસાહતના જમીનદોસ્ત મકાનોની મુલાકાત લઈને કહ્યું હતું કે, "રિઝર્વ પ્લૉટ હોય તો તે સોસાયટીની માલિકીના રિઝર્વ પ્લૉટ હોય. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનો પણ આશિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી. જો વિકાસના કામ માટે કે જાહેરહિતમાં હોય તો રહેઠાણ તોડતા પહેલાં પ્રિન્સિપલ ઑફ નૅચરલ જસ્ટિસ – કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો. નોટિસ પૂરતાં સમયની આપો અને વૈકલ્પિક વ્યવસ્થા કરો. અહીં જે રીતે દબાણ હઠાવવાની ઝુંબેશ જે છે તે શું લોકશાહી છે?"

કૉંગ્રેસના આરોપ પર અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, "કૉંગ્રેસની નીતિ બેધારી હોય છે. દબાણ લોકોના હિતમાં હઠાવાતાં હોય છે. 2015થી ઓઢવની રબારી વસાહતની અંદર નોટિસો આપવામાં આવી છે. ધીમેધીમે ઘણાં વર્ષોથી આ ખુલ્લા વાડાની અંદર આ લોકો સતત બાંધકામ કરતાં ગયા અને એનું ડિમાર્કેશન 2018 અને 2019માં પણ કરવામાં આવ્યું હતું. નોટિસો આપ્યા પછી તે દબાણો દૂર ન થતાં તે દબાણને હઠાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. એમાં કોઈ સમાજ પ્રત્યે કિન્નાખોરીની વાત નહોતી."

જાન્યુઆરી મહિનામાં બેટદ્વારકા ટાપુ, દ્વારકા શહેરમાં તેમજ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સોમનાથની આજુબાજુના વિસ્તારમાં પણ મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

18 જાન્યુઆરી, 2025 સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં- બેટદ્વારકા, દ્વારકા શહેર અને ઓખામાં ચાલી રહેલા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન કુલ 525 'ગેરકાયદે બાંધકામો' તોડી પાડવામાં આવ્યાં હતાં.

બેટદ્વારકામાં ત્રણસોથી વધારે કથિત દબાણો હતાં. જે પૈકી કુલ 6 ધાર્મિકસ્થળો અને ત્રણ વાણિજ્ય બાંધકામોનો પણ સમાવેશ થાય છે.

જ્યારે સોમનાથ મંદિર પાસે ધાર્મિકસ્થળો સહિત 45 જેટલાં બાંધકામોના ડિમોલિશન કરવામાં આવ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.