You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોમનાથ મંદિર પાસે ધાર્મિકસ્થળો સહિત 45 જેટલાં બાંધકામોના ડિમોલિશન કરવાના મામલામાં અત્યાર સુધી શું-શું થયું?
સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ એવી સોમનાથ મંદિર પાસેના મેગા ડિમોલિશનની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલી હતી. સોમવારે તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
વહેલી સવારથી જેસીબી મશીનો અને ટ્રકો કાટમાળ ખસેડવાની કાર્યવાહીમાં જોતરાઈ ગયાં હતાં. સોમવારે પણ પોલીસે સોમનાથ – ભીડીયા રસ્તો અવરજવર માટે બંધ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આમ કરવામાં આવ્યું છે.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ જણાવ્યું કે, ''ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિસ્તારમાં કાટમાળનો ઢગ છે અને હાલ તેને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.''
તેમણે વધુમાં જણાવ્યું કે ડિમોલિશનની કાર્યવાહીથી સ્થાનિક લોકો આઘાતમાં છે. હાલ તો સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ અને રેપીડ ઍક્શન ફોર્સના જવાનોએ ફ્લૅગ માર્ચ પણ કર્યું હતું.
જે જગ્યાએ ડિમોલિશનની કરવામાં આવી છે તેની આસપાસના તમામ માર્ગો બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યા હતા. આ ઘટનાના પ્રત્યાઘાત ન પડે અને વેરાવળ - પાટણમાં શાંતિ જળવાય રહે તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જિલ્લા વહિવટી તંત્રના જણાવ્યા પ્રમાણે વેરાવળ પાસે આવેલા પ્રભાસપાટણના સોમનાથ મંદિર પાસે જે ગેરકાયદે દબાણો હતાં તેને દૂર કરવામાં આવ્યાં છે. આ દબાણોમાં મસ્જીદો અને પાકાં મકાનોનો સમાવેશ પણ થાય છે.
ગીર-સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરર્સિંહ જાડેજાએ જણાવ્યું કે, ''ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન ફરજ પર બાધા ઉત્પન્ન કરવા બદલ 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં ખોટા મૅસેજ ફેલાવવા બદલ 8-10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.''
500 વર્ષ જૂની દરગાહ તોડી નાંખતા વિવાદ
રવિવારે વહેલી સવારે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી તેમાં દરગાહ, મસ્જિદ, નાનાં-નાનાં મુસાફરખાનાં અને મકાનોનાં દબાણો દૂર કરવામાં આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્રણ પેઢીઓથી પ્રભાસ પાટણમાં રહેતા ઇસ્માઈલ મન્સૂરીએ બીબીસીને જણાવ્યું, "અહીં 35 જેટલી નાની દરગાહ તોડી પાડવામાં આવી છે, જેમાં 7 મોટી દરગાહ છે."
''બાબા હાજી મંગરોલીશાહ દરગાહ તો વર્ષો જૂની છે અને એએસઆઈ (આર્કિયોલૉજિક સર્વે ઑફ ઇન્ડિયા)એ પણ માન્યતા આપી હતી. અહીં દર વર્ષે ઉર્સનું આયોજન કરવામાં આવતું હતું જેમાં બંને કોમના લોકો હજારોની સંખ્યામાં ભાગ લેતા હતા.''
તેઓ વધુમાં જણાવે છે કે માત્ર દરગાહ જ નહીં પરંતુ કબ્રસ્તાનની જગ્યામાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. દરગાહમાં બનાવવામાં આવેલાં 40-45 મુસાફરખાનાં (મુલાકાતીઓના રહેવા માટેની નાની ઓરડીઓ) અને દરગાહ અને મસ્જિદની રખેવાળી કરતા લોકોનાં ઘરો પણ તોડી પાડવામાં આવ્યાં છે.
જોકે, પ્રશાસનનું કહેવું છે કે આ કાર્યવાહીમાં બે કિલોમીટરની રૅન્જમાં આવેલ મસ્જિદો સહિતનાંં 9 જેટલાં મોટાં ધાર્મિકસ્થળો અને ત્રણ જેટલાં નાનાં ધાર્મિકસ્થળોનાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યાં. સાથે 45 પાકાં મકાનોનાં દબાણોને પણ દૂર કરવામાં આવ્યાં છે.
સ્થાનિકો અનુસાર છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારમાં ત્રીજી વખત ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને દરેક વખતે લઘુમતિ સમાજના લોકોની મિલ્કતોને ગેરકાયદેસર ઠેરવીને તોડી પાડવામાં આવી છે.
બીબીસી સાથે વાત કરતા સ્થાનિક શબ્બીર હસન કહે છે, ''માત્ર એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે. અમને દિલાસો આપવામાં આવ્યો હતો કે કોઈ પ્રકારનું ડિમોલિશન નહીં કરવામાં આવે પરંતુ અચાનક આ રીતે કાર્યવાહી કરવામાં આવી. ડિમોલિશનનો વિરોધ કરી રહેલાં મહિલાઓને પણ મારવામાં આવ્યો.''
તેઓ વધુમાં જણાવે છે કે, ''હાજી મંગરોલીશાહ દરગાહમાં એક અભીલેખ છે જે પ્રમાણે હી. સં. 1003ની 12મી તારીખે અબ્દુલ્લા અલીખાન બાબરે આ મકબરો બધાંવ્યો હતો. એટલે સ્વાભાવિક છે કે આ દરગાહ દાયકાઓ જૂની છે તો ગેરકાયદેસર કેવી રીતે થઈ?''
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા કહે છે, ''સરકારી જગ્યામાં જે દબાણ થયું હતું તેને ખાલી કરાવવા માટે આ ડિમોલીશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રૅવેન્યૂ વિભાગ દ્વારા આ માટે કાર્યવાહી કરીને મિલ્કતોને નોટીસ પાઠવવામાં આવી હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે.''
તેઓ વધુમાં જણાવે છે કે એએસઆઈ દ્વારા સંરક્ષિત દરગાહ અને મસ્જિદને કોઈ પણ પ્રકારની નોટીસ આપ્યાં વગર તોડી પાડવામાં આવી છે.
સ્થાનિક લઘુમતિ સમાજના આક્ષેપ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર કહે છે કે જે પણ ગેરકાયદેસર બાંધકામ હતું તેનું જ ડિમોલિશન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, ''ડિમોલિશનનમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યાં છે. કુલ 102 એકર જમીનો પર ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે. જેનો બજારભાવ લગભગ 320 કરોડ રૂપિયા છે. આ જમીનો સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલી છે.''
'અંધારાનો ગેરલાભ લીધો'
સોમનાથ મંદિર પાસે થયેલા ડિમોલિશનને કારણે સ્થાનિક લઘુમતિ સમાજ આઘાતમાં છે. સમાજના આગેવાનોનો આરોપ છે કે તેમને સમગ્ર ડિમોલિશન વિશે કોઈ માહિતી આપવામાં આવી નહોતી.
વલી મહમદ હુસૈન નાકવાએ બીબીસીને જણાવ્યું કે, ''અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે નહીં. રાત્રે 3થી 4 વાગ્યાની વચ્ચે અંધારાનો ફાયદો ઉઠાવીને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને ડિમોલિશન કરવામાં આવ્યું.''
તેઓ વધુમાં જણાવે છે કે જમાતના લોકોને આ વિશે કંઈ પણ જણાવવામાં આવ્યું નહોતું. જે પણ થયું છે તે બહુ ખોટું થયું છે. ડિમોલીશનના કારણે બંને સમાજના લોકોની લાગણી દુભાઈ છે.
સ્થાનિકનો પ્રશ્ન છે કે જૂની મસ્જીદ અને દરગાહનો તોડી પાડવાની જરૂર કેમ પડી?
હારૂન શેખ કહે છે, ''અમને હજુ સુધી આટલી જૂની મિલ્કતોને કેમ તોડી પાડવામાં આવી છે તે વિશે કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી. આટલો મોટો વિસ્તાર ખાલી છે ત્યારે શા માટે આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી તે સમજાતું નથી. દરગાહ અને મસ્જિદમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે, જેમાં હિન્દુઓ પણ હોય છે.''
જોકે, કેટલાક લોકો ડિમોલિશનની કાર્યવાહીને યોગ્ય ગણાવે છે.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા અર્જનભાઈ કહે છે, 'જે કાર્યવાહી થઈ રહી છે તે યોગ્ય છે. દરગાહ અને મસ્જિદના નામે જમીનો પર દબાણ કરીને બેઠા હોય તો શું થાય? લાંબા સમયથી દબાણ થતું આવ્યું છે અને સરકારે કાર્યવાહી હમણાં કાર્યવાહી કરી છે, જે સારી વાત છે.'
ડિમોલિશન બાદ હાલ અનેક સવાલો છે જેનો જવાબ મેળવવાનો લઘુમતિ સમાજના લોકો પ્રયાસ કરી રહ્યા છે. હાલ તો કોઈ પણ ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજા કહે છે, ''વેરાવળ અને પ્રભાસ પાટણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે લોકો કાયદાનું પાલન નથી કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમે વિવિધ સમાજના લોકો સાથે સંપર્કમાં છીએ અને સમગ્ર વિસ્તારમાં કાયદો અને પરિસ્થિતિ એકદમ સામાન્ય છે.''
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)