ભારત ઑલિમ્પિક કરતાં પૅરાલિમ્પિકમાં વધારે મેડલ કેવી રીતે જીતી શક્યું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જ્હાન્વી મૂળે
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતે 6ઠ્ઠી સપ્ટેમ્બરે પેરિસ પૅરાલિમ્પિકમાં પોતાનો 27મો મેડલ જીત્યો. પૅરાલિમ્પિકમાં ભારતનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
દેશના બધા જ ખેલપ્રેમીઓ માટે આ ઉજવણીનો સમય છે. જોકે, કેટલાક લોકો આ સફળતાથી આશ્ચર્ય પામી ગયા છે.
કારણ કે પૅરાલિમ્પિકનાં લગભગ બે અઠવાડિયા પહેલાં થયેલા ઑલિમ્પિક રમતોત્સવની કહાણી અલગ હતી.
ભારતે ઑલિમ્પિક માટે 110 ખેલાડીઓના જૂથને મોકલ્યું હતું. જોકે, ભારતે એક સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ એમ કુલ છ પદકો જ જીત્યા અને છ વખત ખેલાડીઓ ચોથા સ્થાન પર રહ્યા.
પૅરાલિમ્પિકમાં ભારતે 84 ખેલાડીઓના જૂથને મોકલ્યું અને આ ખેલાડીઓ ઑલિમ્પિક કરતાં ચાર ગણાથી વધારે પદકો જીતી ચૂક્યા છે.
ભારત એકલો આવો દેશ નથી. ગ્રેટ બ્રિટેન, યૂક્રેન અને નાઇજીરિયા જેવા દેશોની ટીમોની પણ આ જ કહાણી છે.
આ કારણે આશ્ચર્ય થાય છે કે કેટલાક દેશો ઑલિમ્પિકની તુલનામાં પૅરાલિમ્પિકમાં સારૂં પ્રદર્શન કેવી રીતે કર્યું.
જોકે, આ બંને ટુર્નામેન્ટમાં સફળતાની તુલના કરવી હકીકતમાં યોગ્ય નથી. કારણ કે બંનેમાં સ્પર્ધાનું સ્તર અલગ છે. આ ઉપરાંત અલગ-અલગ શારીરિક અને માનસિક ક્ષમતા ધરાવતા ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક કહેવત છે કે ઑલિમ્પિકમાં ખેલાડીઓની શારીરિક સીમાનું પરિક્ષણ થાય છે અથવા તો માનવ શરીર શું કરવા માટે સક્ષમ છે તેની પરીક્ષા થાય છે. બીજી તરફ પૅરાલિમ્પિક દૃઢ નિશ્ચય, ધીરજ અને પૂર્વાગ્રહો પર વિજયની પરીક્ષા છે.
હવે ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક રમતોમાં પદક પ્રાપ્ત કરવામાં અંતર કેમ છે? તેની પાછળ ઘણાં કારણો છે, સાથે મેડલોની સંખ્યાને કારણે આ કહાણી પર સ્પષ્ટતા થઈ જાય છે.
મેડલની સંખ્યા વધારે અને સ્પર્ધા ઓછી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પૅરાલિમ્પિકમાં વધારે પદક જીતવાનો મોકો મળે છે અને ઑલિમ્પિકની તુલનામાં પૅરાલિમ્પિકમાં ઓછા દેશ ભાગ લે છે.
પેરિસ ઑલિમ્પિકમાં રમતની 32 શ્રેણીમાં 329 ગોલ્ડ મેડલ માટે 204 ટીમે ભાગ લીધો હતો. પેરિસ પૅરાલિમ્પિકમાં રમતની 22 શ્રેણીમાં 170 ટીમોએ 549 ગોલ્ડ મેડલ જીતવા માટે ભાગ લીધો હતો.
સ્વાભાવિકરૂપે પૅરાલિમ્પિકમાં પદક જીતવા માટે વધારે તક મળે છે. આ કારણે ઑલિમ્પિક અને પૅરાલિમ્પિકમાં ભાગ લેનાર કેટલાય દેશો પૅરાલિમ્પિકમાં વધારે પદકો જીતે છે.
ચીનનું ઉદાહરણ લઈએ તો ટૉક્યોમાં ચીને ઑલિમ્પિકમાં કુલ 89 અને પૅરાલિમ્પિકમાં 207 મેડલો જીત્યા હતા.
ગ્રેટ બ્રિટેને ટૉક્યો ઑલિમ્પિકમાં 64 મેડલ જ્યારે પૅરાલિમ્પિકમાં 124 મેડલ જીત્યા હતા.
ભારતે ટૉક્યો ઑલિમ્પિકમાં સાત અને પૅરાલિમ્પિકમાં 19 મેડલો જીત્યા હતા.
પેરિસમાં પણ મેડલ લિસ્ટમાં આ પ્રકારનું જ વલણ જોવાં મળી રહ્યું છે.
જોકે, અમેરિકા અને જાપાન જેવા કેટલાક દેશો ઑલિમ્પિકમાં વધારે મેડલ જીતે છે અને પૅરાલિમ્પિકમાં પાછળ રહી જાય છે.
જોકે, નાઇજીરિયા અને યુક્રેન જેવા દેશ પૅરાલિમ્પિકમાં ભારત કરતા સારૂં પ્રદર્શન કરે છે તેની પાછળ કેટલાંક કારણો છે.
પૅરા-સ્પોર્ટ્સની સંસ્કૃતિ

ઇમેજ સ્રોત, Getty Images
ચીન અને બ્રાઝીલની જેમ જ ભારતની વસ્તી પણ ઘણી વધારે છે. આનો અર્થ છે કે પૅરાઍથ્લિટ્સની સંખ્યા પણ વધારે છે. જોકે, વધારે સંખ્યાને સારા પ્રદર્શન સાથે હંમેશા જોડી શકાય નહીં.
સમાજમાં વિકલાંગતાને કેવી રીતે જોવામાં આવે છે તે પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કેટલાક દેશોમાં વિકલાંગતાને કલંક અથવા દયાની ભાવના સાથે જોવામાં આવે છે. આ દેશ વિકલાંગ ખેલાડીઓને ઍથ્લિટ ગણતા નથી. ભારત પણ આ દેશોથી અલગ નથી.
જોકે, સામાજિક સ્તરે અને દેશમાં ખેલ સંગઠનો જેવી રીતે વિકલાંગતા અને પૅરા-સ્પોર્ટ્સને જુએ છે તેમાં હાલનાં દિવસોમાં ઉલ્લેખનીય પરિવર્તન આવ્યું છે.
પૅરાલિમ્પિકનાં પરિણામો પણ આ પરિવર્તન દર્શાવે છે એવો નિષ્કર્ષ કાઢી શકાય.
છેલ્લા બે દાયકાઓમાં પૅરા-સ્પોર્ટ્સ વિશે જાગૃતિ વધી છે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ખેલાડીઓને મળતું ભંડોળ પણ વધ્યું છે.
વર્ષ 2010માં દિલ્હીમાં કૉમનવેલ્થ ગેઇમ્સનું આયોજન કર્યું હતું ત્યારથી ખેલ મંત્રાલયે પૅરા-ઍથ્લિટોને મળતી પુરસ્કારની રાશિમાં વધારો કર્યો હતો અને તેને બીજી રમતોના સ્તર પર લાવી દીધી.
આવું જ એક રાજ્ય હરિયાણા છે જ્યાં સરકારે પૅરા-સ્પોર્ટ્સ વિશે લોકોને જાગૃત કરવાની દિશામાં સક્રિયરૂપે કામ કર્યું છે. પેરિસ પૅરાલિમ્પિકમાં 84 ભારતીય ખેલાડીઓ પૈકી 23 ખેલાડીઓ હરિયાણાના છે.
સૌરભ દુગ્ગલે બીબીસી પંજાબી માટે કરેલા અહેવાલમાં જણાવ્યું કે, "હરિયાણા સરકારે મોટી પુરસ્કાર રાશિ, સરકારી નોકરી અને પુરસ્કારો આપ્યાં જેને કારણે પૅરાસ્પોર્ટ્સ પ્રસિદ્ધ થઈ ગયાં."
દુગ્ગલ કહે છે કે મોટાભાગનાં બીજા રાજ્યો પણ હરિયાણા જેવી જ યોજના પર ચાલી રહ્યાં છે.
ખેલાડીઓમાં જાગૃતિ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં જેમ-જેમ જાગૃતિ વધી તેમ પૅરા-સ્પોર્ટ્સ સાથે વધારે લોકો જોડાઈ રહ્યા છે. વ્હીલચૅર ક્રિકેટર રાહુલ રામુગાળે જણાવે છે ક ખેલાડીઓની ભૂમિકા પણ અહીં મહત્ત્વપૂર્ણ છે.
“વિકલાંગ વ્યક્તિઓ બહાર નીકળીને દેખાડવા માંગે છે કે તેઓ પણ આમ કરી શકે છે. તેઓ પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવાં માટે ઉત્સાહીત છે. તેમને જો મોકો મળશે તો લક્ષ્ય હાંસલ કરવા માટે જરૂરી બધી જ વસ્તુઓ કરવા માટે તૈયાર છે. વિકલાંગ ખેલાડીઓ ત્યાં જ અટકી જતા નથી. કેટલાક પૅરા-ઍથ્લિટ બીજા ખેલાડીઓને તાલીમ આપે છે અને મદદ પણ કરે છે.”
રાહુલ પણ તે પૈકીના એક છે. રાહુલ અને તેમના મિત્રો પણ દેશમાં વ્હીલચૅર ક્રિકેટને દેશમાં પ્રોત્સાહન આપે છે.
ઓળખાણનો પણ મુદો છે. ઑલિમ્પિકની તુલનામાં પૅરાલિમ્પિકની લોકપ્રિયતા ઓછી છે અને પૅરા-ઍથ્લિટ હંમેશા ચર્ચામાં રહેતા નથી. આનો અર્થ એ છે કે તેમની પાસેથી આશા ઓછી છે અને તેમના પર દબાણ પણ ઓછું છે.
જોકે, પૅરા-ઍથ્લિટ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અને કંઇક મેળવવાની ઇચ્છા માટે અથાગ મહેનત કરે છે જે તેમની યાત્રાને મેડલના પોડિયમ સુધી લઈ જાય છે.
લાંબો રસ્તો કાપવાનો છે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં પૅરાસ્પોર્ટ્સ પ્રત્યેના વલણમાં ભલે પરિવર્તન આવી રહ્યું હોય પરંતુ બધું જ સરળ નથી. ખેલાડીઓને હજુ પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
રાઇફલ શૂટર અવની લેખરાએ ભારત માટે ટૉક્યો અને પેરિસ પૅરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યાં. જોકે, તેઓ જે શૂટિંગ રેન્જમાં પ્રૅક્ટિસ કરે છે ત્યાં લાંબા સમય સુધી વ્હીલચૅરની સુવિધા ન હતી.
અવનીના ઘણા પ્રયાસો પછી ત્યાં એક રૅમ્પ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. જોકે, રાહુલ રામુગાળેએ કહ્યું કે ઘણાં સ્ટેડિયમ, પ્રૅક્ટિસ મેદાન, જિમ અને બીજી સ્પોર્ટ્સ સુવિધા ધરાવતાં સ્થળોએ પણ આ પ્રકારની જ મુશ્કેલીઓ છે.
ભારતના રાષ્ટ્રીય શૂટિંગ કોચ સૂમા શિરૂરે પણ હાલમાં અવનીની સફળતા પર ટિપ્પણી કરતી વખતે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
સૂમાએ કહ્યું હતું, “પેરિસ પછી અવનીની સફરમાં થોડુંક વધારે સ્વતંત્ર થવાનું રહેશે. જોકે, આપણા દેશમાં આ સરળ નથી. કારણ કે આપણી પાસે પૅરા-ફ્રેન્ડલી સિસ્ટમ નથી. આપણી પાસે વ્હીલચૅર-ફ્રેન્ડલી જાહેર સ્થળો નથી. આ કારણે તે કરવું મુશ્કેલ છે. જોકે, અવની પણ જીવનમાં વધારે સ્વતંત્ર થવાની ઇચ્છા રાખતી હશે.”
પૅરાલિમ્પિકમાં ભારતની સફળતાની આ સૌથી મહત્ત્વપૂર્ણ શીખ છે. જો દેશને સતત સફળતા મેળવવી છે તો તેના પર કામ કરતું રહેવું જોઇએ અને રમતોને વધારે લોકો સુધી સરળતાથી પહોંચાડવી જોઇએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












