ભાગ્યશ્રી જાધવ : ઝેરને કારણે અકાળે અપંગત્વ આવવાથી માંડીને પેરિસમાં તિરંગો પકડવા સુધીની સફર

ઇમેજ સ્રોત, X/MODI
- લેેખક, નીતિન સુલતાને
- પદ, બીબીસી સંવાદદાતા
“મને મુશ્કેલ સંજોગો કરતાં વધારે દુઃખ મારાં પોતાના લોકોને કારણે થયું હતું. લોકો તમને સતત નીચા દેખાડવાના પ્રયાસ કરે ત્યારે જ તમને તમારાં આત્મસન્માન અને ગૌરવનું મૂલ્ય સમજાય છે.”
આ શબ્દો ભાગ્યશ્રી જાધવના છે. ભાગ્યશ્રી મહારાષ્ટ્રનાં પૅરા-ઍથ્લીટ છે અને પેરિસ પૅરાલિમ્પિક્સમાં તેઓ ભારત માટે ધ્વજારોહક બન્યાં છે. તેઓ તેમના સંઘર્ષ અને વિજયની કથા જણાવે છે.
ભાગ્યશ્રીએ 28 ઓગસ્ટથી શરૂ થયેલી પેરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. જોકે, એ યાદગાર ક્ષણ સુધીની તેમની સફર સંઘર્ષથી ભરેલી છે.
જીવનના પ્રારંભિક વર્ષોમાં ભાગ્યશ્રીને ઝેર આપવામાં આવ્યું હતું. એ કારણે તેઓ અક્ષમ થઈ ગયાં હતાં, પરંતુ તીવ્ર ઇચ્છાશક્તિ અને દૃઢનિશ્ચય દ્વારા તેમણે અનેક અવરોધોને પાર કર્યા એટલું જ નહીં, પરંતુ તેમની સિદ્ધિઓથી ભારતને ગૌરવ પણ અપાવ્યું છે.
ભાગ્યશ્રીની જીવનકથા પ્રેરણાની દીવાદાંડી સમાન છે, જે માનવ લાગણીની અવિશ્વનીય શક્તિને પ્રદર્શિત કરે છે.
બીબીસી સાથે વાત કરતાં ભાગ્યશ્રીએ કહ્યું હતું, “દરેક મોરચે અસંખ્ય પડકારોનો સામનો કર્યા પછી સફળતા પ્રાપ્ત કરવી તે અવિશ્વસનીય રીતે સંતોષકારક છે અને તેનાથી હું ગૌરવ અનુભવું છું.”
ભાગ્યશ્રી પેરિસ જવા રવાના થયાં એ પહેલાં બીબીસીએ તેમની મુલાકાત લીધી હતી. જોકે, પૅરાલિમ્પિક્સની તૈયારીમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ તેમના જીવનસફરની કેટલીક વાતો જ જણાવી શક્યાં હતાં.
તેમના વિશે વધુ માહિતી મેળવવા અમે તેમના ભાઈ પ્રકાશ કાંબલે સાથે વાત કરી હતી અને તેમણે ભાગ્યશ્રીના સંઘર્ષની અકલ્પનીય સફરની વાતો અમને જણાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાગ્યશ્રીએ કહ્યું હતું, “હું નિરાશામાં હતી ત્યારે પ્રકાશ કાંબલેએ મારો માર્ગ પ્રકાશિત કર્યો હતો અને દરેક પડકારમાં મારી પડખે ઊભા રહ્યા હતા. મારી સફળતા માટે હું તેમની ઋણી છું. તેઓ મારાં માટે ભાઈ સમાન છે.”
કાકા બન્યા પાલક

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના મુખેડ તાલુકાના નાનકડા હોંવડજ ગામમાં ભાગ્યશ્રીનો 1985ની 24 મેના રોજ જન્મ થયો હતો. તેમનાં માતા-પિતા પુષ્પાબાઈ અને માધવરાવ જાધવે ગ્રામીણ મહારાષ્ટ્રમાં વારંવાર દુષ્કાળની કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરવો પડ્યો હતો.
માધવરાવ જાધવની માનસિક સ્થિતિને કારણે ભાગ્યશ્રીના ઉછેરની જવાબદારી તેમના કાકા આનંદરાવ જાધવે લીધી. જાધવ પરિવારમાં ત્રણ પેઢીમાં જન્મેલી પ્રથમ દીકરી હોવાને કારણે ભાગ્યશ્રીને બધા વહાલ કરતા હતા, પરંતુ તેમની પ્રિય ભાગ્યશ્રીએ ભવિષ્યમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે વિશે બહુ ઓછું જાણતા હતા.
ભાગ્યશ્રીએ ગામની શાળામાં પ્રાથમિક અને નજીકની કૉલેજમાં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ 2004માં 19 વર્ષની વયે ભાગ્યશ્રીના લગ્ન કરી નાખવામાં આવ્યાં હતાં. પરિણામે તેમનો અભ્યાસ બંધ થઈ ગયો હતો.
ઝેર, જેણે બધું બદલી નાખ્યું

ઇમેજ સ્રોત, FACEBOOK
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભાગ્યશ્રીના 19 વર્ષની વયે થયેલાં લગ્ન અલ્પજીવી અને મુશ્કેલ સાબિત થયાં હતાં. લગ્નના થોડા દિવસ પછી ભાગ્યશ્રીએ જીવનને બદલાવી નાખે તેવી ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. તેમને ઝેર આપવામાં આવ્યું હતું.
એ ઘટનાને યાદ કરતાં પ્રકાશ કાંબલેએ કહ્યું હતું, “ભાગ્યશ્રીને 2006માં ઝેર આપવામાં આવ્યું હતું અને તેમને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેઓ બે સપ્તાહ સુધી કોમામાં રહ્યાં હતાં. બધાને ડર હતો કે ભાગ્યશ્રી નહીં બચે.”
જોકે, પરિસ્થિતિ સામે કાયમ લડતાં રહેલાં ભાગ્યશ્રી તમામ મુશ્કેલી પાર કરીને કૉમામાંથી બહાર આવ્યાં, પરંતુ એક નવું સંકટ તેમની રાહ જોતું હતું. ઝેરને કારણે તેમના શરીરનો કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. આ વિકલાંગતા સાથે ભાગ્યશ્રી જીવનમાં આગળ કેવી રીતે વધશે એવા વિચાર સાથે પરિવાર ફફડી ઉઠ્યો હતો.
ભાગ્યશ્રી માનતાં હતાં કે તેમને ઝેર આપવાં માટે તેમના સસરા જવાબદાર છે, પરંતુ કાનૂની કાર્યવાહીમાં એ દાવો સાબિત થઈ શક્યો નથી. ગુજરાન ભથ્થું મેળવવા માટેની તેમની અદાલતી લડાઈ ચાલુ છે.
ભાગ્યશ્રીના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. શુભાંગી પાટીલે કહ્યું હતું, “એક ચોક્કસ નસ સંકોચાઈ જવાને કારણે ભાગ્યશ્રી વિકલાંગ થયાં હતા. આવી સમસ્યા ઝેરને કારણે સર્જાઈ શકે છે. એ દુઃખદ છે, પરંતુ તેને પલટાવી શકાય તેમ નથી.”
શ્રેણીબદ્ધ પડકારો
માત્ર 21 વર્ષની વયે ભાગ્યશ્રીએ ગંભીર વિકલાંકતા સાથે જીવન જીવવાની ભયાનક વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પરિવારના મજબૂત ટેકાને કારણે તેમણે હાર સ્વીકારી ન હતી.
શરૂઆતમાં પરિવારના સભ્યો તેમને ઉંચકતા હતા, પરંતુ ભાગ્યશ્રી તેમની સ્વતંત્રતા પાછી મેળવવા કટિબદ્ધ હતાં તેમણે તેમનાં માતા, ભાઈ, કાકા અને કાકીના સહકારથી અહમદપુરમાં ડી.એડમાં પ્રવેશ મેળવ્યો હતો.
જોકે, જિંદગીએ તેમના માર્ગમાં વધુ પડકારો સર્જ્યા હતા. કાકા ભાગ્યશ્રીના આધારસ્તંભ હતા, પરંતુ અચાનક હાર્ટ ઍટેક આવવાને કારણે ભાગ્યશ્રીએ કાકા ગુમાવ્યા હતા. તેનાથી ભાગ્યશ્રીને પારાવાર પીડા થઈ હતી.
તેમ છતાં, તેમણે આગળ વધવાની હિંમત એકઠી કરી હતી. ભાગ્યશ્રીએ પરિવાર માટે બોજ ન બનવાનું નક્કી કરીને ગામ છોડી દીધું હતું અને બી.એ.ની ડિગ્રી મેળવવા નાંદેડની હૉસ્ટેલમાં રહેવાં ચાલ્યાં ગયાંં હતાં.
વધુ પડકારો તેમની હાર જોતા હતા. તેમના નાકમાં એક ગાંઠ વિકસિત થઈ હતી. એ કારણે ભાગ્યશ્રી માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બની ગયું હતું. મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં ઑપરેશન કરવામાં આવ્યું હતું. ભાગ્યશ્રી બચી ગયાં અને તેમણે પ્રગતિ કરવાનું ચાલુ રાખ્યું.
વ્હાલા ભાઈનો આધાર

ઇમેજ સ્રોત, FACEBOOK
આવા જબરજસ્ત પડકારો વચ્ચે ભાગ્યશ્રીએ પોલીસ, વહીવટીતંત્ર અને રાજકારણીઓ પાસેથી મદદ માંગી હતી, પરંતુ તેમણે અસ્વીકાર અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો.
અંધકારભર્યા એ સમયગાળામાં ભાગ્યશ્રીની મુલાકાત પ્રકાશ કાંબળે સાથે થઈ હતી. પ્રકાશ ભાગ્યશ્રીનો સહારો બન્યા હતા અને તેમને બહૂ જ જરૂરી ટેકો આપ્યો હતા. ભાગ્યશ્રીને આખરે આશાનું કિરણ દેખાયું હતું.
ઓપન યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રીનો અભ્યાસ કરતી વખતે ભાગ્યશ્રીએ તેમના રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે ઘરે-ઘરે ફરીને સાડીઓ વેંચી હતી. તેમણે ભાગ્યે જ કોઈની પાસે હાથ લાંબો કર્યો હતો અને પોતાનું આત્મસન્માન તથા ગૌરવ જાળવી રાખ્યું હતું.
પ્રકાશ કાંબલે એક એવા ભાઈ બન્યા, જેમણે ડગલેને પગલે ભાગ્યશ્રીને મદદ કરી. તેઓ જીવનના પડકારોનો સામનો સાથે મળીને કરતા હોવાથી તેમનો સંબંધ મજબૂત બન્યો.
રમતગમત ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ
અનેક મુશ્કેલીઓ હોવા છતાં ભાગ્યશ્રીએ પોતાના પગ પર ઊભા રહેવાના માર્ગો શોધ્યાં. તેમણે તેમના પગની સંભવિત સારવાર માટે ડૉક્ટર્સની સલાહ લેવાનું શરૂ કર્યું. વિવિધ ડૉક્ટર્સે હળવી કસરતની ભલામણ કરી હતી. એ સમયે પ્રકાશ નાંદેડમાં હોમગાર્ડ અધિકારી હતા. તેમણે નાંદેડના હોમગાર્ડ્સ ટ્રેનિંગ ગ્રાઉન્ડમાં જ ભાગ્યશ્રી માટે કસરતની વ્યવસ્થા કરી હતી.
ભાગ્યશ્રીના સમર્પણ અને ઇચ્છાશક્તિએ અન્ય લોકોનું ધ્યાન ખેંચ્યું અને પ્રકાશના કેટલાક મિત્રોએ ભાગ્યશ્રીને કોઈ સ્પોર્ટ્સમાં આગળ વધવાનું સૂચન કર્યું. તેમણે વિવિધ વિકલ્પો વિચાર્યા અને ભાલાફેંક તથા થ્રૉબૉલની રમતમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે 2017ની પૂણેની મૅયર કપ ટુર્નામેન્ટ માટે 2016થી ભાલાફેંક અને થ્રૉબૉલની તૈયારી શરૂ કરી હતી. ભાગ્યશ્રી અસરકારક તાલીમ મેળવી શકે એટલા માટે તેમણે વિશિષ્ટ વ્હીલચૅરની વ્યવસ્થા કરી હતી. એ વ્હીલચૅર પર બેસીને ભાગ્યશ્રીએ લોખંડના ગોળા અને ભાલા ફેંકવાની પ્રૅક્ટિસ શરૂ કરી હતી.
ભાગ્યશ્રીની ફીઝિકલ ફીટનેસ ટ્રેનિંગ પર દેખરેખ રાખવાની જવાબદારી પ્રકાશે તેમના હોમગાર્ડ વિભાગના એક સમર્પિત અધિકારીને સોંપી હતી. ઘણા તાલીમ સત્રો પછી ભાગ્યશ્રીએ નાંદેડના ભાગ્યનગર ખાતેના હોમગાર્ડ્સ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં ભાલાફેંક તથા થ્રૉબૉલમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. પ્રકાશ કાંબલેના અસાધારણ આધારને કારણે ભાગ્યશ્રી નોંધપાત્ર રીતે ઓછા સમયમાં પ્રભાવશાળી તૈયારી કરી શક્યાં હતાં.
ભાગ્યશ્રીએ 2017માં તેમની પ્રથમ સ્પર્ધા, પૂણેમાં મૅયર્સ કપમાં ભાગ લીધો હતો અને થ્રૉબૉલમાં સુવર્ણ ચંદ્રક તથા ભાલાફેંકમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. એ ભાગ્યશ્રીને સ્પોર્ટ્સ ક્ષેત્રની ઝમકદાર કારકિર્દીની શરૂઆત હતી.
સફળતા પાછળનો પરિશ્રમ

ઇમેજ સ્રોત, ANI
સફળતા મળ્યાને પગલે ભાગ્યશ્રીએ વધુ સ્પર્ધાઓમાં ભાગ લીધો. 2018માં કોલ્હાપુરમાં રાજ્ય કક્ષાની ચૅમ્પિયનશિપમાં તેમણે થ્રૉબૉલમાં વધુ એક સુવર્ણ ચંદ્રક અને પંચકુલા, ચંદીગઢમાં રાષ્ટ્રીય સ્તરે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ભાગ્યશ્રીએ આ બધું કોઈ વ્યાવસાયિક કોચિંગ અને સુવિધા વિના પ્રાપ્ત કર્યું હતું.
પોતાનાં સપનાં સાકાર કરવા માટે ભાગ્યશ્રીએ આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. જોકે, નાણાકીય અવરોધોને કારણે તે મુશ્કેલ બન્યું હતું. તેઓ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવાં ઇચ્છતાં હતાં, પરંતુ વ્યાવસાયિક તાલીમ માટે પૈસાની જરૂર હતી.
ભાગ્યશ્રીને 2019માં ચીનની પૅરા ઓપન ચૅમ્પિયનશિપ માટે પસંદ કરવામાં આવ્યાં ત્યારે તેના ખર્ચને પહોંચી વળવા માટે માતાની દોરવણી હેઠળ તેમના પરિવારે ઘરેણાં વેંચી નાખ્યાં હતાં. ભાગ્યશ્રીએ તેમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને પરિવારના બલિદાનનું સાટું વાળ્યું હતું.
ચીનમાં મળેલી સફળતા ભાગ્યશ્રીની કારકિર્દીમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ હતી. પછી તેમણે એશિયન ચૅમ્પિયનશિપ અને પૅરાલિમ્પિક્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ માર્ગ આસાન ન હતો.
2019ના કોવિડ રોગચાળાને કારણે ભાગ્યશ્રીએ નાંદેડ પાછા ફરવું પડ્યું, પણ માતાના ટેકાથી ભાગ્યશ્રીએ પ્રૅક્ટિસ ચાલુ રાખી હતી. માતાએ ભાગ્યશ્રીને શક્ય તેટલી તમામ મદદ કરી હતી.
માતાના સતત ટેકા સાથે ભાગ્યશ્રીએ તાલીમ લેવાનું ચાલું રાખ્યું હતું.
ભાગ્યશ્રીને પ્રૅક્ટિસ માટે એક જગ્યાએ સજ્જડ ખોડાયેલી રહે તેવી મજબૂત ખુરશીની જરૂર હતી. દરેક ટ્રેનિંગ સેશન પહેલાં માતા પુષ્પાબાઈ ખુરશીને ખીલા મારીને ખોડી દેતાં હતાં અને ભાગ્યશ્રી લોખંડનો ગોળો જેટલી વાર ફેંકે એટલી વાર પુષ્પાબાઈ તે વજનદાર ગોળો ભાગ્યશ્રીને લાવી આપતાં હતાં.
આ નિત્યક્રમ ચાલતો રહ્યો. પુષ્પાબાઈ દરરોજ હાજર રહેતાં હતાં. તેમણે દીકરીના સપનાને ટેકો આપવા તેમનાથી શક્ય હોય તે બધું કર્યું અને પ્રત્યેક પગલે ભાગ્યશ્રીના પાછળ ખડકની જેમ ઊભાં રહ્યાં.
2020માં પ્રૅક્ટિસ દરમિયાન ભાગ્યશ્રીને હાથ પર ઈજા થઈ હતી. ડૉક્ટરોએ ભાગ્યશ્રીને આગળ નહીં વધવાની સલાહ આપી હતી, પરંતુ ભાગ્યશ્રીએ હાર માની નહીં. નિરાશ થયા વિના ભાગ્યશ્રીએ સારવાર દરમિયાન પણ પ્રૅક્ટિસ ચાલું રાખી હતી.
તેમનાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. શુભાંગી પાટીલે કહ્યું હતું, “ભાગ્યશ્રી અતિ જીદ્દી અને દૃઢનિશ્ચયી છે. તે એકવાર કશું કરવાનું નક્કી કરે પછી તેને આગળ વધતાં કોઈ અટકાવી શકતું નથી.”
ચંદ્રકો અને સીમાચિહ્નો
ભાગ્યશ્રીના નિશ્ચયે તેમને સતત સફળતા અપાવી છે.
દુબઈમાં જુલાઈ, 2023માં ફાઝા કપમાં તેમણે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો, ટૉક્યો પૅરાલિમ્પિક્સમાં ભાગ લીધો હતો અને ચીનમાં 2023ની એશિયા પૅરા ગેઇમ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.
જુલાઈ, 2023માં પેરિસ પૅરાલિમ્પિક્સમાં તેમણે ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને પેરિસ પૅરાલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ થયાં હતાં.
ભાગ્યશ્રી છેલ્લાં સાત વર્ષમાં એક નવાસવા ખેલાડીમાંથી પ્રખ્યાત ઍથ્લીટ બન્યાં છે. તેમણે સંખ્યાબંધ સ્પર્ધાઓ જીતી છે અને મહારાષ્ટ્ર તથા ભારતને ગૌરવ અપાવ્યું છે.
તેમને મહારાષ્ટ્ર સરકારના વર્ષ 2021-22ના પ્રતિષ્ઠિત શિવ છત્રપતિ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સ્પોર્ટ્સનું કોઈ બૅકગ્રાઉન્ડ ન ધરાવતી કે તાલીમ ન પામેલી મહિલા તરીકે 2016માં રમતગમત ક્ષેત્રે પગરણ માંડ્યાં ત્યારથી માંડીને માત્ર સાત વર્ષમાં બે વખત પૅરાલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાં સુધીની ભાગ્યશ્રીની સફર ચમત્કારથી જરાય ઓછી નથી.
ભાગ્યશ્રી પેરિસ પૅરાલિમ્પિક્સ માટે તૈયારી કરી રહ્યાં છે ત્યારે તેમની સંઘર્ષ કથા નિર્ધાર, દ્રઢનિશ્ચય અને માનવ ભાવનાની શક્તિની સાખ પુરે છે.
ભાગ્યશ્રી લોખંડનો ગોળો ફેંકવા વ્હીલચૅર પર પોતાનું સ્થાન લેશે ત્યારે 140 કરોડ ભારતીયોની આશાઓ તથા શુભેચ્છાઓ ભાગ્યશ્રીની સાથે હશે, તેમને મહાન બનવા પ્રેરિત કરશે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












