ગુજરાતનાં ભાવિના પટેલ, સોનલ પટેલ અને ભાવના ચૌધરી કરશે પેરિસ પૅરાલિમ્પિકસમાં ભારતનું પ્રતિનિધિત્વ

ભાવિના પટેલ, સોનલ પટેલ અને ભાવના ચૌધરી પેરિસ પૅરાલિમ્પિકમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં ભાવિના પટેલ, સોનલ પટેલ અને ભાવના ચૌધરી પેરિસ પૅરાલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ફ્રાન્સનાં પાટનગર પેરિસમાં ઑલિમ્પિકના શાનદાર અંત પછી ઑગસ્ટ 28, 2024ના રોજ પૅરાલિમ્પિકની શરૂઆત થશે.

આંતરરાષ્ટ્રીય પૅરાલિમ્પિક સમિતિને વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, 28 ઑગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ચાલનારા પૅરાલિમ્પિકમાં 22 અલગ-અલગ રમતોમાં લગભગ ચાર હજાર 400 ખેલાડીઓ ભાગ લેશે.

પેરિસ પૅરાલિમ્પિક માટે ભારતે અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ મોકલ્યું છે, જેમાં 84 ખેલાડીઓ સામેલ છે.

ગુજરાત પૅરાલિમ્પિક સ્પોર્ટ્સના કોર્ડિનેટર ગૌરવ પરીખે બીબીસી ગુજરાતીને આપેલી માહિતી પ્રમાણે ભારતીય ખેલાડીઓ પૅરાઍથ્લેટિક્સ, પૅરા ટેબલ ટૅનિસ, પૅરા પાવર લિફ્ટિંગ, પૅરા આર્ચરી, પૅરા શૂટિંગ, પૅરા બૅડમિન્ટન, પૅરા સાઇકલિંગ અને બ્લાઇન્ડ જુડો જેવી અલગ-અલગ રમતોમાં ભાગ લેશે.

ભારતે પૅરાલિમ્પિકના ઇતિહાસમાં કુલ 31 મેડલો જીત્યા છે, જેમાંથી સૌથી વધારે 19 મેડલ 2021માં રમાયેલા ટોક્યો પૅરાલિમ્પિકમાં જીત્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી પણ ત્રણ ખેલાડીઓ પેરિસ પૅરાલિમ્પિક 2024માં ભાગ લેશે.

ટોક્યો પૅરાલિમ્પિકમાં ટેબલ ટૅનિસમાં સિલ્વર મેડલ જીતનારાં ગુજરાતનાં ભાવિના પટેલ ઉપરાંત સોનલ પટેલ અને ભાવના ચૌધરી પેરિસ પૅરાલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ગુજરાત પૅરાલિમ્પિક સ્પોર્ટ્સના કોર્ડિનેટર ગૌરવ પરીખે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "ગુજરાત તરફથી ભાવિના પટેલ અને સોનલ પટેલ ટેબલ ટૅનિસની સ્પર્ધામાં ભાગ લેશે જ્યારે ભાવના ચૌધરી ભાલાફેંક (એફ-46 કેટેગરી) સ્પર્ધામાં ભાગ લેશે."

ગૌરવે જાણકારી આપી કે લૉન્ગ જમ્પમાં સી આર નિમિષા અને સો મીટર દોડમાં રાકેશ ભટ્ટની પસંદગી થઈ નથી. કારણ કે, જે તે સ્પર્ધા માટે ટૉપ સાત ખેલાડીઓની જ પસંદગી કરવામાં આવી હતી જ્યારે આ બંને ખેલાડીઓ પોતાના ક્ષેત્રમાં ટોપ સાત રૅન્કમાં હાલમાં સામેલ નથી.

આ અહેવાલમાં આપણે આ ખેલાડીઓની પૅરાલિમ્પિકની સફર વિશે જાણીશું.

ભાવિના પટેલ

ભાવિના પટેલે બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં પૅરા ટેબલ ટૅનિસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાવિના પટેલે બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં પૅરા ટેબલ ટૅનિસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટોક્યો પૅરાલિમ્પિકમાં ટેબલ ટૅનિસમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ મહેસાણા જિલ્લાનાં વતની છે અને હાલમાં અમદાવાદમાં રહે છે.

તેમણે 2022માં બ્રિટેનમાં થયેલા કૉમનવેલ્થ ગેમ્સમાં પૅરા ટેબલ ટૅનિસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

ભાવિના પેરિસ પૅરાલિમ્પિકમાં ટેબલ ટૅનિસ (ક્લાસ 4)ની સ્પર્ધામાં ભાગ લેશે.

ભાવિના એક વર્ષનાં હતાં ત્યારે તેમને લકવો થઈ ગયો હતો. ઘણા વખત સુધી તેમને એવું જ લાગ્યા કરતું હતું કે જીવન શૂન્ય થઈ ગયું છે.

ભાવિનાએ 2022માં બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "જીવન જ દુષ્કર થઈ ગયું હોય એવું મેં અનુભવ્યું હતું. જેમ કે, શાળાએ જવાનું હોય તો મમ્મીપપ્પાએ મને ઊંચકીને લઈ જવી પડતી હતી. આવા સંજોગો વચ્ચે મેં બારમા ધોરણ સુધીનો અભ્યાસ મારા ગામ સૂંઢિયામાં જ કર્યો હતો."

"એ પછી કૉલેજનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં અમદાવાદમાં કર્યો હતો. 2004-2005માં આઈટીઆઈનો કોર્સ કરવા અમદાવાદમાં આવેલા અંધજનમંડળમાં હું ગઈ હતી. ત્યાં ગયા પછી જ મારા જીવનમાં મહત્ત્વનો વળાંક આવ્યો હતો."

તેમણે ઉમેર્યું હતું, "અંધજનમંડળમાં મેં મારા જેવાં લોકોને ટેબલ ટેનિસ રમતાં જોયાં. એ અગાઉ મને ખબર જ નહોતી કે ટેબલ ટેનિસ નામની કોઈ રમત પણ છે."

"એ વખતે મને એવું થયું કે મારે પણ ટાઇમપાસ માટે આવું કંઈક કરવું જોઈએ. એ વખતે ત્યાં સુપરિન્ટેન્ડેન્ટ તેજલ લાખિયાએ મને પ્રોત્સાહિત કરી કે તું સરસ રીતે રમી શકીશ. મેં ટાઇમપાસ માટે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યુ હતું."

"એ વખતે મારા જીવનમાં કોઈ ગોલ નહોતો. મેં શરૂ કર્યું ત્યારે મને એ ફાવતું નહોતું, પણ મારી શીખવાની લગન એવી હતી કે મેં ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યા પછી ભાગ્યે જ કોઈ એવો દિવસ ગયો હશે કે હું એ ન રમી હોઉં. એ પછી મારા પર ભૂત સવાર થયું કે એક દિવસ ભોજન ન મળે તો ચાલે પણ ટેબલ ટેનિસ રમવા ન મળે તો એમ થાય કે જીવનમાં કંઈક ખૂટે છે."

ભાવિના આંતરરષ્ટ્રીય કક્ષાએ લગભગ 22થી વધારે મેડલ મેળવ્યા છે અને પેરિસ પૅરાલિમ્પિકમાં પણ લોકોને તેમની પાસેથી મેડલની આશા છે.

ભાવિના પટેલને 2021માં અર્જુન ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

સોનલ પટેલ

સોનલ પટેલે 2022માં બર્મિંઘમ ખાતે રમાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટૅનિસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનલ પટેલે 2022માં બર્મિંઘમ ખાતે રમાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટૅનિસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

સોનલ પટેલ મૂળ વિરમગામનાં વતની છે, પરંતુ ઘણાં વર્ષોથી અમદાવાદમાં જ રહે છે.

સોનલ પટેલ પણ પેરિસ પૅરાલિમ્પિકની ટેબલ ટૅનિસ (ક્લાસ 3)ની સ્પર્ધામાં ભાગ લેશે. તેમણે ટોક્યો ઑલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો.

ગૌરવ પરીખે આપેલી માહિતી પ્રમાણે, સોનલ પટેલ પણ પોલિયોગ્રસ્ત છે અને તેમને વ્હીલચેરની મદદ લેવી પડે છે.

તેમણે 2022માં બર્મિંઘમ ખાતે રમાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટૅનિસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેમણે 2018માં એશિયન ગેમ્સમાં સિલ્ડર મેડલ પણ જીત્યો હતો.

અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે, ભાવિના પટેલની જેમ જ સોનલે પણ ટેબલ ટૅનિસની શરૂઆત અમદાવાદ ખાતે આવેલા અંધજનમંડળનાં આઈટીઆઈથી કરી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, સોનલની તેમના પતિ રમેશ ચૌધરી સાથે મુલાકાત 2011માં ટેબલ ટૅનિસ કોર્ટ પર થઈ હતી. તેમણે આઈટીઆઈમાં સોનલ પાસેથી ત્રણ વર્ષ સુધી ટેબલ ટૅનિસની તાલીમ લીધી હતી.

2017-18માં સોનલ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેબલ ટૅનિસ રમવા માટે ભારત અને ભારતની બહાર સતત પ્રવાસો કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમના પતિ રાકેશ ચૌધરીએ ટેબલ ટૅનિસ છોડીને પ્રાઇવેટ નોકરી કરીને સોનલની મદદ કરી.

જોકે, સોનલને સરકારી નોકરી મળ્યાં બાદ સોનલે તેમના પતિને નોકરી છોડીને ફરીથી ટેબલ ટૅનિસ પર ધ્યાન આપવાની વાત કરી.

ત્યારબાદ બંનેએ પૅરા ટેબલ ટૅનિસના મિક્સડ ડબલ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. બંને અત્યાર સુધી ત્રણ મેડલો પણ જીતી ચુક્યા છે.

પૅરાલિમ્પિકઇન્ડિયાની વેબસાઇટ સાથે 2023ની વાતચીતમાં સોનલે કહ્યું હતું, "મેં અત્યાર સુધી 29 દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મારી પાસે હાલ સુધીમાં 23 આંતરરાષ્ટ્રીય મેડલો છે."

ભાવના ચૌધરી

ભાવના ચૌધરી 2021, 2022 અને 2024માં નૅશનલ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહ્યાં છે

ઇમેજ સ્રોત, Gaurav Parikh

ઇમેજ કૅપ્શન, ભાવના ચૌધરી 2021, 2022 અને 2024માં નૅશનલ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહ્યાં છે

ભાવના ચૌધરી મૂળ બનાસકાંઠા જીલ્લાનાં લાખણી તાલુકાનાં ધાણા ગામનાં વતની છે. તેઓ પ્રથમ વખત પૅરા ઍથ્લેટિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ પૅરાલિમ્પિકમાં કરશે.

ભાવના પેરિસ પૅરાલિમ્પિકમાં ભાલાફેંક (એફ-46 કેટેગરી) સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ગૌરવ પરીખે આપેલી માહિતી પ્રમાણે, ભાવના છેલ્લાં બે વર્ષથી ગાંધીનગર ખાતે આવેલા સ્પોર્ટ્સ ઑથિરીટી ઑફ ઇન્ડિયાના (એસએઆઈ) સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરમાં છેલ્લાં બે વર્ષથી ભાલાફેંકની તાલીમ લઈ રહ્યાં છે. તેમના હાથમાં તકલીફ છે.

ભાવના ચૌધરીએ 2022માં ચીનમાં યોજાયેલી એશિયન પૅરા ગેમ્સમાં પણ ભાલાફેંક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેઓ ચોથા સ્થાને રહ્યાં હતાં. આ ઉપરાંત તેમણે 2021માં સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય નોટવિલ વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિમાં પણ ભાલાફેંકમાં ભાગ લીધો હતો અને ત્રીજા સ્થાને રહ્યાં હતાં.

તેઓ 2021, 2022 અને 2024માં નૅશનલ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહ્યાં છે.

ગૌરવ પરીખે આપેલી માહિતી પ્રમાણે, ભાવના ચૌધરી હાલમાં ભાલાફેંકના જાણીતા કોચ સુનિલ તનવર પાસેથી તાલીમ લઈ રહ્યાં છે.

તેમણે કહ્યું, "અહીં ઉલ્લેખનીય છે કે સુનીલ તનવર ભાલાફેંકમાં ત્રણ વખત પૅરાઑલિમ્પિક મેડલ જીતનાર દેવેન્દ્ર ઝાંઝરીયાના પણ કોચ રહ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.